Raman V Desai

Classics

0  

Raman V Desai

Classics

ઘડતર ૨

ઘડતર ૨

14 mins
478


'ચાલ હવે. બહુ થયું.' બારતેર વર્ષની ઉલેર ઘાટની તેજલે સહજ દૂર ઝાંખરાનાં મૂળિયાં કાઢી ભેગા કરતા એની જ ઉમ્મરના એક કિશોરને કહ્યું.

નદીના વિસ્તારમાં લીલોતરીની સુકાઈ ગયેલી જડ ખૂબ પ્રમાણમાં મળી આવતી હતી. સંઝેર ગામનાં છોકરાં ઢોર ચારવા, ઢોરને પાણી પાવા નદીના વિસ્તારમાં રખડતાં અને રમતાં. રમતાં રમતાં ઘરનાં બળતણ પણ ભેગાં કરતાં. સુકાયલા થોર, બાવળની ડાળ, ઝાડનાં મૂળિયાં અને અડાયાંનો સંગ્રહ કરવો એ તેમનું એક રોજનું કામ હતું. વસતીના પ્રમાણમાં નદીનો અને પડતરનો વિસ્તાર ખૂબ મોટો હતો.

'તારે જવું હોય તો જા ને ! કોણ તને ઊભી રાખે છે' કિશોરે જવાબ આપ્યો.

'એમ કે ? જોઈ લેજે હવે.' કહી તેજલે ભેગો કરેલો ઝાંખરાંનો ભારો માથે લેવા ઊંચક્યો.

'ઊભી રહે, તેજલી ! હું ભારો ચઢાવું.' કિશોરે ઝડપથી પાસે આવતાં કહ્યું.

'જા, જા ! ભારો ચઢાવનાર મોટો ના જોયો હોય તો ! ઠિંગુજી !' તેજલે કહ્યું અને માથે ભારો લઈ તેણે આગળ ચાલવા માંડ્યું. કિશોર ઠિંગુજી તો લાગતો જ હતો. તેની અને તેજલની ઊંચાઈ લગભગ સરખી જ હતી. પરંતુ ભરાવદાર તેજલ વધારે ઊંચી લાગતી હતી. કિશોરને ધમકાવી શકે એટલી ઊંચાઈ તેની હતી. કિશોરનું નામ માનસીંગ. માનસિંગને ઠિંગુજી કહેવામાં તેજલ બહુ ભૂલ કરતી હતી એમ ભાગ્યે કહેવાય.

માનસીંગને ખોટું લાગ્યું. સાચને આંચ નહિ આવતી હોય, પરંતુ સાચ કહેનારને તો ચારે પાસ આંચ વચ્ચે જ ઊભા રહેવું પડે છે. તેજલને પથરો મારવો કે મુક્કો તેનો વિચાર કરતાં માનસીંગે તેજલનો ભારો પાડી નાખવા નિશ્ચય કર્યો. એનું પરિણામ શું આવશે એ માનસીંગ જાણતો હતો. માનસીંગ અને તેજલ વચ્ચે ઝઘડો થતો ત્યારે તેજલ બરાબર માનસીંગની સામે થતી, અને મુક્કાનો જવાબ મુક્કાથી વાળતી. એકબે વર્ષ થયાં બન્નેમાંથી કોઈએ મારામારી કરી ન હતી. ભારો ઊંચકી ધીમે પગલે તેજલ જવા લાગી: માનસીંગ તેની પાછળ ગયો.

નદીની અડધી કરાડ ઉપર આવી તેજલે સહજ પાછળ જોયું. સામે પશ્ચિમમાં સૂર્ય નમતો હતો. ગામનાં ઢોર પાછાં વાળતા કેટલાક છોકરાઓ દૂરથી આવી રહ્યા હતા. માનસીંગ સહજ દૂર હતો. બંનેની આંખ મળતાં માનસંગે આંખ ફેરવી લીધી. તેજલ સહજ હસી અને ઝપથી આગળ વધી. તે સમજી ગઈ કે માનસીંગને ખોટું લાગ્યું છે. અને ખોટું લાગતું ત્યારે તેજલ સાથે તે ભારે ઝઘડો કરી ઊઠતો એની તેજલને ખબર હતી. બહુ દિવસથી ચીઢવી નહિ શકેલી તેજલે આજે માનસીંગને ચીઢવવાનો નિશ્ચય કર્યો હતો, એ નિશ્ચય ફળીભૂત થયો.

તેજલ ટેકરો ચઢી માતાજીના બાગ પાસે પહોંચી. ચોરપગલે માનસીંગ પાછળ આવતો હતો. એનો લંબાતો પડછાયો પાસે આવી ગયો. માનસીંગ ભૂલી ગયો હતો કે પડછાયા પણ પુરાવા આપે છે. એના મનમાં એક જ વાત હતી: પાછળ જઈ ધક્કો મારી તેજલનો ભારો પાડી નાખવો!

પરંતુ માનસીંગ પાસે આવી ધક્કો મારે તે પહેલાં તો તેજલે ભારો જમીન ઉપર નાખી દીધો અને પાછળ ફરી એકાએક માનસીંગ સામે ઊભી રહી.

'કેમ મારો ભારો પાડી નાખ્યો ?' તેજલે કહ્યું.

'જૂઠું નામ ન દઈશ. તને અને તારા ભારાને કોણ મારો ભા અડવા બેસી રહ્યો છે ?' માનસીંગે જવાબ આપ્યો.

'મને અડે તો અડબોથ ના મેલું ?' તેજલે ધમકી આપી.

'લે, આ અડ્યો !' કહી માનસીંગે તેના હાથનો સ્પર્શ કર્યો.

તેજલે માનસીંગને બળપૂર્વક ધક્કો માર્યો. માનસીંગને માથેથી ભારો પડી ગયો. માનસીંગનો ક્રોધ અમાપ બન્યો અને તેજલ હસી પડી.

'શું કામ મારી પાછળ આવ્યો ?' હસતાં હસતાં તેજલે કહ્યું.

'તે તારા બાપનો રસ્તો હશે, ખરું ને ?'

'હા, સંઝેરનો એકેએક રસ્તો મારા બાપનો છે. પણ હવે બહુ લઢકારો ન બન. હું ભારો ચઢાવું.' તેજલને માનસીંગનો ગુસ્સો હસાવી રહ્યો હતો.

'ચઢાવ્યો તેં !' કહી માનસીંગ ભારા ઉપર બેસી ગયો.

સંધ્યાકાળનો ઊનો પવન અગ્નિ વરસાવતો હતો, પરંતુ તેજલ કે માનસીંગને લૂ લાગવાનો સંભવ ન હતો. બન્ને કાળાં હતાં. કાળા રંગમાં ટાઢ અને તાપને નિવારવાની ભારે શક્તિ રહી છે.

'અલ્યા, તારી છબી પડી કે નહિ ?' તેજલે પૂછ્યું.

'શાની છબી ?' માનસીંગે પૂછ્યું.

'પેલા આવ્યા'તા ને આખા ગામની છબીઓ પાડવા !'

'કોઈએ પાડવા ન દીધી ને ?'

'બૈરાંની તે છબીઓ પડાય ? સારું થયું કે એ લોકો તુરત નાસી ગયા.'

માનસીંગે કશો જવાબ ન આપ્યો. આથમતા સૂર્યે ઊભા કરેલા સોનેરી ઢગલાઓને તે નિહાળતો આકાશ તરફ જોઈ રહ્યો હતો.

'લાવ, થોડી કેરીઓ પાડી જઈએ.' તેજલે કહ્યું.

'તું પાડ; મારે નથી પાડવી.'

'કેમ ?'

'બાવાજી ગાળો દે છે.'

'ગાળમાં ગભરાઈ ગયો ?'

'વખતે મારેયે ખરા.'

'એમ આપણે માર ખાઈએ ખરાં ને ! તે દહાડે કેવાં દોડી ગયાં હતાં?'

'મારે આજ દોડવુંયે નથી.'

'એમ કે ? જો આજ તને દોડાવું નહિ તો મારું નામ તેજલ નહિ !' કહી તેજલે પાસેના આંબા ઉપર પથરા ફેંકવા માંડ્યા. તેજલ મજબૂત હતી, માનસીંગ કરતાં ઊંચી દેખાતી હતી, છતાં પથરા ફેંકતાં જાણે તે અણઆવડતવાળી હોય એમ દેખાતું. છોકરાઓના હાથથી જેમ જોરભેર પથરો છૂટે તેમ છોકરીઓના હાથથી છૂટતો નથી. માનસીંગ હસ્યો. તેજલ સમજી ગઈ કે માનસીંગ તેની અણઆવડત ઉપર હસે છે. તેણે સહજ ફેરફાર કર્યો, અને માનસીંગે જોયું કે તેજલ પથ્થર ફેંકવામાં પણ કાબેલ બનતી જાય છે.

ત્રણચાર પથ્થર આંબામાં જોરથી વાગ્યા અને મંદિરની ધર્મશાળામાંથી એક અવાજ આવ્યો.

'કોણ મરવાનું થયું છે ?'

તેજલે ભારા પાછળ સંતાવાનો ડૉળ કર્યો. માનસીંગ પણ સહજ અસ્થિર થયો. તેને લાગ્યું કે તેણે આ સ્થળેથી દૂર જવું જોઈએ. તે ઊભો થયો અને ભારો ઊંચકવા નીચે વળ્યો.

'મને મૂકીને જવું છે?' તેજલે પૂછ્યું.

'તે શું કરે ? તને જંપ ક્યાં છે ? બાવાજીની કેરીઓ પાડતાં માર ખાઈશું, એનું તને ક્યાં દુઃખ છે ?'

'મને વળી કોણ મારે એમ છે ?'

'ત્યારે પાડ કેરીઓ ! મારે શું ?'

'લે જો, આ પાડી !' કહી તેજલે એક પથ્થર એવા જોરથી આંબામાં ફેંક્યો કે ત્રણેક કેરીઓનું એક ઝૂમખું નીચે તૂટી પડ્યું.

'હરામખોર ! માનતાં નથી કે? આવવા દો મને બહાર.' મંદિરમાંથી બાવાજી ઘૂરક્યા.

'બાવાજી ! પેલો માનિયો પાડે છે.' તેજલે માનસીંગનું ખોટું નામ દીધું.

'હમણાં ખબર પાડું છું. એ બદમાશ આજે બચવાનો નથી.'બાવાજીએ બહાર નીકળી મોટેથી બૂમ પાડી.

'લુચ્ચી, જુકી, ચોર ! બાવાજી ! મારું ખોટું નામ ન દેશો; આ તેજલીનું કામ છે.' માનસીંગ પોકારી ઊઠ્યો.

'તેજલી તેજલી કરીશ તો યાદ રાખજે, જીભડી કાપી જ નાખીશ.' હાથમાંનું દાતરડું દેખાડી તેજલ બોલી.

ધર્મશાળામાંથી એક પોલીસનો સિપાઈ કપડાં પહેરી બહાર આવ્યો. તેની પાછળ બીજા ત્રણચાર સિપાઈઓ નીકળી આવ્યા. માનસીંગ અને તેજલને સહજ ભય લાગ્યો.

સિપાઈઓથી સંઝેરનાં બાળકો ભય પામતાં હતાં. સંઝેર ગામમાં સિપાઈઓ આવે ત્યારે કાંઈ ને કાંઈ ભયપ્રદ બનાવ બનતો.

ગામનાં છાપરાંમાં બહારના લોકોને રહેવા માટે સ્થાન ન હતું. ફેરણી કરનાર સિપાઈ, ગામનું કામ કરનાર તલાટી કે ખેતરોના હદનિશાન જોતો સર્કલ ઇન્સ્પેક્ટર ભૂલે ચૂક્યે ગામમાં આવે તો તેને રહેવા માટે માતાની ધર્મશાળાનું જ મકાન મળતું. બનતાં સુધી આ ગામે ભાગ્યે જ કોઈ સરકારી નોકર આવતો. મોટે ભાગે પગેરાં કાઢવા અથવા આસપાસના બનેલા ગુનાની ભાળ કાઢવા માટે જ ન છૂટકે સરકારી નોકરો સંઝેર ગામે આવતા.

'જો, તેજલ ! સિપાઈ આવ્યો છે.' માનસીંગે કહ્યું. તેજલે આપેલી ધમકી તે વીસરી ગયો.

'ચાલ, નાસી જઈએ.' તેજલે કહ્યું અને ભારો પોતાની મેળે માથે ચઢાવી લીધો. માનસીંગે પણ તેમ જ કર્યું.

તેમની અને સિપાઈઓની વચ્ચે ઘણું અંતર હતું. સંધ્યાકાળ લંબાતો હતો. જતે જતે બન્ને કિશોર-કિશોરીએ પાછળ નજર કરી. નદીને રસ્તે ઘોડા ઉપર બેસી એક પોલીસ અમલદાર આવતો તેમણે જોયો. તેની સાથે છસાત બંદૂકધારી સિપાઈઓ પણ હતા.

'તેજલ ! આજ કેમ આટલા બધા સિપાઈઓ આવે છે ?' માનસીંગે પૂછ્યું.

'બાપાને ખબર આપીશું ?' તેજલે પૂછ્યું.

'હાસ્તો.'

બન્ને જણે ઝડપથી પગ ઉપાડ્યા; વચમાં વચમાં તેઓ પાછળ નજર નાખ્યા કરતાં હતાં.

'કેમ પેલા પોલીસવાળા જણાતા નથી ?' માનસીંગે પૂછ્યું.

'એ તો ધર્મશાળામાં પહેલાં ઊતરશે ને !' તેજલે જ્ઞાન દર્શાવ્યું. પોલીસને પણ ઊતરવા માટે ધર્મશાળા વિના બીજું કશું સાધન ન હતું.

'એટલા બધા ત્યાં માશે કેમ?'

'મોટા સાહેબ અંદર રહેશે, બીજા તો બહાર પડી રહે ને ?'

માનસીંગને પોલીસનો માત્ર આછો ભય લાગતો. આખા ગામનાં બાળકો પોલીસ, ભૂત, પ્રેત, ડાકણ, જીન, બ્રહ્મરાક્ષસ : એવી એવી કાળી પડછાયા સરખી યોનિના ભયમાં જ ઊછરતાં, એટલે પોલીસનું કામ બિવડાવવાનું જ હોય એમ એ માનતો. તેજલ ગામના મુખી ઘેમરસીંગની દીકરી હતી. એને પણ પોલીસનો ડર બીજાં બાળકો જેવો જ હતો. પરંતુ મુખીની દીકરી તરીકે તે હવે જાણીતી હતી કે તેના પિતાની સલાહ લઈને જ પોલીસવાળા બધું કામ કરતા હતા.

ગામ કાંઈ બહુ દૂર ન હતું. ગામમાં પાકું માળવાળું એકે ઘર ન હતું; બધાં જ મકાનો માટીનાં બનેલાં હતાં. મુખીએ પોતાના મકાનની એકાદ ભીંતે ઇંટો ઘાલી હતી. અને મુખીપણાને જોરે આંગણાંની ઘણી જમીન આંતરી લીધી હતી. આંગણામાં તેમનાં થોડાં ઢોર બંધાતાં અને એક લાકડાની પાટ વચમાં મૂકી હતી. ક્વચિત્ કોઈ અમલદાર કે શેઠશાહુકાર આવે તો તેને બેસાડવા એ પાટનો ઉપયોગ થતો. પરંતુ સામાન્યત: મુખી પોતે જ પાટ ઉપર બેસતા, હુક્કો ગગડાવતા અને ગામને એક લાકડીએ હાંકતા.

મુખી ઘેમરસીંગ સંધ્યાકાળે પાટ ઉપર જ બેઠા હતા. તેમની બરોબરીના ગામ આગેવાનોમાંથી બે જણ પાટ ઉપર મુખી જોડે જ બેઠા હતા, અને ચારેક યુવાનો પાટ નીચે જમીન ઉપર કે માટીના પાસે પડેલા ઢગલા ઉપર બેઠા હતા. ઘેમરમુખીનો હુક્કો તેમના હાથમાં જ હતો; બીજો હુક્કો મુખીને ઘેર આવેલા મિત્રો અને સાગરીતોમાં થોડી થોડી વારે ફરતો.

હુક્કો પીતે પીતે સહુ કોઈ અંદરઅંદર આછી વાતચીત કરતું.

વાતમાં કાંઈ ફિલસૂફી કે કવિત્વપ્રેરક તત્ત્વ ભાગ્યે દેખાતું. આસ્તે આસ્તે હુક્કાની નેહ મુખમાંથી કાઢી વરાળ ફેંકતા અને થોભિયાથી વિકરાળ લાગતા ઘેમર પટેલે પૂછ્યું : 'અલ્યા! જતનો ક્યારે છૂટે છે ?'

'આજકાલમાં છૂટવો જોઈએ, મોટા !' નીચે બેઠેલા એક માણસે ઠીકઠીક ક્ષણો પછી કહ્યું.

એના જવાબમાં મુખીએ પણ વાર લગાડી અને બેચાર વખત હુક્કામાંથી વરાળ કાઢી કેટલીક વારે કહ્યું : 'ધાર્યા કરતાં વધારે ઝપટાયો નહિ ?'

'બેત્રણ વરસમાં ક્યાં આભજમીન એક થવાનાં હતાં ?' પટેલને જવાબ મળ્યો. ગામનો કોઈ માણસ બેત્રણ વરસ કેદખાનું ભોગવે તેમાં ગામલોકોને આફત જેવું દેખાતું નહિ. મોંમાંથી નેહ બાજુ કરી પટેલ જરા હસ્યા.

અંધારું થવા આવ્યું હતું. ગામમાં દીવાની બહુ જરૂર દેખાતી ન હતી. કોઈ કોઈ ઝૂંપડીમાં દીવેલનાં કોડિયાં બળતાં હતાં અને ગામમાં ફાનસ તો ફક્ત બે જ હતાઃ એક પટેલને ઘેર અને બીજું બાવાજીની ધર્મશાળામાં. કોઈ અમલદાર કે મહેમાન–પરોણા આવે ત્યારે એ બે ફાનશો વપરાશમાં લેવાતાં. કુદરતે બનાવેલી રાતના અંધકારનો સામનો કરવા જેવી કૃત્રિમતા હજી સંઝેર ગામમાં ઝાઝી પ્રવેશી શકી ન હતી.

એકાએક તેજલે આવી ભારો નાખ્યો અને તે બોલી ઊઠી : 'બાપા ! સિપાઈઓ ગામમાં આવ્યા છે.'

'તને કોણે કહ્યું?' ઘેમર પટેલે પૂછ્યું.

'અમે નજરે ભાળીને આવ્યાં હું અને માનસીંગ બન્ને.' તેજલે કહ્યું. માનસીંગ માથે ભારો લેઈ જરા દૂર ઊભો રહ્યો હતો; તેણે તેજલના કથનને ટેકો આપ્યો : “હા, મોટા ! ખરી વાત. બહુ માણસો છે.'

'જાઓ છોકરાં ! ભાગી જાઓ. તમારું અહીં કામ નથી.' મુખી બોલ્યા. તેજલ ઘરમાં જતી રહી, પણ માનસીંગે ઝડપથી પગ ઉપાડ્યા નહિ.

તેણે મુખીને બોલતાં સાંભળ્યા : 'અલ્યા, ઝૂંપડાં ચોખ્ખાં છે ને ?'

'હા, મોટા !' કોઈએ જવાબ વાળ્યો.

'પેલો શેઠ મરવાનો થયો લાગે છે !' ઘેમરસીંગનો ધીમો ઘૂરકતો અવાજ માનસીંગે સાંભળ્યો.

'કયો શેઠ ?' કોઈએ પૂછ્યું.

'વડિયાવાળો ! એનો લોભ ક્યાં માય છે ?'

માનસીંગને પૂરી સમજ ન પડી છતાં એ એટલું તો સમજ્યો કે કોઈને માથે આજે આફત આવવાની છે. ભારો લેઈને એ પોતાની ઝૂંપડીએ ગયો. ઘરને આંગણે લીંપેલા ભાગમાં માનસીંગનો બાપ આડો પડ્યો હતો. માનસીંગને જોતાં બરોબર તે ઘૂરક્યો : 'આવ્યો આટલી વારે ! ખાવાનું કોણ તારો કાકો કરશે ?'

માનસીંગે જવાબ ન આપ્યો. તેણે ભારો ઘર પાસે મૂક્યો, અને બાપનો બોલ સાંભળ્યો જ ન હોય એમ ઘરમાં જવા લાગ્યો. માનસીંગનું ઘર એટલે ઝૂંપડી.

'જવાબ પણ નથી આપતો ! હમણાં ઊઠીશ તો ચીરી નાખીશ. બોલ, કેમ મોડો આવ્યો ?'

માનસીંગ જાણતો હતો કે તેનો બાપ ગુસ્સે થતો ત્યારે માનસીંગને ખૂબ માર મારતો. બે વર્ષ પહેલાં માનસીંગને મારની ભારે બીક લાગતી; માર પડતાં તે થરથરી ઊઠતો, નમી પડતો અને રડી ઊઠતો. બે વર્ષથી તેણે રડવાનું બંધ કર્યું હતું. મારનો ભય લાગતો ખરો અને તેનો થરથરાટ પણ થતો, પરંતુ માર પડતાં તેનો આખો દેહ બળવો કરી ઊઠતો, અને તેનું મન એ મારનો જવાબ વાળવા ઉશ્કેરાતું. માનસીંગ કરતાં એનો પિતા ઘણો વધારે મજબૂત હતો એટલે માનસીંગથી સામે થવાય એમ હતું નહિ. અને બાપનો બાળકોને મારવાનો હક્ક અને એ માર સહન કરવાનો બાળકનો ધર્મ સંઝેર ગામમાં એટલી ઉગ્રતાથી પાળવામાં આવતો હતો કે માનસીંગને બીજે દિવસે બાપની સામે થવાનો વિચાર આવ્યા બદલ પશ્ચાત્તાપ થતો. છતાં તે એટલું તો ઇચ્છતો જ કે તેનો દેહ ખૂબ જ ઝડપથી ઊંચો અને પહોળો બની જાય જેથી તેના દેખાવમાત્રથી તેના પિતાના હક્કની બજાવણી અટકી પડે.

'જરા વાર થઈ.'

'પેલી તેજલ જોડે રખડતો હોઈશ !' પિતાને ખબર હતી કે માનસીંગ તેજલની જોડે જ ફરતો હતો. લાકડાં કાપવાં હોય, ભારા બાંધી લાવવા હોય, માટી ખોદી લાવવી હોય કે ઢોર ચારવાં હોય, ગમે તે કાર્ય માટે જુદાં જુદાં મોકલેલાં માનસીંગ અને તેજલ કોઈ એક જગાએ દરરોજ ભેગાં થઈ ગયા વગર રહેતાં નહિ. સાથે બીજાં બાળક–બાળકી હોય તોય તેજલ અને માનસીંગ તેમનાથી છૂટાં પડી રમતાં હોય અગર કામ કરતાં હોય. મુખીની દીકરી ભેગા રમવું માનસીંગને ન પાલવે એમ માનસીંગના પિતાએ નક્કી કરી રાખેલું હતું ને પોતાના દીકરા પ્રત્યે કોઈ પણ બહાને ચિડાવાનો ધર્મ બજાવવો જ જોઈએ એમ માની બેઠેલા પિતાને એ પરિસ્થિતિ કાયમ લાભ આપતી હતી. બીજા બધા ગુના માનસીંગે નહિ કર્યા હોય, પણ તેજલ જોડે રમવાનો ગુનો તો તેણે હરગિજ કર્યો જ હોવો જોઈએ એમ નક્કી કરી બેઠેલા પિતાને માનસીંગ લઢવાનું અને માર મારવાનું નિત્ય કારણ આપતો હતો. આજે પણ એણે એ ગુનો તો કર્યો જ હતો. પરંતુ એ ગુના બદલ પ્રશ્ન પુછાતાં તેણે સીધો જવાબ ન આપ્યો અને પિતાના માનસને તેણે મરડી નાખ્યું.

'ગામમાં સિપાઈઓ આવતા ભાળ્યા એટલે મુખીને કહેવા ગયો.' માનસીંગે કહ્યું.

'મોટો મુખીને કહેવાવાળો ! જા અંદર. અને ભડકું રાંધ્યું છે તે ખાઈ લે !' પિતા તરફ માનસીંગ જોઈ રહ્યો. તેનું વર્તન બદલાયેલું લાગ્યું. પોલીસને નામે તે સહેજ નરમ પડી ગયો દેખાયો ? કે વાત્સલ્યનો એકાદ ઝરો તેના હૃદયમાં વહી ઊઠ્યો ? પિતાને રસોઈ કરવી પડી એ પણ માનસીંગને જરા ખૂંચ્યું.

પરંતુ સંઝેર ગામના લોકોની રસોઈમાં હોય શું ! છાશ, જુવાર–બાજરીનો લોટ, મીઠું અને મરચું. કદી બંટી-બાવટો કે ચીણો વપરાય. નહાવા–ધોવાના નિયમિત ક્રમને સંઝેરના લોકો ગણકારતા નહિ; ઘણું ઘણું તો સાંજ પડ્યે લોકો નહાય. પરંતુ તેમાં નિયમિતતા તો નહિ જ. નહાવાધોવાનું ધાંધલ *[૧]ટીલવો કરે કે કોઈ ભગત કરે, એમ લોકોની માન્યતા હતી. માનસીંગ અંદર ગયો.

'લે ! ક્યારની બેસી રહી છું, ખાઈ લે.' સ્ત્રીનો અવાજ આવ્યો. માનસીંગ ચમક્યો. ટાઢા પડી ગયેલા ચૂલા પાસે મંગી બેઠી હતી. કોઈ દિવસ નહિ અને આજે મંગી ક્યાંથી ?

મંગી ગામનો ઉતાર હતી. મંગીએ માનસીંગનું બૂરું કર્યું ન હતું. પરંતુ તેજલે એક દિવસ એવો મત દર્શાવ્યો હતો કે મંગી ગામનો ઉતાર છે, ત્યારથી મંગી તરફ માનસીંગ ધૃણાની દૃષ્ટિએ જોતો થયો હતો. અલબત, મંગી તેને કોઈ કોઈ વાર બોલાવતી અને ધાણી, બોર કે સીતાફળ પણ આપતી. તે કોઈ વાર છાપરીએ આવતી અને માનસીંગના પિતા જોડે ઝડપથી વાત કરી ચાલી જતી. એ સમયે માનસીંગે કદી ન જોયેલું સ્મિત પિતાના મુખ પર ખીલી નીકળતું હતું. ખેતરની વાડ સમી કરતી વખતે પણ મંગી કોઈ કોઈ વાર દેખાતી, અને માનસીંગનો પિતા તેવે પ્રસંગે માનસીંગને ભાવથી ઘેર વિદાય કરી દેતો હતો એનું પણ તેને ભાન હતું.

ટીલાવાળો બ્રાહ્મણ.

આમ એકંદર માનસીંગના જીવનમાં મંગીનો પ્રવેશ સુખકર હતો. છતાં માનસીંગને મંગી તરફ સદ્ભાવ થયો જ નહિ, કારણ તેજલનો અભિપ્રાય મંગી માટે સારો ન હતો.

માનસીંગને જમતા પહેલાં હાથપગ ધોવાની જરૂર ન હતી. નીચું જોઈ તેણે માટીના શકોરામાં મળેલી ઘેંસ ખાવા માંડી. તેને વરસ દિવસથી ખાવાનું ભાવતું નહિ. તેની માના હાથની રસોઈ તેને ઘણી ગમતી પણ તે તો વરસ દિવસથી ગુજરી ગઈ હતી. એ જતાં માનસીંગનું બધુંય બાલસુખ અદ્રશ્ય થઈ ગયું હતું. પિતાના રોષ અને મારમાંથી માનસીંગને બચાવવા જતાં માનસીંગની માતા પણ ઘણી વખત જાતે, માર ખાઈ લેઈ પુત્રના દુઃખમાં ભાગ પડાવતી હતી. માનસીંગની ફાટેલી ડગલી કોઈ ન સમજી શકે એવી ચાલાકીથી સીવી આપી માતા પુત્રને નવું વસ્ત્ર પહેર્યાનો આનંદ આપતી હતી – જોકે માનસીંગનાં કપડાં ફાડવાના પ્રયોગો સતત ચાલ્યા જ કરતા હતા. કુશ્પીમાતાના ઉત્સવ પ્રસંગે આખા ગામનાં બાળકો કરતાં માનસીંગ વધારે સારો દેખાય એવી તરકીબ તે કરતી ને મેળામાંથી પાછા ફરતાં તે કાળજીપૂર્વક માનસીંગની નજર ઉતારતી. માનસીંગનું તોફાન ભારે હતું એટલે કોઈ વાર તેની મા તેને મારતી પણ ખરી. પરંતુ માનસીંગને રડતો જોઈ તે પણ રડવા બેસતી અને માતાને રડતી અટકાવવા ખાતર પણ માનસીંગ પોતાનો ભેંકડો અટકાવી દેતો હતો. જગતમાં કોઈ પણ સારું માણસ હોય તો માનસીંગના મત પ્રમાણે તેની માતા જ હતી, બીજા બધાં પ્રત્યે માનસીંગને એક પ્રકારનો અભાવ ઉત્પન્ન થતો. અને તેની માતાના મૃત્યુ પછી એ અભાવ ઘણો વધી ગયો. તેજલ કાંઈક ઠીક હતી, પણ એ ક્યાં સુધી ઠીક રહે તે સમજાતું નહિ. મુખીની દીકરી તરીકે એનામાં અભિમાન હતું, એને લીધે એ વારંવાર લડ્યા કરતી. પણ આમ બીજા બધા કરતાં તે વધારે સારી હતી. છતાં માની તોલે ન જ આવે.

અને મંગી તો વળી આખા ગામનો ઉતાર કહેવાતી. એ કેમ કરીને સારી હોય ? લોકોમાં ચાલતી એક વાત બાળકોના ટોળામાં પ્રવેશ પામી ગઈ હતી. અને માનસીંગે પણ જાણ્યું હતું કે અભાજી સાથે મંગી નાતરું કરવાની હતી. માનસીંગના પિતાનું નામ અભાજી હતું. મંગી યુવાન વિધવા હતી. માનસીંગથી એમાં વિરોધ કરી શકાય એમ હતું જ નહિ. છતાં માનું સ્થાન લેવા તત્પર થયેલી મંગી પ્રત્યે મૂંગો વિરોધ કેળવવા જેટલી સમજણ માનસીંગમાં આવી હતી. એ કારણે તે મંગીના સદ્ભાવને પણ ગણકારતો નહિ.

'લે, જરા વધારે આપું ?' મંગીએ ભાવિ પુત્રને આગ્રહ કર્યો.

'નહિ જોઈએ.' માનસીંગ બોલ્યો.

'મૂઆ ! ભૂખે મરી જઈશ. જરા નિરાંતે બેસીને ખા તો ખરો ?' મંગીએ વહાલ કર્યું.

'હવે ભૂખ નથી.'

'કાલે ઢેબરું કરી આપીશ - રાતે. તને ભાવશે ?'

'તું શું કરી આપતી'તી ! મારા હાથ નથી ?' માનસીંગે કહ્યું. તેની આંખમાં ગુસ્સો હતો.

મંગી સમજી અને હસી. પછી બોલી : 'જો ને પીટ્યાની આંખ કેટલાં કાતરિયાં ખાય છે ! બાપ આટલું મારે છે તોય આ ભમરાળનો મિજાજ મટતો નથી !'

બહાર સૂતેલા અભાજીએ મંગી અને માનસીંગ વચ્ચે થતી વાત સાંભળી, અને તે ઘૂરક્યો :

'કેમ અલ્યા ! જીભડી બહુ ચાલે છે કે ? હમણાં ઊભો થાઉં એટલી વાર ! ધબેડી જ નાખીશ.'

'એ તો બોલે, તું તારે ખા ને ! અને હું ઘરમાં આવીશ એટલે તને હાથ પણ નહિ અરાડવા દઉં !' મંગીએ કહ્યું.

માનસીંગ આશ્ચર્ય પામ્યો. એને લાગ્યું કે એની મા મંગીની જીભે બોલે છે. મા ભૂત તો નહિ થઈ હોય? એની મા એટલી સારી હતી કે તે ભૂત થાય એમ માનસીંગના માન્યામાં આવ્યું નહિ. છતાં તે પોતાની કાળજી રાખવા ભૂત સ્વરૂપે પણ જીવતી હોય તો ખોટું નહિ એમ તેને લાગ્યું. ભૂતથી ભય પામવો કે ખુશી થવું એની એને સમજ પડી નહિ.

'પણ જો, હમણાં કોઈને કહીશ નહિ કે મેં આવીને ઘેંશ કે ઢેબરાં બનાવ્યાં છે.' મંગીએ આશ્ચર્યથી તેની સામે જોતા કિશોરને કહ્યું. મંગી કહેવાતી હતી એટલી ખરાબ ન પણ હોય. એનું મુખ હસતું રહેતું... અને... અને તે રૂપાળું પણ હતું. માનસીંગે આજે રૂપની પહેલી પરખ કરી એમ એને લાગ્યું.

'કેમ ના કહું ?' માનસીંગે પૂછ્યું.

'ગામમાંથી મને અને તારા બાપને બન્નેને કાઢી મૂકે. આ તો તારી દયા ખાઈ હું છાનીછપની આવ્યા કરું છું.'

'લોકો તો કહે છે કે તમે અહીં ઠામ...' માનસીંગ બોલ્યો. તેના વાક્યને પૂરું ન કરવા દેતી મંગીએ કહ્યું : 'છાનો મર !'

માનસીંગે મંગીના મુખ ઉપર રંગભરી વાદળીઓ રમતી જોઈ.

ટગટગતો દીવો આંખને કશું નવું નવું ઓળખાણ કરાવતો હતો. મંગી ખરાબ ન હોય એમ માનવાનું માનસીંગને મન થયું.

અને એટલામાં તો ગામમાં હાજરીનું ઢોલ વાગ્યું. અભાજી એકાએક ઊઠીને બેઠો થયો. માનસીંગે ઝટપટ ખોરાક પૂરો કર્યો અને નહિ જેવા પાણીથી હાથમોં ધોઈ ડગલી વડે હાથ અને મોં લૂછી નાખ્યાં. મંગીએ ઘેંશનું માટલું બાજુએ મૂકી દીધું, અને માનસીંગનું ખાધેલું શકોરું માટલા ઉપર ઢાંકી દીધું. માનસીંગ બહાર નીકળ્યો, અને મંગી અંધારામાં જાણે તેને કોઈ જોતું ન હોય તેમ છુપાઈને ચાલી ગઈ. પાસે આવેલી ઝૂંપડીઓમાં પણ ઢોલના ઢમકારે જાગૃતિ આવી ગઈ હતી, એટલે ઘણાં માણસોએ મંગીને આમ જતી જોઈ. પરંતુ એ બાઈ આમ ઘણીયે ઝૂંપડીઓમાં બહેનપણીઓને મળવા માટે જતી.

માનસીંગ ઢોલ સાંભળતો ઊભો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics