ગૌરીની ગભરામણ
ગૌરીની ગભરામણ
ભારતીય સંસ્કૃતિનો એક જ સિદ્ધાંત છે કે, " જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સિદ્ધાંતોને જીવનમાં ઉતારે ત્યારે જ સમાજમાં તેનું નામ ઊભું થતું હોય." જે લોકો જિંદગીનાં માર્ગમાં સ્વયં મહેનત કરે અને છતાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે આપણે આપણી જાતને નીચી સમજીએ છીએ. પછી તે અનુભવ પ્રણયનો હોય, ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધનો હોય કે હોય પરિવારજનનો. આ સમયે થતી વિડંબના લજ્જાની પર જઈ પોતાનું કર્મ સાર્થક કરતું થાય છે.
વરસાદી માહોલમાં નાનકડું ગામ જાણે દરિયામાં રહેલ હોડી ડૂબતી હોય તેવું લાગતું હતું. ચારેકોર અંધારું અને ગાજવીજ થતી, સાથે કેટલાક ઘરના ઝોપડાં પણ ઊડતાં જોવા મળ્યા. મારા ગામમાં વરસાદનો તોફાન આવ્યો હતો. ખરેખર તો આ મારી પ્રિય ૠતુ છે પરંતુ ઘરની પરિસ્થિતિના કારણે હું પહેલાની જેમ ખુશ નથી રહી શકતી.
મારા પતિ પણ છેલ્લા ૨ અઠવાડિયાથી બહાર ગામ ગયેલા. આજે પરત આવવાના હતા પણ આ વરસાદે બધા સપનાઓ પાણીમાં નાંખી દીધેલા.
" ગૌરી રસોઈમાં બાજરાનો રોટલો અને કઢી બનાવજે. તારા બાપુને ખાવાનું મન થઈ ગયું છે. " ઘરના એક ખુણે ખાટલા પર પેલી ગૌરીના સાસુ બેઠાં હતાં.
" હા, બા " કહી ગૌરી રસોઈઘરમાં ગઈ. ત્યાં ચારેકોર માથે નળિયાં પરથી વરસાદના બુંદ પડતા હતા. રસોઈઘર જાણે તળાવ બની ગયું. પહેલાં તો વિચાર્યું કે માજીને કહું. પછી પોતે જ મન વાળીને જ્યાં જ્યાં વરસાદના પાણી આવતા હતા ત્યાં મોટા મોટા પ્યાલા ગોઠવી આપ્યા.
વરસાદ થોભતા જ હું હરખમાં આવી ગઈ. જાણે પ્રિયતમની રાહ જોતી ઘરના બારણે ઊભી રહી. રાહ જોવામાં બારણે જ ક્યારે સૂઈ ગઈ તેની ખબર જ ન પડી.
" ગૌરી ઊઠ અહીં કેમ સૂઈ ગઈ ? જા તારા રૂમમાં." તેના સાસુએ ઊઠાડીને પેલીને રૂમમાં મોકલી દીધી. મધ્યરાત્રીએ ગૌરીનો પતિ ભાવેશ આવી પહોંચ્યો. ખૂબ જ ગભરાયેલો હતો અને દોડતો આવ્યો હોય એમ હાંફતો હતો.
કડીવાળા દરવાજાને જોર જોરથી પછાડવા લાગ્યો." ખોલો, કોઈક ખોલો. હું આવી ગયો." ગૌરી ઓચિંતી ઊભી થઈ દરવાજો ખોલવા ગઈ.
" તમે અત્યારે મધ્યરાત્રીએ ? " ગૌરી ગભરાઈ ગઈ. તેના પતિ ઉપર કંઈક સંકટ આવ્યું હોય તેવો તેને આભાસ થયો.
ઘરમાં ભાવેશે પ્રવેશ કર્યો અને તરત દરવાજો બંધ કરી નાખ્યો. આટલો અવાજ આવ્યા છતાં તેના માઁ-બાપુ જગ્યા નહોતા.
" ગૌરી,ગૌરી મને બચાવી લે. મારી જાન....( કંઈ બોલી ન શક્યો.)" કહી ભાવેશ ધ્રૂસકે આવી ગયો. ગૌરીના પગ નીચે જાણે જમીન ખસકી ગઈ. શું બોલ્યો હશે ભાવેશ ?
" ભાવેશ તમે આવું શા માટે કર્યું ? " કહી પોતે પણ રડવા લાગી. પછી સ્વસ્થ થઈને બોલી, " ચાલો મારી સાથે." ભાવેશનો હાથ પકડી તેને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ. ભાવેશ નીચો મોઢો કરી ઊભો હતો.
" કેમ આવું કરતા તને લજ્જા ન આવી ? લોકોને ઠગીને તેની બધી પ્રોપર્ટી હડપી લીધી. કેટલા લોકોની ફરિયાદ આવી છે." એક પોલીસ ઈન્સ્પેક્ટરએ કહ્યું.
" સર, મારા ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે. મારા કમાણીના રૂપિયા ઘરમાં ઓછા પડે છે. મારા એક મિત્રએ મને આ સુઝાવ આપ્યો કે લોકો પાસે પ્રોપર્ટીનું કામ કરાવી તેને લૂંટી લેવું." કહી રડવા લાગ્યો. પોલીસએ તેને સજા માટે પુરા ૧૦ વર્ષ જેલમાં કાઢવાનું કહ્યું. ગૌરી અંદર ને અંદર ગભરામણમાં રોતી રોતી ઘરે પરત ફરી. ભાવેશના માતા-પિતા પણ તેના દીકરા ના આવા કર્મથી ગામમાં શરમ અનુભવતા હતા.
