આઘાત અસહ્ય
આઘાત અસહ્ય
ચિતાપુર નામના નાનકડા ગામમાં ઓછી વસ્તી હોવાથી આખું ગામ પરિવાર બનીને રહેતું. મારા લગ્નને પૂરાં બે વર્ષ થયેલા. ચિતાપુરમાં બે વર્ષ દરમિયાન સૌના હૃદયમાં અલાયદું સ્થાન મેળવ્યું. એક શિક્ષક તરીકે ' કન્યા વિદ્યાલય' માં જોડાયેલી. સમાજના દરેક ખૂણામાં ક્યાંય અશિક્ષિત બાળકો ન રહે તેની ખાસ તકેદારીરૂપે અથાગ પ્રયત્નો કરતી.
" રેખાબેન, તમે આ ગામના ઉદ્ધાર માટે જે પ્રયાસો કર્યાં છે, તે ખરેખર ! ( હરખાઈને ) અભિનંદનને પાત્ર છે. " કોઈ દિવસ સારી રીતે વાત ન કરતા મંજુકાકીએ આજે પહેલીવાર મારા વખાણ કર્યાં.
" ( થોડું સ્મિત કરી ) ખૂબ ખૂબ આભાર મંજુકાકી. ( તેની સામે જોઈને ) તમારા આર્શીવાદથી આગળ વધી છું. " કહેતી ઘર તરફ જવા લાગી. આસપાસના વાતાવરણને નિહાળતી. પંખીઓના કલરવનો અવાજ, એનો ટહૂકો સાંભળીને કંઈક વિચારતી આગળ વધી. પ્રકૃતિના ખોળે બેસીને દરેક પળને માણી, અનુભવી રહી.
નાનકડો ધૂળ ભર્યો આંગણ, બાજુમાં એક ખાટલો ઢાળેલો તથા ખાટલાની બાજુમાં લોટ દળવાની ઘંટીનો અવાજ સંભળાયો. મારા સાસુ ઘંટી ચલાવી રહ્યા હતા. આવતાની સાથે માજીને પગે લાગી. આ મારો નિત્ય ક્રમ.
" ( રેખાની સામે જોઈને ) આવી ગઈ મારી લાડલી વહુરાણી. " કહેતા મારા ખભે હાથ મૂક્યો. સાસુ મા સમાન. ક્યારેક હું કહી ઊઠતી, - " મારા સાસુ મને માથી પણ વિશેષ મળ્યાં છે. ( ખુશીથી ) મારા મિત્ર બની ગયા છે. "
ઘરમાં બધુ કામ પતાવીને થેલામાંથી પેપરના થપ્પા કાઢ્યાં. મગજ ચકરાવે ચડી ગયું. મારા સાસુ મને ચાનો કપ આલી ગયા. થોડી વાર આરામ કરવા ગઈ. ' ટ્રીન-ટ્રીન-ટ્રીન ' અચાનક ફોનની રીંગ સંભળાઈ. ફોન ઉપાડ્યો. રડવાનો અવાજ કાને પડ્યો. કોઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું હતું.
" ( આશ્ચર્યથી ) શું થયું ભાઈ ? " હું તો ચિંતિત બની ગઈ.
" ( મન મક્કમ કરીને ) રેખાખાખાખા..... બાપુ.... ! " - કહેતાં ભાઈ સ્તબ્ધ બની ગયો. મારા હાથમાંથી ફોન પડી ગયો. હું જમીન પર પડી. આઘાત અસહ્ય થઈ પડ્યો. આંખના પલકારા મીંચવાના બંધ થઈ ગયા. આંખોમાંથી અનરાધાર વરસવા લાગ્યો.
