Vibhuti Desai

Abstract Tragedy Inspirational

4  

Vibhuti Desai

Abstract Tragedy Inspirational

ગોળધાણા

ગોળધાણા

2 mins
402


ઘાઘરો પોલકું પહેરી ચકલીની જેમ ઘરમાં ઊડાઊડ કરતી રમા પિતાને ખૂબ જ વહાલી.

રમાનાં શાળાનાં પ્રથમ દિવસે શાળામાં ગોળધાણા વહેંચ્યા. આવો પહેલો જ બનાવ કે દીકરીનાં શાળા પ્રવેશ નિમિત્તે ગોળધાણા વહેંચાયા. ભણવામાં તેમજ ઇતર પ્રવૃતિઓમાં હોંશિયાર રમા દેખાવમાં પણ સુંદર, વળી કુદરતે એને સુંદર કેશરાશિથી નવાજેલી.

રમા દસ વરસની થતાં માએ એનાં લગ્ન માટે રમાનાં પિતા આગળ ચિંતા વ્યક્ત કરી. સારું ઘર-વર મળતાં જ રમાનું વેવિશાળ કર્યું ત્યારે રમાનું ભણીને શિક્ષિકા બનવાનું સપનું રોળાઈ ગયું. સારું મૂહુર્ત જોઈ રમાનાં લગ્ન લીધાં. જ્ઞાતિનો રિવાજ, દીકરી માથે બેસતી થાય પછી જ સાસરે વળાવવાની, પછી જ લગ્ન જીવન શરૂ થાય એટલે રમા લગ્ન કરીને ગઈ અને બીજે દિવસે પિયર પરત ફરી.

લગ્નનાં એકાદ વર્ષ પછી રમાનાં પતિનું મૃત્યુ થતાં પતિનાં અંતિમ દર્શન માટે બોલાવી. પતિની સ્મશાનયાત્રા નીકળતાં જ કેટલીક સ્ત્રીઓએ વાળંદને બોલાવી રમાનાં વાળ ઉતરાવ્યાં ત્યારે એની કારમી ચીસથી સમગ્ર વાતાવરણ કંપી ઉઠ્યું. સ્નાન કરાવી કાળો સાડલો પહેરાવ્યો અને આજીવન આ જ પરિધાનનો આદેશ મળ્યો. સાંભળતાં જ રમા આક્રંદ કરી ઊઠી અને એની લાચાર આંખો પિતા સામે મંડાઈ, જાણે કહી રહી કે મને આમાંથી છોડાવો. દુઃખી માવતર ત્યારે તો ભારે હૈયે રમાને આક્રંદ કરતી મૂકીને ઘરે આવ્યાં.

વ્યથિત પિતાને રમાની લાચાર આંખો જાણે પીછો કરી કહી રહી હોય કે આમાંથી છોડાવો. એકાદ મહિના પછી હિંમત ભેગી કરીને રમાનાં સાસરે જઈ પિતાએ રમાનાં સસરાને જણાવ્યું," હું હંમેશ માટે રમાને લેવા આવ્યો છું. હું એને આ સ્થિતિમાં આખી જિંદગી ન રાખી શકું." સાસરિયાનાં સખત વિરોધને અવગણીને તેઓ રમાને પિયર લઈ જ આવ્યાં.

બીજે દિવસે રમાને પહેલાં જેવાં ઘાઘરો પોલકું પહેરવા આપ્યાં. માથે વાળ ઊગ્યા પછી શાળામાં મોકલી. રમાને હસતી રમતી જોઈ પિતાની આંતરડી ઠરી.

રમા સારું ભણીને શિક્ષિકા બની. વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમથી ભણાવતી. સારાં રીતભાત શીખવતી. શાળામાં ન આવી શકે એવી છોકરીઓ અને પ્રૌઢ સ્ત્રીઓને રાત્રે અક્ષર જ્ઞાન આપતી. કુરિવાજો સામે સામુહિક લડત આપી બંધ કરાવ્યાં. હા, દીકરીનાં શાળાપ્રવેશને તે ગોળધાણાથી અચૂક વધાવતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract