STORYMIRROR

Amit Chauhan

Romance

3  

Amit Chauhan

Romance

ગોમતીને કાંઠે

ગોમતીને કાંઠે

5 mins
199

કોલેજમાં પ્રવેશ મેળવવા માટેના જ્યારે ફોર્મ ભરાતા હતા ત્યારે જ અભિષેકની પ્રથમ મુલાકાત અનામિકા સાથે થઈ હતી. ખરેખર વાત એવી બની હતી કે ફોર્મ ભરવા માટે કાળી બૉલપેનનો ઉપયોગ કરવાનો હતો અન અનામિકા પાસે ભૂરી બૉલપેન હતી. એ જ વખતે અભિષેક પણ ફોર્મ ભરી રહ્યો હતો. અનામિકાની નજર તેની ઉપર પડી. તેણે જોયું કે તેની પાસે કાળી બૉલપેન હતી. "એક્સક્યુઝ મી " કહેતાં તેણે અભિષેક સાથે નજર મિલાવી. અને એ પછી બૉલપેનની માંગણી કરી. 

જિંદગીમાં પહેલી વખત એવું બન્યું હતું કે કોઈ છોકરીએ તેની પાસે બૉલપેનની માંગણી કરી હતી. એને તો સારુ લાગ્યું. પોતાનો ચહેરો હસતો રાખીને એણે અનામિકાને બૉલપેન આપી. એ પછી તે અનામિકાના ફોર્મમાં નજર નાંખી રહ્યો. તેણે જોયું કે ફોર્મમાં મુખ્ય વિષય તરીકે; અનામિકાએ અંગ્રેજી પસંદ કર્યો. 

"વાહ !" તે મનોમન બોલ્યો. જાણી લઈએ કે તેણે પણ મુખ્ય વિષય તરીકે અંગ્રેજી પસંદ કર્યો હતો. 

યોગાનુયોગ પણ કેવો ! બંનેને એક જ ક્લાસરૂમમાં બેસવાનું થયું. 

"અરે ! તમે એ જ છો ને...મને ફોર્મ ભરતી વખતે બોલપેન આપી હતી ?" અનામિકાએ પૂછ્યું. 

" હા, હું એ જ છું " અભિષેકે કહ્યું. 

"તમારું નામ ? "

" અભિષેક "

" અને તમારુ ?"

" અનામિકા "

મેડમ ક્લાસમાં આવ્યા કે બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી ગયા. અનામિકા આગલી હરોળમાં બેઠી. તેણે આસપાસ નજર દોડાવી. તેણે જ્યારે પાછળ જોયું ત્યારે તેને ખબર પડી કે અભિષેક છેલ્લી પાટલી પર બેઠો હતો. આ બાબત તેને ગમી નહીં. 

  બીજા દિવસે જ્યારે તેઓ કૉલેજ કેમ્પસમાં મળ્યા ત્યારે અનામિકા ફરિયાદના સૂરમાં કહેવા લાગી, " તમે ક્લાસરૂમમાં પાછલી પાટલી પર બેઠા હતા તે મને ગમ્યું નહોતું. "

"અરે ! આટલી નાની વાતમાં નારાજ થઈ જવાનું ! આગળની પાટલી પર બેસીએ કે પાછળની પાટલીએ બેસીએ શું ફેર પડે છે ! "

" ઘણો ફેર પડે છે. આગળ બેસવાથી આપણું ધ્યાન મેડમ જે ભણાવતા હોય એ તરફ રહી શકે છે. તેની સામે પાછલી પાટલી પર બેસવાથી ધ્યાનભંગ થાય છે."

"કશો વાંધો નહીં. હવેથી આગળની હરોળની પાટલી પર બેસવાનું રાખીશ. ચાલ, સ્હેજ સ્મિત આપને…."

અનામિકા નીચું જોઈ ગઈ. એ પછી અભિષેકે તેનો હાથ પકડ્યો. બંને જણ ક્લાસરૂમ તરફ જવા લાગ્યા. થોડીવાર બાદ મેડમ આવ્યા અને ભણાવવું શરૂ કર્યું. 

  બંને જણ નિયમિત કૉલેજમાં આવવા લાગ્યા. લેક્ચર્સ એટેન્ડ કર્યા બાદ બંને જણ કેન્ટીનમાં આવતા. મેડમે જે કંઈ ભણાવ્યુ હોય તેની ચર્ચા કરતા. કેન્ટીનમાં તેઓ રોજ નહીં પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે બટાટાપૌઆ ખાતાં. આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા. બંને વચ્ચેનો સંબંધ ગાઢ બનવા લાગ્યો. બંને જણ પાસે એકબીજાના મોબાઈલ નંબર હતા એટલે જ્યારે પણ કશી જરૂર પડે એકબીજાને કોલ કરતા હતા. બંનેના ગામ પણ પાસપાસે હતા.

  એક દિવસ લેક્ચર એટેન્ડ કર્યા બાદ બંને જણ જ્યારે પોતપોતાના ઘેર જવા આટે રવાના થયા ત્યારે અનામિકા કહેવા લાગી, " પિઝા ખાઈશુ. આઈ મીન પિઝા ખવડાવશો ? "

" વાઉ, પિઝા ખાવાની ઈચ્છા થઈ છે …..તો ચાલ તને ખવડાવી દઉ. " કહેતાં અભિષેક પાર્કિંગ એરિયામાં ચાલ્યો ગયો. એ પછી મોટરસાયકલ બહાર કાઢી લાવ્યો. તેણે જેવી મોટરસાયકલ સ્ટાર્ટ કરી કે અનામિકા પાછળની સિટ પર ગોઠવાઈ ગઈ. 

"ધીમેથી ચલાવજો" તે કહેવા લાગી. 

અભિષેક ધીમી ગતિએ મોટરસાયકલ હંકારવા લાગ્યો. તેની મોટરસાયકલ દોડતી દોડતી એ.વી. રોડ ઉપર આવી પહોંચી. એક મોટા શોપિંગ મોલની બાજુમાં જ ડોમીનોઝ પિઝાની રેસ્ટોરન્ટ હતી. અહીં આવતા જ અભિષેકે મોટરસાયકલ ઊભી રાખી. એ પછી યોગ્ય જગ્યાએ પાર્ક કરી, બંને જણ રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા. બંનેએ સ્થાન ગ્રહણ કર્યું. એ દરમિયાન એક વેઈટર આવ્યો. 

"બે નંગ પિઝા" અભિષેક બોલ્યો. પાંચેક મિનિટની અંદર પેલો વેઈટર પિઝા લઈ હાજર થઈ ગયો. "ચાલ, શરૂ કરીએ " કહેતાં અભિષેકે પિઝા ખાવાની શરૂઆત કરી. બંને જણ પિઝા ખાવા લાગ્યા. રેસ્ટોરન્ટમાં "ઝૂમ બરાબર ઝૂમ " ગીત સંભળાઈ રહ્યુ હતું. 

" મારા ફેવરિટ ગીતોમાંનુ આ એક ગીત છે." અભિષેક કહેવા લાગ્યો. 

" મને પણ ગમે છે પણ બહુ નહી. "

"તને કેવા ગીત વધારે પસંદ છે ?"

"કહું ? "

"કહે અને ગાઈ સંભળાય "

"યે દિલ તુમ બિન કહીં લગતા નહીં, હમ ક્યા કરે…."

અનામિકા જ્યારે ગીત ગાઈ રહી ત્યારે તેના ચહેરા પરના ભાવ; અભિષેક નીહાળી રહ્યો. પિઝા ખાવાનું પૂરું થયું કે અભિષેકે બિલ ચૂકવી દીધું. એ પછી બંને જણ ઘેર જવા માટે રવાના થયા. અનામિકાને રિક્ષામાં બેસાડી; પોતે ઘર તરફ રવાના થયો. બીજા દિવસે રવિવાર હોઈ કોલેજમાં જવાનુ નહોતું. એ દિવસે બંનેને પિઝા ખાવાનો પ્રસંગ વારંવાર યાદ આવવા લાગ્યો. 

  સોમવારે જ્યારે તેઓ કેન્ટીનમાં મળ્યા ત્યારે અભિષેકે પૂછ્યું, " તારા મમ્મી-પપ્પા; આપણા આ સંબંધ વિશે જાણે છે ? "

" મમ્મીને મેં વાત કરી છે પરંતુ પપ્પાને જાણ થવા દીધી નથી."

થોડી વાર માટે અભિષેકના ચહેરા ઉપર ઉદાસી છવાયેલી રહી. 

" આવતા રવિવારે મારે ત્યાં આવજો. છેક ઘેર ન આવતા. ભાગોળે આવીને મને ફોન કરજો."

"કોઈ કાર્યક્રમ છે કે શું ?"

" ના. તમને લઈને ગોમતીએ જવું છે. આવશો ને ?"

"આવીશ બસ…"

બંને જણ પ્રેમ સંબંધમાં આગળ વધી રહ્યા હતા. બંનેને પ્રેમમાં મશગુલ રહેવું ગમતું હતું. એવામાં રવિવાર આવી ગયો. સવારે ચા-નાસ્તો કર્યા બાદ અભિષેકે જેવી પોતાની મોટરસાયકલ કાઢી કે તેના મમ્મી પૂછવા લાગ્યા, "સવાર સવારમાં ક્યાં ઉપાડ્યું ?"

"વડતાલ જઈને આવું છું " 

"વહેલો પાછો આવજે" 

"સારુ" કહેતાં તે રવાના થયો. 

જ્યારે તે ગામની ભાગોળે આવ્યો ત્યારે તેણે મોટરસાયકલ ઊભી રાખી. એ પછી પોતાના ખિસ્સામાંથી સ્માર્ટ ફોન કાઢ્યો. તેણે અનામિકાનો નંબર જોડ્યો. 

બન્યું એવું કે એ વખતે અનામિકા બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. અને એટલે તેના મમ્મીએ કોલ રિસીવ કર્યો. તેમને ખબર પડી ગઈ કે કોલ કરનાર અભિષેક છે. તેમણે કહ્યું, " અનામિકા નાહી રહી છે. નાહીને આવે એટલે એને જણાવું " 

અનામિકા નાહીને આવી ગઈ એટલે તેના મમ્મીએ તેને અભિષેકનો ફોન આવ્યો હોવાની વાત કરી. તે ઝપાટાબંધ તૈયાર થઈ ગઈ. અને ભાગોળે પહોંચી. 

અહીં તેને અભિષેક રાહ જોતો જોવા મળ્યો. તે પાસે જઈને કહેવા લાગ્યો, " આજે તમને ગોમતી તલાવડીએ લઈ જઈશ "

" ભલે" 

એ પછી અભિષેકે મોટરસાયકલ સ્ટાર્ટ કરી. અનામિકાને પાછળની સિટ પર બેસી જવા કહ્યું. એ પછી બંને જણ ગોમતી તલાવડીએ પહોંચ્યા. 

"હું જ્યારે નાની હતી ત્યારે દરરોજ અહીં રમવા આવતી હતી." અનામિકા કહેવા લાગી 

" અરે ! એવું અવાય ! કદાચ પડી ગઈ હોત તો !"

" એવું થયું હોત તો અત્યારે તમારી સાથે બેઠી ન હોત !"

વાતો ચાલતી રહી. અડધો કલાક બાદ બંને જણ છૂટા પડ્યા. અનામિકાને ભાગોળે છોડીને તે ઘર તરફ રવાના થયો. 

સોમવારે સવારે એક એવા સમાચાર તેને સાંભળવા મળ્યાં કે જેને લઈને તે ચિંતા કરવા લાગ્યો. તેને સહુના મુખે 'લોકડાઉન' શબ્દ સાંભળવા મળ્યો. બધું બંધ થઈ જવાં પામ્યું. 

 લોકડાઉનના સમયગાળા દરમિયાન કોઈ એક દિવસે અનામિકાએ અભિષેકને કોલ કર્યો. અને કહેવા લાગી, " અભિષેક હવે હું તમને કોલ પણ નહી કરું ને મેસેજ પણ નહીં મોકલાવુ. "

આમ અચાનક જ અનામિકાની આવી વાત સાંભળી; અભિષેકને આંચકો લાગ્યો. પોતાનાથી કોઈ મિસ્ટેક થઈ નથી ને અનામિકા આવા મતલબની વાત કેમ કરવા લાગી એ મામલે તેને ચિંતા થવા લાગી. 

 તેણે અનામિકાને ફોન જોડ્યો અને કહેવા લાગ્યો, " અનામિકા, હું તને ક્યારેય નહી ભૂલી શકું. તું ભલે મને કોલ નહી કરે અને મેસેજ પણ નહી કરે પણ હું તને હંમેશાં માટે યાદ કરતો રહીશ. "

  અભિષેક અનામિકાને જયારે પણ ફોન કરે છે ; તે તેનો કોલ રિસીવ કરતી નથી. જોકે અભિષેકના દિલમાં આજે પણ એક જ નામ રમી રહ્યું છે. એ નામ છે: અનામિકા. 


Rate this content
Log in

Similar gujarati story from Romance