હકીકત કે સ્વપ્ન
હકીકત કે સ્વપ્ન
સુજીત અને પ્રેમિલાના લગ્ન હમણાંજ થયા હતા. તેઓએ એમના માતાપિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમિલાના માતાપિતાને સુજીતનું બીજી જાતિનું હોવું જરાયે પસંદ નહોતું. પરંતુ પ્રેમિલા તો સુજીતના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ હતી. તેને ઉઠતા બેસતા બસ સુજીત જ દેખાતો. તે સુજીત સાથેના લગ્નના સ્વપ્નમાં રાચતી રહેતી અને આખરે તેઓનું સ્વપ્ન પૂર્ણ થયું હતું. આજે તે સુજીતના હાથમાં હાથ નાખીને વટભેર હનીમુન મનાવવા કુલુમનાલી જઈ રહી હતી.
તેઓ મુંબઈથી પ્લેનમાં બેસીને કુલુમનાલી જવાના હતા. હવે બન્યું એવું કે લગ્નની દોડધામમાં તેઓ ટ્રેનનું રીઝર્વેશન જ કરવાનું ભૂલી ગયા. તેઓને કોઈ સાથ સહકાર આપવાવાળું નહીં કે કોઈ આયોજન કરવાવાળું નહીં. પરિણામે આ ગફલત થઇ ગઈ. કુલુમનાલી જવા તેઓ રેલ્વે સ્ટેશન પર વહેલા પહોંચી ગયા. વેકેશનનો માહોલ હોવાને લીધે આજે ટ્રેનમાં મુસાફરોની ચિક્કાર ગીર્દી હતી. પ્રવાસીઓની એ ધક્કામુક્કીમાં સુજીત અને પ્રમિલા માંડ માંડ ડબ્બામાં ચડ્યા. તેઓના સદનસીબે એક ખાલી જગ્યા દેખાતા તેઓ ત્યાં જઈને બેસી ગયા. લોકલમાં પ્રવાસ કરવાની આદત નહીં હોવાને કારણે પ્રમિલાનો જીવ ઘબરાવવા લાગ્યો. અધૂરામાં પૂરું ત્યાં ઉભેલા અન્ય મુસાફરોના શરીરમાંથી આવતી પરસેવાની ગંધથી પ્રમિલા પરેશાન થઈ રહી હતી.
રાત્રીના એ સમયે ઠંડક હોવા છતાં પણ મુસાફરોની ભીડને કારણે ટ્રેનના ડબ્બામાં બફારો થઇ રહ્યો હતો. સુજીતે બેગમાંથી એક હાથપંખો કાઢ્યો અને પોતાને તથા પ્રમિલાને પવન નાખવા લાગ્યો. આનાથી પ્રેમીલાને થોડી રાહત થઇ. જોકે હાથપંખાની હવા કરતા સુજીતનો તેના પ્રતિ પ્રેમ જોઈ પ્રેમિલા ટાઢક અનુભવી રહી.
ટ્રેન તીણી સીટી વગાડતી પ્લેટફોર્મ પરથી ઉપડી. હવે મુસાફરોની ભીડ અને ફેરીવાળાની રકઝકને પાછળ છોડી ટ્રેન પાટા પર દોડી રહી. એ સાથે પ્રેમિલાના મસ્તિષ્કમાં પણ વિચારો તીવ્ર ગતિથી દોડી રહ્યા.
“સુજીત, આપણે આમ લવમેરેજ કરીને ઘરેથી ભાગીને લગ્ન કર્યા તેનાથી આપણા પરિવારજનો ઘણા નારાજ થયા હશે નહીં ?”
“તારા બાપને ખબર નહીં કેમ હું પસંદ આવતો નહોતો. મારી પાસે આટલી સંપતિ અને સારી નોકરી હોવા છતાંયે તેઓ મારાથી અતડા અતડા રહેતા હતા. જો તારા બાપાની સહમતિની ઈંતેજારીમાં આપણે બેઠા રહ્યા હોતને તો આપણા લગ્ન કોઈ કાળે થયા જ નહોત.”
પ્રમિલા ગુસ્સે થઈને બોલી, “એ સુજીત મારા પપ્પા વિષે ગમે તેમ બોલીશ નહીં. તું મારા પિતાજીને બાપા કહીને બોલાવીશ તે મને સહેજે સહન નહીં થાય.”
સુજીતે સહેજ સ્મિત આપીને પ્રમિલાને પોતાની પાસે ખેંચી લીધી અને આજુબાજુ કોઈક જોતું નથી તેની ખાતરી કરી લીધા બાદ તેના મધુર હોઠને હળવેકથી ચૂમી લીધા. રાત્રીના એ મધુર વાતાવરણમાં પ્રમિલાએ સુજીતના ખભે હળવેકથી માથું ટેકવી દીધું. સુજીતની હુંફ મળતા પ્રેમીલાની આંખ મીંચાઈ ગઈ. હવે સુજીત પણ આંખો મીંચી પ્રેમથી તેને થપથપાવી રહ્યો.
***
સુજીત ઇઅરફોન વડે મોબાઈલમાં રેકર્ડ કરેલા ગીતો સાંભળવા લાગ્યો. ત્યાં ટ્રેનની સીટીનો અવાજ અંધાકારને ચીરતો દૂર દૂર સુધી નીકળી ગયો. હવે ટ્રેન સામે આવી રહેલા અંધારા ભોંયરામાં પ્રવેશવા માંડી. ટ્રેનના ડબ્બામાં પ્રસરી રહેલા અંધકાર વચ્ચે આછા પ્રકાશમાં નજર માંડીને સુજીતે જોયું તો તેની બાજુમાં પ્રમિલા નહોતી ! તેમજ ડબ્બામાં કોઈ મુસાફરો પણ નજરે પડ્યા નહીં. તેને લાગ્યું કે જાણે આખા ડબ્બામાં તે એકમાત્ર મુસાફર હતો. આ જોઈ સુજીતનું હ્રદય ભયને કારણે ધડકો ખાઈ ગયું. તે મૂંઝાઈને ચોમેર નજર ફેરવી રહ્યો. સુજીતે અચાનક બારીમાંથી બહાર જોયું તો તેની આંખો ભયને કારણે પહોળી થઇ ગઈ. ત્યાં તેને ભયાનક ચહેરાવાળા અનેક પ્રેતપ્રેતાત્માઓ દેખાયા. સુજીતે વિચાર્યું કે શું ટ્રેન પ્રેતાત્માઓના વિસ્તારમાં તો પ્રવેશી ગઈ નથીને ? આ વિચાર આવતા તેનું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું. તેની છાતી જોરજોરથી ધડકવા લાગી. ભયને કારણે તે શરીર સંકોચીને સીટ નીચે બેસી ગયો. પરંતુ પ્રેતાત્માઓની નજરથી ખુદને તે બચાવી શક્યો નહીં.
એક પ્રેતાત્માએ તેને જોઈ લેતા તે ચિચિયારીઓ પાડતો ટ્રેનની પાછળ દોડ્યો. બીજી જ ક્ષણે તેનું શરીર હવામાં લહેરાઈ રહ્યું. સુજીતે જોયું તો બીજા પ્રેતાત્માઓ પણ હવે ટ્રેનની પાછળ દોડી રહ્યા. જેમ એક કુતરો ગાડી પાછળ દોડી પડતા બીજા કૂતરાઓ પણ દોડી પડે તેમ ત્યાં હાજર પ્રેતાત્માઓ આક્રમક બની હવામાં લહેરાયા અને ટ્રેનનો પીછો કરવા લાગ્યા. આ દ્રશ્ય જોઇને સુજીતના શરીરમાં કંપારી વછૂટી ગઈ. તે સ્તબ્ધ બનીને આ દ્રશ્ય જોઈ રહ્યો. આ ભયાનક દ્રશ્યને જોઈ સુજીત ભયથી થરથર કંપતો ત્યાંજ ઊભો રહ્યો. તેણે પ્રેમીલાને શોધવા માટે ડબ્બામાં નજર ફેરવી જોઈ પરંતુ તે કશે દેખાઈ નહીં. તેની નજર ડબ્બાના એક છેડેથી બીજા છેડા સુધી ઝડપથી ફરી રહી પરંતુ પ્રેમિલા કશે જ નહોતી.
હવે કરવું શું ? પ્રેમિલા આખરે ક્યાં જતી રહી હશે ? પ્રેતાત્માઓ હવે ડબ્બાને ચોંટી ગયા. આ જોઈ સુજીતના પ્રાણ કંઠે આવી ગયા. ત્યાંજ એક ભયાનક ચહેરાવાળો પ્રેતાત્મા છલાંગ લગાવીને ટ્રેનની બારીમાંથી અંદર ધસી આવ્યો. પ્રેતાત્મા સુજીત જ્યાં ઊભો હતો ત્યાંજ તેની નજીક ને નજીક ભયંકર અટ્ટહાસ્ય કરતો આગળ વધતો ગયો. આ જોઈ સુજીત પોતાની જગ્યામાં સંકોચતા સંકોચાતા ટુંટીયુ વાળી બર્થના એક ખૂણામાં લપાવાનો મિથ્યા પ્રયાસ કરી રહ્યો. તેણે ભયના માર્યા આંખો મીંચી દીધી હતી. સુજીતના બે હાથ પ્રેતાત્મા સામે બચાવની મુદ્રામાં આપોઆપ જોડાઈ ગયા. પણ પેલો ભયાનક પ્રેતાત્મા એક જ કુદકે સુજીત જ્યાં લપાયો હતો ત્યાં પહોંચી ગયો. સુજીતને તેણે પોતાના બે હાથમાં તોળી દીધો. હવે પ્રેતાત્માએ પ્રચંડ આવેગથી સુજીતનું ગળું ક્રુરતાપૂર્વક દબાવવા માંડ્યું. સુજીતનો શ્વાસ રૂંધાવા માંડ્યો. તેની આંખો ફાટી ગઈ. તે અહીં તહીં પોતાના છુટ્ટા હાથ ફેરવવા માંડ્યો. પ્રેતાત્માને પોતાનાથી દૂર ધકેલવા માટે તેના ગળા ઉપર પોતાના હાથ વડે ધક્કો મારવાના ઈરાદાથી પોતાના હાથ પ્રેતાત્માના ગળા ઉપર નાખ્યા. ત્યાંજ પ્રેતાત્માના ગળામાં લટકતું તાવીજ સુજીતના હાથમાં આવી ગયું. સુજીતની આ હરકતથી પ્રેતાત્મા રોષે ભરાયો. હવે પ્રેતાત્માએ પોતાનો એક પગ બર્થ ઉપર મુક્યો અને બીજો પગ ઢીંચણથી વાળી સુજીતના પેટ પર મૂકી ખૂબ જોશથી ભીંસ આપી સુજીતનું ગળું દબાવ્યું. સુજીત અત્યંત ભયને કારણે પરસેવાથી નાહી રહ્યો તેનો જીવ ગૂંગળાઈ રહ્યો હતો. એક એક શ્વાસ માટે તે તરફડીયા ખાવા લાગ્યો. પ્રેતાત્માએ તેને પૂરી તાકાતથી ઝંઝોળી રહ્યો હતો.
***
અચાનક સુજીતની આંખ ખૂલી ગઈ. જોયું તો તેની પત્ની પ્રમિલા તેને ઝકઝોળી રહી હતી. “અરે સાંભળો છો ? શું થયું તમને ? કેમ આમ હાંફી રહ્યા છો ?”
સુજીતે જોયું તો આસપાસ પ્રેતાત્માઓનું કોઈ અસ્તિત્વ જ દેખાયું નહીં ! વળી ડબ્બો આખો મુસાફરોથી ભરલો હતો. ડબ્બામાં પ્રેતાત્મા કેવું અને પલિત પણ કેવું ? ડબ્બામાં સદેહે જીવતાજાગતા મનુષ્યો આનંદપૂર્વક વાતો કરી રહ્યા હતા. આ જોઈ સુજીતને ખ્યાલ આવી ગયો કે પોતે સ્વપ્નની દુનિયામાં હતો આનું કારણ ગઈ રાતે જોયેલી હોરર ફિલ્મ હોઈ શકે. મનોમન તે હસી પડ્યો. તેને અત્યંત રાહત થઇ ગઈ. કપાળ પર બાઝેલા પ્રસ્વેદના ટીપાને લુછવા માટે સુજીત ખિસ્સામાંથી હાથ રૂમાલ કાઢવા જતો જ હતો ત્યાં તેની પત્ની પ્રમિલા બોલી, “આ હાથમાં તાવીજ કોનું છે ?”
સુજીત નવાઈ પામીને તાવીજ તરફ જોવા લાગ્યો. ઓચિંતું તેના ધ્યાનમાં આવ્યું કે આ તો એ જ તાવીજ હતું જે પેલા પ્રેતાત્માના ગળામાં લટકતું હતું! મતલબ... મતલબ...સુજીતને બધું ગોળગોળ ફરતું દેખાવા લાગ્યું.તે વિચારવા લાગ્યો કે તેણે થોડીવાર પહેલા જે જોયું હતું તે શું હતું? હકીકત કે સ્વપ્ન !

