એક પીગળતી લવસ્ટોરી
એક પીગળતી લવસ્ટોરી
એક નાનું સરખુ કેફે. બેસવાનું સરસ એટલે યુવક-યુવતીઓની આવન-જાવન વધારે. હું ત્યાં બેસીને કોફી પીતા પીતા મારા વાંચનનો શોખ પૂરો કરતી. લગભગ રોજ બપોરે ૨ થી ૪ બે કલાક હું ત્યાં જ હોઉં. મારા ટેબલની એક બાજુ છોકરો ને બીજી બાજુના ટેબલ પર એક છોકરી રોજ આવે. બંને કેફેમાં વારાફરતી આવે. આઇસ્ક્રીમ ખાવાના બહાને એકબીજાને જુએ, મલકાય, આઈસ્ક્રીમ પીગળી જાય એટલે આવ્યા હોય એમ જ વારાફરતી જતા રહે.
આ એ બંનેનો નિત્યક્રમ અને એ બંનેને જોવા, એ મારો નિત્યક્રમ બની ગયો. ધીમે ધીમે બંનેમાં ઈશારાથી વાતો થવા લાગી. થોડા દિવસ પછી ટીશ્યુ પેપર પર કંઈક લખીને આપ-લે થવા લાગી. આ બધાની હું સાક્ષી, પણ મારી સાથોસાથ આઈસ્ક્રીમ પણ એમના પ્રેમનો સાક્ષી. થોડા દિવસો સુધી આ રીતે જ આઈસ્ક્રીમ પીગળ્યા કર્યો. એક દિવસ હું થોડી મોડી પહોંચી, અંદર પ્રવેશતા જ જોયું, તો બંને એક જ ટેબલ પર બેસી એક જ કપમાંથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. હવે પીગળવાનો વારો એમનો હતો.

