ગબ્બર સિંગ- મારું મનપસંદ ફિલ્મી વિલન પાત્ર
ગબ્બર સિંગ- મારું મનપસંદ ફિલ્મી વિલન પાત્ર
સવાર સોળે કળાએ ખીલી ઉઠેલ હતી, વાતાવરણ પણ મનમોહક બની ગયું હતું, ચારેબાજુએથી ઊંચી ઊંચી પર્વતમાળા અને ટેકરીઓથી ઘેરાયેલું ગામ એટલે રામગઢ, રામગઢ પર જાણે ઈશ્વર ખુદ પોતાનો હેત વરસાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, રામગઢની ચારે બાજુએ ઊંચા ઊંચા પહાડો આવેલ હતાં, ગામની પાદરે ખળ - ખળ વહેતી કરીને મુક્તમને નદી વહી રહી હતી, જે રામગઢની શોભામાં વધારો કરી હતી, ઊંચા ઊંચા પહડો એ જાણે લીલી છમ ચાદર ઓઢેલ હોય તેમ ચારેકોર આંખોમાં તાજગી પ્રેરી દે તેવી હરિયાળી છવાય ગયેલ હતી.
ગામની બહાર આવેલ આવી જ એક ટેકરીઓ અને પહાડોની પેટાળમાં ગબ્બર સિંગ પોતાનાં અડ્ડામાં બેસેલ હતો,એ સમયમાં ગબ્બર સિંગ નામ જ એટલું ડરામણું હતું, કે આ નામ સાંભળતાની સાથે જ સારા સારા મર્દ મુછાળાને પરસેવો છૂટી જતો હતો, આખા રામગઢમાં ગબ્બર સિંગનાં નામની ધાક વર્તાતી હતી, ગબ્બર સિંગનો ડર એટલી હદે પ્રવર્તતો હતો કે જ્યારે નાનું બાળક રડે તો તેની માં તેને કહેતી હતી કે, "બેટા ! સુઈ જા...નહીંતર ગબ્બર સિંગ આવી જશે..!" અને આ સાંભળીને નાના બાળકો સૂઈ પણ જતા હતાં.
ગબ્બર સિંગનો દેખાવ એકદમ સામાન્ય હતો, દેખાવ સામાન્ય હોવાં છતાંપણ તે એકદમ ડરામણો લાગી રહ્યો હતો, તેનાં ગ્રીન રંગનાં કપડાં તેના વ્યક્તિને કંઈક અલગ જ ઓળખાણ આપી રહ્યાં હતાં, તેનું પહાડી અને ખડતલ શરીર તેની તંદુરસ્તીની ચાડી ખાઈ રહ્યું હતું, તેનાં વાંકડિયા વાળ અને વધી ગયેલ દાઢી જોઈને સૌ કોઈ ડર પામતું હતું, તેના ખભે લટકાવેલ દેશી બંદૂક ભલભલાને કંપાવવા માટે પૂરતી હતી, તેનો ભારેખમ અવાજ સાંભળીને લોક થર થર કાંપતા હતાં.
હાલ ગબ્બર સિંગ એક ખડકનાં છાંયડામાં ખાટલો ઢાળીને બેસેલ હતાં, અને તેની આજુબાજુ તેનાં સાથી ડાકુઓ પહેરો ભરી રહ્યાં હતાં, એવામાં બરાબર એ જ સમયે ગબ્બર સિંગ કાને ઘોડાં દોડવાનો "તબડક - તબડક" એવો અવાજ સંભળાય છે, આ અવાજ સાંભળીને ગબ્બર સિંગ મનોમન ખૂબ જ ખુશ થાય છે, જોતાં જોતામાં એ સાથી ડાકુઓ ગબ્બર સિંગની નજીક આવી પહોંચે છે, પોત - પોતાનાં ઘોડા પરથી ઉતરીને તેઓ ગબ્બર સિંગને સલામ ભરે છે.
"માલિક ! આજે ખૂબ મોટા હાથ મારીને આવેલ છીએ…!" - કાલિયા ખુશ થતાં થતાં બોલે છે.
"ઓહ...શું...વાત છે…!" - ગબ્બર સિંગ પોતાનો પ્રતિભાવ જણાવતાં બોલે છે.
"જી ! માલિક…!" - કાલિયો પોતાનું માથું ઝુકાવતાં બોલે છે.
"પરંતુ….આ બાળક…!" - ગબ્બર સિંગ હેરાનીભર્યા આવજે કાલિયાની સામે જોઈને પૂછે છે.
"જી ! માલિક.. એ બાળક ભાનુપ્રતાપનું છે..!” - કાલિયા સ્પષ્ટતા કરતાં જણાવે છે.
“પણ ! આ બાળકને તમે લોકો કેમ તમારી સાથે અહી લઈને આવ્યાં ?” - ગબ્બર સિંગ થોડા ગુસ્સા સાથે પૂછે છે.
“જી ! માલિક ! ભાનુપ્રતાપ પાસે ઘણી બધી સંપત્તિ છે, પરતું જ્યારે આજે અમે રામગઢમાં લૂંટ માટે ગયાં ત્યારે તેઓએ અમને એકપણ રૂપિયો આપવાની સાફ ઘસીને ના પાડી દીધેલ હતી, આથી એનો બદલો લેવાં અને ભાનુપ્રતાપની સંપત્તિ મેળવવા માટે અમે આવું પગલું ભર્યું છે, જેથી આપણે ભાનુપ્રતાપને વાસ્તવિકતા જણાવી શકીએ..!” - કાલિયા ગબ્બર સિંગને વિગતવાર માહિતી આપતાં જણાવે છે.
“કાલિયા ! આ તમે લોકોએ ખૂબ જ ખોટું કર્યું છે..!” - ગબ્બર સિંગ ગુસ્સા સાથે બોલે છે.
“જી ! માલિક અમારી ભૂલ થઈ ગઈ ! અમને માફ કરી દો..!” - કાલિયો પોતાનાં બંને હાથ જોડીને વિનંતી કરતાં કહે છે.
***
સમય - સાંજનાં 5 કલાક
સ્થળ - રામગઢ ગામ
કાલિયો તેનાં સાથી ડાકુઓ સાથે ગામને લૂંટીને જતાં રહ્યાં હતાં, અને આ બાજુ ગામનાં ચોરા પાસે લોકોનું મોટું ટોળું એકત્ર થયેલ હતું, લોકો ખૂબ જ દુ:ખી દેખાય રહ્યાં હતાં, બધાની આંખોમાં આંસુઓ હજુપણ તાજા જ હતાં, કારણ કે ગબ્બરસિંગનાં ડાકુઓ આખા ગામને લૂંટીને જતાં રહ્યાં હતાં, સૌ કોઈ આ માટે પોતાની જાતને દોષ આપી રહ્યાં હતાં, લોકો પાસે કે કઈ મરણ મૂડી હતી તે બધી જ કાલિયો અને તેનાં સાથીઓ લૂંટીને લઈ ગયેલાં હતાં.
જ્યારે આ બાજુ ભાનુપ્રતાપ જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ એક ચોરા પાસે આવીને માયુસ થઈને બેસેલાં હતાં, તેનાં હૃદયમાં ખૂબ જ વસવસો હતો, એકપળ માટે તેઓને લાગ્યું કે, “કાશ ! મે મારી સંપત્તિ ગબ્બર સિંગનાં ડાકુઓને આપી દીધી હોત, તો હાલ મારો પૌત્ર મારી સાથે હોત.
બરાબર એ જ સમયે કોઈ વ્યક્તિ ભાનુપ્રતાપનાં ખભા પર હિંમત આપતાં આપતાં પોતાનાં ભારે અવાજે બોલે છે.
“ભાનુપ્રતાપ ! જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ હવે વાત આપણાં હાથમાં નથી રહી, હું તમને એ જ સમયે કહેવાનો હતો કે તમે તમારી સંપત્તિ ગબ્બરસિંગને સોંપી દો..પણ ગબ્બર સિંગનાં ડાકુઓ એકપણ વ્યક્તિને હલવા દેતાં ન હતાં..!”
આ અવાજ સાંભળીને ભાનુપ્રસાદ પોતાનું માથું ઊંચું કરીને પાછળની તરફ નજર કરે છે, પાછળની તરફ નજર કરતાની સાથે જ ભાનુપ્રતાપનાં આશ્ચર્યનો કોઈ જ પાર ના રહ્યો, કારણ કે પોતાનાં ખભે આશ્વાસન સાથે હાથ મૂકનાર બીજુ કોઈ નહીં પરંતુ ખુદ ઠાકુર સાહેબ હતાં.
“હા ! ઠાકુર સાહેબ ! હવે શું કરીશું ?” - ભાનુપ્રતાપ રડતાં અવાજે ઠાકોર સાહેબને પૂછે છે.
“બધાનો ચોક્કસ અંત આવે છે, તેવી જ રીતે આ ગબ્બરસિંગનો પણ અંત આવશે જ તે.. કોઈક તો આવશે જ તે આપણો ઉધ્ધાર કરવાં માટે અને આપણને બધાને આ ગબ્બરસિંગનાં ત્રાસમાંથી કાયમિક માટે આઝાદ કરવાં માટે..!” - ઠાકુરસિંહ મનોમન ભગવાનને પ્રાર્થના કરતાં - કરતાં બોલે છે.
બરાબર એ જ સમયે તે બધાંનાં કાને ઘોડાઓનું ટોળું પૂરઝડપે રામગઢ તરફ આગળ વધી રહ્યું, તેમ ઘોડાઓનાં ડગલાંઓનો અવાજ સાંભળાયો, આકાશમાં ઊંચે સુધી ધૂળની ડમરીઓ દૂર દૂર સુધી ઊડી રહી હતી, આ જોઈ રામગઢ વાસીઓ એકદમથી ગભરાય ગયાં, તે લોકોને ખ્યાલ આવી ગયો કે, “ગબ્બરનાં ડાકુઓ ફરી પાછા રામગઢ તરફ આગળ વધી રહ્યાં છે..!” જોત જોતામાં રામગઢમાં દોડાદોડ વધી ગઈ, સૌ કોઈ ભાગી ભાગીને પોત - પોતાનાં ઘરમાં છૂપાઈ ગયાં. બધાંનાં જીવ તાળવે ચોંટી ગયેલાં હતાં.. તે બધાના શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકાર વધી ગયેલાં હતાં, સૌ કોઈની આંખોમાં ડર સ્પષ્ટપણે દેખાય રહ્યો હતો.
જે ગામમાં થોડીક જ ક્ષણો પહેલાં જે સ્થળે લોકોનું ટોળું વળેલું હતું, તે જ જગ્યા હાલ એકદમ સુમસાન અને વેરાન બની ગઈ હતી, રામગઢમાં જાણે કોઈ કર્ફ્યૂ લાગેલ હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું,એવામાં ગબ્બરસિંગ પોતાની ટોળકી સાથે રામગઢ ગામની વચ્ચોવચ ગબ્બર સિંગ ઊભો રહે છે, આ સમય દરમ્યાન લોકો પોત - પોતાનાં ઘરની બારીઓમાંથી ગબ્બરસિંગને જોઈ રહ્યાં હતાં, પરતું તે લોકોએ જે જોયું તે જોઈને આશ્ચર્ય અને નવાઈને લીધે તે લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી, કારણ કે ગબ્બરસિંગ પોતાની સાથે ભાનુપ્રતાપનાં પૌત્રને સાથે લઈને આવેલ હતાં.
“ભાનુપ્રતાપ ! તમારા ઘરની બહાર આવો..!” - ગબ્બરસિંગ પોતાનાં ભારે આવજે બોલે છે.
થોડીવારમાં ભાનુપ્રતાપ ડરતાં - ડરતાં પોતાના ઘરની બહાર આવે છે, અને ગબ્બરસિંગની સામે જવાની હિંમત કરે છે.
“ભાનુપ્રતાપ ! તમે જાણો જ છો કે હું કેટલો ખૂંખાર છું, પરંતુ મારા પોતાનાં પણ અમુક નિયમો છે, જેની વિરુદ્ધ હું ક્યારેય પણ જતો નથી, પછી ભલે સંજોગો મારી તરફેણમાં નાં હોય, પરંતુ આજે કાલિયાએ મારા નિયમ વિરુદ્ધ જઈને આ પગલું ભરેલ છે, મારા ધંધામાં હું ક્યારેય કોઈ સ્ત્રી કે નાના બાળકોને નિશાન ક્યારેય નથી બનાવતો, માટે હું આજે તમારા પૌત્રને તમને પરત સોંપવા માટે આવેલ છું..!” - છોકરાણો હાથ ભાનુપ્રાતપના હાથમાં આપતાં આપતાં ગબ્બરસિંગ બોલે છે.
આ જોઈને બધાં જ ગામ વાસીઓના હ્રદયમાં ગબ્બર પોતાનું એક અલગ જ સ્થાન બનવવામાં સફળ રહ્યો હતો, ત્યારબાદ ભાનુપ્રતાપ ગબ્બરસિંગનો આભાર માનીને પોતાના પૌત્રને લઈને ઘરમાં જતાં રહે છે, અને થોડીવારમાં પોતાનાં હાથમાં એક મોટી પોટલી લઈને આવે છે.
“માલીક ! આ મારી મરણમૂડી છે, જે બધી હું તમને આપી રહ્યો છું..!” - ગબ્બરસિંગનાં હાથમાં પોટલી આપતાં આપતાં ભાનુપ્રતાપ બોલે છે.
“ભાનુપ્રતાપ ! આ પહેલાથી જ મારા આદમીઓને સોંપી દીધું હોત, તો મારા ડાકુઓને તમારા પૌત્રને ઉપાડી જવાની નોબત જ ન આવી હોત.. કોઈ વ્યક્તિ જન્મજાત ડાકુ નથી હોતો, તેને તમારો જ સમાજ, કે પછી અમુક પરિસ્થતિઓ જ બનાવતી હોય છે..!” - આટલું બોલી ગબ્બરસિંગ પોતાનાં સાથી ડાકુઓ નીકળી જાય છે.
જ્યારે હાલ હજૂ સુધી ગામવાસીઓ એ બાબત વિષે વિચારી રહ્યાં હતાં કે આપણે સાચા છીએ કે ગબ્બરસિંગ..? શું ખરેખર ગબ્બરસિંગ જેવાં ડાકુઓને જન્મ આપવા પાછળ આપણો સમાજ કે અમુક પરિસ્થિતિઓ જવાબદાર હોય છે ખરા ?
