Leena Vachhrajani

Abstract

4  

Leena Vachhrajani

Abstract

હલ્લો પોલિસ હલ્લો

હલ્લો પોલિસ હલ્લો

2 mins
178


આખી સોસાયટીમાં હો હા હતી. બાર નંબરના બંગલાવાળા નિકુંજશેઠને પોલીસ પકડીને લઈ ગઈ. પત્ની નીના અને કંચનબાની એક વાત સાંભળી નહીં. 

એ લોકો ગળું ફાડી ફાડીને કહેતાં રહ્યાં,“અરે સાહેબ અમારે ઘેર કોઈ કામવાળા જ નથી તો બાળમજૂર તો સવાલ જ નથી.”

પણ પોલિસ ઇન્સ્પેક્ટર કર્મજીત માનવા તૈયાર જ નહોતો,ખોટું બોલશો તો વધુ સજા થશે. એ બાળક બિચારો રડી રડીને ફોનમાં કહી રહ્યો હતો કે,મને નિકુંજશેઠના જૂલમમાંથી બચાવો. હું મરી જઈશ.અને તમે એને ક્યાં છૂપાવી દીધો છે એ તો અમે શોધી જ કાઢીશું. જેટલો તમે સહકાર આપશો એટલો તમારા શેઠને ઓછો પ્રોબ્લેમ થશે. અને નિકુંજને જીપમાં નાખીને લઈને પોલિસ જતી રહી.

કંચનબા માથે હાથ દઈને કકળાટ કરતાં રહ્યાં.“આ ચીનાઓના તો પડછાયાનો પણ વિશ્વાસ ન કરવો. પણ નિકુંજ માન્યો નહીં. ચીનથી ઘરકામ માટે બાળરોબોટ લાવ્યો. તે એને જ જેલમાં જવાનો વારો આવ્યો.”

નીના સમજાવતી રહી.“પણ બા, કોઇએ આપણી સુખ-સાહ્યબીની ઇર્ષ્યામાં પોલીસને બાળમજૂર ધારા હેઠળ શોષણની ફરિયાદ કરી એમાં રોબોટ શું કરે?”

બીપ..બીપ..બેડરુમના એક ખૂણામાં ઓફમોડ પર બેઠેલા બાળરોબોટના આનંદનો પાર નહોતો.“અહીં આવ્યો ત્યારે એકના એક વાતાવરણમાંથી છૂટકારો થશે એ આનંદ હતો પણ..યકકકકક..આ ભારતીય ઘરેલુ કામ તો બહુ ગંદાં. વાસણ, કપડાં, કચરા-પોતાં. પાછાં અપમાનનાં પોટલેપોટલાં ! આવું ક્રુર અને ઓરમાયું વર્તન અમારા દેશમાં કોઈ નહોતું કરતું. મારું તો લોહી બળી ગયું. કેટલો ત્રાસદાયક અનુભવ ! એ તો તે દિવસે શેઠ ટી.વી. જોતા હતા ત્યારે હું ત્યાં બેઠો હતો ને બાળમજૂરના હક વિશે માહિતી આવી રહી હતી એમાં હેલ્પલાઈન નંબર આવ્યો તે..બીપ..બીપ..”

અને.. બાળરોબોટના ડેટામાં એક નંબર સેવ થયો હતો. 

બીજે દિવસે પોલિસ કંટ્રોલરુમમાં નિકુંજશેઠને ત્યાંથી બાળમજૂરી વિશે ફરિયાદ થઈ. હા, પોલિસને બાળકનો અવાજ યાંત્રિક જરુર લાગ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract