એ મીઠો ન થઈ જાય ત્યાં સુધી
એ મીઠો ન થઈ જાય ત્યાં સુધી
સરિતા અને તેના સાસુને કેમેય કરીને નીંદર નહોતી આવતી.
" બેટા, હવે તું જમી લે. તને તો જલધિના સ્વભાવની ખબર જ છે. એ તો ખાઈ-પીને ટેસથી રખડતો હશે. તું ભૂખી મરી જઈશ", પ્રજ્ઞાબેને પોતાની દીકરી જેવી વહુને કહ્યું.
" ના મમ્મી, તમે આરામથી સુઈ જાઓ, હું એ આવે પછી જમીશ", સરિતાએ એકદમ મક્કમતાથી કહ્યું.
" એ બાર વાગ્યામાં આવી ગયો હોય એવું કયારેય બન્યું છે? બેટા, મને જીવનભર અફસોસ રહેશે કે મેં તારી જિંદગી બગાડી. કેવી અલ્હડ નદી જેવી છોકરીને મેં જાણે બેડીઓ નાખી દીધી. તારો બધા સાથે ભળી જવાનો સ્વભાવ, તારી મીઠાશ, બધા પ્રત્યે સમભાવ, સતત સમર્પણ, આપવાની વૃત્તિ, પોતાની મસ્તીથી વહેવું અને આ ખળખળ અવાજ. તું તો ખરેખર મારી સરિતા જ છો", આંખમાં આસું સાથે પ્રજ્ઞાબેન બોલ્યાં. "
અને મમ્મી તમે? નદી તો મમ્મી તમે છો. હું તો ઝર
ણું હતી. તમારામાં ભળી પછી આ બધા તમારા જ સંસ્કારો અને ગુણોને આગળ લઈને ચાલુ છું", સરિતાની આંખ પણ ભીની થઈ. " મને મા માને છે ને તો મારી એક વાત પણ માન અને છૂટી થઈ જા આ બંધનમાંથી. હું સામેથી જ તને કહું છું. હજુ તારી ઉમર તો ખૂબ નાની છે. પાછી ફરી જા. નવેસરથી જીવન શરૂ કર. હું તો પાછી નહોતી ફરી શકી. તું તો જતી રહે. એના બાપનું લોહી હું ઓળખું છું. એ ક્યારેય સુધરશે નહીં", વળી પ્રજ્ઞાબેને વિનવણી કરતા બોલ્યાં.
" મા તમેય એકેય નદીને ક્યારેય પાછી વળતી જોઈ છે? અને જે પાછી વળે તેને નદી કહેવાય ખરી? ", સરિતાના પ્રશ્નો પ્રજ્ઞાબેનને મૂંજવી રહ્યાં હતાં.
" તો ક્યાં સુધી એને સહન કર્યા કરીશ? ક્યાં સુધી?", પ્રજ્ઞાબેને એકદમ અધીરાઈથી પૂછ્યું.
" જ્યાં સુધી એ મીઠો ન થઈ જાય ત્યાં સુધી.....સરિતાએ એકદમ શાંત ચિત્તે જવાબ આપ્યો.