હેપી વેલેન્ટાઈન ડે
હેપી વેલેન્ટાઈન ડે


ઊર્મિ અને વાચા નોટિસ બોર્ડ પર લખાયેલી કવિતા વાંચી રહ્યા હતાં.
“આપું છું વાચા સંવેદનાને,
પ્યાસ લઈ ઊભો છું પ્રીતની,
સ્પંદન છે આ હૃદય તણું,
રણકાર થશે ત્યારે જ ,
જયારે વાચા મળશે દિલને. ”
. . . . . સ્પંદન
બંનેને કવિતા ખુબ જ ગમી. વાચા ને થયું કે હું પણ મારી કવિતા નોટિસ બોર્ડ પર મૂકું અને તેણે પણ ક્લાસમાં જઈને એક પાના પર તેની કવિતા ટપકાવી.
“ મારી દિલોર્મી બની છે મારી કવિતા,
મારા હૃદયની ભાષા છે મારી કવિતા
શબ્દો સાથે મિત્રતા છે મારી કવિતા
સ્પંદનોથી ઝંકૃત છે મારી કવિતા
સંવેદનાનું વૃક્ષ છે મારી કવિતા
શમણાંઓમાં રાચે છે મારી કવિતા “
”સંવેદના”
આમ નોટિસ બોર્ડ પર મહિનાઓ સુધી “સ્પંદન અને સંવેદના” ની કવિતાઓ લખાતી રહી. અને નોટિસ બોર્ડ પર વાંચવા માટે પડાપડી થવા લાગી. બધા જ વિચારે છે કે આ સ્પંદન અને સંવેદના કોણ છે? કવિતાઓની આપલે થતી જોવા મળે છે. એક દિલની વાત બીજા દિલ સુધી પહોંચતી જોવા મળે છે. પણ આ કવિતાઓ છે કોની? તે બધા માટે એક કોયડો છે!
અને આમ ને આમ એક વર્ષ પૂરું થયું. કોલેજ માં વેકેશન પડી ગયું. નવા વર્ષે ફરી થી કોલેજ શરૂ થઇ અને નોટીસ બોર્ડ પર ફરીથી કવિતાનો નવો દોર શરૂ થયો. હવેની કવિતાઓમાં પ્રીતનો ગુણાકાર થતો જોવા મળે છે. વાચા વિચારે છે કે મારી કવિતાનો જવાબ આપનાર આ સ્પંદન કોણ હશે? કેવો હશે? તેની કવિતા ઉપરથી તો લાગે છે કે આ સ્પંદન જરૂર મારા સ્વભાવ મુજબ જ હશે.
સ્પંદન વિચારે છે કે આ સંવેદના કોણ હશે? અને કેવી હશે? મારે તેને શોધવી કેવી રીતે?
બંને પોતપોતાની રીતે એકબીજા માટે વિચારતા રહે છે. બંનેના મિત્રવર્તુળ પણ સ્પંદન અને સંવેદના થી અજાણ છે. આ કવિતાઓ નોટિસ બોર્ડ પર કોણ મૂકે છે અને ક્યારે મૂકે છે તેની પણ જાણ નથી.
સ્પંદન અને સંવેદના જાણે અજાણે એકબીજા માટે શબ્દ મૈત્રી બાંધી લે છે અને મનોમન એકબીજા ને મળવા ઈચ્છે છે. બંનેની નજર એકબીજાને શોધતી રહે છે.
આજે નોટિસ બોર્ડ પર એક નોટિસ મુકવામાં આવી હતી.
વિદ્યાર્થી મિત્રો,
આપણી કોલેજની સ્થાપનાને ૨૫ વર્ષ પુરા થતાં હોય તો આપણે સૌ સાથે મળી કોલેજનો સ્થાપનાદિન ઉજવવા જઈ રહ્યા છીએ તો આપની કોલેજના વિદ્યાર્થીઓને પોતાની આગવી પ્રતિભા ને રજૂ કરવાનો મોકો આપવામાં આવે છે. આપની કોલેજના સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમ રજૂ કરવાના હોય તો તેની તૈયારી રૂપે એક મિટિંગ રાખવામાં આવેલ છે. જેથી અચૂક દરેક વિદ્યાર્થીઓએ સભાખંડમાં હાજરી આપવી.
દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે આ સોનેરી તક છે. સૌએ પોતપોતાની કૃતિ રજૂ કરીને આ સ્થાપનાદિન ને સોનેરી દિવસ તરીકે ઉજવવાનો છે.
બધા જ વિદ્યાર્થીઓ કાર્યક્રમ વિશે વિચારતા થઇ ગયા અને તૈયારીમાં લાગી ગયા. વાચા અને ઊર્મિએ પણ પોતાની કૃતિ નક્કી કરી. તે બંનેએ કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી વંદના નૃત્ય દ્વારા રજૂ કરશે તેવું નક્કી કરી તેમના આયોજકો ને જણાવ્યું. આમ વિવિધ કાર્યક્રમોની સૂચિ તૈયાર થવા લાગી. ટી. વાય. બી. કોમ.ના વિદ્યાર્થીઓએ એક નાટક તૈયાર કરેલું. એ નાટક ની રૂપરેખા કાવ્ય જોશીએ તૈયાર કરેલી. નાટકનું મુખ્ય પાત્ર પણ કાવ્ય જોશીએ જ ભજવવાનું નક્કી થયેલું. વાચાએ કાર્યક્રમનું સંચાલન પણ કરવાનું હોય તો તેમણે આ કાર્યક્રમને કવિતા દ્વારા રસસભર બનાવવાનું નક્કી કર્યું.
આ પ્રમાણે સ્થાપનાદિનની ઉજવણીનો કાર્યક્રમ તૈયાર થઇ ગયો. અને નિયત દિવસે જયારે કોલેજના સભાખંડમાં અવનવા ડ્રેસમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આવવા લાગ્યા. કોલેજનો સભાખંડ શોભી ઊઠ્યો. વાચા અને ઊર્મિનું સ્વાગત નૃત્ય રજૂ ત્યારે વાહ-વાહ બોલાઈ ગઈ. તાળીઓના ગડગડાટ વચ્ચે કાર્યક્રમ આગળ વધતો ગયો.
જયારે કાવ્ય જોશીના ગ્રુપનું નાટક રજૂ થવા જઈ રહ્યું હતું ત્યારે વાચાએ પોતાની આગવી શૈલીથી કવિતા બોલી ને નાટક ‘સંવેદનાની ક્ષણ‘ ની રજૂઆત સંવેદના પૂર્વક કરી. વાચાની બોલાયેલી કવિતાના શબ્દો સાંભળી બે કાન ચમક્યા. હા,આ એ જ કવિતા છે. જે નોટિસ બોર્ડ પર તેમણે જ મૂકેલી અને નાટકની શરૂઆત માં જ બોલાતી કવિતા એ જ તો વાચાની લખેલી કવિતા હતી.
અને કાવ્ય અને વાચાને ખાતરી થઇ ગઈ કે કાવ્ય જોશી એ જ સ્પંદન છે. અને વાચા એ જ સંવેદના છે. અને કાર્યક્રમના બીજા દિવસે જ તેઓએ મનોમન એકબીજાને મળવાનું નક્કી કર્યુઁ. અને આશ્ચર્યસહ બીજા દિવસે જ બંને સામસામે આવી ગયા. આંખોમાં સંવેદના અને દિલમાં સ્પંદનના તાર ઝણઝણી ઉઠ્યા.
અને અનાયાસે જ તેઓએ હાથ મિલાવી લીધા. અને તેમના આ મૃદુ સ્પર્શમાં અનેક શબ્દો હૈયામાં ઉતરી રહ્યા અચાનક બંને એક સાથે બોલી ઊઠયા ‘હેપી વેલેન્ટાઈન ડે ‘.