હસતો ચહેરો
હસતો ચહેરો


કોલેજ પૂરી કર્યાના પાંચ વરસ પછી નારી સંરક્ષણગૃહના વડા તરીકેની નિમણુંક મળતા, બેરોજગારીની બેડીમાંથી છૂટકારો મળે અને લાંબી મુસાફરી કર્યા પછી જે થાક લાગે તે ઊતારતો હોય તેમ એણે નિશ્ચિંતતાનો ઊંડો શ્વાસ ભર્યો.
પળવારમાં તો-
તેને અત્યાર સુધીની સફર ફિલ્મની જેમ તેના માનસપટ પર તરવરી- પેલી છોકરી!
બોઈઝ હોસ્ટેલથી કૉલેજ જવાનું-
રસ્તામાં નાનકડાં ઘરની વરંડીમાં સવાર-સાંજ એજ હસતો ચહેરો દેખાતો.
એક સવારે અનાયાસ જ હસી હસીને જોઈ રહ્યો… અને તે પછી તો જાણે એક ક્રમજ બની ગયો… આ હાસ્યની આપ-લે અને તે પછીની અવનવી કલ્પનાઓ મનોમન તે ચહેરા ને કાયમી નીરખી રહેવાના સ્વપ્ન..
પણ
અભ્યાસ પૂરો થયો- હોસ્ટેલ છૂટી. ગરીબી સામે લડવાનો સમય, બેકારીમાં આ હસતો ચહેરો વિલાતો રહ્યો. ક્યાં હશે? ફરીથી એકવાર જોઈ આવું- મન હંમેશા અવઢવમાં રહેતું. સમય સરતો રહ્યો.
'સાહેબ, નવો કેસ આવ્યો છે. બિચારીના મમ્મી-પપ્પા હવે રહ્યા નથી એટલે ભાઈઓએ નિર્ણય લીધો છે. નાનપણથી જ અસ્થિર છે. બસ ચહેરા પર હાસ્ય સિવાય બીજું કંઈ કરી શકતી નથી એટલે અહીં… રેક્ટર નવા કેસની ફાઇલ તેની સામે ધરતા બોલ્યો.
ફાઈલમાં રહેલો હસતો ચહેરો જોતો રહ્યો !