પ્રાયશ્ચિતનાં આંસુ
પ્રાયશ્ચિતનાં આંસુ
વિજયભાઈ અને નિલાબેનનો એક મધ્યમ પરિવાર અને તેમનો એકનો એક પુત્ર નિશ્ચલ. નિશ્ચલ ખૂબ જ તોફાની અને સ્વચ્છંદી સ્વભાવનો છોકરો હતો, તે આમ તો કોલેજના અંતિમ વર્ષમાં હતો ભણવામાં પણ મધ્યમ હતો પરંતુ એનામાં સમજણ શક્તિ બિલકુલ ન હતી અને જવાબદારીનું પણ એને ભાન ન હતું, મજાક-મસ્તી,જીદ, સ્વચ્છંદી વર્તન, ધાર્યું કરવું, કોઈનું સાંભળવું નહિ, કોઈને ગાંઠવું નહિ આ બધા તેના મુખ્ય સ્વભાવગત લક્ષણ હતા. તેના શિક્ષકો, મિત્રવર્તુળ, સંબંધીઓ તથા આસ-પાસના લોકો એના આ પ્રકારના વર્તનથી વ્યથિત હતા. બીજા તો ઠીક નિશ્ચલ એના માતા-પિતાનું પણ માનતો ન હતો અને એમનું પણ અપમાન કરતો હતો.
થોડું ભૂતકાળમાં ડોકિયું કરીયે. વિજય અને નીલાને લગ્નને દસ વર્ષ વીતી ગયા છતાં કોઈ સંતાન ના હતું. એમને ઘણી બાધાઓ રાખી ત્યારબાદ ભગવાને એમના સામે જોયું હતું અને લગ્નના બાર વર્ષે નિશ્ચલનો જન્મ થયો હતો, તેથી નિશ્ચલ ખૂબ લાડે કોડે ઉછર્યો હતો. નિશ્ચલ પાણી માંગે તો દૂધ મળતું અને દૂધ માંગે તો ખીર મળતી એટલી હદે એનું ધ્યાન રખાતું હતું. વધુ પડતા લાડકોડથી અને પ્રેમથી ક્યાંક નિશ્ચલ બગડવા લાગ્યો હતો, નિત નવી માંગણી, રોજ નવા કજીયા કરતો. ક્યાંક વિજયભાઈ અને નીલાબેને આપેલી છૂટ વધુ પડતી તો ના હતીને !
ધીરે ધીરે સમય જતાં નિશ્ચલ મોટો થતો ગયો તેમ તેમ તેની જીદ તેની માંગણીઓ પણ વધતી ગઈ અને મોટી થતી ગઈ. આજે નિશ્ચલ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો હતો, ભણવામાં મધ્યમ પરંતુ તેની વર્તણુક દિવસે દિવસે બગડી રહી હતી.
હવે તો વિજયભાઈ નોકરીમાંથી પણ નિવૃત થઈ ચૂક્યા હતા, નિશ્ચલની જરૂરિયાતો પૂરી કરતા કરતા તેઓ ખાસ બચતો પણ ના કરી શક્યા હતા, તેમની જમા પી.એફ.ને અન્ય રકમ થોડી ઘણી મળી હતી, જે આગળની જિંદગી જીવવા કદાચ પૂરતી ના હતી. આ બધી સમજણ વિજયભાઈએ નિશ્ચલને ક્યારેય પણ આપી ના હતી.
એક દિવસ નિશ્ચલે નવા લેપટોપની માંગણી કરતો તો એક દિવસ નવા મોબાઇલની, એક દિવસ નવા કપડાં તો એક દિવસ નવા બુટ, એક દિવસ બહાર હોટલમાં જમવા તો એક દિવસ પિકનીકની માંગ થતી, દરેક વસ્તુ એના પાસે જરૂરિયાત કરતા વધુ હતી પરંતુ ના હતો તો માત્ર સંતોષ. નિશ્ચલની મોંઘી જરૂરિયાતો પૂરી કરતા વિજયભાઈ આર્થિક ખલાસ થઈ ગયા હતા પરંતુ પુત્રમોહમાં એ દરેક જરૂરિયાત સહેજ પણ વિચાર્યા વગર પુરી કરતા ગયા અને એમની જમા રકમો પણ પુરી કરતા ગયા. એક દિવસ એવો આવ્યો કે એમની પાસે કોઈ રકમ ખાતામાં બચી ન હતી. વિજયભાઈ ખૂબ વ્યથિત હતા. વ્યથાનું મુખ્ય કારણ એ હતું કે પેંશનમાંથી રોજબરોજની જરૂરિયાતો પુરી થશે પરંતુ નિશ્ચલની જરૂરિયાતો વિશે તેઓ ચિંતિત હતા.
ત્યાં નિશ્ચલનું ત્રીજું વર્ષ પૂર્ણ થયું, પરિણામ પણ આવી ગયું. નિશ્ચલ બીજા વર્ગ સાથે ઉત્તીર્ણ થયો, બધા ખુશ હતા, વિજયભાઈએ નિશ્ચલને કહ્યું કે માંગ આજે શું જોઈએ છે તારે, નિશ્ચલે કહ્યું કે મને બાઇક જોઈએ, વિજયભાઈ સ્તબ્ધ થઈ ગયા કારણ એ એમની હેસિયાતની વાત ના હતી છતાં તેઓ સંમત થઈ ગયા, બીજી બાજુ આગળના ભણતર એમ.બી.એ.માટે પણ ફીની વ્યવસ્થા કરવાની હતી. વિજયભાઈ દિવસ-રાત ટેંશનમાં રહેતા. અચાનક એક વિચાર આવતા વિજયભાઈ બે દિવસમાં આવું એમ ઘરેથી રજા લઇ નીકળ્યા અને બે દિવસ બાદ આવ્યા તો બાઈકનો ઓર્ડર પણ આપી આવ્યા અને ફી પણ ભરાઈ ગઈ એવી વ્યવસ્થા સાથે આવ્યા. નીલાબેન પણ વિચારમાં પડી ગયા કે આ વ્યવસ્થા એમને ક્યાંથી કરી હશે ? બહુ પૂછતાં પણ વિજયભાઈ વાત ટાળી ગયા.
વિજયભાઈની જીવનશૈલીમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો હતો. સમય પસાર થવા લાગ્યો, જોતજોતામાં નિશ્ચલનું એક સત્ર પૂર્ણ થયું અને બીજું સત્ર શરૂ થવાનું હતું ફરી એ જ વ્યથા કે ફી ક્યાંથી લાવવાની? આટલું પૂરતું ન હતું કે નિશ્ચલે મિત્રો સાથે સિંગાપોર ટ્રીપમાં જવાની માંગણી કરી જે માટે પણ મોટી રકમ જરૂરી હતી, વિજયભાઈએ નિશ્ચલને કહ્યું કે બેટા મારી પાસે વ્યવસ્થા નથી, તો નિશ્ચલ ખૂબ ગુસ્સે થયો, ઘરની ઘણી વસ્તુ તોડફોડ કરી અને ઘરમાંથી જેમતેમ બોલી નીકળી ગયો. ઘણી શોધખોળ બાદ રાત્રે નિશ્ચલ હાથમાં આવ્યો , ક્યાંક નિશ્ચલ વિજયભાઈ અને નીલાબેનના પ્રેમને બ્લેકમેલ કરી રહ્યો હતો. એની ઉંમર પણ એટલી તો નાની ન હતી કે એ માતાપિતાના સંજોગ અને સમયને ના પારખી શકે !
ઘરે આવી ફરી એને એ જ માંગણી કરી અને કહ્યું કે મને મારી જોઈતી ગિફ્ટ ના મળે તો હું ફરી ઘરેથી જતો રહીશ. વિજયભાઈ અને નીલાબેનની આંખમાં માત્ર આંસુ હતા. તેઓ નિશ્ચલના આ વર્તનથી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા, અને સાથે સાથે શું કરવું એ વિચારમાં પણ દુઃખી હતા.
વિજયભાઈ બીજા દિવસે ઘરેથી કામથી જાઉં છું એવું કહી ફરી નીકળી ગયા અને અઠવાડિયા બાદ પરત ફર્યા,
અને નિશ્ચલને સિંગાપુર જવા જોઈતી રકમ આપી એમના આંખમાં આંસુ હતા અને હૃદયમાં પુત્રની ઈચ્છા પૂરી કર્યાનો ઉમળકો પણ હતો, નિલાબેન આ જોઈ સ્તબ્ધ થઈ ગયા કે આ વ્યવસ્થા વિજયભાઈએ ક્યાંથી કરી હશે ! વિજયભાઈ પૂછતાં વાત ટાળી દેતા અને કશું કહેતા ન હતા, બહુ વિચારતા નિલાબેનના મગજમાં નકારાત્મક વિચારો પણ આવવા લાગ્યા. શું વિજયભાઈ જુગાર રમી કે કોઈ બે નંબરના માર્ગેથી તો પૈસા નહીં લાવ્યા હોય એ વિચાર નિલાબેનને કોરી ખાવા લાગ્યો. બીજી બાજુ વિજયભાઈનું સ્વાસ્થ્ય દિવસે દિવસે કથળવા લાગ્યું અને એવી પરિસ્થિતિ આવી કે તેઓ પથારીવશ થઈ ગયા અને ઉભા પણ થઈ શકતા ન હતા. બીજી બાજુ નિશ્ચલ હજી પણ સિંગાપુર ટ્રીપમાં હતો. નિલાબેન એમ્બ્યુલન્સ
બોલાવી વિજયભાઈને દવાખાને લઈ ગયા જ્યાં ડોકટર પણ છૂટી પડ્યા. વિજયભાઈની તબિયત કથળે જ જતી હતી નિલાબેન શું કરવું એ નિર્ણય પણ લેવા અસમર્થ હતા. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો નિલાબેન કાંઈ વિચારે એ પહેલાં તો અચાનક વિજયભાઈને ભારે વોમીટ ચાલુ થઈ ગઈ અને અચાનક એમનું પ્રાણ-પંખેરું ઉડી ગયું, નિલાબેન એકલા ભારે રોકકળ મચાવવા લાગ્યા. અચાનક આ રીતે વિજયભાઈ જતા રહેશે એવી એમને સ્વપ્નમાં પણ કલ્પના ન હતી. ભારે રુદનથી તેઓ બેહોશ પણ થઈ ગયા સગા-વ્હાલા , પડોશીઓ , મિત્રો વગેરે ખૂબ દુઃખી હૃદય સાથે આવી પહોંચ્યા. અત્યંત કરુણ દૃશ્ય સર્જાયા અને નિશ્ચલની ગેરહાજરીમાં જ વિજયભાઈને સ્મશાન લઈ જવામાં આવ્યા અને નિશ્ચલનો કોઈ સંપર્ક ના હોવાથી એકનો એક પુત્ર હોવા છતાં એની ગેરહાજરીમાં જ વિજયભાઈની અંતિમ ક્રિયા પૂર્ણ કરવામાં આવી. સમય વહેવા લાગ્યો વિજયભાઈને મૃત્યુ પામે ચોથો દિવસ હતો આજે નિશ્ચલ ઘરે આવવાનો હતો અને એ દિવસે એમનું બેસણું પણ હતું કેવી કુદરતની લીલા !
નિશ્ચલ ખૂબ જ ખુશીમાં ઘરે આવે છે ઘર આગળ પહોંચતા જ લોકોનું ટોળું જોવે છે એ આશ્ચર્ય સાથે જ્યાં ઘરમાં પ્રવેશે છે ત્યાં સામે જ એના પિતાની મૃત છબી હાર ચઢાવેલી જોવે છે , નિશ્ચલના હાથમાંથી બેગ પડી જાય છે અને એના દુઃખનો પાર રહેતો નથી એ ઉત્પાત મચાવી દે છે અચાનક આ વાતની જાણ થતાં એના મિત્રો પણ આવી ચઢે છે તેઓ તથા એના સંબંધીઓ એને સાંત્વના આપે છે છતાં નિશ્ચલનું દુઃખી હૃદય વેદનાઓની ખીણમાંથી બહાર નીકળી શકતું નથી એના પિતા પરત્વેની એને ક્યારેય નહીં દર્શાવેલ લાગણી આજે એને છોડી રહી ન હતી. સમય જાય છે વિજયભાઈના મૃત્યુના તેર દિવસ પૂર્ણ થાય છે એમના પાછળની વિધિ નિશ્ચલ ખૂબ જ શ્રદ્ધા પૂર્વક સંપન્ન કરે છે પરંતુ એને ખેદ રહે છે કે એ એના પિતાજીના અગ્નિ સંસ્કાર ના કરી શક્યો. શોકમાં ને શોકમાં દિવસો જાય છે અને જોતજોતામાં એક માસ વીતી ગયો, નિલાબેન આગળની જવાબદારી નિભાવવા સ્વસ્થ થવા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ નિશ્ચલ વેદનામાંથી બહાર નીકળી શકતો ન હતો, કોલેજ જવાનું મિત્રો સાથે ઘુમવાનું પણ એને બંધ કરી દીધું હતું, નિશ્ચલમાં આ બદલાવ નિલાબેન માટે આશ્ચર્યરૂપ હતો. નિશ્ચલ માટે એના પિતાજીની અચાનક વિદાય આજે પણ એના મનમાં મૂંઝવણો ઉભી કરી રહી હતી. એ સમજી શકતો ન હતો કે અચાનક નાની ઉંમરે એના પિતાજી સ્વસ્થ શરીરે કેમ મૃત્યુ પામ્યા ? અને આ ચિંતા એને કોરી ખાતી હતી. નિલાબેન એને સ્વસ્થ થઈ ભણવામાં ધ્યાન આપવા સમજાવી રહ્યા હતા પરંતુ નિશ્ચલનું દુઃખી હૃદય માનવા તૈયાર ન હતું.
એક દિવસ એની નજર એના પિતાજીની એક એવી બેગ પર પડી જે તેઓ હંમેશા એમની પાસે જ રાખતા, ભારે હૃદય અને કુતૂહલતા સાથે નિશ્ચલે બેગ ખોલી બેગ ખોલતા જ એની આંખો ફાટી પડી એમાં એક આલ્બમ હતો એના દરેક પેજ પર પોતાના બાળપણથી લઈ ગયા વર્ષ સુધીના ફોટા હતા દરેક ફોટા સાથે એક કાગળમાં ફોટા માટે એમની લાગણીઓ નોંધેલી , નિશ્ચલ દરેક ફોટા અંગે તેમની નિતરેલ ભાવના જોઈ ચોધાર આંસુએ રડી પડ્યો અને એને અહેસાસ થયો કે એના સ્વર્ગસ્થ પિતા એને કેટલો પ્રેમ કરતા હતા. છેલ્લે એની માતાનો એક જ ફોટો હતો જેમાં લખેલું કે નિલા હું તારા માટે કાઈજ કરી શક્યો નથી. આ વાંચી નિશ્ચલ ખૂબ દુઃખી થયો આગળ એને જોયું તો એની આંખો જ ફાટી ગઈ એના માટે કોમ્પ્યુટર મોબાઈલ બાઇક સિંગપુરની ટ્રીપમાં એના પિતા બંને કિડની વેચી નાખી હતી એના ડોકટરી રિપોર્ટ જોઈ નિશ્ચલ ચોધાર આંસુએ રડી પડ્યો એને એને અહેસાસ થયો કે પોતાની જીદ અને સ્વચ્છંદી સ્વભાવમાં એમના પિતા કેટલા દુઃખી થયા હશે કે એમને પોતાની કિડની વેચવી પડી હશે ! એને લાગ્યું કે એ પોતે જ એના પિતાનો કાતિલ છે. એને ખૂબ પસ્તાવો થવા લાગ્યો પણ સમય પછીનો પશ્ચાતાપ પણ શું કામનો ! છેવટે એને નક્કી કર્યું કે જે એના પિતા એની માતા માટે કાંઈ ના કરી શક્યા એની માંગો પુરી કરવામાં તો હવે એ પોતાની માતાના બધા આશા ઈચ્છાઓ પુરી કરશે, એ દોડતો દોડતો એની મા પાસે આવ્યો અને બોલ્યો મા હું કાલથી કોલેજ નહીં જાઉં નોકરી કરીશ મહેનત કરીશ અને ખૂબ કમાઈશ બોલ તારી શું ઈચ્છા છે ? નિલાબેન બોલ્યા બેટા, તારા બાપુજી ચાલ્યા ગયા હવે મારી શું ઈચ્છા હોય ! બસ હવે મને મૌત આવી જાય , તારા બાપુજી વગર મારે શું શોખ કરવાના ! અને આ કહેતા કહેતા નિલાબેન રડી પડ્યા. આ સાંભળી નિશ્ચલ પણ જમીન ઉપર ફસડાઈ પડ્યો એને હવે સમજાયું કે એની નાદાની એની જીદ એક સાથે બે જિંદગી બરબાદ કરી ચુકી હતી, એ ચુપચાપ એના રૂમમાં જઈ વિજયભાઈની છબી સામે જોતો રહી ગયો વાતાવરણ શૂન્યમય બની ગયું હતું.
આ નાનકડી વાર્તા આજના કોલેજીયન યુવાનો જે આધુનિક સમયમાં પોતાની જરૂરિયાતને પોતાના શોખને પોસવા પોતાના માતા-પિતાની પરિસ્થિતિ પણ ધ્યાનમાં લેતા નથી એમના માટે ખાસ લખાઈ છે એમને આ વાર્તા દ્વારા એક જ બોધ આપવા ઈચ્છું છું કે તમારા માટે તમારા માતા-પિતાની કુરબાની શું છે એ ધ્યાનમાં રાખશો, તમારી જરૂરિયાત પૂરી કરવામાં એમના જીવવાના અરમાન તો નથી કચડાઈ રહ્યાને એ ખાસ જોજો અને તમારા મોજ શોખ તમારા પિતાના બોજ તો નથી વધારી રહ્યાને એ ધ્યાનમાં રાખી તમારું અસ્તિત્વ જેમના થકી છે એમનું અસ્તિત્વ તમારા કારણે જોખમાય નહિ એ ખાસ જોશો.
અને આજના માતા-પિતાને પણ નાનકડી સલાહ , આપને એક સંતાન હોય કે વધુ સંતાન હોય , આપ પૈસે ટકે સમૃદ્ધ હોવ કે મધ્યમ હોવ પરંતુ સંતાનને નાની ઉંમરથી જ એની જવાબદારીઓ વિશે સમજણ આપો એને સ્વતંત્રતા આપો પણ એટલી નહીં કે એ સ્વચ્છંદી બની જાય. આપનું આ ઘડતર કાલે આપના જ પગમાં આવી શકે છે.