આત્મહત્યા...નરકના દ્વાર
આત્મહત્યા...નરકના દ્વાર
વિનય એક મધ્યમ પરિવારનો યુવક હતો. જે ઉચ્ચ અભ્યાસ કર્યા પછી ખૂબ સારી કંપનીમાં નોકરી મેળવી આરામથી જીવન વીતાવતો હતો, તેની પત્ની બે બાળકો પણ ખૂબ જ સમજુ અને હોશિયાર હતા. વિનયની વૃદ્ધ માતા પણ તેના સાથે જ રહેતી, વિનય તેમને પણ કોઈ તકલીફ પડવા દેતો ના હતો. માતા, બે પરિણીત બહેનો, પત્ની, બે પુત્રી તમામની જવાબદારી તમામ પ્રત્યેની ફરજો વિનય કુશળતાથી નિભાવતો. વિનયની એક ઈચ્છા હતી કે પોતાનો ગાડી- બંગલો હોય, માર્ચ આવતા વિનયના પગારમાં વધારો થયો તો વિનયે વિચાર્યું કે જો બંગલો લોન પર લઈ લઉં તો એનો હપ્તો હવે સરળતાથી પગારમાંથી જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ ચૂકવાઈ જશે. વિનયે થોડી રકમ મિત્રો પાસેથી ઉછીની લઈ ડાઉનપેમેન્ટ ભરી નવો બંગલો પણ વસાવી લીધો. સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો. ધીરે ધીરે સમય જતા વિનયે હપ્તા પર ગાડી પણ લઈ લીધી.
સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો ગાડી બંગલો લીધે માંડ એકાદ વર્ષ પૂર્ણ થયું હશે ત્યાં કંપનીમાંથી કોસ્ટ કટિંગ કરવા અમુક લોકોને છુટા કરવા એવો નિર્ણય લેવામાં આવ્યો. આ યાદીમાં વિનય પણ હતો, વિનયના દુઃખનો પાર ના રહ્યો, એના માથે તો જાણે આભ તૂટી પડ્યું. મોટા પરિવારની જવાબદારી કેમ નિભાવાશે? ગાડી બંગલાનું મોટું દેવું શી રીતે ચૂકવાશે? આ વિચારો સાથે વિનય ઘરે આવ્યો. ઘરે પણ બધા જાણી દુઃખી થયા પણ સાથે સાથે સાંત્વના પણ આપી કે ચિંતા ના કરો તમારી કાબેલિયત મુજબ બીજી નોકરી મળી જ રહેશે.
આમને આમ વિનયને ઘરે બેસે અઠવાડિયું વીતી ગયું, ઘણી તપાસ પછી પણ બીજે ક્યાંય નોકરીનું સેટ થતું ન હતું. એ દિવસે અચાનક એનો જૂનો મિત્ર વિવેક આવી ચઢ્યો જે શેરબજારની ઓફીસ ચલાવતો હતો, બંને મિત્રો બેઠા સુખ દુઃખની વાતો કરી વિવેકે વિનયની નોકરી વિશે જાણ્યું તો એને શેરબજારની માહિતી આપી અને શેર બજારના શેરોના વળતર વિશે સમજાવ્યું અને એ પણ કહ્યું કે શેર બજારમાં ધ્યાન રાખી ચાલવું. વિનય બીજા જ દિવસે શેર બજાર ઓફિસે જઈ ખાતું ખોલાવી આવ્યો. વિનય શરૂમાં શેરનો અભ્યાસ કરી લે-વેચ કરવા લાગ્યો એની સૂઝબૂઝથી ધીરે ધીરે એને સારો નફો પણ મળવા લાગ્યો, જેટલો એનો પગાર હતો એટલું તો એ એક અઠવાડિયામાં કમાઈ લીધું અને એ પણ ઓછી મહેનતે. વિનયને શેરબજારમાં રસ પડી ગયો પછી તો રોકાણ અતિરેક થવા લાગ્યું, છેવટે તો સટ્ટો એ સટ્ટો એક વખત બજાર નીચું જતા વિનયને પાંચથી દસ લાખ નુકસાન આવ્યું, વિનય સંપૂર્ણ ભરાઈ ગયો, એના પાસે હવે માત્ર દેવા જ હતા, વાયદા આપ્યા પણ પૂર્ણ કરવા આવકનો સ્ત્રોત તો હોવો જોઈએ ને! ધીરે ધીરે ઘરે ઉઘરાણી વધતી ગઈ, ધાક ધમકીના પણ પ્રયોગ થવા લાગ્યા. વિનય ખૂબ જ હતાશામાં આવી ગયેલ હવે તેને કોઈ રસ્તો ના દેખાયો તો એને આ મુસીબતથી બચવા જીવન ટૂંકાવવાનો અંતિમ નિર્ણય લીધો અને એ રાત વિનયના જીવનની અંતિમ રાત બની ગઈ, વિનય રાતે અંતિમ વખત પરિવારનો દીદાર કરી ઝેરની
શીશી ગટગટાવી સુઈ ગયો અને ફરી વિનયના જીવનની સવાર ના પડી. સવાર ઉઠતા જ વિનયને મૃત જાણી ઘરમાં રોકકળ મચી ગઇ.
આત્મની હત્યા કરી વિનયની આત્મા શરીરની બહાર નીકળી ચુકી હતી. યમદૂતો તેની આત્માને લેવા આવી પહોંચ્યા હતા. વિનય ઘરની રોકકળ, દુઃખી વાતાવરણ જોઈ રહ્યો હતો પરંતુ એ હવે જવાબદારીમાંથી છૂટી મુક્ત થઈ ગયો હતો તે અંતિમ વખત ઘરના દીદાર કરી યમદૂતો સાથે ચાલી નીકળ્યો.
યમદૂતો વિનયને લઈ નરકના દ્વારે આવી પહોંચ્યા અને વિનયને જણાવ્યું કે તમને તમારા કર્મને કારણે નરક નસીબ થાય છે. વિનય વિચારમાં પડી ગયો તે તુરંત યમરાજ પાસે દોડી ગયો અને પૂછ્યું કે હે યમરાજ! મેં આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી તમામ જવાબદારી નિભાવી છતાં મને નરક કેમ મળ્યું?
યમરાજે કહ્યું કે તારા નાના જીવનમાં તે ઘણા સત્કર્મો કર્યા જ છે પરંતુ તારું એક દુષ્કર્મ તારા બધા સત્કર્મ પર ભારે છે, વિનય બોલ્યો કયું પ્રભુ? યમરાજે કહ્યું કે તે જ્યારે તારી જરૂર હતી તારા પરિવારને એ જ વખત તે તારું જીવન ટૂંકાવી જવાબદારીના બોજમાંથી છટકી ગયો, જરા જો તો ખરા તે શું કર્યું છે, યમરાજ તેને ત્યાં બેઠા પૃથ્વીલોકે તેનું ઘર દેખાડે છે, વિનયના હોશકોશ ઉડી જાય છે જ્યારે તે જોવે છે કે તેના લેણદારો ઘરે આવી જેમ તેમ બોલી રહ્યા છે, તેની પત્ની પર કુદ્રષ્ટિ નાખી દેવા પુરા કરવાના વિકલ્પો આપી રહ્યા છે, તેની દીકરીઓ દૂધ, ખોરાક વગર વલખા મારી રહી હતી. તેની મા લેણદારોને હાથ જોડી દયાની ભીખ માંગી રહી હતી. ગાડી બંગલો વેચાઈ ગયો હતો, તેનું કુટુંબ રોડ પર આવી ગયું હતું. સંબંધીઓએ પણ મો ફેરવી લીધી હતું. વિનય ખૂબ દુઃખી થઈ ગયો એને પોતાના નિર્ણય પર ખૂબજ પસ્તાવો થવા લાગ્યો.
યમરાજ બોલ્યા, આત્મહત્યા એ કોઈ મુશ્કેલીનો હલ નથી એ તો મુશ્કેલીથી ભાગી તમારા પરિવારને વધુ મુશ્કેલીમાં નાખવાના કામ છે. શું તમારા મૃત્યુથી મુશ્કેલી કે સમસ્યાઓ હલ થવાની? શું તમે મોતને વહાલું કર્યું એના સ્થાને આવેલી સમસ્યાઓને સુલઝાવા પ્રયત્ન ના કરવો જોઈએ? તારા જેવા ઘણા લોકો કોઈ પૈસાની સમસ્યાએ, કોઈ રોગોથી કંટાળી તો કોઈ પ્રેમમાં આત્મહત્યા કરે છે, અને ઘર પરિવારને તકલીફમાં મુકતા જાય છે, વાસ્તવમાં તમારા જેવા લોકો સ્વાર્થી છે. આત્મહત્યા એ બે નરકના દરવાજા ખોલે છે, એક તમારા માટે અને બીજા તમારા પરિવાર માટે. શું આવું નરક પરિવારને આપી મોત વહાલું કરવું એ યોગ્ય માર્ગ છે?
વિનયની આત્મા પાસે કોઈ જવાબ નથી હોતો. હોય છે માત્ર પશ્ચાતાપ, વિનયની આત્મા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે અને કહે છે કે હું અને મારા જેવા આત્મહત્યા કરી જવાબદારીથી ભાગનાર લોકો માટે તો નરક પણ ઓછી સજા છે, આ જોયા પછી મેં જાણ્યું કે આત્મહત્યા કરી હું શરીરથી તો છૂટી ગયો પણ મારી આત્માને મોક્ષ ક્યારેય નહીં મળે. આ વાક્ય સાથે વિનયની આત્મા નરકના દ્વારે ફસડાઈ પડે છે.