એ માણસ
એ માણસ
હા એક માણસ હતો. મને મળ્યો ત્યારે બિલકુલ અલગ અંદાજથી મળ્યો હતો.
“હલ્લો, હું પરમીત.”
“હં..“
હું જરા હડબડી હતી કારણ સાવ અજાણ્યો હતો.
“અંહં એમ ડરો નહીં. હું ફોનમાં છું. બહાર આવીને ગુલાબ નહીં આપી જાઉં.”
અને મને અકારણ હસવું આવી ગયું હતું.
ડિજીટલ મિડિયાની આ જ કરામત કે કરુણતા કહેવાય કે એક માણસ જે સ્ક્રીન પર મળ્યો, મિત્ર બન્યો, હમકદમ બન્યો અને સમાંતર ચાલીને સ્ક્રીન પરથી જ વિદાય થયો.
સાત વર્ષ પહેલાં મારા ફોનમાં ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. મેં કાળજીપૂર્વક તપાસ કરીને એ સ્વિકારી. અને પછી એક એવો સરસ સરળ નિખાલસ મૈત્રીભાવ કેળવાયો કે મારી એકલવાયી જિંદગીમાં એક રંગ ઉમેરાયો.રોજ ગુડ મોર્નિંગથી શરૂ થયેલી વાતો શિવરંજની અને ગઝલના શબ્દોમાં ઢળાતી જતી. એ માણસ સાહિત્ય અને સંગીતનો માહેર હતો. તો વિચારોમાં સંપૂર્ણ આધુનિક છતાં મર્યાદાશીલ હતો. કેટલાય નવોદિત ગાયકને અને લેખકને સ્થાપિત નિષ્ણાત સુધી પહોંચાડી દેતો અને નવોદિતમાંથી પ્રતિષ્ઠિત નામ થાય ત્યારે મૌન ખુશ થતો રહેતો.
એ માણસ બહુમુખી અને હસમુખ હતો. હજી તો પાંચ દિવસ પહેલાં જ એનો મેસેજ હતો. વાર્તા શરૂ કર. એક પ્લોટ મોકલું છું અને પછી આ મહામારીમાં યુવાન દીકરાને ખોઈ બેઠેલી માની વેદના અને ત્યાર બાદ એ જ મા અનાથઆશ્રમમાં અનેકની મા બનીને જીવી જાણે એ જડબેસલાક પ્લોટ એણે મોકલ્યો.
ત્રણ દિવસ મને વિચારતાં થયા ત્યાં એ માણસ અચાનક એક સવારે એ જ મહામારીમાં “હતો” થઈ ગયો. હું કોની વાર્તા લખું એ સમજાતું નથી. અરે ! એ માણસને રૂબરૂ મળવાનું જ રહી ગયું. એ માણસ કેટલાય કિલોમીટર દૂર હતો તોય જાણે સાવ બાજુમાં હતો. અને..મેં એક વાક્ય સાથે ડાયરી બંધ કરી. “કેટલાક સંબંધને નામ આપવાની જરુર નથી હોતી, કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરુર હોય છે.”
એ માણસ એક સંબંધ રોપી ગયો. મહામારી તો હમણાં આવી છે પણ એ માણસ તો સાત વર્ષથી વર્ચ્યુઅલ કેમ જીવાય એ શીખવાડી ગયો. એક રૂઢિચુસ્ત સામાજિક ઢાંચાની માનસિક સાંકળ તોડતાં શીખવાડી ગયો.
અને હોલમાં તાળીઓના ગડગડાટ થયા. મારી એ વાર્તાને પ્રથમ પારિતોષિક મળ્યું હતું જેના સન્માન સમારંભમાં મારાથી એ વાર્તાના માનસપિતા “એ માણસ” વિશે બોલાતું જ ગયું હતું.
