Chirag Padhya

Drama Tragedy Inspirational

4.5  

Chirag Padhya

Drama Tragedy Inspirational

કોરોનાનો કહેર

કોરોનાનો કહેર

6 mins
274


  ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હતાં એટલે આજે તો ઘણા સમયે રોડ રસ્તા સાફ કરી તમામ કચરા ટોપલીઓ સાફ કરી આખા ગામનો કચરો ગામની પાદરે ઠલવાયો હતો. કચરામાં અલગ અલગ ખૂણામાં ત્રણ ચીંથરે હાલ થયેલા માસ્ક પણ હતાં. માસ્ક ધીરે ધીરે એકબીજાની નજીક આવ્યા. એક કપડાના ચૂંથાયેલા માસ્કે કહ્યું, ક્યાંથી છો તમે અને મારા જેવા જ હોવા છતાં મારા કરતાં કેમ અલગ લાગો છો ? એક માસ્ક બોલ્યુંં હું એન 95 માસ્કના નામે ઓળખાઉં છું અને બીજું માસ્ક બોલ્યુંં હું મેડિકલ માસ્ક છું એક જ વખત વપરાઉ છું અને તું ? કપડાના માસ્કે કહ્યું હું સાવ સસ્તું કપડાંનું માસ્ક છું.

  ત્રણે માસ્ક એક બીજાને જોઈ આનંદમાં આવી ગયા. એન 95 માસ્ક બોલ્યુંં ભલું થાય આ કોરોનાનું કે એ બહાને આપણે મળ્યા તો ખરા ! આવો, આપણે સુખ દુઃખની વાતો કરીએ અને પોતપોતાના જીવન વિશે થોડું જણાવીએ. સૌથી પહેલા હું જ મારા જીવન વિશે જણાવીશ. હું મોંઘુ માસ્ક છું મને એક ડોક્ટરે ખરીદેલ હતું અને એના સાથે હું ચાર માસ રહ્યું, આ ચાર માસમાં મેં ઘણા દર્દીના જીવનના ઉતાર ચઢાવ જોયા, મોટા ભાગના દર્દીના કોરોનાના કેસ પોઝિટિવ આવતા એમના જીવનને મેં નજીકથી જોયું છે, એમના કુટુંબીઓને ડોકટર આગળ રોતા પ્રાર્થના કરતા એ સાંભળી આંતરડી કકળી જતી મારી.અને મોટા ભાગના દર્દીઓ ખૂબ ગભરાઈ જતા અને તમને જાણીને નવાઈ લાગશે કે મૃત્યુ પામેલ દર્દીમાંથી મોટા ભાગના ગભરામણમાં હૃદયરોગથી અને બ્લડ પ્રેશરથી મૃત્યુ પામ્યા હતાં, કોરોનાથી નહીં.

   કપડાંનું માસ્ક બોલ્યુંં, ઓહ, ખૂબ દુઃખદ. એક વાત પૂછું ? હું જે માલિક પાસે હતો એના મોઢે એવું સાંભળેલું કે આ પરિસ્થિતિમાં ડોકટર માનવતા નેવે મૂકી બધા દર્દીઓને લૂંટે છે, શું એ સાચી વાત છે ?

એન 95 માસ્ક કહે, હું જે ડોકટર પાસે રહ્યો એને ચાર માસ માત્ર સેવા જ કરી છે અને મોટા ભાગના મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ સેવા જ કરતા હતાં પરંતુ બધે અપવાદ હોય છે એમ એ ક્ષેત્રમાં પણ અપવાદ જોવા મળ્યા હતાં જે અમુક પરિસ્થિતિમાં કમાણી જ કરતા હતાં. પણ હું જે ડોકટર પાસે હતું એને પોતાનાથી થતી સેવા કરી બાદ એ પોતે કોરોનામાં સપડાયો અને ત્યારે એમની સેવા કરવાવાળું કોઈ ન હતું અને છેવટે એમને આ દુનિયા છોડી દીધી પછી ભારે દુઃખ વેઠી મારો ત્યાગ થયો અને હું કચરાપેટી થકી અહીં આવ્યું છું. આમ કોરોના કહેરથી અસરગ્રસ્ત લોકોની યાતના મેં બહુ જ નજીકથી જોઈ છે.

   મેડિકલ માસ્ક બોલ્યું, મારું જીવન તો ખૂબ ટૂંકું હતું, કારણ હું યુઝ એન્ડ થ્રો સ્કીમ હેઠળ તૈયાર થયેલ અને ઘણા મિત્રો સાથે એક સામાજિક કાર્યકર પાસે પહોંચેલા. રોજ નવા વિસ્તારોની સામાજિક કાર્યકર સાથે મુલાકાત કરી અને જાણ્યું કે લોકોની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. અમૂકના તો બે ટંક ખાવાના પણ ફાંફા પડી ગયા હતાં. ઘરેણાં, વાસણો, ઘરની કિંમતી વસ્તુઓ વેચી ઘર ચલાવતા હતાં એવું લોકોના મુખે સાંભળેલું. ત્યારબાદ સામાજિક કાર્યકરે અમને પોલીસ તંત્રને સોંપી દીધા જે માસ્ક વગરના હોય એમના પાસે અમને મોકલવા. ચાર પાંચની પોલીસ ટિમ હતી એમના સાથે અઠવાડિયું રહેવાનો મોકો મળ્યો એમા ત્રણ પોલીસવાળા સારા હતાં જે પ્રજાને માસ્કનું, સોશ્યલ ડિસ્ટનસનું મહત્વ સમજાવતા અને માસ્કના હોય એને માસ્ક આપતા પણ એક પોલીસવાળો એવો હતો જે પ્રજા ઉપર જુલમ કરતો, નિર્દોષને દંડ કરતો અને કારણ વગર ડંડા પણ મારતો. મારુ નસીબ ખરાબ કે હું એના ભાગે જ આવેલ. રોજ પરિસ્થિતિ અને સંજોગોથી હારેલા માણસ ઉતાવળમાં વાહન લઈ દોડતા એની સાથે રહી જોતો. કોઈકના સગા વ્હાલા બીમાર હોય તો કોઈ ઉતાવળમાં વસ્તુ લેવા દોડતો હોય વળી ક્યાંક લટાર મારવાવાળા પણ જોવા મળતા. લગભગ તો બધે દુઃખ જ દુઃખ દેખાણું મને અને મને તો એને પાકિટમાં મૂકી રાખ્યું અને અંતે એની પત્ની કોરોનામાં સપડાઈ, એ રજા ઉપર ઉતરી ગયો અને મને રસ્તામાં નાંખતો ગયો. કોઈના ઉપયોગમાં તો હું આવ્યું નહીં અને રસ્તે રઝળતું રખડતું અહીં આવ્યું છું. કોરોનાનો કહેરથી સર્જાયેલ પરિસ્થિતિઓનો હું મુકસાક્ષી બન્યો છું.

  કપડાનું માસ્ક બોલ્યુંં મારી કહાની તો બહુ જ લાંબી અને દુઃખદાયક છે. આમ તો હું કાપડના વેપારીના ત્યાં સૌથી છેલ્લે એક તાકાનો એક ભાગ હતું. રોજ સ્વપ્ન જોતું કે કોઈ આવશે મને લઈ જશે અને કોઈકના શરીરની હું શોભા બનીશ પણ જૂનું હોવાના કારણે પાંચ વર્ષથી વેચાયા વગર હું એક જ જગ્યા એ પડ્યું રહ્યું હતું. કોરોના આવતા જ મારો સમય આવ્યો અને મારો આખો તાકો વેચાયો ને હું બની ગયું એક માસ્ક.

  માસ્ક બની માત્ર વીસ રૂપિયાના ભાવે અમે બધા મિત્રો વેચાયા અને મને ખરીદીને લઈ ગયો એક ગંજબજારના મજૂર. એમના ઘરે આવ્યા પછી જ મેં જોયું, અનુભવ્યું કે જિંદગી આટલી કઠણ પણ હોય છે. મજૂર શાંતિભાઈ એમની પત્ની, વૃદ્ધ મા, ત્રણ દીકરી જેમાંથી એક દીકરી પરિણીત હતી અને બે દીકરી કુંવારી અને બે નાના દીકરા સહિતનો તેમનો મોટો પરિવાર હતો. લોકડાઉન પહેલા કમાતા અને કરકસરથી જીવતો આ પરિવાર લોકડાઉન દરમિયાન ખૂબ પરેશાન હતો એ સમય દરમિયાન હું તેમના ઘરે ગયેલ. લોકડાઉન હતું ત્યારે પણ રોજ સવારે શાંતિભાઈ સવારે વહેલા નીકળી જતા અને રાત સુધી મજૂરી માટે ફાંફા મારતા, હું તેમના સાથે જ રહેતો પણ મોટા ભાગના દિવસો ખાલી હાથે ઘરે આવતા. પરિવાર હંમેશા વ્યથિત રહેતો. શું ખાવું અને શું ખવરાવવું એ રોજની શાંતિભાઈની સમસ્યા બની ચૂકી હતી. ઘણા લોકો બહારથી અનાજની કીટ અને અન્ય મદદ માટે પૂછતાં પણ સાથે એ લોકો ફોટા પાડી વાયરલ કરશે અને દીકરીના સાસરિયા સમાજ જોઈ શું વિચારશે એ ભયથી એ પણ સ્વીકારી ના હતાં. સમય દિવસે દિવસે કપરો થવા લાગ્યો. દેવું થવા લાગ્યું પછી તો શાંતિભાઈ વ્યથિત થઈ મજૂરી માટે એક ગામથી બીજે ગામ પણ અપ-ડાઉન કરવા લાગ્યા છતા પણ પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુને વધુ બગડતી જ ગઈ. હવે શાંતિભાઈના પત્નીએ સહાયક થવા ઘરે સિલાઈકામ, રસોઈકામ અને છૂટક મજૂરી શરૂ કરી. પરંતુ હજી તો વધુ ખરાબ સમય જોવાનો બાકી હતો, શાંતિભાઈના પત્ની અચાનક બીમાર પડ્યા અને એમનો રિપોર્ટ કઢાવતા એમને કોરોના પોઝિટિવ આવ્યો અને એ પણ દવાખાને દાખલ થવું પડે એ પરિસ્થિતિ. શાંતિભાઈના માથે આભ તૂટી પડ્યું ઘરના ઘરેણાં, કિંમતી વસ્તુઓ વેચી દવાખાને ટ્રીટમેન્ટ ચાલુ થઈ. શાંતિભાઈને એક બાજુ કમાવવાની ચિંતા તો બીજી બાજુ દવાખાને દોડધામની ચિંતા. આ દિવસ ખૂબ કપરા જતા હતાં, રાત્રે ઘણી વખત એકાંતમાં શાંતિભાઈના ડૂસકા સંભળાતા હતાં. માંડ આ વાતને અઠવાડિયું પણ થયું ન હતું ને બીજી એક મુસીબત આવી ચઢી. શાંતિભાઈના માતાશ્રીની પણ તબિયત અચાનક લથડી. શાંતિભાઈ આ સંજોગનો પણ સામનો કરવા કટિબદ્ધ થયા અને વૃદ્ધ માતાને સારવાર અર્થે દાખલ કરવા પડ્યા. પણ કોરોનાનો કહેર વૃદ્ધ માતા સહન ના કરી શક્યા અને બે દિવસ કોરોના સામે ઝઝૂમતા ઝઝૂમતા મૃત્યુ પામ્યા. શાંતિભાઈના દુઃખનો પાર ના રહ્યો. એક બાજુ આવકની તકલીફ, એક બાજુ પત્ની દવાખાને આઈ.સી.યુ.માં અને એક બાજુ માતાજીનું અકાળે અવસાન, શાંતિભાઈ ભાગી પડ્યા હતાં અને વિચારતા હતાં કે હજી આ કોરોના કેવા દિવસો બતાવશે ! 

  ધીરે ધીરે શાંતિભાઈના પત્ની સાજા થઈ ઘરે આવ્યા છતાં દવાઓનો કોર્સ ચાલુ જ હતો બીજી બાજુ વૃદ્ધ માતાની અવસાન પાછળની વિધિ ચાલુ હતી. હવે તો નાની ઉંમરની દીકરીઓ પડોશના ઘરે ઘરકામ કરી ગુજરાન ચલાવવા મદદરૂપ થવા લાગી. ધીરે ધીરે આ કુટુંબ સમયના સામે ના ટકી શકતા ઘર વેચી પોતાના ગામ તરફ ચાલ્યું ગયું અને મને ત્યાં જ છોડી ગયું અને હું જાણે કુટુંબનો એક સભ્ય હોઉં એમ દુઃખી થઈ એકલો પડી ગયો અને ત્યાંથી ટૂંક જ સમયમાં અહીં પહોંચ્યો. આમ કોરોનાના કહેરમાં આ ઘરે ત્રણ મહિના જે રીતે કાઢ્યા હતાં એ જોઈ મને જ ત્રણ જનમ જેવા લાગ્યા તો એમને તો આ સમય શી રીતે પસાર કર્યો હશે ! આ તો એક કુટુંબ હતું, ના જાણે આ કોરોના એ કેટલાય ઘર આર્થિક, સામાજિક અને શારીરિક રીતે બરબાદ કરી નાંખ્યા હશે !

  આ ત્રણે માસ્કની વાત પૂર્ણ થતાં ત્રણેને અચાનક આકાશમાંથી એક ગેબી અવાજ આવ્યો આ માણસની જાત જ એવી છે કે સ્વાર્થ વિના તો ભગવાનને પણ યાદ નથી કરતી અને હમણાં તો માણસ વિજ્ઞાનમાં ઓતપ્રોત થઈ ખુદને જ ભગવાન માની બેઠો હતો. આ કોરોના કહેર અસલિયતમાં માણસને કુદરતનું સ્થાન અને એના સામેની એની અસલિયત અને લાચારી યાદ અપાવવા કુદરતનો એક તમાચો હતો. ત્રણે માસ્ક હસતાં હસતાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયાં અને ફરી એ જગ્યા એ ફેલાઈ ગઈ એક નીરવ શાંતિ.


Rate this content
Log in

Similar gujarati story from Drama