મંગુની ચિંતા
મંગુની ચિંતા
રાતનો સમય, ચારેકોર ઘોર અંધારું છવાયેલું. વીજની સમસ્યા સવારથી હતી. આભે કાળા વાદળ ઘેરાયેલા, પરંતુ વરસાદનું એક બુંદ ન ટપક્યું. વરસાદની આશમાં ખેડૂતો આંગણે ઊભા રાહ જોવા લાગ્યા. પરંતુ વરસાદ સૌ જીવને તડપાવવા લાગ્યો.
વીજળીની ગર્જના ક્યારેક ભયભીત કરી મૂકતી, પણ એજ ક્ષણે શાંત બની સૂઈ જતી. બાજુના ગામમાં કચેરીનું કામ પતાવવા હું ગયેલો. હું એટલે ? અરે ! નામ કહેતાં ભૂલી ગયો. મારું નામ અમૃતલાલ રાઠોડ. ગામમાં સૌ રાઠોડ સાહેબ કહીને સંબોધતા.
કચેરીનું કામ પતાવીને ઘડિયાળ સામે નજર કરી. નવ વાગી ગયેલા. ' મંગુ, રાહ જોતી બેઠી હશે. ' વિચારીને ઝડપથી સાયકલ ઉપાડી. થોડી વારમાં થાક લાગ્યો. આયખો દિવસ કામમાં અટવાયેલો. એમાં એક ટેબલથી બીજી ટેબલ પર આમતેમ થવામાં પગના ગોટલામાં દુઃખાવો ઉપડ્યો.
મંગુ ઘર આંગણે બેસીને રાઠોડ સાહેબની રાહે આંખ માંડીને બેઠી. વીજળીની ગર્જના 'ને ઘોર અંધકાર વધુ થવા લાગ્યો. મને ભયાનક લાગ્યું. ટીપ ટીપ છાંટા પડવાના શરૂ થયા.
" રાઠોડ સાહેબ કેવી રીતે આવશે ? શું પેલા બરાબર હશે ? મને ખૂબ જ ચિંતા થઈ રહી છે. હું શોધવા જઉં ? પરંતુ એ બીજા માર્ગેથી આવશે તો ? રાજુને પણ એકલો મેલી ન શકાય. " - અનેક વિચારોના ઘેરાવામાં આવી, અનેક પ્રશ્નો સતાવવા લાગ્યા. ધોધમાર વરસાદે જોર પકડ્યો. સવાર સુધી બંધ થવાના એંધાણ નહોતા દેખાયા. અચાનક સામેથી કોઈક દરવાજો ખોલીને આવ્યો. અંધારામાં પેલાનો ચહેરો સ્પષ્ટ ન દેખાયો. " ( હરખાઈને ) અરે ! રાઠોડ સાહેબ તમે આવી ગયા ! મને ખૂબ ચિંતા થઈ રહી હતી. " કહેતાં એમને વળગી પડી.
