એકાંતવાસ
એકાંતવાસ
પંદર દિવસ પૂરા થયા. નીવાને રૂમમાંથી બહાર આવવાની પરમિશન મળી. સવારે નીવાએ પોતાની સાથે રૂમને ચોખ્ખો કર્યો. બારણું ખોલતાં પહેલાં પંદર પંદર દિવસના એક માત્ર સાથી રૂમ, એનાં બારણાં, એની ગ્લાસ વિન્ડો, પલંગ, ચાદર, ઓશિકાં, રજાઈ, બાથરૂમનાં સાધનો, બારણાનો લેચ વગેરે કંઈ કેટલીય વસ્તુઓ સામે નજર કરી. જાણે અજાણે નિર્જીવ વસ્તુ સાથે વાત કરવાની ટેવ પડી ગઈ હતી.
છેલ્લા અઠવાડિયામાં તબિયત સારી હતી તેથી સમય પસાર કરવા એક ચિત્ર બનાવ્યું હતું. નીવાએ નજર કરી. પોતાને જે અનુભુતિ થતી હતી એ રૂપકાત્મક એણે કેનવાસ પર ઉતારી હતી.
બહારની દુનિયાથી સંપૂર્ણ અલગ જાણે બીજી દુનિયામાં પંદર દિવસ વિત્યા હતા. એ પરગ્રહ જેવી ઊડતી રકાબી, એનો પ્રકાશ અને એ તેજમાં નીચે એકલી જિંદગી. . જાણે અજાણે પોતાની જ કથા આકારિત થઈ હતી. નીવાએ એક અગમ્ય લાગણીથી ચિત્રને હાથમાં લીધું.
બારણું ખોલ્યું. બહાર મોટા ડ્રોઈંગરૂમમાં સન્નાટો હતો. રસોડામાં પણ માત્ર હવાનો સરસરાટ હતો. નીવાએ એક હળવો શ્વાસ લીધો. મનોમન વાત શરુ કરી. “મારે તો રૂમમાં રહું કે ઘરમાં રહું, એ જ સન્નાટો છે. હા, રસોઈ કરવા આવતાં કમળાબેન અને આઠ કલાક કામે આવતી નલિનીને ચેપ ન લાગે એ માટે ક્વોરન્ટાઈન થવું પડ્યું. બાકી હું તો વર્ષોથી ક્વોરન્ટાઈન જ જીવું છું ને !”
ચહેરા પર કરુણતામિશ્રિત સ્મિત પ્રસર્યું. નીવાએ હાથમાં રહેલા ચિત્રને ડાઈનિંગ ટેબલ પાછળની ભીંત પર ટિંગાડ્યું. સહેજ લાગણીથી હાથ ફેરવીને સ્વગત્ કહ્યું,“ચાલો એકલતાનો એક દોસ્ત વધ્યો. ”
