JHANVI KANABAR

Horror

4.7  

JHANVI KANABAR

Horror

હોન્ટેડ હાઈવે

હોન્ટેડ હાઈવે

5 mins
23.4K


વિહાર એ આજે ખૂબ ઉત્સાહથી ટ્રાવેલબેગ તૈયાર કરી બેડ પર લંબાવ્યું. આવતીકાલની દોસ્તો સાથેની ટ્રિપની આતુરતાથી રાહ જોતો ક્યારે તે સૂઈ ગયો ખબર જ ન રહી. સવાર પડી, મમ્મીપપ્પાને પોતાના દોસ્તોના કોન્ટેક્ટ નંબર આપી, ટેક્ષીમાં બેસી ગયો. મમ્મીએ ફરી બધી સૂચનાઓ આપતા કહ્યું, 'બેટા ધ્યાન રાખજે, રાતના બહુ ટ્રાવેલ નહિ કરતાં, સમયસર જમી લેજો..’ અને દબાતા અવાજે કહ્યું, `નો ડ્રિંક ઓકે ?’

'ઓકે મમ્મી... ડોન્ટ વરી. હું કોલ કરતો રહીશ.’ વિહાર એ હસીને કહ્યું.

ટેક્ષી રેલ્વેસ્ટેશન પર ઊભી રહી. આકાશ, રાજ અને દીપ ત્યાં પહોંચી ગયા હતાં. ચારેય દોસ્તો ટ્રેનમાં ગોઠવાઈ ગયા. આ ટ્રિપ આકાશએ અરેન્જ કરી હતી. એમ.બી.એ.ની એક્ઝામ પતી એટલે થોડું ફ્રેશ થવા ચારેય દોસ્તોએ ટ્રિપ પર જવાનું નક્કી કર્યું હતું. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના અમુક જોવાલાયક સ્થળોની ચર્ચા જ્યારે આકાશએ કરી, ત્યારે વિહાર, રાજ અને દીપ ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા. આકાશની પણ આ બાજુની પ્રથમ ટ્રિપજ હતી. તેણે પુરુલિયામાં જ એક બંગ્લો બુક કરાવ્યો હતો, અને ત્યાં જવા પહોંચવા માટે ટેક્ષી પણ અહીંથીજ બુક કરાવી હતી. બધું જ વેલ પ્લાન્ડ હતું. ટ્રેન બંગાળ પહોંચી, ત્યાં ટેક્ષી તૈયાર જ હતી.

'ચાલ ભાઈ !’ આકાશએ પહોંચતાં જ ટેક્ષી ડ્રાઈવરને પુરુરવાના બંગ્લે પહોંચાડવા કહ્યું.

'સાહેબ ! અત્યારે રાત થવા આવી છે, તમે અહીં જ હોટલમાં રાતવાસો કરી લો. કાલે સવારે નીકળીશું... અહીંથી બે કલાક જેટલો રસ્તો છે તો મોડી રાત થઈ જશે.’ ડ્રાઈવરે કહ્યું.

'ના ભાઈ એમ તો એક રાત વેસ્ટ થઈ જશે. તું અમને અત્યારેજ ત્યાં પહોંચાડી દે.’ રાજએ વિનંતીપૂર્વક કહ્યું.

'સાહેબ ! અત્યારે નીકળવું ઠીક નથી. આ રસ્તો બહુજ ખતરનાક છે. અહીં રાત થતા અજીબ ઘટનાઓ બને છે, એવું સાંભળ્યું છે, હું પણ આ રસ્તે રાતે ક્યારેય નથી જતો. સમજો સાહેબ...’ ડ્રાઈવરે સમજાવતા કહ્યું.

'અરે યાર રહેવા દે.. એક રાત અહીં જ રોકાઈ જઈએ. કાલે સવારે નીકળી જઈશું. અજાણી જગ્યા છે તો રિસ્ક નથી લેવું.’ દીપએ દોસ્તોને સમજાવાનો પ્રયત્ન કર્યો.

'અરે કંઈ ના હોય એવું બધું. તું ડબલ ભાડુ લઈ લેજે, પણ અત્યારે જ અમને ત્યાં પહોંચાડી દે ભાઈ...’ વિહારએ ડ્રાઈવરને મનાવવાની પૂરી કોશિશ કરી.

'ઠીક છે !’ મન ન હોવા છતાં ડ્રાઈવરે હા પાડી.

દીપ અંદરથી ડરી ગયો હતો. તેને લાગતું હતું કે, ડ્રાઈવરની વાત માની લીધી હોત તો સારુ થાત. આખરે ટેક્ષી હાઈવે પર ચાલવા લાગી. હસી-મજાક કરતાં કરતાં એક કલાક વીતી ગયો. હવે બધાને કકડીને ભૂખ લાગી હતી, નાસ્તાના ડબ્બા ખોલ્યા અને ચારેય દોસ્તો પેટપૂજા કરવા લાગ્યા. એમ કરતાં કરતાં અડધો કલાક વીતી ગયો. ટેક્ષી સડસડાટ દોડી રહી હતી. આગળ જતાં ક્યાંય રોડલેમ્પ નહોતા, માત્ર ટેક્ષીની હેડલાઈટનું અજવાળું જ રસ્તો દેખાડતું હતું. સૂમસામ રસ્તો હવે દીપને ડરાવી રહ્યો હતો પણ વાતનો મુદ્દો બદલાયો અને કોલેજની પોતપોતાની ગર્લફ્રેન્ડસની વાતો, પ્રોફેસરની વાતો થવા લાગી. એમાં ને એમાં દીપનો ડર ઊડી ગયો. હવે બે કલાક થઈ ગયા હતાં. ટેક્ષી હજુ પણ પૂરપાટ દોડી રહી હતી.

'ભાઈ... તમે તો કીધુ હતું કે બે કલાકનોજ રસ્તો છે. હવે તો અઢીકલાક થઈ ગયા.’ આકાશએ ડ્રાઈવરને પૂછ્યું.

'સાહેબ ! મને પણ નવાઈ લાગે છે. હું આ રસ્તે ઘણીવાર ગયો છું. બે કલાક જ થાય છે પહોંચતા પણ... આજે કંઈ સમજાતું નથી. કોઈ ઢાબો કે ચાની કીટલી કે ઘર કંઈ જ દેખાતું નથી.’ ડ્રાઈવરે ચિંતાતુર થઈ કહ્યું.

ત્રણ કલાક થઈ ગયા, રાતના એક વાગ્યો હતો. ટેક્ષી ચાલતીજ હતી.. હવે બે વાગી ગયાં, પણ કંઈ જ દેખાતું નહોતું. ડ્રાઈવર ડરી ગયો હતો.

'મેં કહ્યું હતું ને સાહેબ, કંઈક ગડબડ લાગે છે આમાં.’ ધ્રૂજતા અવાજે ડ્રાઈવરે કહ્યું.

ડ્રાઈવરને આમ ડરેલો જોઈ ચારેય દોસ્તોના ધબકારા વધી ગયાં હતાં. કંઈ જ સૂઝતું નહોતું, પરેસેવે રેબઝેબ થઈ ગયાં. છેવટે રાજએ થોડી હિંમત કરી અને ડ્રાઈવરને કહ્યું, 'આમ, પેટ્રોલ બાળવા કરતાં સારુ છે કે, અહીં જ ટેક્ષી ઊભી રાખી દઈએ.’

'ના ના સાહેબ.. અહીં ઊભી રાખવાની ભૂલ ન કરાય..’ ડ્રાઈવરે કહ્યું.

દીપ તો હવે રડવા જ લાગ્યો હતો. એને જોઈને આકાશ અને વિહાર પણ હિંમત હારી ગયા હતાં. ત્યાં જ થોડે દૂર એક સ્ત્રીનો ઓછાયો દેખાયો. એનો પહેરવેશ રબારી જેવો હતો. ડ્રાઈવરે ટેક્ષી ઊભી રાખી, અને પૂછ્યું, 'અહીંથી જંગલમાં જે બંગલો છે, ત્યાં જવાનો આ રસ્તો બરાબર છે ?’ એ સ્ત્રી કંઈ જ જવાબ આપ્યા વગર પાછી ચાલવા લાગી... પાછલી સીટ પર બેઠેલા રાજએ થોડા મોટા અવાજે ફરી પૂછ્યું, 'પુરુરવા જંગલમાં જે બંગ્લો છે, ત્યાં જવાનો રસ્તો કહેશો ?’ સ્ત્રી પાછી ઊભી રહી ગઈ અને કંઈ જ બોલ્યા વગર રસ્તાની જમણી તરફ હાથથી ઈશારો કરી માર્ગ બતાવ્યો.

બધાંને થોડી શાંતિ થઈ, ડ્રાઈવરે જેવો ટેક્ષીને જમણીબાજુ વાળવા ટર્ન લીધો, કે પાછલી સીટ પર બેઠેલા રાજ, વિહાર અને દીપની ચીસ નીકળી ગઈ. આકાશએ અને ડ્રાઈવરએ ટેક્ષી ઊભી રાખી પાછળ જોયું તો એ સ્ત્રી જમીનથી ઉપર હવામાં ઊભેલી દેખાઈ. ડ્રાઈવર સમજી ગયો અને તેણે ગીયર બદલી બદલીને ટેક્ષીની સ્પીડ વધારી... એ સ્ત્રીનો ઓછાયો ગાયબ થઈ ગયો અને જોયું તો તે ટેક્ષીની સાથેસાથે ચાલવા લાગ્યો. હવે ટેક્ષી ઊભી રાખવાનું તો સંભવ હતું જ નહિ. પાછલી સીટ પર દીપ તો બેભાન થઈ ગયો. ટેક્ષી ભાગતી રહી, પણ એ સ્ત્રી હવે બાજુમાં હતી નહિ. અમને હાશકારો થયો. થોડે આગળ જતાં ટેક્ષીની આગળ એ સ્ત્રી ઊભી હતી. પૂરપાટ દોડતી ટેક્ષીના કાચ પર તેનો લોહીથી ખરડાયેલો હાથ પડ્યો અને ડ્રાઈવરએ બેલેન્સ ગુમાવ્યું. ટેક્ષી આડીઅવળી થઈ, હાઈવેથી એક બાજુએ જઈ ફસડાઈ પડી. માંડમાંડ બધા ટેક્ષીમાંથી નીકળ્યા. બાજુમાં જ એક ઢાબો હતો.

ડ્રાઈવર સહિત ચારેય દોસ્તો ત્યાં પહોંચ્યા અને જે બન્યું હતું તે કહ્યું. ઢાબાવાળાએ કહ્યું કે, `ભાઈ ! તમે બધા બચી ગયા છો. નહીં તો આવી તો ઘણી ઘટના આ રોડ પર બની છે અને કોઈ જીવતું બચ્યું નથી.’

હવે દીપ, વિહાર, રાજ અને આકાશને પોતાની ભૂલ સમજાઈ રહી હતી. સવાર પડવાને બે-ત્રણ કલાકની જ વાર હતી. તેઓ ત્યાં ઢાબા પર જ રોકાઈ ગયા. સવાર પડી એટલે જંગલમાં આવેલ એ બંગલા પર જવા નીકળ્યા. પાછી આવી ભૂલ ન કરવી અને આ રસ્તે પાછા વળતી વખતે સવારે નીકળવું એમ નક્કી કરી ટ્રિપ પૂરી કરી.


Rate this content
Log in

Similar gujarati story from Horror