પાણી બચાવો
પાણી બચાવો
રાત્રે ૯ વાગ્યાનો સમય હતો, શિયાળાની કડકડતી ઠંડીમાં બે મિત્રો શેરી આગળ તાપણું સળગાવી બેસીને ગપાટા મારી રહ્યા હતા. થોડી વાર બાદ મૌન થઈ બેઠા અને આજુબાજુ નજર નાખી રહ્યા હતા કે કાશ કોઈ સમય પસાર કરવા મળી જાય. એટલામાં નગર સેવક ત્યાંથી નીકળ્યા જે તાજેતરમાં પાણી બચાવોની ઝુંબેશ ચલાવી રહ્યા હતા. તેમને જોઈ બંને મિત્રોએ એકબીજાને સાનમાં સમજાવી દીધા કે સમય પસાર કરવા શ્રેષ્ઠ પાત્ર છે. અને એક મિત્રએ બોલાવ્યા -
'એ આવો કાંતિભાઈ થોડી વાર તો બેસો અમારા ગરીબો પાસે.' કાંતિભાઈ આવે છે.
પ્રથમ મિત્ર - 'કાંતિભાઈ કેવી ચાલે છે તમારી પાણી બચાવો ઝુંબેશ ? લોકો સમજ્યા કે નહીં ?' (બંને હસે છે.)
કાંતિભાઈ - 'ભાઈઓ આજે નહિ તો કાલે બધા સમજશે કે પાણી બચાવું માત્ર જરૂરી નહિ અનિવાર્ય છે.'
બીજો મિત્ર - 'કાંતિભાઈ મને એ નથી સમજાતું કે તમે કહો છો કે પાણી બચાવો, પરંતુ સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી પાણી વાપરવું પડે છે, ભલે પછી એ પીવા હોય, ખોરાક બનાવવા હોય કે શરીર સ્વચ્છતા હોય કે વાસણ કે અન્ય ઘર સફાઈ કામ હોય બધે પાણી તો જોઈએ જ તો તમે આમાંથી શું બંધ કરાવવા માંગો છો ? પીવાનું કે પછી...ધોવાનું ...હા હા હા.'(બંને મિત્રો જોરજોરથી હસે છે અને એવુ સમજે છે કે એમને કાંતિભાઈની હાંસી ઉડાવી )
કાંતિભાઈ - 'મિત્રો ઉપયોગ બંધ નથી કરવાનો એનો સદઉપયોગ કરવાની વાત છે, પાણીનો ઉપયોગ જરૂરી છે અને વાપરવો આપણો હક પણ છે, પરંતુ દુરુપયોગ કેટલો યોગ્ય ?'
પ્રથમ મિત્ર - 'ઉપયોગ તો ઉપયોગ છે વળી, એમાં દરેકની પદ્ધતિ અલગ હોય પણ છે તો વપરાશ જ ને ? તમને ગમે એવો કોઈ ઉપયોગ કરે તો સદઉપયોગ અને ના ગમે એવો ઉપયોગ કરે તો દુરુપયોગ ? ખરું લાવ્યા તમેય.' (ફરી બંને હસે છે..)
કાંતિભાઈ - 'સવારે વહેલા પાણી આવે નળ લીક થતા હોય છતાં દરકાર ના લેવી શું એ સદઉપયોગ છે ?'
ટાંકી ભરવા મોટર ચાલુ કરી ટાંકી ઉભરાય નહિ ત્યાં સુધી એની દરકાર ના લેવી શું એ સદઉપયોગ છે ? કપડા ધોઈ કે ઘરમાં પોતું ફેરવી એનું પાણી રોડ ઉપર નાખવું શું એ સદઉપયોગ છે ? પાઇપ લઈ ખુલ્લેઆમ પોતાના વાહનો ધોવા જેનો રેલો ક્યાંય સુધી પહોંચે શું એ સદઉપયોગ છે ? નળ બેદરકારીમાં ખુલ્લા છોડવા અને બીજા દિવસ તે નળનું પાણી એક મહોલ્લાથી બીજા મહોલ્લા સુધી એક ગલીથી બીજી ગલી પહોંચે શું સદઉપયોગ છે ? પાણી વાપરી તેને જેમતેમ ઢોળવાને તમારો હક અને અધિકાર સમજી કરવેરા વસુલ કરવાની નીતિ રાખી અન્યને નુકશાન પહોંચાડવું શું એ સદઉપયોગ છે ?'
(બંને મિત્રોની નજર કાંતિભાઈ પર કેન્દ્રિત થઈ ગઈ અને મન વિચારવા લાગ્યું)
કાંતિભાઈ - 'ભાઈઓ આ ઢોળેલ પાણી ચોતરફ પ્રસરી કેટલા લોકોને નુકશાન કરે છે એનો અંદાઝ છે તમને ? આ પાણી કાદવ કિચડ ઉભું કરી કમળા ટાઇફોઇડ કે મેલેરિયા જેવા કેટલા જીવલેણ રોગોને જન્મ આપે છે એનો અહેસાસ છે ? જ્યાં પાણીનો દુષ્કાળ છે ત્યાં પાણી ના મળવાથી લોકો કેવા ટળવળે છે શું એનો અનુભવ છે કોઈને ?'
(હજી બંને મિત્રો મૌન હતા.)
કાંતિભાઈ - 'ભાઈ પાણીનો સદઉપયોગ કરી એને બચાવી લઈએ અને આ પેઢી તથા આવનારી પેઢીને ઉપયોગી થઈએ શું એ આપણી ફરજ નથી ?'
બંને મિત્રો - (એક સાથે ) 'વડીલ આપે આજ અમારી આંખો ખોલી છે, કાલથી અમો પણ આપની આ મોહિમના ભાગીદાર છીએ અને પાણી બચાવો એ અભિયાનને સાર્થક કરવા તમારા સાથે છીએ.
(કાંતિભાઈ હસતા મુખે જાય છે અને બંને મિત્રો ગહન વિચારોમાં ખોવાઈ એમને જોતા રહે છે.)
