Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Prashant Subhashchandra Salunke

Drama Action Inspirational


4.7  

Prashant Subhashchandra Salunke

Drama Action Inspirational


એકતાની તાકત

એકતાની તાકત

7 mins 348 7 mins 348

“જેમ્સોન કોલેજની અંદર ગુંડાઓ દ્વારા કોલેજીયન વિદ્યાર્થીનીઓના છેડતીના કિસ્સા હવે સામાન્ય થઈ ગયા છે. જેમ્સોન કોલેજની વિદ્યાર્થીનીઓ હવે સલામતી અનુભવી રહી નથી.”

કૃણાલ અખબારની હેડલાઈન મોટેથી વાંચી ગયો. બાજુમાં ઊભેલી રચના એ સાંભળી બોલી, “જેમ્સોન કોલેજનું તંત્ર આ બાબતે કશું કરતું કેમ નથી ? ગુંડાઓની આવી દાદાગીરી તેઓ ચલાવી કેવી રીતે લે છે ?”

રચના બોલી, “તંત્ર જ જયારે ઊંઘતું હોય ત્યારે આમ જ થવાનું.”

કૃણાલે કહ્યું, “રચના, તંત્ર કેટલી બાબતો પર ધ્યાન રાખે ? વળી ગુંડા તત્વોનું કોઈ ઠેકાણું હોય છે ખરું ! તેઓ તો લાગ મળે એટલે છોકરીઓની છેડતી કરી વિકૃત આનંદ મેળવી લેતા હોય છે.”

સલોની બોલી, “આ બાબતે જેમ્સોન કોલેજનો યુવા વર્ગ કેમ કશું કરતો નથી ?”

કૃણાલે જવાબ આપ્યો, “યુવા વર્ગ એટલે કશું કરતો નથી કારણ તેઓ ગુંડાઓથી ડરે છે. તેમને ડર હશે કે અમે કંઈક બોલીશું કે વિરોધ કરીશું તો ગુંડાઓ અમને મારશે. ગુંડાઓ સહુથી પહેલું કામ કોલેજમાં ભણતા છોકરાઓને ડરાવી તેમના પર હાવી થવાનું કરતા હોય છે. ત્યારબાદ તેઓ કોલેજની છોકરીઓને ટાર્ગેટ કરે છે.”

વિઠ્ઠલે સહમતિ દર્શાવી, “સાવ સાચી વાત છે.”

ક્યારની ચૂપચાપ ઊભી વાતો સાંભળી રહેલી ચેતના બોલી, “એ બધું ઠીક છે પરંતુ આનો ઉપાય શું ?”

કુણાલ, “આનો ઉપાય એક જ છે.”

“શું ?” બધાએ એકસાથે પૂછ્યું.

“ગુમડું મોટું થાય તે પહેલા જ તેને ડામી દેવો જોઈએ.” કૃણાલ બોલ્યો.

સલોની હાશકારો લેતા બોલી, “સારું છે આપણી કોલેજમાં આવા ગુંડા તત્વો નથી.”

કૃણાલ, વિઠ્ઠલ, સલોની, રચના અને ચેતના આ પાંચે જણા કોલેજના ખાસ મિત્રો હતા. તેઓ વચ્ચે ખૂબ સારો મનમેળાપ હતો. ત્રણે છોકરીઓ કૃણાલ અને વિઠ્ઠલને પોતાનો ભાઈ માનતી હતી. દર રક્ષાબંધનને દિવસે તેઓ તેમને રાખી પણ બાંધતી હતી. એટલું જ નહીં પરંતુ ભાઈબીજના દિવસે આ ત્રણે બહેનપણીઓ મળીને કૃણાલ અને વિઠ્ઠલ માટે જમવાનું ખાસ આયોજન પણ કરતી. આમ પાંચે જણા વચ્ચે ખૂબ મનમેળાપ હતો. તેઓ અભ્યાસ કરતા હતા તે ‘વી.વી. કેશવ કોલેજ’ પણ ખૂબ સારી હતી. અત્યાર સુધી અહીં ગુંડા તત્વોએ પ્રવેશ કર્યો નહોતો. જોકે ગુંડા તત્વ વાયરસ જેવા હોય છે. તે કોઈપણ જગ્યાએ પોતાનો ચેપ લગાડ્યા સિવાય રહે જ નહીં ! જાણે તેમની કોલેજને કોઈકની નજર લાગી ગઈ હોય તેમ ત્રણ નવા વિધાર્થીઓએ આ કોલેજમાં દાખલો મેળવ્યો. તેઓના નામ હતા રાકેશ, મંગેશ અને પ્રવીણ ઉર્ફે કાણીયો. પ્રવીણ આ ગેંગનો લીડર હતો. એક નંબરનો ધૃત અને સ્વભાવે હરામી. પ્રવીણના કથન અનુસાર કોઈક મારામારીમાં તેની એક આંખ ફૂટી ગઈ હતી. આ પ્રસંગ બાદ તે પોતાની એક આંખ પર કાળા રંગની પટ્ટી લગાવતો હતો. આંખ પરની આ કાળી પટ્ટીને કારણે તેનો દેખાવ ખૂબ ભયંકર લાગતો હતો. આજ કારણે તે પ્રવીણ કાણીયાના નામે કુખ્યાત થઈ ગયો હતો. પ્રવીણને પણ તેની નામ પાછળ કાણીયો લગાવવું ખૂબ ગમતું હતું. તે ગર્વભેર પોતાનું નામ પ્રવીણ કાણીયો એમ કહેતો. કોલેજના પહેલા દિવસે જ પોતાની ધાક બેસાડવાના ઈરાદે પ્રવીણ કાણીયો તેના બંને સાથીઓ જોડે કોલેજમાં પ્રવેશ્યો. દુરથી જ તેણે આ પાંચે મિત્રોને વાતો કરતા જોયા હતા. આસપાસ બીજું કોઈ દેખાતું નહોતું, તેથી અહીંથી જ પોતાના કામની શરૂઆત કરવાનું તેણે નક્કી કર્યું.

ત્રણે ગુંડા એ પાંચે મિત્રો પાસે આવીને ઊભાં રહ્યા. પ્રવીણ કાણીયો ગંદી નજરે ત્રણે બહેનપણીઓને જોઈ રહ્યો. વિઠ્ઠલથી આ સહન ન થયું તે બોલ્યો, “કેમ ભાઈ શું કામ છે ?”

રાકેશ ખંધુ હસતા બોલ્યો, “મારા બુટ સાફ કરવાના છે. બોલ કરીશ ?”

વિઠ્ઠલ રોષથી બોલ્યો, “એ જરા તમીજથી વાત કર.”

પ્રવીણ કાણીયો ત્રણે છોકરીઓ પર નજર ચોંટાડી રાખતા બોલ્યો, “તમે અહીં ઊભા રંગરેલિયા મનાવી રહ્યા છો અને અમને તમીજ શીખવાડો છો ?”

આ સાંભળી પાંચે મિત્રો સમસમી ગયા.

પ્રવીણ કાણીયાએ વિઠ્ઠલના માથે ટપલી મારતા કહ્યું, “ચલ, નીકળ અહીંથી.”

વિઠ્ઠલ ક્રોધથી પ્રવીણ કાણીયાને જોઈ રહ્યો.

રાકેશ બોલ્યો, “એય બાયલા, આમ જુએ છે શું ? શરમ નથી આવતી આમ છોકરીઓ સાથે ઊભા રહેતા. આજ પછી તમે કોલેજમાં આમ ઊભેલા દેખાવા ન જોઈએ.”

કૃણાલે ગુસ્સામાં મુઠ્ઠી ભીંસી કહ્યું, “કેમ કોલેજ તારા.”

સલોનીએ કૃણાલનો હાથ પકડી લેતા કહ્યું, “ચાલ અહીંથી.”

કૃણાલ, “અરે પણ.”

સલોની બોલી, “કહ્યું ને, ચાલ અહીંથી.”

પાંચે જણા ત્યાંથી જવા લાગ્યા. આ જોઈ પ્રવીણ કાણીયો બોલ્યો, “અરે વાહ ! છોકરી બોલી અને હીરો જવા લાગ્યો.”

મંગેશે ગંદા ચાળા કરતા બોલ્યો, “બહુત યારાના લગતા હૈ.”

પ્રવીણ કાણીયો તાડૂક્યો, “આજ પછી પાછા આમ કોલેજમાં ક્યાંય ઊભેલા દેખાયા તો અમે તમારા ટાંટિયા તોડી દઈશું. યાદ રાખજો મારું નામ પ્રવીણ છે. પ્રવીણ કાણીયો.”

કૃણાલ પાછો વળીને જતો જ હતો ત્યાં સલોની બોલી, “કૂતરાઓ ભસે છે તો ભસવા દે. એ તરફ ધ્યાન આપીશ નહીં.”

ત્રણે ગુંડા હસતા રહ્યા.

પાંચે જણા ત્યાંથી નીકળી ગયા. જયારે ત્રણે ગુંડા દેખાવના બંધ થયા ત્યારે સલોનીએ રોષભેર કહ્યું, “કૃણાલ, તને અક્કલ જેવું કાંઈ છે કે નહીં ? તું એ ગુંડાઓ જોડે ક્યાં જીભાજોડી કરવા મંડી પડ્યો હતો.”

કૃણાલે કહ્યું, “સલોની, તેં મને રોકીને ખોટું કર્યું.”

ચેતના બોલી, “સલોનીએ તને રોક્યો ન હોત તો આજે તે ગુંડાઓએ તારા હાથપગ તોડી નાખ્યા હોત”

કૃણાલે કહ્યું, “તમારા બધાની હાજરીમાં ?”

ચારેય જણા મૌન રહ્યા.

“આપણે પાંચ જણા હતા સામી બાજુ તે ગુંડાઓ માત્ર ત્રણ હતા. છતાંયે આપણે ડરીને ભાગ્યા !” કૃણાલે મુઠ્ઠી ભીંસી કહ્યું, “આ વાત પર મને શરમ આવી રહી છે.”

રચનાએ જવાબ વાળ્યો, “અમે છોકરીઓ શું કરી શકવાની હતી.”

કૃણાલ, “તમે છોકરીઓ કેમ કશું કરી ન શકો ! એકબાજુ તમે સ્ત્રી પુરુષની સમાનતાની વાતો કરો છો બીજુબાજુ આવો કોઈ પ્રસંગ આવે ત્યારે સામે ચાલીને સ્ત્રી પુરુષનો ભેદભાવ ઊભો કરો છો ! આ કેવી વાત ! મિત્રો, હું તમને આ જ તો કહેવા જઈ રહ્યો હતો કે, ગુંડાઓ સહુથી પહેલા કોલેજના છોકરાઓ પર હાવી થઈ જાય છે. ત્યારબાદ તેઓ છોકરીઓને ટાર્ગેટ કરે છે. તેઓ સારી રીતે જાણે છે કે છોકરીઓની હાજરી, તેમની સાથેના છોકરાઓને કમજોર પાડી દેતી હોય છે. આવા સમયે છોકરીઓએ તેમની સાથેના છોકરાઓની કમજોરી ન બનતા તેમની તાકાત બનવાની હોય છે. પછી જો આ ગુંડાઓની કેવી વલે થાય છે.”

“પરંતુ તેઓ કશું કરશે તો ?” રચનાએ મનની બીક જાહેર કરી.

“અરે ! તેઓ કશું કરી શકે નહીં. બીજાનો ડર જ એમની તાકાત છે. પરંતુ જો સામેવાળો તાકાત બતાવે તો તેઓ ડરી જતા હોય છે. આજે તે ગુંડાઓ આપણા પાંચ જણને ડરાવવામાં સફળ થયા. હવે કાલે બીજા પાંચને ડરાવશે. આમ કરતા કરતા તેઓ આખી કોલેજમાં પોતાનું ગુંડત્વનું સામ્રાજ્ય ઊભું કરશે. એકવાર તેમનો ડર બધાના મનમાં પેસી ગયો કે તેઓ પોતાની મનમાની શરૂ કરવા લાગશે. તેઓ ગમે તે છોકરીની બિન્ધાસ છેડતી કરશે કારણ તેઓ જાણતા હશે કે તેમનો વિરોધ કરવાની હિંમત કોઈ નહીં કરે. બસ આમ આપણે જ તેમનો હાઉ ઊભો કરી તેમને તાકતવર બનાવી દઈશું. શું આપણી કોલેજને પણ જેમ્સોન કોલેજ બનવા દેવાની છે ? કદાપિ નહીં. મેં પહેલાં જ કહ્યું હતું કે ગુમડાને મોટું થતા પહેલાં જ તેને ડામી દેવું પડે. આપણી પાસે મોકો આવ્યો હતો, પરંતુ અફસોસ કે આપણે તે ગુમાવી દીધો.”

પાંચે જણા હતાશાથી છુટા પડ્યા.

એ આખી રાત સલોની પડખું ફેરવતી રહી. અસંખ્ય વિચારો તેના મનમાં ઉદભવી રહ્યા.

“શું તેની કોલેજમાં પણ હવે ગુંડા ગર્દી શરૂ થઈ જશે ?”

“શું તેની કોલેજમાં પણ સરેઆમ છોકરીઓની છેડતી થશે.”

આમને આમ વિચારમાં તેને ખબર જ નહીં પડી કે ક્યારે તેની આંખ લાગી ગઈ. બીજા દિવસે સવારે તે ફટાફટ તૈયાર થઈ ગઈ. તેની મમ્મીએ નાસ્તો કરવાનું કહ્યું પરંતુ તે રોકાઈ નહીં. આજે તેને કોલેજમાં જવાની ઉતાવળ હતી.

સલોની જયારે કોલેજમાં પહોંચી ત્યારે તેણે જોયું કે ચારે મિત્રો કોલેજના કમ્પાઉન્ડમાં તેની જ રાહ જોઈ રહ્યા હતા. 

“હાય એવરી વન” સલોની બોલી.

કૃણાલ સિવાય બાકીના ત્રણે મિત્રો બોલ્યા, “હાય સલોની.”

સલોનીએ કૃણાલ તરફ જોઈ કહ્યું, “હાય કૃણાલ.”

કૃણાલે ફિક્કા સ્વરે કહ્યું, “હાય.”

સલોનીએ નવાઈ પામતા પૂછ્યું, “આને શું થયું ?”

ચેતના બોલી, “કાલના પ્રસંગથી નારાજ લાગે છે. જ્યારથી આવ્યો છે ત્યારથી આમ જ ચૂપચાપ ઊભો છે.”

 સલોનીએ જોયું તો કૃણાલ કોઈ ખાસ મૂડમાં દેખાતો નહોતો. કાલના પ્રસંગથી તે ખૂબ ઉદાસ થયેલો જણાતો હતો.

સલોની બોલી, “શું થયું કૃણાલ ?”

કૃણાલે મંદ સ્વરે કહ્યું, “કંઈ નહીં.”

ચેતના બોલી, “તો પછી ચૂપ કેમ છે ?”

કૃણાલે ટૂંકમાં પતાવ્યું, “બસ એમ જ.”

તેઓ વાતો કરી જ રહ્યા હતા ત્યાં એ ત્રણે ગુંડા પાછા આવ્યા.

પ્રવીણ કાણીયાએ કહ્યું, “અરે વાહ ! કોલેજમાં ભણવાનું છોડીને અહીં રંગરેલિયા મનાવી રહ્યા છો ?”

કૃણાલ હતાશ થઈને ચૂપચાપ ત્યાંથી ચાલવા માંડ્યો.

“કેમ બાયલા, આજે કશું નહીં બોલે ?” રાકેશ કૃણાલને ચીઢવતા બોલ્યો.

કૃણાલને ત્યાંથી જતા જોઈ ત્રણેની હિંમત ખુલી.

પ્રવીણ કાણીયો તાડૂક્યો, “આજ પછી પાછા આમ ઊભેલા દેખાયા તો તમારા ટાંટિયા તોડી દઈશું. યાદ રાખજો મારું નામ પ્રવીણ છે. પ્રવીણ કાણીયો.”

આ સાંભળી સલોની તાડૂકી, “તમે અમારા દોસ્તના ટાંટિયા તોડશો અને અમે ચૂપચાપ જોતા રહીશું ?”

રચના બોલી, “કાણીયા, વધારે હવામાં ઊડીશ નહીં, નહીંતર તારી જે બીજી આંખ સારી છે ને તેને પણ ફોડી દઈશું.”

કૃણાલના પગ અટક્યા. “એય શાબાશ” બોલતો તે પાછો ફર્યો. આ જોઈ વિઠ્ઠલની પણ હિંમત ખુલી, “અમે અહીં જ ઊભા રહેવાના તમારે જે કરવું હોય તે કરી લો.”

ત્રણે ગુંડા ક્ષણ માટે ગભરાયા. પરંતુ તરતજ એ પાંચેને માનસિક રીતે તોડવા પ્રવીણ કાણીયો બોલ્યો, “વાહ ! પાંચે જણામાં ખૂબ યારાના લાગે છે.”

સલોની બોલી, “હા, છીએ અમે યાર. તને શું ? જોકે અમારી યારીનું સ્તર તારા જેવી હલકી માનસિકતાવાળાના મગજમાં નહીં ઉતરે.”

“શું થયું ?” ત્યાંથી પસાર થઈ રહેલા કોલેજના વિદ્યાર્થીઓએ પૂછ્યું.

ચેતના બોલી, “અરે, આ લફંગાઓ કાલથી અમને પરેશાન કરી રહ્યા છે.”

તેમાંથી એક જણ બોલ્યું, “કેમ ભાઈ બહુ ચરબી ચડી છે ?”

ધીમેધીમે ત્યાં ભીડ જામવા લાગી. ત્રણે ગુંડા હવે ગભરાયા. વિઠ્ઠલે આગળ આવીને પ્રવીણ કાણીયાના માથે ટપલી મારતા કહ્યું, “ચલ, નીકળ અહીંથી.”

વિઠ્ઠલે મારેલી ટપલીથી પ્રવીણ કાણીયાની આંખ પરથી પટ્ટી નીકળીને દૂર જઈ પડી. એ જોઈ ખીલખીલાટ હસતા રચના બોલી, “અરે ! આ તો કાણીયો નથી.”

સલોની પણ નવાઈ પામી ગઈ, “હા યાર ! આ તો અમસ્તો બધાને બીવડાવવા આંખ પર પટ્ટી બાંધી ફરી રહ્યો હતો.”

સહુ સામે આમ પોલ ખુલી જતા પ્રવીણ કાણીયો ડઘાઈ ગયો. રાકેશ અને મંગેશ પણ તેને અચરજથી જોઈ રહ્યા.

પ્રવીણ ધીમે અવાજે તેમને બોલ્યો, “એકલા પ્રવીણ નામથી કોઈ ગભરાતું નહોતું એટલે...”

પાંચે મિત્રો એકમેકના ખભે હાથ મૂકી ગર્વભેર બોલ્યા, “ચાલો ભાગો અહીંથી. અને આજ પછી આ કોલજમાં દેખાયા તો અમે તમારા ટાંટિયા તોડી દઈશું.”

ત્રણે ગુંડાઓ ગભરાઈને ત્યાંથી ભાગ્યા.

કૃણાલ બોલ્યો, “જોયું મિત્રો, જે ગુંડાઓથી ડરીને કાલે આપણે ભાગ્યા હતા આજે તેઓ આપણાથી ડરીને ભાગી રહ્યા છે. આજ પછી તેઓ આપણી કોલેજમાં પગ મૂકવાની પણ હિંમત નહીં કરે. આને જ તો કહેવાય એકતાની તાકત.”


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Drama