ગુરુ
ગુરુ
ગુરુ એક નાનો શબ્દ છે જેનો વિશાળ અર્થ છે, 'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે પ્રકાશ ફેલાવનાર, ગુરુ એટલે જીવનનો એક એવો ઘડવૈયો છે જે આપણને અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જાય છે , એટલેકે અજ્ઞાન રુપી અંધકારમાંથી જ્ઞાન રુપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ છે.
જીવનમાં સૌથી પ્રથમ ગુરુ છે આપણી માતા, બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારથી જ તેના ઘડતરનું કાર્ય કરે છે અને બાળકના મનમાં અંધકાર સ્વરૂપે ઉઠતા હર પ્રશ્નનું નિરાકરણ લાવી બાળપણથી જ ઉજાશ તરફ લઈ જવાનું કાર્ય કરે છે , ટૂંકમાં પાયાના સંસ્કારોનું ઘડતર કરી માતા આપણી પ્રથમ ગુરુ બને છે.
આપણા બીજા ગુરુ છે આપણા પિતા, જે આપણા શારીરિક, માનસિક અને દરેક પ્રકારના વ્યક્તિત્વનું ઘડતર કરે છે, આ એક એવો ગુરુ છે જેના વગર શીખવે પણ બાળક બાલ્યાવસ્થા થી યુવાવસ્થામાં પ્રવેશે ત્યાં સુધી તેના અનુકરણથી પણ ઘણું બધું શીખતું હોય છે.
આપણા જીવનના ત્રીજા અને સૌથી અગત્યના ગુરુ છે આપણા શિક્ષક. આપણા અભ્યાસકાળ દરમિયાન અલગ અલગ શિક્ષક દ્વારા ગુરુ બની આપણને જ્ઞાન પીરસાતું હોય છે, કહેવાય છે કે ગુરુ વગર જ્ઞાન નથી એ સનાતન સત્ય કથન છે , બાળક વિદ્યાભ્યાસ કરતા સૌથી વધુ જેના પર વિશ્વાસ મૂકી જેનું પીરસેલું જ્ઞાન હસતા રમતા ગ્રહણ કરે છે એ છે શિક્
ષક, આ આપણા જીવનના તમામ અંધકારોને દૂર કરી આપણા જીવનને રોશન કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરતા હોવાથી શિક્ષક આપણા શ્રેષ્ઠ ગુરુ ગણાય છે.
આપણા જીવનમાં ચોથા ગુરુ છે આપણી પત્ની/પતિ કે જે ગૃહસ્થ જીવનમાં પગલાં પાડયા પછી દરેક તબક્કે ઘડતરનું કામ કરે છે, આપણાથી કાઈ ખોટું થઈ રહ્યું હોય તો આપણા ગુરુ બની તુરંત સાચો માર્ગ ચીંધે છે, આ ગુરુ જીવનસાથી બની જીવનના અંત સુધી આપણને અંધકાર થી ઉજાશ તરફ લઈ જાય છે.
આપણા જીવનના પાંચમા ગુરુ છે આપણા સાચા મિત્રો, જે આપણને યુવાનીથી લઇ ઘડપણ સુધી સાચી દિશા બતાવવાનું કાર્ય કરી આપણા જીવનમાં પરોક્ષ રીતે ગુરુ તરીકેની ભૂમિકા ભજવી જાય છે, આ એક એવા ગુરુ છે જે સદાય આપણા પથદર્શક અને માર્ગદર્શક બની રહે છે.
આપણા અંતિમ ગુરુ છે આપણા વિરોધીઓ અને આપણા દુશ્મનો જે આપણને જીવનના ઘણા પાઠ ભણાવી જાય છે જે કદાચ કોઈજ ના શીખવી શકે.
આમતો જીવનમાં જે કોઈ પણ આપણને નાનામાં નાની વાત શીખવી જાય એ આપણા ગુરુ જ છે પછી એ આપણા સ્નેહી હોય કે વિરોધી. ગુરુ ની મહિમાનું વર્ણન કરવા બેસીએ તો પુસ્તકો લખાઈ જાય , શબ્દો ખુટી પડે, કલમ થાકી જાય પરંતુ *ગુરુનો* મહિમા પૂર્ણ ના થાય, આવા ગુરુ વિશે હું શુ કહું?, અહીં મારી વાણીને વિરામ આપી બે પંક્તિ ગુરુ વિશે કહીશ.