એક કેમિસ્ટની ડાયરી
એક કેમિસ્ટની ડાયરી
મને દવાના વેચાણ મેડિકલ સ્ટોર ઑનર અને દવા બનાવતી કંપનીમાં વેંચાણ પ્રતિનિધિનું કામ કરતે કરતે 36 વર્ષ થયાં..હું યુવાન હતો ત્યારથી, ડો.શરદ ઠાકર સાહેબ ની "એક ડોક્ટર ની ડાયરી"
કટાર નિયમિત વાંચું છું..ત્યારે એક વિચાર આવ્યો, કે જેમ ડોકટરની ડાયરી હોય તેમ એક કેમિસ્ટની ડાયરી પણ હોય ને ! ભલે ડૉક્ટરની જેમ દર્દીની સારવાર ન કરી, કે ઓપરેશન ન કર્યા હોય પણ દર્દીના દર્દ તો જોયા હોય, મજબૂરી જોઈ હોય અને ડોકટરને ન કહી શકે પણ દવાના વેપારી પાસે મનની વાત કરે એવા નિખાલસ લોકોને તો લગભગ દરરોજ મળવાનું થાય અને હું પણ એક ખૂબ સંવેદનશીલ લાગણીશીલ માનવી હોતાં ખૂબ હચમચાવી જાય એવા બનાવ પણ આટલા મોટા સમય (૩૬ વર્ષો)માં ઘણા બન્યા છે..તો આજે એક વખત વધુ અનુભવ કથા...
સોમવારની સવાર હતી. વરસાદી વાતાવરણ હતું, મન ને મુંઝારો થાય અને જેમ કોઈ ને કહેવાનું મન થાય પણ ન કહી શકાય તેવું બોઝલ વાતાવરણ હતું. એવામાં ભારેખમ શાંતિ નો ભંગ કરતો એક છકડો(અતુલ શક્તિ ) ધડ ધડ ધડ અવાજ અને ધરતી ને પણ ધ્રુજાવતો ઊભો રહયો.. અંદર ચસોચસ બેઠેલા દસ બાર મજબુર પણ રુક્ષ દેખાવવાળા, ભારેખમ ચાંદીના ઘરેણાં, મેલખાઉં કપડાંવાળા
ગામડિયા ઓ કોલાહલ કરતા ઊભી, કચ્છી બોલીમાં રાડ પાડીને એક બીજા સાથે ઝઘડો કરતા હોય એમ બોલીને ખેંચી તાણી ને ઉતર્યા. સાથે એક નાની પણ પરિણીત એવી રુખસાના
ચીસો પાડતી રોતી રોતી ઉતરી. પાછળ કાસમ શા પણ કૂદકો મારી ને ઉતર્યો. અને રોતી રૂખસાના ને પાછળ થી વાળ ખેંચીને વાંસામાં એક જોરદાર ઢીંક મારી..
' બસ હણે ..મુઈ.' મારી પાસે આવી ને કાસમ બોલ્યો ' જલ્દી પાણી જી બોટલ દે !..
મેં પાણીની બોટલ દેતાં પૂછ્યું' કો કુરો થ્યો?
શું કામ ખણી આવ્યો રૂખસાના ને?...,ને કુલાય રુવેતી ! ( શા માટે રડે છે?)
કાંઈ નહીં શેઠ,અમારો કસાઈનો ધંધો,..ઝગડામાં બૈરાં પાછા ન પડે..સાસુ વહુ ઝઘડયાં.. એમ કહી ને ઝડપથી દવાખાનાની અંદર આખું ધણ ધસી ગયું.
મને વિચાર આવ્યો કે જાનવરો ને કાપી કાપી આ કસાઈ કેવા દયાહીન થઈ ગયા છે !..
ત્યાં અંદરથી કાસમ બહાર ધસી આવ્યો અને ક્રૂરતાથી વાળ ખેંચીને રૂખસાનાને પણ બહાર ધકેલી..
અને એકદમ પાશવી અંદાઝમાં તેને માથાંમાં, ગાલ પર નાક પર મુક્કા અને થપ્પડનો વરસાદ કરી નાંખ્યો..
કાળો કકળાટ થવા લાગ્યો..બધાય ગામડિયાઓ પણ બહાર આવીને ચીસાચીસ કરવા લાગ્યા..
એ કાસમ ન..માર.. નિયાણી .આય..
તો પણ કાસમ નું ઝનૂન ઓછું ન થયું..તેની આંખમાં ઝેર ધસી આવ્યું હતું,
છેવટે પહેલાં ડોક્ટર સાહેબ બહાર આવ્યા ,
પાછળ પ્રવીણ.. અને બાજુમાં હું પણ ફૂટપાથ પર
કાસમ પાછળ ગ્યા...'એ મૂક હવે..
ડોકટર બોલ્યા ..,
પ્રવીણ તો આગળ જઈને રૂખસાના અને કાસમ પર પાણી છાંટવા માંડયો..
અને મેં જઈ ને કાસમનો હાથ ઝાલી લીધો...
એના પાશવી બળ સામે ટકવું અઘરું હતું પણ, કદાચ કાસમ શા ને પણ થોડી શરમ આવી, એટલે ટાઢો પડ્યો અને બેસીને હાંફવા લાગ્યો.
મેં બીજી ઠંડા પાણીની બોટલ લીધી, ખોલીને એના હાથમાં દીધી..તે પાણી પીવા મંડ્યો અને બાકીની બોટલ પોતાના માથા પર રેડી દીધી.
મારા પણ કપડાં ભીંજાયા..
થોડીક શાંતિ થઈ..બધા ગામડિયાઓ પણ ફૂટપાથ પર બેસીને બીડી પીવા લાગ્યા, હોટેલમાંથી ચાય પણ મંગાવી.
મેં રૂખસાના ને પૂછયું' કો બાઈ કુરો થયો ! કેમ આટલો મોટો ઝઘડો.?...
રૂખી રોતે રોતે બોલી..મારી પાળેલી બકરીને પણ મૂઆએ કાપી નાંખી..
મેં મારા બેય છોરાને એનો દૂધ પીવડાવ્યો હતો..
નાનલો તો એનો હેવાયો હતો...
મેં ઉગ્ર નજરે કાસમ સામે જોયું,
મારી નજરનો પ્રશ્ન સમજી ને એ બોલ્યો..
' શેઠ દવા લેવાના પૈસા નૉ તા..
ફકીરો ( કાસમ શા ના બાપા)ખાંસી ખાંસી ને હાંફી રયો....
તો હું શું કરું....છોરા ને જોઉં કે બાપ ને !
અમારી કોઈ પાસે જવાબ નહોતો..
.. ..શું થાય !
