હમારી અધૂરી કહાની
હમારી અધૂરી કહાની
"કાના, એમ અચાનક કેમ તું મને ભૂલી ગયો ? કેમ અચાનક કોઈ મેસેજ નહિ ,કોઈ સવાલ નો જવાબ પણ આપ્યો નહીં ? સુમિત સાત જનમ સાથે રહેવાના સોનેરી સપના બતાવીને આજ કેમ આ જનમ પણ તારો સાથ ન આપી શક્યો ? આ મારા દરેક સવાલોના જવાબો કોણ આપશે ? તારા સિવાય કોઈ જ નહિ કાના ! તને કેમ સમજાવું કે મને પેલું સ્વર્ગનું સુખ શાંતિ નથી જોઈતી, જોઈએ તો બસ તારો સાથ જોઈએ છે સુમિત !"
નિશાનો મેસેજ ક્રિષ્ના વાંચી રહ્યો હતો પણ એને કરેલા કેટલાય સવાલોનો એક પણ જવાબ એ ક્યારેય ન આપતો. નિશા હમેશા મેસેજ પર મેસેજ કર્યા કરતી, કોલ પણ એટલા જ ! પણ ક્યાંયથી કોઈ ખબર નહિ. નિશાની તબિયત દિવસે ને દિવસે બગડવા લાગી, દવાઓ છતાં એ સાજી ન થઈ. હવે તો ડૉકટર સાહેબ પણ સમજી ગયા કે દવાનો અસર નહિ થાય કૈક અલગ છે, ડૉકટર સાહેબ પણ યંગ જનરેશન ના હતા. એમણે નિશાને વિશ્વાસમાં લઈ પૂછી લીધું,
નિશા,કોઈના વિના જિંદગી નથી અટકી જતી અને એ વ્યક્તિ પર તું હવે ફૂલ સ્ટોપ આપી દે. હવે આગળ વધવા પ્રયાસ કર, તું હોશિયાર છો, સર્જનશીલ પણ ખરી ! ને પાછી દેખાવડી પણ ખરી તે ક્યારેય અરીસામાં તને જોઈ છે ખરી ? જો તારી આંખો પણ વીંધી નાખે એવી પાણીદાર છે, કોઈ એકની પાછળ શા માટે તારી આ અણમોલ જિંદગી બગાડે છે ?
સર, કોઈના વિના નથી અટકી જતી પણ એના વિના મારી જિંદગી જ અધૂરી ! એના નામ, એની યાદ, એના સપના પાછળ ફૂલ સ્ટોપ ન લાગે,પણ અલ્પવિરામ નો પ્રયાસ ચાલુ કરીશ !
એટલે ? તારે હજી પણ તારી ફેમિલીનું નથી જોવું ? હજી એમને હેરાન કરવા ? તારા મમ્મી જો કેટલા દુઃખી છે તારી આ હાલત જોઈને એમનું તો તું વિચાર !
હા,સર હવે હું મારી લાઈફ નો યુ ટર્ન લઈ ચૂકી છું. એ મને એમ મૂકી ગયા એમની પાછળ પણ કંઈક કારણ હશે જ, જે વ્યક્તિ મારા માટે ઘર પરિવાર બધું જ મૂકવા તૈયારી બતાવી હોય એ અડધે મૂકી જાય ? એની પાછળનું કારણ નાનું સૂનું નહિ જ હોય, અમથા જ એક વાર મે મસ્તીમાં કીધું હતું કે, આજ પછી મારી સાથે વાત ન કરતા એ દિવાળીની રાત હતી, ને મારા ઘરની સામે આવી ગયા ! મેસેજ કર્યો કે બારી બહાર જો, મને કારણ આપ કેમ વાત નહિ કરે ?
એ મારા પ્રિય મિત્ર, પ્રિય સંબંધ છે જેમ ક્રિષ્ના રાધાને મૂકી ગયા એનું કારણ હતું જ એમ મારો આ શ્યામ પણ મને દુઃખી ન કરવા કારણ નથી કહેતો પણ એ મને અનહદ પ્રેમ કરે છે એ પણ હું જાણું છું.. ત્યાં જ એના મોબાઈલ ની રીંગ વાગી.....
તેરી આંખો કે દરિયા કા ઉતરના ભી જરૂરી થા...
મહોબત ભી જરૂરી થી બિછડના ભી જરૂરી થા......
એની આંખોમાં પાણી અને ચહેરા પર સ્મિત હતું.
સર એનો નંબર, એનો ફોન....
હેલ્લો,ક્રિષ્ના કેમ કોઈ જવાબ નથી આપતા, કેમ એટલા ફોન પછી પણ કોઈ જવાબની શું થયું છે તમને ? મારાથી ભૂલ થઈ કોઈ એની આટલી મોટી સજા કેમ ? પૂરી રાતો વાતો કરી છે, મેસેજ કરી સાથે જમતા, આજ તમે એ નહિ પૂછો કે કેમ છું ? જમ્યું કે નહિ ? કે જીવું પણ છું હજી તમારા વિના ?
સામે અવાજ આવ્યો,
ઓ હેલ્લો મેડમ, તમે કોઈ રોંગ નંબર પર રોજ કોલ કરી મને હેરાન કરો છો એટલે થયું આજ હું જ વાત કરી લઉં. મહેરબાની કરી હવે આ નંબર પર કોઈ કોલ ન કરજો.
નિશા સ્તબ્ધ થઈ ગઈ...અને નિ:શબ્દ પણ !
ડૉકટર : શું થયું નિશા ?
કઈ નહિ સર કેટલીક કહાનીઓ અધૂરી રહી જાય છે.

