STORYMIRROR

Nency Agravat

Romance Tragedy

4  

Nency Agravat

Romance Tragedy

એક ભયાનક સાંજ

એક ભયાનક સાંજ

3 mins
422

એના દોડતા મનના તરંગો સાથે પગ પણ હરણાની માફક દોડતા હતા. પગની ઝડપ અને મનના એ વિચારોના તરંગોની ઝડપ જાણે એકબીજા સાથે હરીફાઈમાં ઉતર્યા હોય એવું લાગતું હતું. સાથે હદયના ધબકારા કહેતા હોય કે, હું કેમ પાછળ રહી જાઉં ? અને એ પણ મૂંઝારા સાથે જોરથી ધબકવા લાગ્યું. ઘડીક એને થયું ચાલ થોડીવાર ઉભી રહી જાઉં પણ પગ થંભવાનું નામ જ લેતા નહતા. જ્યાં જાય ત્યાં, પણ હવે પાછું વળી જોઉં નથી કે વળવું નથી.આગળ નીકળી જઉં છે.એટલે અહીં તો ઉભવું પણ નથી. એમ વિચારી કદાચ એ દોડતી હશે અને પોતાની દુનિયાને મૂકી નવી દુનિયામાં એને પ્રવેશ લેવો હશે.

લગભગ પંદર મિનિટ જેટલું દોડી વિસ્તાર બદલાયો લાગતા એના પગે પણ થોડી સ્પીડ ઘટાડી અને સાથે મનના વિચારો એ પણ નક્કી કરી લીધું હશે કે ખાઈ લઉં થોડો વિસામો અને એ અંધકાર પ્રસરાવતી સાંજે દોડતી સીટી બસ સ્ટેન્ડ પાસે પહોંચી. ભૂતકાળ છોડયાનો અફસોસ નહિ પણ સંતોષ અનુભવતી એ પોતાને સ્થિર કરી સીટ સ્ટેન્ડના એક ખૂણામાં બેસી ગઈ.આજુબાજુ નજર કરતા વાસ્તવિકતાનું ભાન થયું કે, શહેરની ચહલ પહલ હવે ધીરે ધીરે શાંત પડવા લાગી છે. હતું તો આસપાસ નીરવ શાંતિ, ઝાંખપ આપતો અંધકાર,દૂરથી આવતો કુતરાનો ભસવાનો અવાજ અને એ નજરો જે પ્રશ્નાર્થ ભાવે એની તરફ જોતી હોય ! કોઈની પણ પરવાહ કર્યા વગર રાહ હતી એને એ છેલ્લી બસની જેમાં એ એકલી ના હોય.

એકલતાના જ ડરે એટલી ભગાવી કે હવે એકલું નહતું રહેવું. દૂરથી એ મંજિલ ભણી લઈ જતી બસ દેખાતા જ એક ચમકારા અને એક નવા અહેસાસ સાથે ઉભી થઇ જલ્દી એ બસ થોભતા જ ચડી ગઈ. અને ખૂબ તેજીથી ચાલતા શ્વાસ છેલ્લી સીટ ઉપર પોતાની મંજિલને જોઈ શાંત પડવા લાગ્યા. દોડીને એની પાસે બેસી ઘણું રડવું હતું ઘણું કહેવું હતું પણ કોઈ શબ્દ નીકળતા ન હતા. મનમાં ચાલતું તુફાન જાણે પોતાને ડુબાડી દેશે એવું અનુભવતી અને બસમાં એમને જોઈ ડૂબતાને તરણાનો સહારો મળે એમ એ એની પાસે બેસી જલ્દીથી એનો હાથ પકડી ચૂપચાપ બેસી ગઈ. ખંભા ઉપર માથું રાખી આંખો બંધ કરી એ બધું જ મળી ગયાનો સંતોષ અનુભવતી હતી. બસ કઈ બોલવું નહિ એનો સાથ માણવો હતો. આ દુનિયાની નહતી પડી કે એ શું વિચારશે બસ હાથોમાં હાથ અને એનો સાથ પામી બીજી કોઈ અપેક્ષા રાખ્યા વગર એને સ્થિરતા લેવી હતી.

અડધી કલાક ચાલેલી બસ શહેરની બહાર ક્યારે લઈ ગઇ એની એને ખબર જ ન રહી. અને માત્ર "ચાલ" એવા ટૂંકા સંવાદમાં એ ભાનમાં આવી શહેરના છેલ્લા સ્ટેન્ડ ઉપર બંન્ને ઉતરી ગયા. સમુસામ એ સાંજ ધીમે ધીમે રાતનું વિકરાળ સ્વરૂપ લઈ રહી હતી. પરંતુ એ પૂનમનો ચાંદ પોતાની ચાંદનીને ફેલાવી કહી રહ્યો હોય કે, 'હું સાક્ષી છું ,તમારી કોરી કે ભીની, સાચી કે ખોટી, અપેક્ષિત કે નિષ્પક્ષ લાગણીઓનો હું સાક્ષી બની બેઠો છું.'

કોઈ સંવાદ નહિ માત્ર એકબીજાને આંખોથી જ જોઈ ઘણું કહી જતા હતા.બહુ રડી લીધું આ આંખોએ હવે નહિ એવું મક્કમતાથી એકબીજા સામું જોઈ રહ્યા.હવે પ્રેમની વાતો નહિ અહેસાસ જોઈએ,હદયના દરેક સ્પંદને નામ જોઈએ. એકબીજાનો હાથ પકડી એ ખુબસુરત સાંજને ભયાનક સાંજમાં બદલી નાખી.

****

બીજા દિવસે શહેરના અખબારમાં ફરતી હેડલાઈન,

"શહેર બહારની કેનાલમાં વહેલી સવારે આપઘાતનો બનાવ. એક કિશોરી(ઉ.વ.16) લાશ મળી અને મ્યુઝીક કલાસીસ ચલાવતા યુવક (ઉ.વ.35)નો ચમત્કારિક બચાવ !


Rate this content
Log in

Similar gujarati story from Romance