Chirag Padhya

Inspirational Others

3  

Chirag Padhya

Inspirational Others

પારકી થાપણ

પારકી થાપણ

5 mins
3.8K


નેહા એના રૂમમાં હાથમાં જુના ફોટો આલબમ લઈને નિહાળી રહી હતી, ક્યાંક એની આંખોમાં ઝળઝળિયાં આવી જતા અને ક્યાંક ખુશીથી ચહેરા પર સ્મિતની લહેર, થોડી વારમાં આલબમ બંધ કરી નેહા યાદોમાં ખોવાઈ જાય છે અને ચોધાર આંસુએ રડી પડે છે, કારણ આ જ અઠવાડિયે નેહાના લગ્ન હતા અને નેહા ખૂબ લાગણીશીલ હતી.

છેલ્લા એક માસથી નેહા આ પ્રકારની લાગણીઓમાં ખોવાયેલી હતી અને આ વિચારોમાં સુનમુન રહેતી. એને ખુશી તો ચોક્કસ હતી કે એને પોતાની ઈચ્છા મુજબનું સાસરું મળ્યું હતું પરંતુ સાથે સાથે એ વાતનું દુઃખ પણ હતું કે જે ઘરમાં એને જન્મ લીધો, જ્યાં એનું બાળપણ વીત્યું, જ્યાં જીવનના સારા ખોટા દિવસો અનુભવ્યા, જ્યાં જીવનનું ઘડતર થયું હતું આજે એ ઘર છોડી જવાના દિવસો ખુબજ નજીક હતા.

આમ તો નેહાને એના માતા પિતા અને બે ભાઈઓ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો પરંતુ જતા પહેલા એક વાતનો એને રંજ હતો કે જ્યારે એના પિતાએ એને નોકરી કરવાની છૂટ આપી કે એને અન્ય કોઈ પણ છૂટ આપતા ત્યારે ત્યારે એની માતા કહેતી કે દીકરીને બગાડશો નહિ એ પારકી થાપણ છે, નેહાને સારા ખોટાનું ચોક્કસ ભાન હતું જ પરંતુ આ શબ્દો એના માટે અસહ્ય થઈ પડતા, એના ભાઈઓને સંપૂર્ણ સ્વતંત્રતા મળતી જે એને ના મળતી, આ ખેદ એને સદાય રહેતો, એને પારકી થાપણ શબ્દ ખૂબ જ ખૂંચતો હતો.

આખરે નેહાના લગ્ન પણ ધામધૂમથી લેવાયા, રીતિ રિવાજો મુજબ નેહાની વિદાય થઈ અને એટલીજ ઉષ્માભેર નેહાના સાસરિયે એનું સ્વાગત પણ કરાયું.

નેહાના સસુરાલમાં પણ આનંદથી દિવસો વીતવા લાગ્યા, ત્યાં એને પતિનો આદર અને પ્રેમ મળ્યો અને સાથે સાથે સાસુ સસરાનો પ્રેમ પણ માતા પિતાની ગરજ સારતો હતો, નેહા પણ સંપૂર્ણ સમજુ દીકરી હતી એ પ્રમાણે જ સંપૂર્ણ જવાબદાર વહુ પણ બની શકી. સાસરિયા પક્ષે પણ એનું ખૂબ માન વધવા લાગ્યું.

આમને આમ દિવસો વીતવા લાગ્યા, જોતજોતામાં બે વર્ષ પણ વીતી ગયા. એક દિવસ અચાનક નેહાને ઘરમાં દરેકના ચહેરે અશાંતિ જણાઈ , વર્તનમાં ફેર જણાયો, ચહેરા પર ચિંતાના વાદળો જણાયા, એને એના સાસુમા પાસે જાણવાનો પ્રયત્ન કર્યો પણ વાત ટાળી દેવામાં આવી. નેહા ઘરના વાતાવરણથી ખૂબ ચિંતિત થઈ પરંતુ ઘણા પ્રયત્ને પણ ચિંતાનું કારણ ના કળી શકી. બીજા દિવસે નેહા બજારમાંથી શાકભાજી લઈ ઘરે આવી ત્યાં બધા ઘરના હૉલમાં એકત્ર થઈ બેઠા હતા, નેહા એ જોયું બધા ચિંતિત અવસ્થામાં વાત કરી રહ્યા હતા. બારણા પાછળથી વાત સાંભળવી નેહાનો સ્વભાવ ના હોવા છતાં પણ પરિવારના હિત માટે નેહા એ અંદર થતી વાતો સાંભળવા પ્રયત્ન કર્યો.

વાતો ઉપરથી જાણવા મળ્યું કે એના સસરાને ધંધામાં મોટું દેવું થઈ ગયું છે જેની તમામ મિલકતો વેચી ચુકવણી કર્યા બાદ પણ હજુ પાંચ લાખ ઉપર બાકી નીકળતા હતા. નેહા પરિવારને દુઃખી જોઈ ખૂબ વ્યથિત થઈ વધુમાં એના પતિ એ જ્યારે પૂછ્યું કે આ વાત નેહાને પણ જણાવવી જોઈએ ત્યારે એમના સાસુમાના શબ્દો સાંભળી નેહાના દુઃખનો પાર ના રહ્યો, સાસુમા એ કહ્યું કે એ ગમે તેવી તો પણ પારકા ઘરની કહેવાય એના પેટમાં વાત ના ટકે અને આપણી આજુબાજુ, સગા સંબંધીઓમાં બદનામી કરી નાખે. સાસુમાનું આ વાક્ય નેહાના હૃદયને ખૂબ વ્યથિત કરી ગયું.

નેહા એના પરિવારને આ હાલતમાં જોઈ શકે તેમ ના હતી, એને તુરંત જ કાંઈક કરવાનું વિચાર્યું અને એક મિનિટ પણ વિચાર કર્યા વગર એના લગ્નના દસ તોલા ઘરેણાં વેચી નાખવા એ એક માત્ર એને રસ્તો દેખાયો સાથે સાથે લગ્ન પહેલાની એની નોકરીના પગાર રૂપી કમાણી બે લાખ પણ એને યાદ આવ્યાં. નેહાએ તુરંત એના ઘરેણાં તિજોરીમાંથી લીધા અને ઘરનાને જાણ કર્યા વગર સોનીની દુકાન પહોંચી ઘરેણાં આપી રોકડ મેળવી. સાથે સાથે એના જમા બે લાખ પણ એની માતા પાસે મંગાવ્યા અને એ લઈને ઘરે આવવા જણાવ્યું. નેહા ઝડપથી ઘરે પહોંચી જ્યાં બધા સાથે બેઠેલા હતા ત્યાં આવી ઘરના લોકોએ એને જોઈ વાત અટકાવી દીધી.

નેહા બોલી, 'કેમ બધા ચિંતિત છો ? મને કહો મારી પાસે કોઈ નિરાકરણ હોય તો હું મદદ કરી શકું !' હજી પણ બધા મૌન જ હતા. નેહાના વ્યાકુળ મનને સંતોષ આપવા એના પતિ એ કહ્યું કે કોઈ વાત નથી તું ચિંતા ના કર અમે સંભાળી લઈશું. એટલામાં નેહાની માતા પણ રૂપિયા લઈ આવી પહોંચી અને બે લાખ નેહાના હાથમાં મુક્યા. નેહાએ એની પાસેના અને આ રકમ એકત્ર કરી એની સાસુમાના હાથમાં મૂકી અને કહ્યું કે 'આ લો પાંચ લાખ છે. સાસુમા સ્તબ્ધ થઈ ગયા, પરિવારના બધા જ લોકો નેહાને આતુરતાથી જોઈ રહ્યા. નેહા બોલી હું પણ આ પરિવારની જ સભ્ય છું, આ પરિવારનું સુખ મારું સુખ છે અને આ પરિવારનું દુઃખ એ મારું પણ દુઃખ છે અને હા...આ પરિવારની ઈજ્જત, સન્માન મારી ઈજ્જત પણ છે. એને જાળવવાની જેટલી જવાબદારી તમારી છે એટલીજ મારી પણ છે. સૌ લોકોના મો સિવાઈ જાય છે. નેહાએ કહ્યું કે મારા માટે આ ઘરની ચિંતા શું મારી ચિંતા નથી ? તો પછી મારાથી વાત છુપાવવાનું શું કારણ ?'

નેહાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને ટપકતા આંસુએ એ બોલી હું આજે મારી બંને માને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે દીકરી કોના ઘરની થાપણ કહેવાય છે ? જ્યારે હું પિતાના ઘરે હતી મા મને પારકી થાપણ ગણતી હતી જ્યારે મેં જન્મ એમન કુખે જ લીધેલો છે તો પછી હું પારકી થાપણ ?'

'લગ્ન પછી બે વર્ષ વીત્યા પછી પણ મારી સાસુમા મને આ ઘરમાં પારકી ગણે છે, એમને એમ છે કે હું પારકા ઘરની છું તો હવે મને એ તો કહો કે વાસ્તવમાં હું કયા ઘરની પોતાની થાપણ છું ? આજે તો મને કહો.

મા તમે મને લગ્ન રૂપી સંસ્કાર પૂર્ણ કરી આ ઘરમાં મોકલેલી અને સાસુમા તમે મને એ જ સંસ્કારને આગળ વધારવા કુળ ઉજાળવા વધાવેલી તો પણ હું કેમ બંને ઘર માટે પારકી છું ?'

બંને માની આંખોમાં પશ્ચાતાપ દેખાય છે અને આ પ્રશ્નનો જવાબ બંને મા પાસે નથી હોતો. નેહા કહે છે પિયરીયા અને સાસરિયા વચ્ચે અટવાયેલી દીકરીને બંને ઘર થાપણ તરીકે સ્વીકારે તો આ દુનિયામાં સામાજિક પ્રશ્નો ક્યારેય પણ ઉભા ના થાય. આ વાક્ય સાથે નેહા દુઃખી મને પોતાના રૂમમાં ચાલી જાય છે પરંતુ હજી બધા સ્તબ્ધ હતા અને બધાની નજર નેહાની કડવી પરંતુ સત્ય વાતો પર અટકેલી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational