ગુલાબ
ગુલાબ
મધ્યમવર્ગનાં કુટુંબમાં વર્ષા નામનું ગુલાબ ખીલ્યું. બસ, એનાં સૌંદર્યને સજાવવા માટે તેનાં માતાપિતા પાસે પૂરતા રૂપિયા નહોતાં. હા, તેનાં અભ્યાસમાં તેઓએ ક્યાંય કચાશ રાખી નહોતી.
શાળા અને કોલેજમાં તેઓનું ચારનું ગ્રુપ હમેંશા સાથે જ રહેતું. વર્ષા, તેની જ સોસાયટીમાં રહેતો વરુણ, પાછળની સોસાયટીમાં રહેતાં માનવ અને મોહના.
પદવી લીધાં પછી સૌએ પોતપોતાની રીતે જૉબ કે ધંધો શરૂ કરી દીધાં. એક દિવસ વરુણ તેનાં ઘરે પોતાનાં અને મોહનાનાં લગ્નની કંકોત્રી આપવા આવ્યો. 'અમે ગોળધાણા ઘરમેળે જ ખાઈ લીધાં હતાં એટલે જાહેરાત ન્હોતી કરી. ચૂંદડી ઓઢાડવાની વિધિ લગ્નનાં આગલા દિવસે રાખી છે.'
'હું તો એમ સમજતી હતી કે તું મને પ્રેમ કરે છે. તું મોહના કરતાં વધારે સમય મારી સાથે વિતાવતો હતો.'
'આપણી વચ્ચે પ્રેમની ચોખવટ ક્યાં કોઈ દિવસ થઈ હતી ? આમ પણ તારું સૌંદર્ય ચૉકલેટની જેમ ચગળવું ગમે એવું છે. પણ મારાં ઘરમાં અજવાળું તો શામળી મોહના જ કરી શકે.'
અંતે વર્ષા નામનાં ગુલાબે માનવનાં બંગલામાં ફોરમ પ્રસરાવવાનું સ્વીકાર્યું.

