હળવી વાત હળવેકથી - 5
હળવી વાત હળવેકથી - 5
આજે મેં ડાયરીનું પાનું ઉથલાવ્યું ત્યાં મારી નજર સમક્ષ-
' પોટકું '
'હવે કેવું લાગે છે ડોકટર સાહેબ ?!' જીવી કાળુ તરફ નજર કરતા બોલી.
'હજુ ચોવીસ ચોવીસ કલાક કંઈ કહી ન શકાય'
ડોક્ટરની વાત સાંભળતા જીવીને ફાળ પડી.
તેની આંખો ભરાઈ આવી. તે ખૂણામાં બેસીને અવાજ વગરનું હસી રહેલી રોશનીને જોઈ રહી !.
અત્યાર સુધી તો તે કાળુ સાથે મળી એક 'પોટકું' જેવી રોશનીને અહીંથી તહીં ફેરવતા રહ્યા. આમને આમ આજે બે દાયકા જેટલો સમય પસાર થયો.
રોશનીના જન્મ સમયે જ ડોક્ટરે નિદાન કરી દીધું હતું કે,'છોકરી માનસિક રીતે બિમાર છે... ' તે પછી કંઈ કેટલાય દવા-દારૂ કરાવ્યા પણ કોઈ ફરક પડ્યો નહોતો. આખરે થાકી હારી જેવી ભગવાનની મરજી જાણી બંનેએ મન મનાવી લીધું.
પણ આજે...!
જીવીએ ફરીથી એકવાર રોશની તરફ નજર કરી. તે પછી સામે વેન્ટિલેટર ઉપર શ્વાસ લઈ રહેલા કાળુ પર નજર કરી.
'જો કાળુને કંઈ થઈ જશે તો તેના ગળે ડૂમો વળ્યો. તે આગળ કંઈ પણ વિચારી ન શકી.
'બિચારી જીવી… ' ડાયરી બંધ કરી હું ક્યાંય સુધી વિચારતો રહ્યો.
