હજુ મોડું થયું નથી !
હજુ મોડું થયું નથી !
" આખી જિંદગી દોડ્યા જ કર્યું છે સુખ ને ખરીદવા. જે મને ખરેખર મળ્યું?"
" ધંધા ને જમાવવા દોડ્યો ..ધંધો જામ્યો એટલે મોભા ને વિસ્તારવા મથ્યો. મોભો થયો એટલે મોભાદાર ગણાતો રહું એ માટે સતત પ્રયત્નશીલ રહ્યો..અઢળક લક્ષ્મી, માન ને સત્કાર પામી મનમાં ને મનમાં ફૂલાતો રહ્યો. કદી પ્રેમાળ પત્નીની પાસે નિરાંતે બેસી વાતો કરી છે ખરી.!!. કદી બાળકો કેવી રીતે મોટા થયા, કેવું ભણ્યા..યુવાનીમાં પ્રવેશ્યા.. સંસારી થયા..તે તબક્કા મન ભરી નિરાંતે ક્યાં માણ્યા છે.! બસ, યંત્રવત દોડ્યા કર્યું, 'ધંધા નું ધમસાણ ને મોભાનો મુરબ્બો ' આ બે ચીજ આ બધા માટે ક્યાં સમય ને સમજ ફાળવવા દે તેવા હતાં.!"
એપોલો હોસ્પિટલનાં બિછાને પડેલ આર.કે. ઇન્ડસ્ટ્રીઝ ના માલિક શાંતનુનું મન શરીર ઉપર લગાવેલ વિવિધ મેડિકલ ઉપકરણો ના જાળાં વચ્ચે વિચારે ચડ્યું હતું.
શહેરના નામાંકીત ઉદ્યોગપતિ અને મોભાદાર વ્યક્તિ ને સિવિયર હાર્ટ એટેક હચમચાવી ગયેલો.
લખલૂટ ધન દૌલતથી હૃદયનો માર્ગ અવરોધિત કરતા કોલેસ્ટ્રોલને તો રોકી ના શકાયું પણ હોસ્પિટલનો મોંઘો સ્યુટ બુક કરાવવા પૂરતા તેમના નાણા કામ લાગ્યા હતાં.
વિશાળ સ્યૂટ માં એકાએક તેમને આજે એકલાપણું મહેસૂસ થઇ રહ્યું હતું.. જાણે.!
શાંતનુ ની વિચાર યાત્રા આગળ ચાલી ને જાણે સ્વગત બબડી રહ્યો.
" પોતે ..યુવાનમાંથી ક્યારે વૃદ્ધ થઈ ગયો...ને, સુંદર પત્નીનો ચહેરો પણ પોતાના માન ને મોભાની જાળવણી કરાવતા કરાવતા ક્યારે વૃદ્ધત્વની રેખાઓ યુક્ત થઈ ગયો તે ક્યાં ભાન રહ્યું આં ભૌતિકતા ની દોડમાં.! કેવું વસમું લાગે છે હવે એ દોડ્યાનું.! જે ખુશી માટે દોડ્યા કર્યું તે તો કેટલી સરળતાથી અને મફતમાં મળે તેમ હતી.! નાની દુકાનની શરૂઆતે પત્નીના હાથે ગોળનું દડબુ મોઢામાં મુકાયું તે પળથી માંડી ને..પિતા બનવાના કોડ પૂરા થવાના એ શરમાળ હોઠોથી ફફડેલ ઉદ્દગાર, બાળકની પા પા પગલી, રાત્રે હિંચકે બેસી પૂનમના ચંદ્રમાની કળા જોતા જોતા પત્નીની ખાટી મીઠી વાતો ને..રજાના દિવસે બાળકો સાથે ધીંગા મસ્તી..વગેરે..કેટલીય એવી ખુશીઓ હતી કે જેના માટે આટલી દોડા દોડી જરૂર ન હતી.! પણ..આ મફત અને અનાયાસ મળતી જીવંત પળો ને જીવવાને બદલે..યંત્રવત વિચાર્યા કર્યું યંત્રો માટે, ને દોડ્યા કર્યો " સુવર્ણ મૃગ"ની પાછળ જ."
" પણ, હવે શું.?.એ સમય અને પળો ક્યાં પાછી આવવાની છે ! પોતે..હવે..ઇચ્છે તો પણ ક્યાં એ સમયમાં પરત ફરી શકે તેમ છે.?"
એ હળવાશનો હિંચકો જાણે ક્યાં ગયો.?
***
બાયપાસ સર્જરીની સફળતાએ શાંતનુ ને નવજીવન બક્ષ્યું હતું ને બરાબર અગિયારમા દિવસે ડૉ.શાહનું આગમન થયું. હંમેશની જેમ..ફોન ઉપર વાતો કરતા કરતા.
" ઓકે. ડોક્ટર, હજુ મોડું થયું નથી..પ્લીઝ સ્ટાર્ટ ધી ટ્રીટમેન્ટ ઇમિડિયેટ., ઓકે.? બાય."
" હજુ મોડું થયું નથી." તે વાક્ય પથારીમાં રહી સાંભળી રહેલ શાંતનુના દિમાગમાં કાંઈક અનોખો ચમકારો થઈ ગયો.
***
ફોન નો વાર્તાલાપ પૂરો કરી ડોક્ટર શાંતનુ તરફ ફર્યા.
" હાઉ આર યુ..શેઠ સાહેબ.?.આજે ઘરે પરત જવાનો દિવસ છે. હું કહીશ કે ..થોડી દવાઓ..થોડી તમારી તકેદારી, કાળજી અને યોગ્ય જીવન શૈલી તમારું આ નવું જીવન વધુ સ્વાસ્થ્ય સભર બનાવશે. તમો અગાઉના જેવી જ તાજગી અનુભવશો."
" હા.જરૂર.ડોક્ટર સાહેબ.! "
***
આ બાજુ શાંતનુના રૂમની બહાર..સ્પેશિયલ લોન્જમાં દવાખાનાથી દર્દી ને ઘરે પરત જવા માટેની જરૂરી પ્રક્રિયા માટે શાંતનુની કંપનીના કર્મચારીઓ જરૂરી કાર્યવાહી નિપટાવી રહેલા હતાં .. તેમને જરૂરી સૂચનાઓ આપી રહેલ શાંતનુ ની ધર્મપત્ની પ્રવિણાનો મોબાઈલ ફોન રણક્યો.
"હા.પ્રવિણા....''
"હા..તમે ફોન શું કામ કર્યો હું જ આવું છું અંદર...તમારી પાસે."
" હા,પણ..સાંભળ..ગામડે..રામજી કાકાને ફોન કરી દે. આપણું બંધ ઘર ખોલાવી સાફ સફાઈ કરાવી દે..અને., હા..વરંડામાં પેલો હિંચકો મૂકવાનું ભૂલે નહીં."
પ્રવિણા શૂન્યમનસ્ક થઈ જાણે અતિતમાં વિહરી રહી.એ જ પરમ સુખ અને સામીપ્યની ક્ષણોમાં..ને એ જ હિંચકે વરંડામાં !
