એક લાગણી ભીતર મહી
એક લાગણી ભીતર મહી


હું નિકિતા. દરરોજ ની જેમ નિત્યકર્મ પતાવીને કૉલેજ જવા નીકળી. મમ્મી ને કહેવાનું યાદ આવ્યું કે પરિક્ષા આવે છે તો કૉલેજ થી છૂટી ને એકાઉન્ટ ની વધારે પ્રેક્ટિસ કરવા માટે રીના ના ઘરે જવાનું હતું મમ્મી ને વાત કરીને બસ પકડી કૉલેજ ગઈ.
રીના સાથે કૉલેજ ના પ્રથમ વર્ષ થી જ ઓળખાણ થઈ હતી. બે વર્ષ થી સાથેજ અભ્યાસ કરતા. અત્યારે તો એના ઘરે અંકલ, આન્ટી અને રીના જ રહેતા. રીનાનો મોટો ભાઈ હતો,અનિકેત. જે બહારગામ નોકરી કરતો હતો. રીના વાત કરતી પણ કદી એમને જોયા જ નહોતા.
આજે રીના ના ઘરે ગઈ. ઘર માં પ્રવેશતા જોયુ કે કોઈ યુવાન છોકરો બેઠો છે. રીના તો એને વળગી જ પડી. હું પણ કુતૂહલવશ બંને ની વાતો સાંભળી રહી હતી. રીનાની વાતો પૂરી થાય તો કહે ને કોણ છે? ખૂબ જ હેન્ડસમ,ને ભાવવાહી આંખો હતી એમની. હું પણ ઘડીક જોઈ રહી એમને. ખબર નહિ નજર જ હટતી ન્હોતી.
થોડીવારે રીનાનું ધ્યાન ગયું કે બંને સિવાય હું પણ ઊભી છું ત્યાં. એણે ઓળખાણ કરવી કે આ એના ભાઈ છે અનિકેત. રજા મળતી નથી એટલે પંદર દિવસ ની રજા લઈને આવ્યા છે. એમણે પણ એમ.કોમ.કરેલું છે તો આપણને પણ મદદ કરશે અભ્યાસ માં.
મને લાગ્યું કે કઈક બદલાયું મારામાં. કંઇક અડકી ગયું હૃદય માં. અચાનક કેમ રોમાંચ વ્યાપી ગયો! આજે ખરેખર અભ્યાસ માં ધ્યાન ન્હોતું. અનિકેત ની સામે જોવાનું જ મન થઈ રહ્યું હતું..મારું ને રીના નું ઘર બહુ દૂર નહોતું. દસેક મિનિટ થાય ચાલતા. શિયાળા નો સમય હતો,અંધારું તો થઈ ગયું હતું. રીના સાથે આવે તો પછી એ વળતા એકલી કેમ આવે? ને હું એકલી કેમ જાવ? અવઢવ માં જ હતી ને કદાચ અનિકેત મારા વિચારો પામી ગયા હોય એમ એમણે મને મૂકવા આવવાનું કહ્યું. આતો ભાવતું તું ને વૈદે કીધું!
પહેલી વાર કોઈ મનગમતા પુરુષ પાછળ બેસી ને જવાનો અનુભવ એક ઝણઝણાટી જગાડે એવો હતો.
હું ઘરે પહોંચી પણ ભૂખ ને ઊંઘ ગાયબ. લે મને પણ થયું કે આ શું થયું છે મને! મને લાગ્યું કે મને અનિકેત ગમવા લાગ્યા છે. બસ રોજનો આ નિત્યક્રમ બની ગયો.
એમની આંખો માં મને મારા માટે ભાવ દેખાયો. અનિકેત અમને એકાઉન્ટ પણ સમજાવતા. મારા મન માં પ્રેમ ઉમડ્યો. રાત ને દિવસ અનિકેત જ દેખાય.
રીના એ કહ્યું હતું કે અનિકેત ને મોગરા ના ફૂલ બહુ ગમે છે. મને થયું લાવ આજે લઈ જાવ એમને માટે. રીના ના ઘરે ગઈ ત્યારે ઘણ મહેમાન બેઠાં હતા. હું અનિકેત ને શોધતી હતી. અંદર જઈને જોયું તો અનિકેત ની બાજુ માં ખૂબ સુંદર છોકરી બેઠી હતી. રીના એ મને બોલાવી ને કહ્યું કે જો આ અમી છે એની અનિકેત સાથે સગાઇ થઇ ગઈ છે.
સાંભળતા ખૂબ જ દુઃખ થયું પણ ભૂલ તો મારી જ હતી. કંઇજ જાણ્યા વગર પ્રેમ કરવાની ભૂલ કરી. અને એ પણ એકતરફી. મોગરાના ફૂલ જે અનિકેત માટે લાવી હતી એ આપ્યા એમને. અને બંને ને અભિનંદન આપ્યા. રીના ને કહી ઘરે જવા નીકળી ગઈ. મારા અનિકેત ને આપેલાં પહેલા ને છેલ્લા ફૂલ હતાં.