Varsha Vora

Drama Inspirational Thriller

3  

Varsha Vora

Drama Inspirational Thriller

ગોખલે ગોખલે દીવા

ગોખલે ગોખલે દીવા

6 mins
12.9K


વર્ષો પહેલાની વાત. મોહમયી મુંબઈ નગરી, ઊંચી ઊંચી ગગનચુંબી ઇમારતો અને બેઠા ઘાટની મહેલાતો વચ્ચે હાડોહાડ ઉભરાતી ગીચ વસ્તી અને ચાલીઓ, જાણે હોડ લાગી'તી ગામડેથી ઉચાળા ભરવાની. મુંબઈ જઈને નસીબ અજમાવવાની. કેમ ના હોય? મુંબઈ તો સ્વપ્નોની નગરી કહેવાતી, ઓટલો કદાચ ના મળે પણ રોટલો તો રળી શકાય જ એ મુંબઈની ખાસિયત હતી.

મુંબઈમાં રહેતો એક ભાઈબંધ દિવાળીએ ગામડે આવે ને એ ભાઈબંધો ભેગા થઇ ગામને ચોરે બેસીને મુંબઈની વાતો કરે. ભાઈબંધ જીગો પણ એવી છટાથી વાત કરે કે દરેક આંખોમાં મુંબઈ જવાના શમણાં જાગે. એમાંના એક કેશવનાં દાદા.

કેશવનાં દાદાએ પણ મુંબઈની વાટ પકડી.. ગુજરાતનાં વેરાવળ-જાફરાબાદની માછીમાર કોમના, પોતે મુંબઈ જઈને જે કામ મળશે એ કરીશ પણ મુંબઈ જઈશ ની જીદ લઈને બેઠેલા. લાગતા વળગતાની ઓળખાણથી એમને મુંબઈના પરામા કાપડિયા શેઠના બંગલે નોકરી મળી ગઈ. કામ ખંતથી કરે એટલે બંગલાની બહાર જ એક નાની શી ઝૂંપડી શેઠે એમને રહેવા માટે બનાવી દીધી. શેઠ માટે ઝૂંપડી પણ દાદાનું તો ઘર કહેવાય. ધીરે ધીરે પોતાના કુટુંબને બોલાવી લીધું. કેશવના પિતાએ પણ એજ કામ કર્યું પણ થોડા થોડા પૈસા બચાવીને પોતાનું ઘર કહેવાય એવી એક રૂમ એક બેઠાઘાટની ચાલીમાં લીઘી.

ત્યાંજ કેશવનો જન્મ. નામ સાથે જ જાણે ગુણ પણ એવાજ. ગોરો દેહ, માંજરી આંખો, પરાણે વહાલું લાગે એવું સ્મિત. જોડેની રૂમમાં એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ કુટુંબ રહે. ભાઉની નોકરી સરકારી. કામ અને ઘર સિવાય બીજી કોઈ લપ્પન છપ્પન નહિ. એમને એક દીકરી ગીતા..

ગીતા અને કેશવ નાનપણથી સાથે ભણવા જતા. બાળપણથી જવાની સુધી તો નિર્દોષ મસ્તી જ હોય. પણ પછી એ મસ્તી ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ એ બેમાંથી એકેય ને ખબર ના પડી. કેશવની માં દીકરાનું મન કળી ગઈ પણ પતિ અને સમાજનો ડર અને સામે છેડે બ્રાહ્મણ કુટુંબ, એ શા માટે એની છોકરી માછીમાર કોમમાં દે? એટલે ફરીથી એક બાળપણની દોસ્તીમાંથી પ્રેમમગ્ન થયેલ એક જોડી એ સમાજના કહેવાતા જાતપાતના નિયમોને આધીન પ્રેમભગ્ન થવાની ફરજ પડી.

કેશવ અને ગીતાએ માબાપની ઈચ્છાને માન આપીને દરેક મર્યાદાનું સ્વેચ્છાએ પાલન કરવાનો નિર્ણય કર્યો. ગીતાએ એના ઘરમાં જણાવી દીધું કે હું આવતા જન્મે કેશવની થઈશ. મારે મન બીજાબધા ભાઈ બાપ છે. એના આ અડગ નિર્ણય સામે ભાઉ અને એમની પત્ની કાંઈ કહી ના શક્યા. ગીતાએ દલીલ કરી કે હું તમારું એક માત્ર સંતાન છું એટલે તમારા ઘડપણની જવાબદારી પણ મારી છે. પણ કેશવનું કઈ ઉપજ્યું નહિ. મૂળ માછીમાર કોમ એટલે થોડી આકરી અને કેશવ એક માત્ર સંતાન એટલે આગળ પેઢી વધારવાની એની જિમ્મેદારી પણ એટલી જ. માની ચિંતા અને બાપના ડરમાં એણે લગ્ન કરવાની કમને પણ, હા પાડી.

માએ પણ કેશવ માટે સુંદર અને ગુણિયલ છોકરી શોધી કાઢી. હેમા એનું નામ. મનમાં કહે કે મારા કેશવનું મન ભર્યું ભર્યું રહે એટલે બસ. ધામધૂમ થી લગ્ન લેવાયા. લગ્ને ગામડે જઈ કાર્ય એટલે અહીંયા ગીતાને વેદના ઓછી થાય અને પાડોસીને કઈ નીચાજોણું ના થાય. કહેવાતા અભણ માણસોની કેટલી ઉમદા સમજ.

હેમા ગામડેથી મુંબઈ આવી. બધું નવું. ઘર અને બહાર. હેમાને પતિનો પ્રેમ અને સાસરામાં માન મળતું એટલે ધીમે ધીમે એ મુંબઈમાં રહેવા ટેવાવા માંડી. પણ એના હૃદયમાં હંમેશ એને ક્યાંક કંઈ ખૂટતું હોય એમ લાગતું. એ ઘણીવાર એના સાસુને પૂછતી, બા, આ બાજુવાળા ગીતાબેન કેટલા સુંદર અને ભણેલા છે. એમના લગ્ન કેમ નથી થયા? માં કેહતી, આપણે શું પંચાત? વાત તો ટાળી દીધી પણ એની વહુના એક નિર્દોષ પ્રશ્નથી એમનું ખુદનું હૈયું વીંધાઈ જતું. પોતે પણ એક સ્ત્રી તો ખરાજ ને.

વર્ષો વીતતા ગયા. હેમાએ બે છોકરી ને પછી ત્રીજા ખોળે દીકરાને જન્મ દીધો. ઘરમાં આનંદમંગલ છવાઈ ગયો. આસપાસમાં પેંડા વેચ્યા. હેમા પોતાના પતિ, ત્રણ બાળકો અને સાસુ સસરાની બરાબર સંભાળ રાખતી. સાથે સાથે રસોઈના કામ પણ કરવા જતી. સુંદર અને સુઘડ હોવા છતાંયે એના મુખ પર કોઈ દિવસ ના હાસ્યનાં ભાવ હોય, ના કોઈ દિવસ આંખમાં ખુશી છલકતી હોય. જાણે બધું યંત્રવત ચાલે. ન કોઈ ફરિયાદ, ના કોઈ આનંદ. માત્ર અને માત્ર ફરજ ફરજ અને ફરજ.

હેમાની મોટી પુત્રીનું ગીતા ખુબ ધ્યાન રાખતી. પોતાની પુત્રી હોય એમ જ એને શણગારતી, ભણાવતી, રમાડતી.. એને થોડું આશ્ચર્ય થતું. વખત જતા ખુલાસો થયો અને એનું મન ભાંગી ગયું. હેમા એના સાસુને કહે કે બા તમે કેમ આમ કર્યું? તમારા પુત્રને ગીતાબેન ગમતા'તા તો તમારે એમને પરણાઈ દેવાતા’ને? સાસુ નિરુત્તર રહ્યા. એમની આંખોમાં ભીનાશ ફરી વળી. એક સ્ત્રીએ એક બીજી સ્ત્રીનું હૃદય વીંધી નાખ્યું. એમને અપરાધભાવ જાગ્યો, એમણે વહુની માફી માંગી, કહ્યું બેટા મને માફ કરી દે, હું તારી ગુનેગાર છું. હેમાએ સાસુ ના હાથ પકડી લીધા. બંને ખુબ રોયા. બા, મારી ક્યાંય ભૂલ નથી તોયે હું તો એકલી ને એકલી? પ્રશ્ન તો વજનદાર હતો પણ બાથી ના જીરવાયો. એમણે મૌન સાધ્યું.

કહેવાતું ભણતર નોહ્તું પણ ગણતર ઠાંસી ઠાંસી ને ભરેલું. એકવાર ગીતાબેનને એકલા જોઈને એમના ઘરમાં હેમાએ ડોકિયું કર્યું, 'અંદર આવું ગીતાબેન?'

'હા, આવને' ગીતાએ કહ્યું. ગીતા હેમાને નામથી બોલાવતી, કારણ ભાભી કહે તો કેશવ ભાઈ થઈ જાયને, જે એને મંજુર નોહ્તું.

'મારે ઘણા વખતથી એક વાત તમને પુછવી છે.' હેમાએ કહ્યું.

'હા પૂછને, કાંઈ તકલીફ છે?'

'ના ના, તકલીફ કાંઈ નથી. મારા વર કેશવને હું ખુબ પ્રેમ કરું છું અને એ પણ મને સારી રીતે રાખે છે પણ ક્યાંક કાંઈ ખૂટે છે. અમારા સંબંધોમાં હૂંફ કે લાગણીનો અભાવ છે. જીવન જિવાઈ રહ્યું છે. તમને કાંઈ ખબર છે? તમે તો કેશવ ને બાળપણથી ઓળખો છો.'

અને ....ગીતાનાં હૃદયનો બંધ તૂટી ગયો. અંદરનાં દુઃખોનો લાવારસ વહેવા મંડ્યો. એના મનની વેદના ક્યારનીયે બહાર આવું આવું થતી હતી એટલે એ વેદના આંખોમાંથી અશ્રુ રૂપે અને મુખમાંથી શબ્દો રૂપે વહેવા માંડી. 'હું ગુનેગાર છું તારી, હેમા. કેશવની હૂંફ અને લાગણીઓ મારી સાથે બંધાયેલી છે. પછી તો ગીતાએ હેમાને બધી વાત માંડીને કરવા માંડી. અને અહીં હેમાના મનમાં વર્ષોથી જામીને પડેલા એક એક પ્રશ્નોના ઉકેલ મળતા ગયા. અને એના જીવનમાં ઉઠતા વમળોએ પણ શાંત થવા માંડ્યું.

એ લગભગ હતપ્રભ થઈ ગઈ હતી. એ જ ક્ષણે ગીતાએ એનો હાથ પકડી અને પ્રાયશ્ચિત કરતા કહેવા માંડ્યું કે કેશવ આ જન્મે માત્ર મનથી મારા છે. અમે કોઈ મર્યાદા ઓળંગી નથી. હેમા..તું ફિકર ના કરીશ. જે તારું છે એ તારું જ છે. અને રહેશેજ, હું તારા પ્રેમમાં ભાગ નહિ પડાવું. તારી પુત્રીમાં હું મારી પુત્રી ને જોવું છું એટલે હું એને ખુબ લાડ લડવું છું. બોલ એમાં તો તું મને સમંતિ આપીશને?

અપલક નયને હેમા સાંભળતી જ ગઈ. અને કોઈને સમજાય નહિ એવા કૈક શબ્દો બોલવા માંડી. શાળાના પગથિયાં ના ચઢનારી કે પુસ્તક અને પોથી ના વાંચનારી હેમા પોતાની માના મોઢે કૃષ્ણ, રાધા અને રુક્મણિની ઘણી વાતો નાનપણમાં સાંભળતી હતી. અને એ સંબંધોને પોતાની વ્યથામાં ગોઠવતી હતી. શું સતયુગમાં મારા પતિ કેશવ જ કૃષ્ણ હશે, હું રુક્મણિને ગીતાબેન રાધા હશે? હું કેશવની પત્ની ખરી પણ પ્રેમિકા તો ગીતાબેન જ ને? અને અમને ત્રણેને સાથે રહેવાનો પરવાનો આ સમાજ આપશે? અમારા બાળકો આ સંબંધને મંજુર કરશે?

હું શું કરું? હે માડી રે,

પતિની થઈને પણ હું જે ઝંખું છું એ મારુ છે જ નહિ. ગીતાબેન? ગીતાબેન નો પ્રેમ પણ એમનો નથી. અને કેશવ? કેશવ?

એ તો આ ચક્કીમાં પીસાઈને પણ ઉજળા બનીને રહી શક્યા છે.

એનાં કરતાં તો મીરાની ભક્તિ સારી. ન પામવાની ખેવના, ન વિરહની વેદના,

બસ માત્ર કૃષ્ણભક્તિ!

ગીતા અને હેમાનો આખો સંવાદ દરવાજા પાછળ છુપાઈને ઉભેલા હેમાના સાસુએ સાંભળ્યો. એમની એક આંખ હસતી હતી અને એક આંખમાં આંસુ હતું. કૃષ્ણ ભગવાનની છબી સામે દીવો કરીને માથે પાલવ ઓઢીને એમણે પ્રભુનો પાડ માન્યો. સૌ સારું જેનું છેવટ સારું. ડોહળાયેલા નીર શાંત થાય પછી સ્વયં સ્વચ્છ થઈ જશે અને એમજ આ બંને સ્ત્રીઓના જીવન પણ નિર્મળ થઈ જશે.

કાનુડા તારો લાખ લાખ ઉપકાર

અને એજ વખતે કેશવે એની માના ખભે હાથ મૂકીને પૂછ્યું

માં શું થયું?

માં કહે કાંઈ નહિ બેટા, ચાલો કોડીયા ભરીયે. આજે તો મારે ગોખલે ગોખલે દીવા કરવા છે. આજની દિવાળી તો કંઇક જુદીજ છે. કેશવ કાંઈ સમજ્યો નહિ પણ એના મનમાં પણ કાંઈ સારું થયાના એંધાણ તો આવ્યા જ.

ઘરના આંગણે એના ત્રણે બાળકો ગીતાબેન અપાવેલ ફટાકડા ફોડતા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama