એક પત્ર - ભગવાનસરને
એક પત્ર - ભગવાનસરને
રિસ્પેક્ટેડ ભગવાનસર,
હું અને મારા કેટલાય મિત્રો લગભગ બે વર્ષથી શાળાએ નથી ગયા. આ મોટાં બધાં વાત કરે છે કે તમારી જ માયા છે. તો અમે વિદ્યાર્થીઓએ એમ નક્કી કર્યું કે તમને જ ફરિયાદ પહોંચાડી દઈએ. હા મમ્મીએ કહ્યું કે તમારી પાસે મોબાઈલ ન હોય. તે અમે આ લેટર લખીએ છીએ. તે તમે હજી અપડેટ નથી ? આજકાલ અમે ઓનલાઈન ભણતાં થઈ ગયાં અને તમે હજી આ લેટરના જૂના જમાનામાં છો ? થોડા અપડેટ થાવ તો સારું.
હા બીજી વાત તો એ કે અમને ઓનલાઈન ટિચીંગ જરાય ફાવતું કે ગમતું જ નથી. ક્યાં એ સવારે મમ્મી ડબ્બો ભરીને જગાડે એ મોજ, યુનિફોર્મ પહેરીને વાનમાં ભરાઈ ભરાઈને મસ્તી કરતાં કરતાં સ્કૂલ જવાની મજા, ટીચરને હેરાન કરીને પનિશમેન્ટ મળે એ પણ એન્જોય કરવાનું, રીસેસમાં ડબ્બા ખોલીને એકબીજાનો નાસ્તો શેર કરવાનો, સ્કૂલના પ્લે ગ્રાઉન્ડમાં રમવાનું અને મેલા થઈને સાંજે ઘેર આવવાનું. મમ્મી રાહ જ જોતી હોય. દૂધ નાસ્તો કરીને રિલેક્સ.. પછી ડિનર અને રાત્રે હોમવર્ક કરીને સ્કૂલબેગ ગોઠવવાની.
ભગવાનસર આ બધું ગાયબ થઈ ગયું છે. ચોવીસ કલાક ઘરમાં જ ઘરમાં કંટાળી ગયા છીએ.
બસ એક જ રિકવેસ્ટ છે કે હવે આ બધું નોર્મલ કરો બસ. અમને બહાર નીકળવાનું બહુ મન થયું છે. પિકનિક, મુવી, રેસ્ટોરન્ટ, વેકેશન બધું બંધ થઈ ગયું છે. સર તમે કાંઈ કરો ને ! પપ્પા કહે કે તમે બધું જ મેનેજ કરી શકો. તો આ કન્ડિશન કરો ને !
પ્લીઝ રિપ્લાય કરજો હોં !
અને આલોકે લેટર કવરમાં પેક કરીને પપ્પાને આપ્યો.“પપ્પા, આ પ્લીઝ પોસ્ટ કરી દેજો.”
વિનયે પત્ર વાંચ્યો. અને મંદિરમાં મૂકીને ઈશ્વરને મનોમન કહ્યું,“શું કહેવું છે આપનું પ્રભુ ! છે આનો કોઈ જવાબ તમારી પાસે ?”
નિરાશ વદને વિનય જોઈ રહ્યો.
