એક હતો રાજા
એક હતો રાજા
હવે આજના જમાનામાં ભારતમાં તો રાજા રહ્યા નહીં,
હા,પણ લીસોટા તો રહી જ ગયા.
પેલી કહેવત છે ને કે રાજા, વાજાં અને વાંદરા.
આમ તો આપણે બધા માનવો વાંદરા જ છીએ. એટલે જોઈએ તો રાજા તો કહેવાઈએ.
ને વાજાં વાગે તો ઠીક..
હવે રવિવાર આવે એટલે બધા રાજા જ બની જાય.
એ મોડા મોડા ઉઠવાનું.
ઓર્ડર કરવાના..
સાચું કહીએ તો ઘરની ગૃહિણી જ ઘરની રાજા હોય છે..
ઘરની રાજા, રાણી, મંત્રી, આરોગ્ય મંત્રી તેમજ પ્રજા પણ.
આમ એ હરફન મૌલા, એટલે કે સર્વ ગુણ સંપન્ન કહેવાય.
બોલો તો એ રાજા જ કહેવાય ને..!
અરે.. આમાં ને આમાં મારી નાની વાર્તા તો ભૂલી જ ગયો.
વાર્તા નું નામ" એક હતો રાજા ".
એ દિવસે બહુ થાકી ગયો હતો.
આમ તો રોજ થાકી જવાય..જીવન જ એવું જાય છે ને !.
હા તો થાકી ને ઘસઘસાટ ઊંઘી ગયો..
પછી તો જોવાનું જ શું?.
આપણે તો સ્વપ્ન માં રાચવા માંડ્યા.
જોયું તો એક રાજા ઘોડાં પર જંગલમાં શિકાર કરવા નીકળ્યો.
બહુ દૂર સુધી ગયો.
પણ શિકાર હાથમાં આવ્યો નહીં.
રાજા ભૂખ્યો ને તરસ્યો શિકારની શોધમાં ને શોધમાં બેભાન થઈ ને ઘોડા પરથી પડી ગયો.
પછી શું ફિલ્મોમાં આવે છે એ રીતે..જ..
રાજાની આંખ ખુલી તો એક ઝૂંપડીમાં પોતાને જોયો.
રાજાને તો પોતાના મહેલ સિવાય બધું ઝૂંપડી જેવું જ લાગે.
સ્વપ્ન માં થયું કે જોઉં તો ખરો કે આ રાજા કેવો દેખાય છે?
સ્વપ્ન ને ઝૂમ કર્યું..
ઓહ્. આ રાજા તો બિલકુલ મારો ડુપ્લિકેટ.
ના..ના.. કદાચ હું જ હોઈશ.
હા.. તો.. હું ક્યાં હતો !
હા ઝૂંપડીમાં..
એક સુંદર યુવતી ને જોઈ..એ રાજાની સેવા કરતી હતી..
રાજાને થયું દાસી મારી સેવા કરે છે.
રાજાએ દાસીને આજ્ઞા કરી.. મારા પગ દુઃખે છે..
એ યુવતી એ રાજાના પગ દબાવી આપ્યા. ને એ એના નાનકડા રસોઈ ઘરમાં ગઈ.
થોડીવારમાં એ માટીના નાનકડા પાત્રમાં કંઈક લાવી.
રાજા બોલ્યો:-" દાસી મારા માટે ગરમાગરમ આદુ વાળી ચા લાવ."
એ યુવતી બોલી:-" મહારાજ તમે થાકી ગયેલા છો. તમારા માટે આ હલ્દીવાળું દૂધ લાવી છું. એ ગ્રહણ કરો. તમારો થાક પણ ઉતરી જશે."
રાજા એ કડક અવાજમાં કહ્યું રાજા હું છું. તું દાસી છે. તારે મારી આજ્ઞા માનવાની હોય.
એટલામાં અવાજ આવ્યો.
હવે ઊંઘમાં બબડવાનુ બંધ કરો.. સવાર પડી ગઈ.. હવે બ્રશ કરીને હાથ પગ ધોઈને આવો. આ તમારા માટે ગરમાગરમ હલ્દીવાળું દૂધ બનાવ્યું છે..
એ અવાજ શ્રીમતી નો હતો.
ના.. ના.. મારે તો ચા પીવી છે.. હું બોલ્યો.
શ્રીમતી બોલ્યા:-" જુઓ હમણાં તો તમે કોરોનામાંથી સાજા થયા છો.. ને ચા પીવાથી તમને કફ અને ખાંસી થાય છે.. હા.. ચા આપીશ.. પણ પહેલા તમારે તો રોજ હલ્દીવાળું દૂધ સવારે અને રાત્રે પીવાનું છે.."
બસ પછી માનવું તો પડે જ ને..
ને એ રાજા હતો નહોતો થઈ ગયો.
કારણકે ખરું કહીએ તો ઘરની ગૃહિણી જ રાજા ને મંત્રી છે.
રાજા તો ઘરની ગૃહિણી છે..
માટે ઘરની ગૃહિણી કે ઘરની ચોવીસ કલાક ધ્યાન આપતી નારીનું માન સન્માન જાળવશો તો જ તમને સારી રાણી મળશે.
