ગુનેગારો જન્મતા નથી, પેદા થાય
ગુનેગારો જન્મતા નથી, પેદા થાય
પરિસ્થિતિ અને વાતાવરણે કરેલો અન્યાય ભયંકર સ્વરૂપમાં નિહાળવો હોય તો ગુનેગાર ગણાયેલી કોમો તરફ દૃષ્ટિ કરવી. અસ્પૃશ્યતા, નિરક્ષરપણું કે ઊતરતી કક્ષામાં સમાજે મૂકી દીધેલા કેટલાક માનવસમૂહો અતિ મુશ્કેલીભર્યા જીવન ગાળતાં ગુનામય વાતાવરણમાં ઊછરે છે, એટલું જ નહિ પણ ગુનામાંથી જ પોતાની આજીવિકા મેળવવાની કળા પ્રાપ્ત કરી ગુના કરવામાં જ પ્રતિષ્ઠા માની ગુનાને વંશપરંપરાના ધંધા તરીકે સ્વીકારી લે છે, ગુજરાતમાં આવી ગુના કરનારી કોમો છેક અજાણી નથી. વાઘેર, મિયાણા, કાઠી, ઠાકરડા, વાઘરી, કોળી, ધારાળા, બલોચ, ભીલ વગેરે કોમો ગુનેગાર તરીકે ગુજરાતમાં જાણીતી થયેલી છે, અને તેમના પ્રત્યે એક પ્રકારની સામાજિક શંકા કે સામાજિક ભયની દૃષ્ટિથી જ નિહાળવામાં આવે છે.
ચોરી, ખૂન, લૂંટ, ધાડ વગેરે ગુનાઓમાં તેઓ સપડાયેલા હોય છે; વ્યક્તિગત તેમ જ ટોળાબંધી ગુનાઓ તેમની દ્વારા થાય છે. પ્રત્યક્ષ ભાગ લેનાર વ્યક્તિઓ પણ તેમાં હોય; છતાં તેમની જાણ બહાર આ ગુના બનતા નથી. એટલું જ નહિ પણ રીતસરની યોજના સહ આગેવાનોની દોરવણી નીચે ઘણાંખરાં ગુનાઈત કાર્યો થાય છે એવી પણ માન્યતા માટે સાબિતી છે. ગુના કરવાની તક કોમને ઓછી મળે, ગુના કર્યા પછી તેઓ ઝડપથી પકડાય અને ગુના કરવાની તેમની ટેવ ઉપર વધારે સારી દેખરેખ રાખી શકાય એ ઉદ્દેશથી તેમનાં નામોની યાદીઓ ગામે અને પોલીસચોકીઓમાં રખાય છે; દિવસમાં સવારસાંજ તેમની હાજરી લેવાય છે; કોઈ મુખી કે પોલીસ અમલદાર ગમે તે વખતે તેમની હાજરી લઈ શકે છે; ઢોલ વગાડી તેમને હાજરી માટે ભેગા કરવામાં આવે છે, તેમની કારકિર્દી, તેમના ગુનાઓ અને તેમનાં વલણોની લેખી નોંધ રાખવામાં આવે છે, તેમનાથી વગર પરવાનગીએ ગામની બહાર જઈ શકાતું નથી. અને હદ છોડવા માટે સબળ કારણો આપી અમુક મુદતમાં પાછા ફરવું પડે છે. ઉપરાંત હદ છોડી ગયેલા માણસ ઉપર નજર રાખવા માટે જે ગામની હદમાં તે ગયો હોય તે ગામના પટેલ-મુખીને તેના ઉપર નજર રાખવા માટે લખાણ પણ મોકલવામાં આવે છે. ગામમાં અને ગામની સીમમાં ખેતી-મજૂરી કરવા માટે તેમને છૂટ હોય છે. છતાં ઢોલ વાગતાં ખેતી અને મજૂરી છોડી હાજર થઈ જવાની તેમને માથે ફરજ રહેલી હોય છે. આસપાસમાં થયેલા ગુનાની તપાસ માટે પ્રથમ ગુનાઈત વૃત્તિની વસ્તીવાળા ગામ તરફ નજર જાય છે અને પગેરું કાઢી આવા જ કોઈ ગામમાં ચોરી તથા લૂંટની તપાસ કરવામાં આવે છે. ઘણે અંશે અને મોટે ભાગે પડેલો શક ખરો હોય છે અને તપાસના પરિણામમાં સફળતા પણ મળે છે . જોકે કૈંક વાર આ લોકની ખોટી રંજાડ પણ થવાનો સંભવ રહે છે.
ઘણે સ્થળે ગામનાં ગામ ગુનાઈત ગણાતા લોકોની જ વસ્તીવાળાં હોય છે. મહીં નદીની આસપાસમાં ગુનેગાર કોમથી વસેલા ગામડાના સમૂહને મહીવાસ - મહેવાસને નામે ઓળખવાથી મધ્ય ગુજરાતનો મહેવાસ શબ્દ આવા ગુનેગાર લોકોના રહેઠાણ માટે ઉત્તર ગુજરાતમાં પણ ઓળખાતો થઈ ગયો છે, અને સામાન્યતઃ એવા ગામસમૂહના રહેવાસીઓને પણ મહેવાસી તરીકે ઓળખવામાં આવે છે. સંખેડા - મહેવાસ અને પાંડું - મહેવાસ જેવા કેટલાક વિભાગોએ તો એ નામને સ્થિર કરી નાખ્યું છે એવા સમૂહો માટે રાજ્યની રક્ષણશક્તિ વધારે ખરચવી પડે છે એટલે વેપાર, ધંધો, નોકરી કરનારી વસ્તીના કરતાં જુદા જ પ્રકારની પોલીસવ્યવસ્થા વધારે બંદોબસ્ત સાથે ત્યાં રાખવી પડે છે. પોલીસનાં ફેરણા અને નાકાબંધી મહેવાસમાં વધારે અસરકારક બનાવવાં પડે છે.
ગામનાં ગામ જ્યાં આવી વસ્તીવાળાં ન હોય ત્યાં તેની પાસેનાં ગામોમાં આવી વસ્તીનો મોટો જથ્થો હોવાનો પણ સંભવ હોય છે. મજૂરી તેમને પાસેના ગામમાં આકર્ષે છે એટલે મોટા જથ્થાઓમાં તેમનો વસવાટ ઊજળાં ગામોમાં પણ જોવામાં આવે છે. ત્યાં પણ હળવાં છતાં મૂળનાં નિયંત્રણો ઓછેવધતે અંગે તેમને લાગુ કરવામાં આવે છે.
ગુનાઈત ગણાતી આવી કોમોનો ઇતિહાસ રીતસર લખાયો નથી – જોકે તે બરોબર લખવા જેવો છે. આજના સુશિક્ષિત જમાનામાં પણ લડાયકવૃત્તિની પૂજા કરવામાં આવે છે. હિંદનો મધ્યકાળ અને તેનો પ્રત્યેક સંક્રાન્તિ યુગ અવ્યવસ્થાથી છિન્નભિન્ન બની જતો હતો એ સહુની જાણમાં જ છે. રાજસત્તાધારી કોમો બળવાન શત્રુથી હારીને પ્રયાણ કરી સલામત જગાએ રક્ષણ શોધે, જ્યાં રક્ષણ પામે અગર મેળવે તે સમાજ ઉપર પોતાની લડાયકવૃત્તિનો પ્રભાવ પાડે, ગામ, જમીન, જાગીર અને લાગા મેળવે અને ઉપરાંત તેમના જેવા બીજા લડાયક પ્રવાસીથી ધીમે ધીમે સુખવસ્તીનું સંરક્ષણ કરવાનો ધંધો ઉપાડી લે. રાજ્યકર્તાઓ આવાં ટોળાંની લડાયક શક્તિનો ઉપયોગ કરે, તેમને વસવાટનાં સ્થાન આપે અગર સરહદી ગામોમાં તેમના થાણાં સ્થાપી સરહદનું રક્ષણ પણ કરાવે. અવ્યવસ્થિત યુગમાં વેપારી તેમ જ ખેડૂતને પણ રક્ષણની જરૂર. એટલે નાની મોટી ચોરી અને લૂંટથી બચવા મહાજન તેમ જ કૃષિકાર વર્ગ આવા ટોળાનો ઉપયોગ પણ કરે. આમ રાજસત્તાનો સ્વાદ ચાખી લશ્કરી પેશામાં ગુજરાન શોધતી કંઈક રજપૂત, ક્ષત્રિય અને મુસલમાન ટોળીઓ સરહદ ઉપર તેમ જ સરહદની અંદર વસી રહી છે. પ્રાચીન કાળથી આ પ્રકાર ચાલ્યો આવ્યો છે. કાઠી લોકોને શક - સીથિયન પ્રજાના અવશેષ તરીકે ગણવામાં આવે છે. ઠાકરડાઓ રજપૂત અને કોળી કે ભીલના સંમિશ્રણમાંથી થયેલા લાગે છે. સિંહ, સીંગ અને જી જેવા પ્રત્યયો પોતાના નામની સાથે લગાડી પોતાનો પ્રતિષ્ઠિત રજપૂતસંબંધ જાળવી રાખવાની હજી પણ કાળજી તેઓ રાખે છે. મોતીજી, સેજાજી, લાખાજી એ બધાં ગુનેગાર ગણાતી કોમનાં નામ સાથે દક્ષિણના મહાપરાક્રમી શિવાજી, સંભાજી અને શાહજી જેવાં નામો યાદ કરવાથી ઇતિહાસનું એક મહાપ્રકરણ આપણી નજર સમક્ષ ઊભું થશે. બળની નિષ્ફળતામાં કપાળે ચોંટતી ગુનેગારી અને બળની સફળતામાં કપાળે ધરાવાતું રાજતિલક એ બંને વચ્ચે દોરાઈ રહેલી માનવસ્વભાવની અને માનવઉન્નતિની એક તેજભરી રેષા આપણી નજર સામે ઊઘડી આવે છે.
આ સમાજને પણ સમાજના અન્ય નિયમો લાગુ પડે છે. પોષણ એ જીવનનું પ્રથમ તત્ત્વ. રખવાળીમાં ગામ, ગરાસ અને જમીનના ધીમે ધીમે ભાગલા પડતા ગયા, ફેરફારો થઈ ગયા અને એ જ વારસો પૂરતું પોષણ ન આપે એટલે તેનાં ગીરો વેચાણ થાય અને શાહુકારોના સંબંધો જોડાય. જૂના પ્રતિષ્ઠિત જમીનદારોની જે દશા હિંદભરમાં થઈ રહેલી છે તેવી જ મિથ્યાભિમાનીભરી દેવાદાર સ્થિતિ આ લોકોમાં પણ વિકસી આવે અને વ્યાપારવૃદ્ધિની સઘળી તરકીબોનો તેમના વ્યવહારમાં ઉપયોગ કરતા વેપારીવર્ગનો આશ્રય શોધતાં સઘળી જમીનજાગીર ખોઈ બેસતા આ ગરાસિયા, રક્ષકો, ઠાકોરો પોતાના જૂના સંસ્કારને અને લડાયકવૃત્તિને જ શોધતા રહે છે. જમીન વગરનો ગામડિયો મજૂરી કરે. આજે મજૂરી ન મળે તે ગામડિયાએ શું કરવું એ ગુનાઈત ગણાતી કોમોએ નક્કી કરી રાખેલું જ હોય છે. એ કોમની સઘળી વ્યક્તિઓ કાંઈ ગુનો કરતી નથી; ધંધો ન મળવાથી ઘણીયે વ્યક્તિઓ ભૂખમરામાં મરી જતી હશે તેનો આપણી પાસે હિસાબ નથી. આમ જે ગુણે તેમને જિવાઈ આપી તે ગુણ પરિસ્થિતિ, બદલાતાં બીજે સ્વરૂપે જિવાઈ આપી રહે છે. તેના લોહીમાં રહેલું શૌર્ય, સાહસ, નિર્ભયતા જીવનસંગ્રામમાં તેની પાસે છળ, કપટ, ચોરી, લૂંટ અને ખૂન પણ કરાવે છે. આ પરિસ્થિતિ ત્રણચાર પેઢી ચાલે એટલે તે કુળધંધો બની જાય છે, અને તેની આસપાસ એક પ્રકારની પ્રતિષ્ઠાનું પણ વાતાવરણ જામી જાય છે. પ્રતિષ્ઠાને અંગે ગુનેગારીનાં કાર્યો કરવામાં એક પ્રકારનો આગ્રહ દાખલ થાય છે અને એ આગ્રહ પ્રજનનશાસ્ત્રને આધારે વંશપરંપરાનું વલણ બની જાય છે. ગુનેગાર કુટુંબમાં જન્મવું, ગુનેગાર કુટુંબમાં ઊછરવું, ગુનેગારીમાં પ્રતિષ્ઠા માનવી અને શાસ્ત્રીય ઢબે ગુનેગારીની તાલીમ લેવી : ખરેખર આ સ્થિતિમાં ગુનાનું કાર્ય એક પ્રકારની કળા જ બની જાય છે.
આપણે ત્યાં ચોરીને એક શાસ્ત્ર માન્યું છે. ચૌર્યશાસ્ત્રનો જ્ઞાતા બ્રાહ્મણ ચોરી કરતાં કેવાં માનસમંથનો અનુભવતો હતો તે આપણે શૂદ્રકના મૃચ્છકટિક નાટકમાંથી બહુ સારી રીતે સમજી શકીએ છીએ. આઠ આપ-કળાઓમાં તસ્કરવું એ પણ એક કળા માનેલી છે :
રાગ, પાઘ ને પારખું, નાડી ને વળી ન્યાય
તરવું, તંતરવું, તસ્કરવું એ આઠે આપકળાય.
કાર્તિકેય ચૌરશાસ્ત્રોના ઇષ્ટદેવ મનાય છે અને ખાતર પાડવાના ઓજારને ગણેશિયાના મંગલકારી નામે ઓળખવામાં આવે છે. ગુનેગાર અમુક અંશે તો સમાજમાંથી બહિષ્કાર પામે જ છે, છતાં ગુનેગાર તરીકે સાબિત થઈ સમાજમાંથી અલગ ન પડે ત્યાં સુધી તો તેની રહેણીકરણી, વાણી અને વર્તન સમાજની સાથે સ્પર્શ કર્યા જ કરતાં હોય છે. અને ન પકડાવાની ઇંતેજારીમાં ગુનો અને ગુનેગાર એવી કલામય રચનાઓ કરી રહે છે કે જેમાંથી સમાજના અનેક ઉત્તેજક રસમય, વિચિત્ર અને આપણી જિજ્ઞાસાને જાગૃત રાખે એવા પ્રસંગો ઊપજ્યા જ કરે છે. ગુનેગારીની સાથે ગુનેગારોને શોધવાની અને પકડવાની ક્રિયા પણ એક અજબ કળા બની ગયેલી છે. અને સાહિત્ય એ જીવનનું પ્રતિબિંબ હોવાથી સાહિત્યમાં ગુનાની, ગુનેગારોની અને ગુનેગારોને પકડનારાની અદ્ભુત રસભરી રોમાંચ નવલકથાઓ પણ ઊભી થયેલી છે. આર્થર કોનન ડોઈલ, એડગર એલન પૉ, સેક્સ રોમર, એડગર વોલેસ જેવા લેખકોએ અંગ્રેજી ભાષામાં ગુનાની શોધનકળાને બહુ જ રસિક સાહિત્યસ્વરૂપ આપ્યું છે.
કલા નિયમો માગે છે, નિયમો શાસ્ત્ર માગે છે અને શાસ્ત્ર સિદ્ધાન્તો માગે છે. ગુનો જેમ શાસ્ત્ર છે તેમ ગુનાની શોધ પણ એક શાસ્ત્ર જેટલી જટિલ કલા બની ગઈ છે. જાસૂસી ઐયારી, વેશપલટો ગુનામાં અને ગુનાશોધનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવી જીવન અને સાહિત્યમાં અનેક રંગબેરંગી સ્વરૂપો ઉત્પન્ન કરે છે.
કલા બની ગયેલો ગુનો લોહીમાં ઊતરી આવે છે અને કૈંકવાર વગર જરૂરના શોખ તરીકે પણ ગુનાઈત વૃત્તિ ફૂટી નીકળે છે. એ શોખમાં અહંભાવ ઉમેરાય અને કેળવણી તથા વિજ્ઞાન ગુનાઈત વૃત્તિની સહાયમાં ઊભાં રહે ત્યારે ગુનાનું સ્વરૂપ અત્યંત ઝીણવટભર્યું છતાં ભારે અસરકારક અને વ્યાપક બની સમાજ ઉપર એક વિશાળ જાળ જેવું પથરાઈ જાય છે. અમેરિકાના ગૅંગ્સ્ટરો અને અન્ડર વર્લ્ડમાં રહેનારા ગુનેગારો કાયદાની ચુંગાલમાં ન સપડાય એવી બાહોશી વાપરી કેટકેટલાં સમાજવિરોધી કાર્યો કરે છે તે વર્તમાન યુગમાં અજાણ્યું ભાગ્યે જ રહે.
આમ સમાજના પાયારૂપ તત્ત્વોનો વિરોધ એ ગુનો બને છે. ગુનાની ઉત્પત્તિનાં અનેક કારણો હોય છે. મૂળભૂત તત્ત્વોનો સક્રિય અને સૈદ્ધાંતિક વિરોધ કરનારા ગુનેગારો ભાવિ સમાજ વિધાયકો બની જાય છે. સામાજિક અવ્યવસ્થામાંથી પણ ગુનેગારો ઊપજી આવે છે. સમાજની ઉદાસીનતા, બેદરકારી અને બેજવાબદારી પણ અનેક ગુનાઓનું ઉત્પત્તિસ્થાન છે. ગરીબી, અજ્ઞાન, વહેમ, માનસિક અસ્થિરતા, આવેશ એ સર્વ સામાજિક પરિસ્થિતિઓ ગુનાને અંગે પોતપોતાનો ભાગ ભજવે છે. ગુનાઈત વલણો અન્ય વલણોની સાથે વારસાઈમાં પણ ઊતરી આવે છે. એ વારસાઈમાં ઊતરેલાં વલણો ધંધાનું સ્વરૂપ ધારણ કરે છે અને તેમાંથી ગુનો એ વ્યવસ્થિત અને પ્રતિષ્ઠિત રોજગાર પણ બની જાય છે. વર્તમાન વિજ્ઞાન અને કેળવણી તેમાં ભળે એટલે ગુનામાં નવીન વેગ આવે છે. વંશપરંપરાગત અને ધંધાદારી ગુનાઓ ટોળાબંધ પ્રવૃત્તિ માગે છે અને ટોળાબંધ પ્રવૃત્તિ આંટીઘૂંટીવાળી રચના અને વ્યવસ્થા માગે છે. આ દ્રષ્ટિએ ગુનાના બે ભેદ પડે છે. એક તત્કાલિક આવેશથી બનતો ગુનો અને બીજો ટોળાબંધ વ્યવસ્થિત રૂપે યોજના દ્વારા રચાયેલો ગુનો. ભૂખે મરતો મનુષ્ય ખાવાનું દેખી ચોરવાની લાલચને અટકાવી ન શકે અને કોઈની મીઠાઈ ચોરી લે એ વ્યક્તિગત આવેશ ગણાય; ખરી કે ખોટી રીતે જાતીય સંબંધની પવિત્રતામાં માનનારો પુરુષ પોતાની પત્નીના વ્યભિચારને જુએ અને ખૂન કે વ્યથા કરે તો તે આવેશમય ગુનો ગણાય. પરંતુ નક્કી કરેલી રીતે ઘર કોચી વસ્તુ ઉપાડી જનાર અગર વિચારપૂર્વક પતિના ખોરાકમાં કાચ વાટી ઝેર આપનાર પત્ની માટે તાત્કાલિક આવેશનો બચાવ રજૂ કરી શકાય નહિ. મોટા ગુના મોટી યોજના માગી લે છે. આપણે એક ઘરફોડ ચોરીનું ઉદાહરણ જોઈએ. ઘર કોચનાર, ઘર ફોડી અંદરથી માલ લઈ આવનાર, એ માલ પકડાય નહિ એવે સ્થળે પ્રથમ છૂપાવનાર સહુ જુદા જુદા માણસો હોય છે. માલ છુપાવેલી જગાએથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલા સોનીને ત્યાં જાય અને ઘરેણાં રૂપિયા ગળાય. એ પછી આગળની વ્યવસ્થા. આગળ વધીને સોનાચાંદીનો વેપાર કરનાર વળી કોઈ પ્રતિષ્ઠિત વેપારી ચોરીનો માલ જાણીને જ તેના સોદા કરે અને મળેલી રકમની છેવટની વહેંચણીઓ થાય. આ બધાય સાહસોની પરંપરા પદ્ધતિસર થતા ગુનાનું એક નાનું સરખું ઉદાહરણ છે.
ગુના કરવામાં કેટલીક કોમો પાવરધી બની ગયેલી હોય છે. તેમનો ધંધો જ ગુનો કરવાનો હોવાથી તેમનો આખો જીવનક્રમ ગુનાની યોજના અર્થે જ ઘડાય છે. સ્ત્રી, પુરુષ અને બાળકો તેમાં સામેલ હોય છે. કેટલીક જાતો ગુના માટે પોતાનાં નિવાસસ્થાનથી ઘણે દૂર જઈ નિવાસસ્થાનમાં પાછી ફરે છે, અને કેટલીક કોમો લાગ ફાવે ત્યાં ફરતી રહી પોતાના પર્યટનમાં જ ગુનાઓ કર્યું જાય છે. તેમને પોતાની મુખ્ય ભાષાઓ તો હોય છે જ, પરંતુ ગુનાને અંગે તેઓ પોતાની પરિભાષા, સંકેતો, અભિનયો અને ગુપ્ત ચિહ્ન પણ વિકસાવે છે, જેથી તેમને પકડવામાં મુશ્કેલીઓ ઊભી થાય અને તેમના સાથીદારોને તેઓ વગર પકડાયે પોતાની અને ગુનાની બાતમી આપી શકે. તેમને પોતપોતાના ધર્મ અને આચાર પણ હોય છે, તેમના પહેરવેશમાં વિશિષ્ટતા પણ હોય છે, અને શુકન-અપશુકનની માન્યતા સંબંધમાં તેઓ અતિશય આગ્રહી રહે છે. વેશ બદલી નાખવામાં, મુખચર્યા ફેરવી નાખવામાં, ઢોંગ કરવામાં તેઓ સારું પ્રવિણ્ય પ્રાપ્ત કરે છે. તેમની પાસે તેમના ગુનાને અનુકૂળ પડે એવાં હથિયાર ઓજારનો પણ બહુ મોટો અને સહેલાઈથી સંતાડી શકાય એવો જથ્થો રહે છે. આવેશભર્યા ગુનાઓમાં સંસ્કારનો - સંયમનો અભાવ અને માનસિક દુર્બળતા કારણરૂપ ગણાય. તેમાં દોષના ઓછા અંશો જોવામાં આવે છે. પરંતુ ધીટપણે યોજનાબદ્ધ કરેલા ગુના તો સમાજની મધ્યમાં છુપાઈ સમાજના પાયા કાપે છે. એટલે તે વધારે ભયકારક, પ્રતિષ્ઠાના પડદા નીચે ઢંકાયેલા હોવાથી પકડાવામાં વધારે મુશ્કેલ, અને સંગઠિત હોવાથી જુદી જુદી ભૂમિકાઓમાં વહેંચાઈ જઈ ઘણી સાંકળોને અદૃશ્ય રાખે એવા હોય છે. ગુનાશોધનનું કાર્ય આવે પ્રસંગે બહુ અટપટું બની જાય છે.
આમ ગુનેગારોનું વર્ગીકરણ કરવું બહુ મુશ્કેલ છે. બર્નાડ શોનો મત જાણવા જેવો છે. એ કહે છે કે -
'છૂટા ફરતા માણસો કરતાં બંદીખાને પડેલો ચોર વધારે અપ્રામાણિક નથી. ફેર એટલો જ કે અજ્ઞાન અથવા મુર્ખાઈને વશ થઈ એ ઠરેલી ઢબે ચોરી કરતો નથી. ભઠિયારાની દુકાનેથી જો મૂર્ખ રોટલો ચોરી લે છે તો તેને સીધી કેદમાં મોકલી દેવામાં આવે છે; બીજો છૂટો માણસ સેંકડો વિધવાઓ, અનાથો અને વેપારની આંટીઘૂંટી ન સમજનારા ભોળા મનુષ્યોની આજીવિકા ઝૂંટવી લે છે, અને ઘણુંખરું એને આપણે પાર્લમેન્ટમાં માનસહ બેસાડીએ છીએ.'
આ પરિસ્થિતિ ગુનેગારોનો વિચાર કરવામાં વીસરવા સરખી નથી. વળી ગુનેગારને ક્યાં સુધી ગુનેગાર માન્યા કરવો એ પ્રશ્ન પણ ગુનેગારોના વર્ગીકરણમાં મુશ્કેલી ઊભી કરે છે. ગુનો પકડાય, તેની સજા થઈ જાય, સજાની તાવણીમાં તળાઈ ગુનેગાર પાછો આવે તોય સમાજ તો એને ગુનેગારની છાપ લગાડેલી જ રાખે છે. સમાજ અને સરકાર બંને મુક્ત થયેલા ગુનેગારોને સદાય શંકાની જ નજરે જુએ છે, અને તેની આસપાસ અસહ્ય વાતાવરણ ઊભું કરે છે.
છતાં સામાન્યતઃ ગુનેગારોના નીચે પ્રમાણે પ્રકારો પાડી શકાય :
૧ ધીટ ગુનેગાર - Incorringible - વિચારપૂર્વક, યોજનાબદ્ધ, દ્ઢ નિશ્ચયપૂર્વક ગુનાને ધંધા તરીકે સ્વીકારનાર વર્ગ. બધા ગુના એ વર્ગનો માણસ જાતે કરતો નથી, પરંતુ ગુનાની યોજના કરી તેમાં ગુનો કરવા માણસો રોકી તેમને જ પ્રસંગ આવ્યે સજામાં ધકેલી દેનાર એ નિષ્ઠુર ગુનેગાર મોટે ભાગે ટોળીઓનો આગેવાન બની બેસે છે, અગર બહારથી સભ્ય અને ધનિકતાનો દેખાવ કરી ગુનેગારો રોકી તેમની મારફત ગુનાઓ કરાવી પોતે કાયદાની ઝપટમાંથી મુક્ત રહી ગુનાનું કામ દોર્યા જ કરે છે. ચોરીનો માલ રાખનાર વર્ગનો પણ આમાં જ સમાવેશ થાય છે. એ જાતના ગુનેગારો બહારથી જુદીજુદી જાતની દુકાનો પણ રાખે છે, હૉટેલ, પીઠાં, નૃત્યગૃહો, જુગાર ખાનાં, ચંડૂલખાના ચલાવે છે, કોકેન વેચવાનું છૂપું કાર્ય. સ્ત્રીઓ વેચવાનું કાર્ય તેમ જ છૂપા તથા નિશાચરને અનુકૂળ પડે એવી જાતના ધંધામાં તેઓ યુક્તિપુર:સર રચ્યાપચ્યા રહે છે અને પૈસા વેરી પોલીસ તથા અમલદારોમાં પણ અમુક અંશે માનભર્યું સ્થાન ભોગવે છે.
૨. ટેવાયેલા ગુનેગારો - Habitual criminals - આ જાતના ગુનેગારો યોજનાપૂર્વક ગુનામાં પડતા નથી. એમાંથી ધીટતા આવી જાય છે એ વાત ખરી, પરંતુ મુખ્યત્વે સંજોગો – અને ખાસ કરીને આર્થિક સંજોગો આવા ગુનેગારોને ઘડે છે. સંજોગોવશાત્ તેઓ ગુનો કરે, પકડાય, સજા ખમે અને પાછા સમાજમાં આવે ત્યારે તેને કોઈ સંઘરે નહિ એટલે ફરી પાછો તેમને ગુનાનો જ આશ્રય લેવો પડે છે.
૩. ગુના કરનારી જાતો - Criminal tribes or castes - આ પરિસ્થિતિના ગુનેગારો એ હિંદની - કહો કે પૌવાર્ત્ય પ્રદેશોની વિશિષ્ટતા છે. એમની સ્થિતિ ગુનેગારના કરતાં યુદ્ધે ચઢેલા બહારવટિયાઓને વધારે મળતી આવે છે. તેમના લોહીમાં ગુનો - અગર વિપરીત બનેલું સાહસ - હોવાની માન્યતા છે, તેમનો ધંધો તેમને ગુનેગાર જ રાખે છે. તેમની સંસ્કૃતિ બહુ પછાત હોય છે. જોકે તેમનાં સાહસ, બહાદુરી અને લુચ્ચાઈ કોઈ પણ સારા કાર્યમાં વપરાયે શોભારૂપ બને એમ છે. એમાંની બેત્રણ કોમો વિષે આપણે વધારે વિગત તપાસીશું. 'હૃદયવિભૂતિ'માં મુખ્ય ભૂમિકા માટે આવી જ એક કોમનાં પાત્રો લેવાયાં છે, અને જો ધીટ ગુનેગારોનો સંબંધ પણ તેમાં દર્શાવાયો છે, છતાં ગુનેગાર કોમ મુખ્ય સ્થાને હોવાથી પુસ્તક સમજવામાં વિગતો ઉપયોગી થઈ પડવા સંભવ છે. એમાં જન્મથી મૃત્યુ સુધીની ગુનેગારી એ કોમોને માથે સર્જાયેલી રહે.
૪. અકસ્માતથી ગુનામાં ફસાઈ પડેલો ગુનેગાર - The accidental criminal. મોટા ભાગના ગુનેગારો આ વર્ગના જ હોય છે - અલબત્ત આ વર્ગમાંથી ટેવાયેલા અને ધીટ ગુનેગારો વિકસે છે ખરા. દારૂ પીવાથી, અકસ્માત ગુસ્સો ચઢવાથી, સગાંવહાલાંના ત્રાસથી કે અપમાન થવાથી ઊર્મિવશ માણસો અણધાર્યું એકાદ કૃત્ય એવું કરી બેસે કે જે ગુનો બની જાય છે. એવા માણસો આ વર્ગમાં આવે છે.
૫. બાળ ગુનેગાર - મિલ, ઘીચ વસ્તી, જુગારખાનાં, હોટેલો અને નૃત્યગૃહોના વાતાવરણમાં ઊછરેલાં બાળકો નાના નાના ગુના કરવાને ટેવાય છે. ભીખ માગતાં અનાથ બાળકો પણ આમાં આવી જાય છે.
