એક વળાંક
એક વળાંક
નવલકથા વાંચવામાં ક્યારે રાતનાં બાર વાગી ગયાં એ ખબર જ ના રહી. બધાં જ મને 'પુસ્તકિયો કીડો' કહેતાં. આમ જોઈએ તો વાત વિચારવા જેવી પણ ખરી. કોઈ રમત ના રમવી ગમે કે ના રમતા આવડે. કોઈ સાથે લાંબી વાત જ નહીં કરવાની. બસ કામથી કામ. જીવનમાં વાસ્તવિક મનોરંજન, ઉત્સાહ, આવેગ જેવું કંઈ જ નહીં. આખું જીવન જ પુસ્તકિયું. ઘણીવાર પપ્પા તો હું વાંચતો હોઉં ત્યારે મજાક પણ કરતાં અને કહેતાં, " અલ્યા, જીવે છે કે મરી ગયો?" હું પુસ્તકમાંથી માથું ઊંચું કરીને સાવ બહારની દુનિયાથી અજાણ એમ " હેં ? "સાથે બધાને વધું ગુસ્સો અપાવતો.
અચાનક બારીની બહાર ભયંકર અવાજ થયો. એક મોટો કડાકો થયો. મેં દોડીને બારી તરફ જોયું. દરિયાના પાણી અમારાં ઘર કરતાં પણ ઊંચાં ઉછળી રહ્યાં હતાં. ઘરનાં લોકોને ઉઠાડું, ભાગી જાઉં, રાડો પાડુ કે શું કરું એ વિચારું એ પહેલાં તો પાણીની થપાટે ઘરના દરવાજા અને બારીઓને ધમરોળવા માંડ્યાં. બારીઓ અને દરવાજા કડડભૂસ થાય પછી હવે દીવાલોની અંદર સુતેલા સાત લોકોનાં સપનાઓ કાયમ માટે દબાઈ ગયાં. મને પણ એક ખારા પાણીને થપાટે ઘરથી દૂર ઉડાડયો. સવારે એ વિસ્તાર પત્રકારો અને એન.જી.ઓ.ના કાર્યકર્તાઓથી ધમધમવા માંડયો. મારા હાથમાં આવેલા લાકડાનાં કટકાએ કદાચ મને બચાવી લીધો હતો. મારા મોઢા વાટે પાણી ઘુસ્યું હતું. તાત્કાલિક મને એક રાહત કેમ્પમાં લઈ જવાયો. મારા પાંચેક પાડોશી ત્યાં હતાં. કેટલાક સાજા તો કેટલાક પથારીવશ. બધાંનો એક જ સૂર હતો કે અમે ભલે મરી જઈએ પણ એ છોકરાને બચાવી લેજો કારણકે એ બિચારાએ તો હજુ જિંદગીને ચાખી પણ નથી. એ કશું રમ્યો નથી, ક્યાંય ભમ્યો નથી, ક્યારેય સારું કપડું નથી પહેર્યું, તહેવારો નથી ઉજવ્યાં...... " વગેરે, વગેરે. અંતે મારાં શ્વાસોશ્વાસ ધીરા પડ્યાં. ડોક્ટરે મારો હાથ જોઈને બધાને કહ્યું, " સોરી, હી ઇઝ નો મોર." વાતાવરણમાં ભયંકર આક્રંદ છવાઈ ગયું.
અચાનક મારુ ધ્યાન સીધુ ઘડિયાળ તરફ ગયું. સવારના છ વાગી ગયા હતા. હું આખો પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. બીજે જ દિવસે મેં સવારે પુસ્તકો એક ખાનામાં મૂકી હાથમાં કેટલીક લખોટી, મોય- દાંડિયો, બાકસની છાપ( પત્રી ) ,ખુતામણી લીધાં અને મરુ ત્યાં સુધી જીવવાનું નક્કી કર્યું.