Chirag Padhya

Inspirational Romance

3  

Chirag Padhya

Inspirational Romance

ભુલાયેલ પ્રેમ......

ભુલાયેલ પ્રેમ......

7 mins
644


મયંક અને નિધિ બંનેનું લગ્ન જીવન ખૂબ જ સુખમય ચાલતું હતું. બંને એક બીજાને સમજી શકતા, એકબીજાને ચાહતા અને દસ વર્ષના લગ્નજીવનમાં એકબીજાની નજીક આવી ગયા હતા. મયંક અને નિધિને કુદરતે એક સુંદર દીકરી પણ આપેલી. એમનું નાનકડું કુટુંબ હતું અને તેમનું જીવન ખૂબ જ સુખમય પસાર થઇ રહ્યું હતું. મયંકને ભગવાને બધું જ આપ્યું હતું જેની તેને અપેક્ષા હતી.

એક દિવસ મયંકના કોલેજ ક્લાસમેટ ભેગા થઈ ગેટ ટુ ગેધરના કાર્યક્રમનું આયોજન કર્યું, આ ગેધરિંગમાં કોલેજ કાળના બધા મિત્રોએ એમના પરિવાર સાથે મળવાનું આયોજન કર્યું. મયંકે નિધિને પૂછ્યું પરંતુ નિધિના પિયરમાં એક કાર્યક્રમ હોવાથી તે આવી શકે તેમ ન હતી. આમતો મયંક નિધીને મૂકીને ક્યાંય પણ જતો ન હતો પરંતુ આ એના મિત્રોને વર્ષો પછી મળવાનું થતું હોવાથી એ આ કાર્યક્રમ ગુમાવવા માંગતો ન હતો. મયંક એકલો પણ કોલેજ કમ્પાઉન્ડમાં રવિવારે પહોંચ્યો જ્યાં તેમનું ગેટ ટું ગેધર હતું, ઘણા મિત્રો પરિવાર સાથે હાજર હતા, મયંક પોતાના પંદર વર્ષ જુના મિત્રોને જોઈ ખૂબ જ ખુશ થયો બધાને પરિવાર સાથે મળ્યો અને નિધિ ના આવી શકી એનો ખેદ વ્યક્ત કર્યો. બધા મિત્રો ખૂબ જ ખુશ હતા, ત્યાં અચાનક મયંકની દરવાજે નજર પડી, સામે પરી આવી રહી હતી, બધાએ પરીને આવકારી, પરી એકલી જ હતી, મયંક અને પરીની નજર અચાનક મળી અને એ નજર ચોંટી ગઈ બંનેને પોતાનો વીતેલો સમય ભુલાયેલ પ્રેમ એક મિનિટ માટે નજર સમક્ષ તાજા થઈ ગયો. પરંતુ અચાનક મયંકને વર્તમાન યાદ આવતા એને પરી ઉપરથી નજર હટાવી દીધી અને અન્ય મિત્રો સાથે વાતોમાં લાગી ગયો પરંતુ હજી પણ પરીની નજર મયંક ઉપર જ કેન્દ્રિત હતી.

મયંક અને પરી શાળાના સમયના પ્રેમી હતા કોલેજમાં તો એમનો પ્રેમ લૈલા મજનુંના નામે પ્રખ્યાત હતો. ખૂબ લાંબા સમય સુધી પ્રેમ સંબંધમાં બંધાયા બાદ બંને એ એકબીજા સાથે લગ્ન કરી જીવન વિતાવવાનો નિર્ણય પણ લીધેલ હતો, પરંતુ કુદરતની એમાં મંજૂરી ન હતી અને કોલેજના અંતિમ વર્ષમાંજ પરીની એની મંજૂરી વિરુદ્ધ સગાઈ થઈ ગઈ અને જોતજોતામાં એના લગ્ન પણ લેવાઈ ગયા, મયંક ખૂબ દુઃખી થયો હતો અને એને પણ પછી ખૂબ લાંબા સમય પછી અનિચ્છાએ નિધિ સાથે ઘર પરિવારની લાગણીને વશ થઈ લગ્ન કરી લીધા. આ સમગ્ર ભૂતકાળ અચાનક મુલાકાતથી બંનેની નજર સમક્ષ તાજો થઈ ગયો. હાલ મયંક એની પત્ની નિધિને ખૂબ પ્રેમ કરતો હોવાથી તે વીતેલા સમયને વર્તમાન પર હાવી થવા દેવા ઇચ્છતો ન હતો તેથી હાલ તે પરીને એવોઇડ કરી રહ્યો હતો. પરંતુ સાથે સાથે પરી એકલી કેમ આવી છે એ પ્રશ્ન પણ એના માનસને ગૂંચવી રહ્યો હતો. આખો દિવસ બધા મિત્રોએ તેમના પોતપોતાના વ્યક્તિગત જીવનની ખૂબ વાતો કરી અંતે આખો દિવસ સાથે વિતાવ્યા બાદ બધા ફરી મળવાના વાયદા સાથે છુટા પડ્યા, પરીની નજર અંત સુધી મયંક પર જ હતી.

મયંકે ઘરે આવી નિધિને વીતેલા દિવસ વિશે વાત કરી બધા મિત્રોનો પરિચય પણ આપ્યો પરંતુ એ પરીચયમાં પરીનું નામ બાકાત હતું.

બીજા દિવસે અચાનક ઓફીસ સમય દરમિયાન મયંક ઉપર ફોન આવ્યો અને મયંકે ફોન રિસીવ કરતા સામેથી એક ચિત પરિચિત અવાજ સંભળાયો અને એ અવાજ પરીનો હતો. મયંક અચાનક સ્તબ્ધ થઈ ગયો, એ શું કહેવું એની દ્વિધામાં વધુ બોલી ના શક્યો, પરીએ એના હાલચાલ પૂછ્યા અને ઉપરછલ્લી વાતો કરી વાત પૂર્ણ કરી. મયંક અંદરોઅંદર પરી સાથે વાત કરવાનો આનંદ પણ થયો. આમ હવે દર બે-ચાર દિવસે પરીનો ફોન આવવા લાગ્યો અને મયંકે શરૂમાં તો એને કોઈ પ્રતિભાવ ના આપતો પણ ધીરે ધીરે મયંક પણ જુના પ્રેમની યાદોમાં લપેટાયો અને ધીરે ધીરે વાતોનો સીલસીલો વધવા લાગ્યો, એક દિવસ ફોન પર અચાનક મયંકને મળવાની ઈચ્છા દર્શાવી, મયંકે થોડી આનાકાની પછી પરીની એ ઈચ્છા વધાવી લીધી.

બંનેએ બીજા દિવસે મળવાનું નક્કી કર્યું.

એ રાત્રે બંનેમાંથી એકને પણ ઊંઘ ના આવી. જૂની યાદો, જૂની વાતો, પ્રેમભરી મુલાકાતો સતત યાદ આવતી રહી. સવારની રાહમાં આખી રાત કરવટમાં નીકળી ગઈ અને સવાર પડતા જ મુલાકાતની રાહ જોતા બંને જુના પ્રેમી પંખીડા વહેલી સવારે તૈયાર થઈ ગયા અને બસ પકડી એક મંજિલ તરફ ચાલી નીકળ્યા. મયંક વહેલો પહોંચી ગયો જ્યારે પરી પંદર મિનિટ બાદ મુલાકાત સ્થળે આવી પહોંચી. બંને બગીચામાં એક બાંકડા પર બેઠા ઘણા વર્ષો પછી મુલાકાત હોવાથી શરૂમાં તો બંને કશું બોલી ના શક્યા પરંતુ ધીરે ધીરે એમને વાતોની શરૂઆત કરી. મયંકે જ્યારે પૂછ્યું કે તારી જિંદગી કેવી ચાલે છે, પરી ચોધાર આંસુ એ રડી પડી, મયંકે રૂમાલ વડે આંસુ પોછ્યા અને ફરી પૂછ્યું કેમ પરી તને કોઈ તકલીફ છે? પરીએ રડમસ અવાજે કહ્યું કે મને મારા પતિ ગમતા નથી એ ઉંમરમાં અને દેખાવમાં પોતાના લાયક નથી એવું કહી એ મયંકના ખભે માથું મૂકી ફરી રડવા લાગી, મયંકને ખબર ના પડી કે એ પરીને સાંત્વના આપે કે હૂંફ કે પછી પ્રેમ! પરીએ ઘણી સુખ-દુઃખ ભરી વાતો કરી અંતમાં તેઓ ફરી મળવાના વાયદા સાથે છુટા પડ્યા.

મયંક ઘરે આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી, ઘરમાં પગ મુકતાજ મયંકની નાની ગુડિયા એ પુછ્યુ પપ્પા તમે ક્યાં હતા? મમ્મીએ તમારી રાહ જોવામાં ખાધું પણ નથી. મયંક ડઘાઈ ગયેલ નજરે નિધિ સામે જોઈ રહ્યો એને મોટી ચોરી કરીને આવ્યો હોય એવો અહેસાસ થયો, નિધિ સાથે બેસી શાંતિથી જમ્યા બાદ બધા સુઈ ગયા પરંતુ મયંકની આંખોમાં આજે પણ ઊંઘ ન હતી. એ દિવસ દરમિયાન પરી સાથે થયેલ વાતો વિચારી રહ્યો હતો, ખૂબ ઊંડા વિચાર બાદ એને લાગ્યું કે પરી એના પતિનો વિશ્વાસઘાત કરી રહી છે અને એમાં જાણે અજાણે પોતે પણ તેને સહકાર આપી રહ્યો છે જે અયોગ્ય છે એવું એને લાગ્યું. લગ્નોતર સંબંધ એ બે ઘર બગાડે છે એવું એનું મન કહેતું હતું. એને ખૂબ જ પસ્તાવો થયો અને નક્કી કર્યું કે હવે એ પરીને એક જ વખત મળશે અને પરીને સમજાવશે કે લગ્ન પછીની ફરજ શું છે..આ નિર્ણય બાદ એને બાકીની રાત મીઠી ઊંઘ આવી.

બીજા જ દિવસે મયંકે સામેથી ફોન કરી પરીને મળવાની ઈચ્છા જતાવી, પરીની ખુશીનો પાર ના રહ્યો, બંને જ્યાં પહેલી વખત મળ્યા હતા ત્યાં જ મળવાનું નક્કી કર્યું. પરી સમયે પહોંચી ગઇ અને જોયું કે મયંક એના પહેલા ત્યાં પહોંચી ગયો હતો બંને બેઠા.

મયંક - પરી એક હૃદયની વાત કરવી છે.

પરી - બોલ, મયંક તારે એક વાત કરવી છે મારે તો ઘણી વાત કરવી છે તને.

મયંક - તો પહેલા તું તારા હૃદયની વાત જણાવ.

પરી - હું તને ખૂબ જ પ્રેમ કરું છું.

મયંક - તું પરિણીત છે એ ભૂલી તો નથી ગઈ ને?

પરી - મને મારા પતિથી બિલકુલ સુખ નથી.

મયંક - કેમ? તારા પતિ તને સારી રીતે નથી રાખતા..?

પરી - છોડને એની વાત, સાચું કહું! એ મને સહેજ પણ નથી ગમતો.

મયંક - કેમ?

પરી - મને મારી મરજી વિરુદ્ધ વિજય સાથે પરણાવી હતી. એ મારા કરતાં ઉંમરમાં પણ મોટો છે અને દેખાવ પણ મારા લાયક નથી મેં તને કહ્યું તો હતું.

મયંક - (ઉભો થઇ જાય છે ) પરી, જોડી માતા પિતા નહિ ભગવાન બનાવે છે, અને આપણા નસીબમાં જે યોગ્ય હોય એ જ આપણને મળે છે. અને ઉંમર કે દેખાવ એ તો ક્ષણિક સુખના વિચાર છે બાકી એક બીજાનો પ્રેમ, સમજણ જિંદગી સુખદ બનાવે છે. બાકી આકર્ષણના કારણે આ વિચાર શું યોગ્ય છે? શું તું જાણે અજાણે વિજય સાથે વિશ્વાસઘાત નથી કરી રહી? પરી, એમનો શું વાંક છે? શું મારા જેટલો સુંદર ચહેરો ના હોવો એ ગુનો છે એમનો?

પરીના ચહેરા પર ક્યાંક ધૃણા તો ક્યાંક પસ્તાવો જોવા મળ્યો પરંતુ તેની પાસે જવાબ ન હતો.

મયંક - પ્રેમ ચહેરાથી નહિ દિલથી થાય છે, તારા પતિ તને પ્રેમ કરે છે, તું એમને પ્રેમ નથી આપતી અને હું મારી પત્નીને પ્રેમ કરું છું કારણ કે એ મને પ્રેમ કરે છે. તને મારા પ્રત્યે માત્ર આકર્ષણ છે જે ઘણા લોકોની જિંદગી બગાડી શકે છે, શું એ સમજી શકે છે તું?

આપણે જેને પ્રેમ કરીએ છીએ એ આપણને મળે એના કરતાં જે આપણને પ્રેમ કરે છે એની કદર કરીયે એ જ સાચો પ્રેમ.

પતિ પત્નીના સંબંધ વિશ્વાસ પર ટકેલા હોય છે, મારા માટે તું જ સર્વસ્વ હતી પણ એ વીતેલી કાલ હતી મારી પત્ની મારી આજ છે અને તારા માટે તારા પતિ તારી આજ અને આવતી કાલ.(પરી ઉભી થાય છે)

પરી - મયંક તારી વાત સાચી છે, આકર્ષણના અંધાપામાં હું સાચો પ્રેમ પંદર વર્ષમાં પણ ના ઓળખી શકી, અને એમને ધૂતકારે ગઈ. ધન્ય છે તારા વિચારોને, જો આજે દરેક પ્રેમી લગ્ન પછી કાલ અને આજનો તફાવત સમજી સંજોગ પ્રમાણે પોતાની જાતને ઢાળતા શીખી જાય તો ક્યાંય કોઇ પતિ પત્ની એકબીજાનો વિશ્વાસઘાત ક્યારેય પણ ના કરે.

મારી આંખો ખુલી ગઈ છે, તને જોઈ ક્યાંક મારી ઈચ્છાઓ બદલાયેલી પણ તે મને વાસ્તવિકતાના દર્શન કરાવ્યા એ બદલ આભાર.

ચાલ હું જાઉં છું આજે મારે મારા પતિને પત્ની બની મળવું છે. એ મારા ક્યારના થયા હતા પણ, હું એમની ક્યારેય પણ નથી થઈ. આજે એમને સાચા અર્થમાં એમની પત્ની મળશે. (આ શબ્દો સાથે પરી જાય છે, મયંક પણ એક સાથે બે ઘર બચાવવાના અભિમાન સાથે ઘરે પરત ફરે છે.)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational