એ પિતા છે
એ પિતા છે
પિતા એટલે ઘેઘૂર વડલો, જેની છાંવ હંમેશા સંતાનો પર રહે છે. સુખ દુઃખના સાથીદાર એટલે પિતા. શારીરિક જન્મ મા આપે છે. જ્યારે માનસિક ઘડતર પિતા કરે છે. મા વિશે બહુ લખાયું પણ પિતા તો પાયાનો પથ્થર છે, એની ઉપર આખી ઈમારત ઊભી છે.
પિતા ધૂપસળી છે. જેમ એક ધૂપસળી પોતે ખાખ થઈ વાતાવરણને મહેકતું બનાવે છે, એમ પિતા પણ પોતાનું આખું જીવન, પોતાનો સંતાનો માટે ખરચીનાખે છે. મા શીતળ ચાંદની છે, તો પિતા એ સૂરજનો તાપ છે. ઉપવનને મહેકતું રાખવા સૂરજની ગરમી પણ જોઈએ.
પિતા એનારિયેળ જેવા, ઉપરથી કઠોર પણ અંદરથી ખૂબ ઋજુ હોય છે. ક્યારેક બાળકની જીદ હઠ કે તોફાનને લીધે ગાલ પર તમાચો મારે, પણ તમાચો પોતાના જ હદય પર લાગ્યો હોય એવો અહેસાસ થાય છે. અને બીજી જ પળે, બાળકની માગણી કરતા પણ વધારે લાવીને, બાળકના એક સ્મિત માટે તરસે એ પિતા છે.
ચાલતા મા શીખવે છે. પણ પડીને પણ અડીખમ ઊભા રહેવાનું પિતા શીખવે છે. શબ્દો બોલતા મા શીખવે છે. પણ ક્યાં અને કેવી રીતે બોલવા એનું જ્ઞાન પિતા આપે છે. સ્કુલનું લેસન માતા કરાવે છે, પણ જિંદગીના પાઠો પિતા ભણાવે છે. આમ શારીરિક ઘડતરની સાથે, માનસિક ઘડતરમાં સિહફાળો પિતાનો હોય છે. પિતા એટલે ઘરની છત, જે ટાઢ તડકો અને વરસાદથી રક્ષણ કરે. પિતા એ વ્યક્તિ છે, જે પોતાના બાળકોના સપના ઓને પૂર્ણ કરવા, પોતાના સપના ઓને હૈયામાં દફન કરી દે છે.
પિતા એ વ્યક્તિ છે, જે આર્થિક રીતે સધ્ધર થવા દિવસ રત મહેનત કરે, જેથી પોતાના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. આંખો મારી પણ એનાથી દુનિયાને માપવાનો, જોવાનો, દ્રષ્ટિકોણ મને પિતા એ આપ્યો. બુધ્ધિ મારી, પણ યોગ્ય જગ્યા એ ઉપયોગ કરવાની, સાચા ખોટાની પરખ કરવાની કેળવણી મારા પિતાની છે. જબાન મારી છે, પણ સ્પષ્ટ વક્તા બનાવનાર મારા પિતા છે. પિતા એ માળી છે, જે ટાઢ તડકો વરસાદ વેઠીને, પોતાના કુટુંબના બગીચાને સલામત અને હરિયાળો રાખે છે.
પિતા અને સંતાનનો સંબંધ પતંગ અને દોરી જેવો છે. પતંગ જ્યાં સુધી દોરી સાથે જોડાયેલો છે, ત્યાં સુધી જ એ ઊંચે ઉડી શકશે. પણ દોરીથી પોતાનો સંપર્ક કાપીનાખશે, એટલે એનીચે પડી જશે. એક સંતાન જ્યાં સુધી પિતા એ ચીંધેલા યોગ રાહ પર ચાલે છે, ત્યાં સુધી જ એનો વિકાસ થશે. પણ જો રાહ ભટકી જશે તો, જીવન રૂપી જંગલ માં અટવાઈ જશે.
એક પાન, એક ફૂલ, એક ડાળી, જ્યાં સુધી ઝાડના મૂળ સાથે જોડાયેલી છે, ત્યાં સુધી હરિયાળી અને લીલીછમ રહેશે. પણ ઝાડથી અલગ થઈ જશે તો મુરઝાઇ જશે. એક ફૂલની જીદ હતી, ઝાડથી અલગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની, અને એટલે જ એ કરમાઈ ગયું જોને એ ફૂલ.
પિતા એ જીવનના રાહબર છે. મારા માટે તો ઈશ્વર છે મારા પિતા, કેમ કે ઈશ્વર પાસે મે માગ્યું હોય અનેના મળે એવું બની શકે, પણ પિતા એ એવું ક્યારેય નથી કર્યું. દુનિયાના તમામ પિતાને વંદન, જે માથે જવાબદારીનું ખાસ્સુ મોટું પોટલું રાખીને, પણ હસતું વદન રાખે છે. સંતાનોના સુખ ખાતર, પોતાના દુખડાને હૈયામાં દબાવીને રાખે છે.
હે ઈશ્વર ! જગતના તમામ પિતા ઓને લાંબુ આયુષ્ય આપ, અને તેના સપના ઓ પૂર્ણ કરવાનું સામર્થ્ય આપ.
