"Komal" Deriya

Romance Tragedy

4  

"Komal" Deriya

Romance Tragedy

એ છેલ્લી સાંજે

એ છેલ્લી સાંજે

24 mins
329


એ છેલ્લી સાંજે જ્યારે મેં એને ફોન કર્યો, મારા મનમાં ઘણુંબધું અજુગતું ચાલી રહ્યું હતું, જાણે મને પહેલાંથી ખબર જ હતી કે એ ફોન નથી ઉપાડવાની એમ વિચારીને જ મેં ફોન કર્યો હતો. ઘણા પ્રશ્નો જવાબવિહોણા મનમાં ઘોળાયા કરતાં હતા પણ પુછવાની હિંમત જ નહતી, હાથ ધ્રુજી રહ્યા હતાં અને એમ પણ વિચાર આવતો હતો કે કદાચ ફોન ઉપાડ્યો તો શું વાત કરીશ ? જાણે અસ્વસ્થ મન અને ગભરાટ છવાયેલું હ્દય તર્કવિતર્ક કરી રહ્યા હતા, ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો અને આંખો તો જાણે હમણાં જ બંધ તૂટશે ને તારાજી સર્જાઇ જાશે એવી ભરાઈ આવી હતી, આ થોડીક જ ક્ષણો જાણે મને સંપૂર્ણ તોડવામાં સફળ થઈ હતી અને છેલ્લે જાણે મને ગમતું થયું એમ હું શાંત થઈ ગયો, આજે પણ એ ફોનનો કોઈ જવાબ નથી આપતું એવું સાંભળીને અશ્રુબિંદુ ધારા બની કિનારો ઓળંગી ગયા.

આ કદાચ મારો છેલ્લો અસફળ અને નિરર્થક પ્રયાસ હતો. આ પછી જાણે મારા જીવનની ઢબ જ બદલાઈ ગઈ. મારા જીવવાનું ધ્યેય જાતે જ શોધવા લાગી ગયો પણ ક્યાંક મનમાં હજુય પેલો પ્રેમ જીવતો જ રાખ્યો છે મેં... હા, પ્રેમ તો જીવંત જ છે પણ હું કદાચ જીવિત હોવાનો ઢોંગ રચી રહ્યો છું. આ સ્વાંગમાં કદાચ જીવંત થવાનો સ્વાર્થ અકબંધ છે. તમને એમ થતું હશે કે હું આ શું વાત કરી રહ્યો છું અને કોની વાત કરી રહ્યો છું. તો ચાલો શરૂઆતથી માંડીને વાત કરીએ મારા આ ઉદાસ ચહેરા પાછળની વાર્તાની. મારું નામ સોહમ છે અને હાલ હું એક શિક્ષક છું. મેં મારુ પ્રાથમિક શિક્ષણ ગામડાની શાળામાં મેળવ્યું અને બાકીનો અભ્યાસ શહેરમાં પૂર્ણ કર્યો.

હું મધ્યમ વર્ગના પરિવારમાંથી હતો એટલે અભ્યાસ સમયે ધ્યાન હતું જ કે આપણે સારા ગુણ પ્રાપ્ત કરવા જ રહ્યાં. સારીનોકરી મેળવી ઘરના લોકોને જેમ બને એમ જલ્દી મદદરૂપ થવાય હંમેશા એવા પ્રયાસો રહેલાં. દસમાં ધોરણમાં સારા નંબર સાથે ઉત્તીર્ણ થયો એટલે શિષ્યવૃત્તિ મળી અને મેં વિજ્ઞાન પ્રવાહમાં જવાનું નક્કી કર્યું. ઘરના લોકોને ખર્ચ વધી ના જાય માટે ટ્યુશન લેવાનું શરૂ કર્યું. ભણવાની સાથે હું નહિવત્ જેટલું જ કમાઇ શકતો હતો પણ મારા ખપ પૂરતુ તો હતું જ! ગણિત મારા ગમતાં વિષયમાંથી એક હતો અને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ રસ ખરો ! ૧૨માં ધોરણમાં પાસ થયા પછી મેં બી.એસસી.માં પ્રવેશ લીધો. મારી પાસે આ એક જ રસ્તો હતો અભ્યાસ પૂર્ણ કરી શિક્ષક બનવાનો. બચપણથી જ મને શિક્ષક બનવાનો શોખ હતો અને ટ્યુશન કરાવીને આત્મબળ પણ મજબુત થયું. જુલાઈ મહિનામાં અભ્યાસ શરૂ થયો.

હું જે કોલેજમાં હતો ત્યાં ખુબ જ સગવડો મળી અને મને સારું જ્ઞાન પણ મળવા લાગ્યું. થોડાક નવા મિત્રો સાથે એક વર્ષ પુરુ થયું. શરૂઆતમાં થોડી તકલીફ પડી પણ પછી તો ધીમે ધીમે આ વાતાવરણમાં મને ફાવી ગયું. બધાથી ઓળખાણ કરતાં કરતાં ભણ્યાં અને પરીક્ષાઓ પણ આપી. પરિણામ હાથમાં આવ્યું એટલે તો મારી ખુશીનો પાર નહતો કેમકે આ વખતે પણ મેં પરિણામમાં શાળાની જેમજ મારો પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો. મારુ મનોબળ વધ્યું. જ્યાં આવ્યો ત્યારે મને એમ હતું કે આ મોટા શહેરમાં હું મારી ઓળખ બનાવવામાં નિષ્ફળ થયો તો ગામડે મારા પિતાનું માન ઓછું થઈ જશે ત્યાં આ પરિણામ જોઈને હું તો કેફમાં આવી ગયો. છેક ગામડે ખબર પહોંચાડી કે હું સારા ગુણ પ્રાપ્ત કરી પ્રથમ આવ્યો છું. પરંતુ એ વાત જરીકે અવગણી ના શકાય કે નવા શહેરનો અને લોકોનો મને ડર રહેતો, કોણ સારું, કોણ ખરાબ પારખવાની સમજ નહતી પડતી. હા, પણ ઘરેથી સમજાવીને મોકલ્યો હતો કે બને તેટલાં ઓછા લોકોના સંપર્કમાં રહેવું અને મિત્રો પણ એવા જ બનાવવા જે અભ્યાસમાં મદદરૂપ થાય અને હું પણ તેમને મદદ કરી શકું. 

મારે માંડ બે મિત્રો હશે જે મને ઓળખે, સાથે રહે અને મને શહેરની અવનવી વાતો કરે બાકી કોઈ મને ઓળખે પણ નહીં. જેવું પરિણામ આવ્યું કે તરત જ મારા મિત્રોની સંખ્યા વધવા લાગી, ઓળખાણ વધી, સંપર્ક વધ્યા પણ તોય પેલાં બે મિત્રોથી વધારે હું કોઈ સાથે સંપર્કમાં નહતો. આમ કરતાં કરતાં બીજા વર્ષનો અભ્યાસ શરુ થયો. વેકેશનમાં ઘેર જઈને પાછા આવ્યા હતા એટલે શરૂઆતમાં થોડું ઓછું ગમ્યું પણ પછી ટેવાઈ જવાયું. સાવ પહેલા વર્ષ જેવો અણગમો નહતો લાગ્યો. હવે તો મને અહીં ઘણા લોકો ઓળખતા અને શિક્ષકો પણ ઓળખવા લાગ્યા. હું પહેલાંથી જ વધારે વાતોડીયો હતો પણ મિત્રો મારે ઓછા જ હોય.

કોલેજમાં નવા વર્ષની શરૂઆતમાં જ એક નવા ઉંમગ સાથે હું નવા સપના પુરા કરવામાં લાગી ગયો. આ સમય દરમિયાન જ્યારે મને જરૂર હોય ત્યારે હું અમારા સાહેબ શ્રી ભાવેશભાઇ પાસે મદદ માટે પહોંચી જતો. સાહેબ ખુબ ઉદાર અને હોંશિયાર. મદદ કરવા હંમેશ તત્પર હોય પણ મારા માટે એક મુશ્કેલી ઊભી થઇ સાહેબની બદલી થઈ ગઈ. જાણે મારી તો જડ કપાઇ ગઈ. જે મારા આત્મવિશ્વાસને વધારતા હતા, જે મને રોજ નવી નવી વાતો શીખવતા અને મને બધા જ વિષય ભણવામાં રસ જગાવતા એ સાહેબ તો હવે હશે જ નહીં સાથે! મને સાહેબના જવાનું ખુબ દુઃખ થયું કેમકે એ શિક્ષક હોવાની સાથે મારા સૌથી સારા મિત્ર હતાં. 

પણ એમને જતાં જતાં મારો વિચાર કર્યો હશે કદાચ એટલે મને એમને એક છોકરી સાથે મુલાકાત કરાવી. સાહેબે કહ્યું,"આ પણ મારી જ વિદ્યાર્થીની છે અને સોહમ તને જ્યારે જરૂર પડે એની પાસે જજે, તું એમ માનજે કે આ મારો જ પડછાયો છે." અને હું સાહેબના આર્શીવાદ લઇ ત્યાંથી નિકળ્યો. એ પછી સાહેબ સાથે ખુબ ઓછી વાત થતી એટલે એમની પાસે ભણવું અઘરું થયું. મારી પાસે એક બીજો વિકલ્પ હતો પણ મને કંઈક અજુગતું લાગતું હતું એટલે શરૂઆતમાં તો હું બધું જ ચલાવી લેવા લાગ્યો પણ પછી મને થયું લાવ ને મદદ માટે પુછી તો જોઉં વારુ ખબર તો પડે!એમનું નામ તો મને ખબર નહતી પણ એટલી ખબર કે એ પી.એચડી કરી રહ્યા હતા. એટલે મેં એમને શોધી લીધા. એ દિવસે એમને મારા બધા જ પ્રશ્નોના જવાબ એટલી સરસ ઢબે આપ્યા કે મને થયું આ તો પહેલા મળવા જેવા વ્યક્તિ હતા. ખોટો હું ખચકાતો હતો. એકાદ કલાક સુધી ચર્ચા ચાલી પછી હું એમનો આભાર માની ત્યાથી જતો હતો ત્યાં એમને મને કહ્યું,"બધું ભેગુ કરીને એકસાથે આવે એના કરતાં રોજ આવીને થોડું થોડું શીખી જવાનું. હું સાંજે ચાર વાગ્યા પછી ફ્રી હોઉં છું."પછી તો રોજ મળવાનું થતું. કોઈકવાર મને જરૂર ના લાગતી તો હું એમને મળવા ના જતો. 

લગભગ એકાદ અઠવાડિયા પછી મને આ વાતની જાણ થઈ. એમનું નામ 'સૃષ્ટિ' છે. દેખાવે એકદમ સરળ, થોડી ગોરી, ઉંચાઈ સાડા પાંચ ફૂટ જેટલી તો હશે જ, સ્હેજ લાંબા કાળા વાળ, કામણગારી ભૂરી આંખો, સુડોળ અને તંદુરસ્ત શરીર, ભરાવદાર ચહેરો, પહેરવેશ આકર્ષિત કરે એવો નહીં પણ એકદમ જુદો, હાથમાં ખુબ જુની ઘડીયાળ જોઈને એમ લાગે કે સમય નહીં પણ કોઈકની યાદો બતાવતી હશે, શબ્દોમાં શિસ્ત અને એકદમ શાંત અને મીઠો અવાજ, એક જ વાત મને ખુબ ગમતી એ હતી એમનું હાસ્ય અને ધીમે ધીમે બોલવાની આદત. એ પછી લગભગ ચાર દિવસ પછી હું એમને મળવા ગયો અને ત્યારે પણ મને જોઈને એ હાસ્ય અકબંધ જ હતું... સૃષ્ટિ હંમેશા એક જ વાત કરે કે હંમેશા શીખતા રહેવું પડે નહીં તો આપણે શિક્ષક ના બની શકીએ. મને એમની વાતો ગમતી કેમકે એમાં હંમેશા મારા માટેની કાળજી હોતી. એમના મોઢામાંથી હંમેશ એવા જ શબ્દ નિકળે જેમાં કોઈ માટે દ્વેષ ના હોય, ગુસ્સો ના હોય. ભુલ ગમે તેટલી મોટી હોય એમને ગુસ્સો ના આવે તે ના જ આવે. અરે એટલું સુંદર હાસ્ય કે એને જોતા આપણો પણ ગુસ્સો પીગળી જાય. આમ એકાદ મહિનો વીત્યો.

એકદિવસ વહેલી સવારે હું કોલેજ પહોંચ્યા. સૃષ્ટિ પણ આજે વહેલી આવી હતી. હું એને જોતાં જ બોલ્યો"શુભ સવાર મેડમ!" તો એણે મને કહ્યું,"શુભ સવાર, પણ આમ મને મેડમ મેડમ ના બોલાવ હું પણ હજુ વિદ્યાર્થી જ છું. કેવું લાગે કોઈ સાંભળે તો ? તું મને સૃષ્ટિ કહીને બોલાવી શકે છે."પછી અમે બંને મોર્નિંગ વોક કોલેજમાં કરી અને ખુબ વાતો કરી, એકબીજાને ઓળખતાં થયા. મને આજેય એ દિવસ અદ્દલ યાદ છે. શિયાળાની એ ઠંડી સવાર ધુમ્મસની ચાદર ઓઢી ઠંડીથી બચવા મથી રહી હતી, ઠુઠવાયેલાં ઝાડનાં પાંદડા ઝાકળને પકડી રાખવા હલનચલન બંધ કરીને બેઠા હતાં, ઠંડીમાં લપેટાયેલા સુરજ દાદા પણ માંડ માંડ આભે ચડતાં દેખાઈ રહ્યાં હતા. હું આ દ્રશ્ય કેમેરામાં કેદ કરતો હતો ત્યાં લેન્સ અટક્યો એક ચહેરા પર જે ચહેરાની ચમક વાતાવરણની ઝાંખપ ચિરીને એકદમ મારી સામે આવી ગયો. કડકડતી ઠંડીમાં આંખોને હુંફ મળી. મારી આંખો સૃષ્ટિની આંખો પર સ્થિર થઇ અને મને આંખોમાં પ્રશ્ન વંચાયો કે હું વહેલી સવારે કેમ આવ્યો છું અને ચહેરા પર મને આટલી વહેલી સવારે સામે જોયાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. અમારી વચ્ચે કોઈ સેતુ રચાઈ રહ્યો હતો જેનું કામ જાણે આજે ધુમ્મસની સાક્ષીએ એકબીજાને સમર્પિત થઈ પૂર્ણ જાહેર કર્યુ. હ્દયથી હ્દયનો મેળ થયો અને એ પછીની બધી ક્ષણો મૌન બનતી બોલતી જ ગઈ. આ ક્ષણો મારા જીવનની નવી શરૂઆત હતી. હું હજુય આ જોડાણને પ્રેમનું નામ નથી આપતો કેમકે આ એક અલગ અનુભૂતિ હતી અને મને ગમવા લાગી હતી. પ્રેમ જેવો મેં સાંભળ્યો અને વાંચ્યો હતો એવું કંઈજ નહતું હતું તો માત્ર એક બંધન જે આંખોની ભાષાએ બાંધ્યું હતું. એ સવારનો એક કલાક જાણે બે ઘડીમાં પૂરો થઈ ગયો. અમે પોતપોતાના કામે લાગી ગયા, મારા ચહેરા પર આજે અલગ જ પ્રકારની સ્ફૂર્તિ હતી. હું આ કોયડો ઉકેલવા મથામણ કરી રહ્યો હતો અને જાણે આજે સાંજે ચાર જલદી વાગે એની રાહ જોઈ રહ્યો હતો. 

બપોરની રિસેસમાં હું જમવા જાઉં એ પહેલા મારા ફોનની રીંગ વાગી. હું ચોંક્યો કે સૃષ્ટિનો ફોન સામેથી આવ્યો છે. એણે મને એની પાસે બોલાવ્યો. હું કંઈપણ વિચાર્યા વગર એક જ શ્વાસે ત્યાં પહોંચી ગયો. હું જેટલાં ઉત્સાહથી ત્યાં પહોંચ્યો તેટલો રહ્યો નહી. હું પાછો વળું એ પહેલાં તો સૃષ્ટિએ મને જોઈ લીધો અને મને બુમ મારી,"આવી જા અંદર અમે તારી જ રાહ જોઈ રહ્યાં હતાં."હું ખચકાતો ખચકાતો અંદર ગયો પણ... પણ અહી તો કંઈ બીજું જ હતું, હું ત્યાં રૂમમાં દાખલ થયો કે તરત જ એણે મને બે પુસ્તક હાથમાં પકડાવ્યા અને બોલી,"સોહમ તે મને કહ્યું હતું ને કે તારે આ પુસ્તકની જરૂર છે એટલે હું તારા માટે લઇ આવી. તને કંઈપણ જરૂર હોય મને કહેવાનું."મને મનમાં થયું મેં તો કોઈ પુસ્તક નથી મંગાવ્યા આ પુસ્તક મને કેમ આપ્યા છે ? મને કંઈ સમજાયું તો ના અને હું ખબર નહીં શું વિચારતો હતો પછી મનમાં જ હસ્યો અને થેન્ક યુ કહી જતો જ હતો ત્યાં પાછી સૃષ્ટિ બોલી,"અરે ઊભો રે! લે આ નાસ્તાનો ડબ્બો પણ લઈ જા મારા ઘરેથી જ આવ્યો છે પણ અમે બહાર જમવા જઈ રહ્યાં છીએ."મને લાગ્યું મારા પર દયા આવી હશે એને પણ હું એને ના તો પાડી શક્યો નહી એટલે ડબ્બો લઇ ત્યાંથી કેન્ટિનમાં જઈને બેઠો. જેવો ડબ્બો ખોલ્યો ઉપર ચિઠ્ઠી હતી, એમાં લખેલું હતું, 'આ તારા માટે સ્પેશિયલ છે પણ બધાની સામે એવું કહીને ના અપાય બધા ખોટી વાતો કરે.' આ વાંચ્યા પછી મને સમજાયું કે પુસ્તકો કેમ આપ્યાં હતા. હું હોંશભેર નાસ્તો ખાવા લાગ્યો આજે એ લાલ ચટણી અને ઢોકળામાં પણ મને તો બત્રીસ પકવાન જેવો સ્વાદ આવ્યો. હું એકલો એકલો જ મલકાઈ રહ્યો હતો. એવું લાગ્યું જાણે શહેરમાં આવ્યા પછી મમ્મીની જેમ પહેલી વાર કોઈએ મારી ચિંતા કરી હોય, ઘરનું ખાવાનું ખાઈને હું તો ભાવવિભોર બની ગયો. મને સ્પષ્ટ લખવામાં તકલીફ પડી રહી છે પણ એ ક્ષણો મારા જીવનની સૌથી સુંદર ક્ષણો હતી. ઉપરથી આ મારી કાળજી લેવાની એની ટેવ મને ખુબ ગમી. હું ખુશ થતો થતો નાસ્તો પતાવી ક્લાસમાં ગયો.

સાંજે સૃષ્ટિ મારા પહેલાં નીકળી ગઈ એટલે એનો ડબ્બો મારી પાસે રહી ગયો. હા, એને મળવાનું એક બહાનું રહી ગયું મારી પાસે. બીજા દિવસે સવારે હું ડબ્બો આપવા પહોંચી ગયો. જલદી જલદીમાં એ ડબ્બો લઇ ત્યાંથી જતી રહી પણ જેવો એને ડબ્બો ખોલ્યો હશે કે તરતજ મને ફોન કર્યો અને હસતાં હસતાં બોલી,"આ શું ભર્યુ છે ડબ્બામાં ? આટલી બધી ચોકલેટ મુકાય ?"તો મેં કહ્યું,"અરે! આજે મે ઢોકળાં ખાધા એ ચોકલેટ કરતાં ય વધારે મીઠા હતા"એણે તરત જ સામેથી કહ્યું,"હેં ખરેખર મીઠા હતા ? પણ મે તો લાલ ચટણી મોકલી હતી!"અને પછી અમે બંને ખડખડાટ હસી પડ્યા. પછી અમારી વાતો ખુબ લાંબી ચાલી. આમ અમારી દોસ્તી ગાડી ચાલી રહી હતી. ભણવાની સાથે સાથે એકબીજાની મદદ કરવી અને મજાક કરવી અમારી આદત બની ગઈ હતી. એ દિવસો પણ આહ્લાદક હતા. હું એકદિવસ પણ કોલેજ ના જાઉ તો ફોન આવી જાય, ક્યાં છે તું ? આજે દેખાયો નહીં ? રજા પર છે તબીયત તો સારી છે ને ? ત્યારે આ પ્રશ્નનો ખુબ વહાલા લાગતા અને એ જાણીને ખુશી પણ થતી કે કોઈ સંભાળ રાખવાવાળું પણ છે. નવી નવી વાતો કરવી, રોજ કંઈક નવું શીખવું અને હસતાં હસતાં વર્ષ પસાર થઈ ગયું. મને હજુય યાદ છે એ એક જ વર્ષમાં હું એટલો બદલાઈ ગયો હતો જેટલો મારા જીવનના આટલાં વર્ષોમાં નહતો બદલાયો. કેમકે હું પૂરેપૂરો સૃષ્ટિના રંગમાંં રંગાઈ ગયો હતો. હું અદ્દલ એવો જ બનવાની કોશિશ કરતો જેવો સૃષ્ટિને ગમતો.

એણે મને બદલાવાની ફરજ ક્યારેય નથી પાડી પણ એના માટે એને મનગમતું કરવાની મને મજા પડતી અને એ મારા કરતાં વધારે સમજાદાર હતી એ વાત તો હું આજેય સ્વીકારુ છું. હું કોઈકવાર ગુસ્સામાં કે સમજ્યા વગર કંઈપણ બોલી લઉં પણ સૃષ્ટિ હંમેશા સમજદારી જ દાખવે. અમે સાથે રહ્યા એ બધા દિવસો મારા માટે તો ખાસ જ છે પણ એ દિવસની વાત અલગ છે જ્યારે હું એને જોવા માટે ઉઘાડે પગે છેક કોલેજના ગેટ સુધી દોડીને ગયો હતો. એ દિવસે કોલેજમાં ફંક્શન હતું. વર્ષ પુરુ થયુ એટલે જુના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. હું સવારે વહેલો આવી ત્યાં કામ કરવામાં મદદ કરી રહ્યો હતો. માર મિત્રો અમુક રંગોળી બનાવવામાં કે પછી ખુરશી ગોઠવવામાં પણ મદદ કરી રહ્યાં હતા. અમે બધાએ ભેગા થઇ ને સ્ટેજ પણ શણગારી દીધુ હતું. બધા કામમાં વ્યસ્ત હતા ત્યાં અચાનક એક મિત્ર મારી પાસે આવ્યો અને મને કહ્યું,"સોહમ તું અહીં છે સૃષ્ટિ મેડમ તારી રાહ જોઈને ગેટ પર ઉભા હતા."આટલું સાંભળતા જ હું દોડ્યો સ્ટેજ પર કામ કરતો હતો એટલે બૂટ પણ પહેરેલા ન હતા.  હું ઉઘાડે પગે જ છેક ગેટ પર પહોંચી ગયો. પછી ત્યાં ગયો એટલે જાણે બધું ફિલ્મી ઢબે પ્રસ્તુત થઈ રહ્યું હોય એમ લાગ્યું... 

ઉનાળાની અતરંગી સવાર, પવન જોરથી મારા ગાલને સ્પર્શી વહી રહ્યો હતો, સામે સૃષ્ટિ ઉભી હતી, ભૂરા રંગની સાડીમાં સુંદર લાગી રહી હતી, એના ખુલ્લા વાળ અને ગાલ પર આવતી એ લટોએ તો મારા હ્દયમાં હાહાકાર મચાવ્યો હતો. એણે જેવો મને જોયો કે તરત જ ચિડાઈને બોલી,"જો હવે મને સાડી પહેરીને ચાલતા પણ ફાવતું નથી. હું આજે કંઈ કરવાની નથી મને ચાલવામાં પણ તારે જ મદદ કરવી પડશે. કેમકે સાડી પહેરીને આવજે એ જિદ તે જ કરી હતી.."એનું બોલવાનું ચાલુ જ હતું અને મે વચ્ચે જ પુછ્યું,"બિંદી કેમ નથી લગાવી ?" એક તો એ ભડકેલી હતી જ અને વખાણ કરવાની જગ્યાએ મે પ્રશ્ન પૂછ્યો એટલે વધારે ગુસ્સે થઈને બોલી,"હા તારું બસ ચાલે તો મને સોળે શણગાર સજાવીને લાવે!"હું જરીક હસ્યો અને કહ્યું,"હા હવે ચાલશે. ચાલ જઈએ મારો હાથ પકડી લે."તો એણે હાથ તો પકડ્યો નહી ને મને કહે પહેલા એ કહે કે હું સારી તો લાગુ છું ને ? મને તો અલગ અલગ લાગે છે. મે પહેલીવાર આમ સાડી પહેરી છે એટલે મને ફાવતું પણ નથી. હું ખડખડાટ હસી પડ્યો. એ ગુસ્સાથી મારી સામે જોવા લાગી. હું હસવાનું બંધ કરી એનો હાથ પકડીને બોલ્યો,"સાંભળ દોસ્ત, આજના આ કાર્યક્રમમાં કોઈ પણ તારા જેવું સુંદર લાગતુ હશે એ તો વાત જ ખોટી પડે. આ સવારના કૂણા તડકામાં તારા સોનેરી વાળ કેવા ચળકે છે અને અને તારી આંખોનું આ તેજ તારા ચહેરાને કેવું સજાવી રહ્યું છે. એવું જાણે ફિલ્મોમાં અભિનેત્રીઓનું આગમન થાય એટલે કેવું બધુંજ ગમવા લાગે છે બસ તને જોઈને તદ્દન એવું જ લાગે છે. આજે તો તું ખુબ સુંદર લાગી રહી છે. આજે મને લાગી લાગી રહ્યું છે કે મારી દોસ્ત દુનિયાની સૌથી સુંદર છોકરી છે જેનું દિલ એના દેખાવ કરતાં અઢળક વધારે સુંદર છે."આટલું બોલ્યો કે તરત જ ગુસ્સો અદ્રશ્ય,"લાવ હાથ, ફટાફટ જઈએ ત્યાં અને હાલથી જ કહુ છું મને એકલી મુકીને જતો ના ક્યાંય. મારા કોઈ મિત્રો આવવાના નથી આજે." "હા મારી મા હું ક્યાંય નહીં જાઉં. તું બસ સંભાળીને ચાલ, પડી જઈશ તો હું ઉચકીને નહીં લઇ જાઉ."મેં એનો હાથ પકડતાં કહ્યુ. એ દિવસ મારા જીવનનો સૌથી બેસ્ટ દિવસ છે આજે પણ હું એ દિવસને યાદ કરું તો આંખમાં આંસુ આવી જ જાય છે. 

આખોદિવસ અમે સાથે રહ્યાં. ખુબ વાતો કરી, ખુબ મસ્તી કરી, પહેલીવાર સાથે જમ્યા. હું વિચારતો હતો કે મારા માટે આ ક્ષણો રોકાઇ જાય. કેમકે આ સમય જ હતો જ્યારે હું મારા મિત્રો સાથે અને સૃષ્ટિ સાથે મનભરીને જીવી રહ્યો હતો. સાંજે હું સૃષ્ટિને મૂકવા એના ઘરે ગયો. પરત ફરતી વખતે એના ઘરથી થોડે દુર એક ગાડી મારી બાઈકની સામે આવીને ઉભી રહી ગઈ. હું ખુશ હતો અને ઝઘડવાના અંદાજમાં નહતો એટલે મેં બાઈક સાઈડમાં કરી નિકળી જવા માટેનો પ્રયાસ કર્યો. ત્યાં ગાડીમાંથી એક ભાઈ ઉતર્યા અને મને ઉભુ રહેવાનો ઇશારો કર્યો. મને એમ કે કોઈ મદદ જોઈતી હશે એટલે હું ઉતરીને એમની પાસે ગયો અને અચાનક જ મારા માથામાં કંઈક ભારે વસ્તુનો ઘા થયો. મારી આંખે અંધારા આવવા લાગ્યા. મને કોણે માર્યુ એ હું જોઈ જ ના શક્યો અને ત્યાં જ ઢળી પડ્યો. આંખ ખૂલી એટલે હોસ્પિટલમાં... મને કંઈ જ સમજણ ના પડી કે આ મારી સાથે શું થયું અને મને મારવાવાળા એ લોકો કોણ હતાં. હું કંઈ વિચારી મગજને હેરાન કરું એ પહેલાં એક વ્યક્તિ રૂમમાં દાખલ થયો એણે કહ્યું કે હું રોડ પર બેહોશ હાલતમાં મળી આવ્યો હતો એટલે એમણે મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હું એક અઠવાડિયે થોડો ચાલી શકુ એવો થયો એટલે ડૉક્ટરની રજા લઈને ત્યાંથી નિકળી ગયો. જેમણે મને બચાવ્યો હતો એમનો મેં આભાર માન્યો અને કંઈપણ કામ હોય તો મને યાદ કરજો એવું પણ કહ્યું. પછી હું સીધો જ સૃષ્ટિના ઘેર ગયો. હું હજુ દરવાજો ખોલવા જ જતો હતો ત્યાં મને પેલાં ગાડીવાળા ભાઈ દેખાયા. હું ચોંકી ઉઠ્યો અને ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. મને સમજાયું કે એ કદાચ સૃષ્ટિના પરિવારમાંથી કોઈક હશે. એ વ્યક્તિ આંગણામાં બેઠેલો હતો એટલે મેં એના જવાની થોડીવાર રાહ જોઈ પણ એ ત્યાં જ બેસી રહ્યો એટલે હું પાછો ફર્યો. બીજા દિવસે સવારે જ કોલેજમાં સૃષ્ટિને મળવા ગયો ત્યાંથી ખબર પડી કે એ કાર્યક્રમવાળા દિવસ પછી આવી જ નથી. સાંજે હું ફરીથી સૃષ્ટિના ઘેર ગયો. એની મમ્મી મને બહાર મળી એટલે મે એમને પૂછી લીધું કે સૃષ્ટિ કોલેજ કેમ નથી આવતી ? એ કંઈ જવાબ આપે એ પહેલાં સૃષ્ટિએ મને જોઈ લીધો અને દોડીને મારી પાસે આવી ગઈ. મને એમ હતું કે કંઈક અણબનાવ બન્યો હશે પણ સૃષ્ટિ તો ખુશ દેખાતી હતી એટલે હું અસમંજસમાં મુકાયો. ના એ બીમાર દેખાતી હતી કે ના દુઃખી તો એ કોલેજ કેમ નહતી આવતી એ પ્રશ્ન હવે મુદ્દો બન્યો. હું કંઈઝ પુછુ કે કહું એ પહેલાં તો એ મને ઘરમાં અંદર લઇ ગઇ અને મને એના કપડાં અને ઘરેણાં બતાવવા લાગી. મને સમજાઈ ગયું કે એના લગ્ન લેવાનાં છે એટલે મે કહ્યુ,"આ બધું તો બરાબર પણ તું ખુશ છે ને ?"સૃષ્ટિ મારી સામે જોઈને બોલી,"યાર ખુશ તો હોઉ જ ને આ દિવસની અમે બંને જણ આઠ વર્ષથી રાહ જોઈ રહ્યાં છીએ."અને તરત એણે કોઈને ઈશારાથી બોલાવીને કહ્યું,"આ દર્શક છે. મારા લગ્ન આની સાથે થવાના છે અને દર્શક આ મારો મિત્ર સોહમ છે જેના વિશે મે પહે વાત કરી હતી."પછી અમે હસ્તમિલાપ કર્યો મે બંનેને શુભેચ્છાઓ પાઠવી. સૃષ્ટિએ મને જમાડ્યો અને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું અને સાથે કહ્યું,"પાક્કો ભાઈબંધ છે તું મારો એટલે વહેલો આવી જજે."હું રજા લઇ ત્યાંથી રવાના થયો. બહાર જતાં પેલાં ભાઈ મને ફરી મળ્યાં. એમની આંખોમાં મારા માટેનો ગુસ્સો અકબંધ હતો. હું કંઈપણ બોલ્યાં વગર જ સૃષ્ટિના ઘરેથી નિકળી ગયો... 

બીજા દિવસે હું કોલેજ ગયો. થોડો ગુસ્સામાં હતો એટલે કોઈનાથી વાત ના કરી. લાઈબ્રેરીમાં જઈ બેસી ગયો. સાંજે સૌથી છેલ્લે હું નીકળ્યો. હું ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. હું વિચારતો હતો કે સૃષ્ટિએ કેમ આવું કર્યુ ? એણે મને કહ્યું પણ ના કે એના લગ્ન નક્કી કર્યા છે અને દર્શક સાથે એ છેલ્લાં આઠ વર્ષથી છે તો મને એણે કેમ ક્યારેય કહ્યું ના આ બધું. એ મારા માટે કોલેજ સવારે વહેલી આવતી સાંજે મોડી જતી, મારા માટે નાસ્તો જાતે બનાવીને લાવતી, મારું ધ્યાન રાખતી અને મારી સાથે કેટલી ખુશ પણ રહેતી હતી. તો પછી આ બધું એ કેમ કરતી હતી ? આ બધું કરવાનો શું અર્થ હતો ? હું નહતો જાણતો પણ એને તો ખબર હતી કે બધું, તો પછી એ મારી સાથે આટલો સમય કેમ રહેતી હતી ? મને બધી વાતો કેમ કરતી હતી ? અને હું બીજાં કોઈ સાથે હોઉં તો નારાજ કેમ થતી હતી ? હું ઘણો ગુચવાયેલો હતો. જાણે મારા બધા પ્રશ્નોના જવાબ જાતે જ આપી રહ્યો હતો. ચાલતાં ચાલતાં હું કોલેજથી દુર આવી ગયો. હોસ્ટેલ જવા વળ્યો કે પાછળથી કોઈએ મને માથામાં ઘા કર્યો. હું વળીને જોવું એ પહેલાં તો એક ડંડો મારા પગ પર માર્યો. એ ચાર જણ હતા. એમાંથી એક પેલાં ગાડીવાળા ભાઈ હતા. મેં હિંમત કરીને પુછ્યું,"તમે કોણ છો અને મને કેમ મારી રહ્યાં છો ? મેં તમારુ શું બગાડ્યુ છે."પેલાએ મને એક ડંડો વધારે માર્યો અને બોલ્યો,"તને ખબર નથી કે તું શું કરી રહ્યો છે. સૃષ્ટિની આજુબાજુ દેખાતો પણ ના. નહિતર મારા ભાઈ તને જીવતો સળગાવી દેશે. સમજ્યો ?"મેં પૂછ્યું,"કોણ ભાઈ ?""દર્શકભાઈ, તું હજુ એમને ઓળખતો નહી એટલે આમ ફરે છે ભાભી સાથે, બાકી ભાભીની સામે જોવાવાળાને પણ ભાઈ છોડતા નથી અને તું તો રોજ એમની જોડે ફરે છે. તું જતો રહે નહી તો જીવથી હાથ ધોવા પડશે."

પેલા ભાઈએ મને ગુસ્સાથી કહ્યું. પહેલા તો હું ડરી ગયો. પણ પછી બધી હિંમત ભેગી કરી ને કહ્યું,"હું સૃષ્ટિને પ્રેમ કરુ છું અને મને એની પાસે જતા કોઈ રોકી નહી શકે. તારાથી જે થાય એ કરી લેજે..."મારું બોલવાનું ચાલુ જ હતુ અને એણે મને ખૂબ માર્યો. હું બેહોશીની હાલતમાં હતો. લોહી નીકળતું હતું અને આંખે અંધારા આવી રહ્યાં હતાં. મને બધું ધૂંધળું દેખાઈ રહ્યું હતું. પેલો ભાઈ મારી બાજુમાં બેસી ગયો. મારા હાથ પર એણે લોખંડના સળિયાથી ઘા કર્યો. મને ખુબ દુખાવો થઈ રહ્યો હતો અને હું ચીસો પાડી રહ્યો હતો. એણે મારા કાનમાં કહ્યું,"તું બધુ ભૂલી જા પણ મારુ નામ યાદ રાખજે વિજય. હું તો તને જીવતો જવા દઈ રહ્યો છું પણ જો દર્શકના હાથમાં આવીશ તો મારી જ દેશે. બીજીવાર એની સામે આવતો ના. જતો રહેજે અહીંથી. સમજ્યો!"હું ત્યાં જ બેહોશ થઈ ગયો એના પછી મારી આંખ હોસ્પિટલમાં ખૂલી. આ સમયમાં શું થયું એ મને ખબર નથી પણ મને હોસ્પિટલ વિજય જ લાવ્યો હતો એ વાત ખબર પડી. મેં કેલેન્ડર જોયું બે દિવસ થઈ ગયા હતા અને બીજા બે દિવસ આરામ કરવામાં જતા રહ્યા. મને હોસ્પિટલમાં જ ઘણો સમય વીતી ગયો. પાંચ દિવસ પછી મને રજા મળી.

એ દિવસે જ સૃષ્ટિના લગ્ન હતા. હું ઉભો થયો અને સીધો એના ઘેર ગયો. લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. હું વિજય અને દર્શકની નજરથી બચીને સૃષ્ટિની રૂમમાં ગયો. ત્યાં ઘણા લોકો હતાં એટલે હું બહાર ઉભો રહ્યો. જેવો સૃષ્ટિએ મને જોયો તરત જ બહાર આવી ગઈ એના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ મને જોઈને આવી હતી કે લગ્ન થઈ રહ્યા છે એટલે એ સમયે બસ હું સમજી નહોતો શક્યો. મે સૃષ્ટિને અભિનંદન પાઠવ્યા અને ત્યાંથી નિકળી ગયો. પણ સૃષ્ટિના લગ્ન થયા જ નહી કેમકે એને પ્રેમ હું કરતો હતો અને એ કોઈ બીજા સાથે રહે, આ મને બિલકુલ પસંદ ના આવ્યું. એટલે મેં દર્શકને મારી દીધો. પણ ગુસ્સામાં મારાથી એક ભુલ થઈ ગઈ અને હું પકડાઈ ગયો. અદાલતમાં હું સૃષ્ટિને મળ્યો પણ એ ખુબ ગુસ્સામાં હતી. એણે મારી સામે જોયું પણ નહી. છ મહિનામાં ઘણુંબધું થઈ ગયું છેવટે મને સાત વર્ષની સજા થઈ. આ દરમિયાન મારા બધા જ જૂઠાણા સામે આવી ગયા. મને જરાય ડર કે શરમ નહતી આવી પણ એ દિવસે એક વાતનું દુઃખ થયું કે સૃષ્ટિને આ બધું ખબર પડી. કેમકે જ્યાં સુધી હું સૃષ્ટિને નહતો મળ્યો ત્યાં સુધી જ આ ખરાબ કામ કરતો હતો. નાની મોટી ચોરી અને લોકોને છેતરીને હું પૈસા કમાતો હતો. પણ મને ભણવાનો ખુબ શોખ હતો એટલે કોલેજ જતો હતો. પણ મેં સૃષ્ટિને પ્રેમ સાચો કર્યો હતો. કદાચ એટલે જ મને દુઃખ થયું. મેં ઘણો પ્રયત્ન કર્યો પણ મારી વાત સૃષ્ટિ સાથે થઈ જ ના શકી. Date: Mar 17, 2021Subject: એ છેલ્લી સાંજે... 2

પછી એકદિવસ હું જેલમાં હતો ત્યારે સૃષ્ટિ મને મળવા આવી. હું એની પાસે ગયો માફી માંગી પણ એ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહતી. એણે મને ગુસ્સામાં કહ્યું,"મેં તને સારો માણસ સમજ્યો હતો પણ તે મારો વિશ્વાસઘાત કર્યો. મેં તારી સાથે આટલો સારો વ્યવહાર કર્યો અને તે મારા લગ્નના દિવસે મારા પતિને મારી દીધો. એ દિવસે તને મારા ઘરે જોઈને હું ખૂબ ખુશ થઈ હતી કેમકે હું કેટલાય દિવસોથી તને ફોન કરતી હતી પણ તું કોઈ જવાબ નહતો આપતો. અચાનક તું આવ્યો તો મને સારું લાગ્યું. મેં એવું વિચાર્યુ પણ ન હતુ કે તું કોઈને મારતા પહેલા ડરીશ પણ નહીં. તું માણસ નથી સોહમ. આખી દુનિયા તને માફ કરી દેશે પણ હું તને ક્યારેય માફ નહીં કરું. તું ભલે ગમે તે કારણ આપે તું હત્યારો છે એ વાતને નહીં બદલી શકે. હવે બીજીવાર મારી સામે આવવાની ભૂલ કરતો ના. હું તને આજે એ કહેવા આવી હતી કે મેં તને ક્યારેય પ્રેમ કર્યો જ નથી અને મારા મનમાં તારા માટે જે મિત્રતાની ભાવના હતી એનું દમન તે જાતે કર્યુ છે. હું તને નફરત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દુશ્મનને ય સોહમ જેવો મિત્ર ના આપજે. વિશ્વાસઘાત કરનારા લોકો ક્યારેય પ્રેમ અને લાગણીને લાયક હોતા જ નથી."

હું કંઇ બોલુ એ પહેલાં તો એ જતી પણ રહી. એનો ગુસ્સો જોઈ હું એટલું તો ખાતરીપૂર્વક કહી શકું કે એ મને હવે બીજીવાર મળશે તો જ્વાળામુખીની જેમ ફાટી જશે અને એના ગુસ્સાનો લાવા મને ભસ્મ કરી શકે છે. હું સતત ત્રણ દિવસ રડતો રહ્યો કેમકે મેં જેને પ્રેમ કર્યો, જેને પામવા માટે હત્યા કરી, બધા ખરાબ કામ છોડી દીધા એ હવે મને નફરત કરે છે. મારી સાથે રહેવાનું અને વાત કરવાનું તો દૂર એ મારું નામ પણ સાંભળવા માંગતી નથી. મને પણ ગુસ્સો આવ્યો મનમાં વિચાર આવ્યો કે જેવો અહીંથી બહાર જઈશ એને પણ જોઈ લઈશ કેવી રીતે મારી સાથે નથી આવતી ? મારી કોટડીમાં પચાસ એક વર્ષના કાકા હતા. એ હું બીમાર હોઉ કે ખાઉ ના તો મારું ધ્યાન પોતાના દિકરાની જેમ રાખતા. એમને મેં બધી વાત કરી અને કહ્યું,"હું અહીંથી નીકળી એ છોકરી સાથે લગ્ન કરીશ એ માટે મારે એને ડરાવવી પડશે તો એ પણ કરીશ."કાકાએ કહ્યું,"તું એને પ્રેમ નથી કરતો! જો પ્રેમ કરતો હોત તો આજે અહી ના આવ્યો હોત. મારે તારા જેવડો દીકરો છે એણે એક ભૂલ ગુસ્સામાં કરી એની સજા હું ભોગવી રહ્યો છું. હું એને પ્રેમ કરું છું એટલે અહીં છું."મેં કહ્યું,"હું એને પ્રેમ કરું છું અને એને પામવા માટે કંઈપણ કરવા તૈયાર છું." કાકા શાંતિથી બોલ્યા,"દિકરા, પ્રેમનો અર્થ પામવુ નથી, ત્યાગ કરવો છે. તમે જેને પ્રેમ કરો એની ખુશી મહત્વની હોય. પછી ભલે એ આપણી સાથે હોય કે બીજાની સાથે. હાલ મારો દિકરો ખુશ છે અને મને એ વાતનો સંતોષ છે. પ્રેમ ક્યારેય સ્વાર્થી ના હોય અને આમ જબરદસ્તીથી તો ક્યારેય પ્રેમ ના થાય." 

કાકાની વાત મારા મનમાં ઘોળાવા લાગી. હું આખી રાત ઊંઘી ના શક્યો. એ રાતની શાંતિ મને ડરાવી રહી હતી. મારામાં રહેલ હીન ભાવોનો મને અહેસાસ થયો. મેં અનુભવ્યુ કે આમા માત્ર મારો જ ફાયદો હતો. સૃષ્ટિ સહીત બીજા બધાને આનાથી ખુબ તકલીફ વેઠવી પડી. મને ભાન થયું કે સૃષ્ટિ અને એના પરિવારે વહાવેલા એક એક આંસુંનો જવાબદાર હું છું. મને સમજાયું કે સૃષ્ટિની નફરત એનો ગુસ્સો યોગ્ય છે. જો કંઈ અયોગ્ય હોય તો એ મેં કરેલી હત્યા છે. એ મારી ભૂલ નહતી, મેં જાણી જોઈને અને સમજી વિચારીને કરેલું કૃત્ય હતું. ઉપરથી મને આ માટે કોઈ જ દુઃખ નહતુ. કેમકે મને તો એમ કે મેં જે કર્યું એ સૃષ્ટિ માટે કર્યુ છે. પરંતુ મને ખરેખર પછતાવો આજે થયો. આજસુધી મને એમ હતું કે મેં પ્રેમ કર્યો છે અને એને પામવાનો મને અધિકાર છે. સૃષ્ટિ પર માત્ર મારો અધિકાર છે, એને ચાહવાનો એને ખુશ રાખવાનો એની સાથે રહેવાનો અધિકાર માત્ર મારો છે. મને સમજાયું કે સૃષ્ટિ દર્શક સાથે ખુશ હતી. મારી ભૂલની સજા સૃષ્ટિ ભોગવી રહી છે. મને તો આ સજા મળી એ એની સજા આગળ સાવ તુચ્છ છે. 

મને જ્યાં સુધી આ ભાન થયું ત્યા સુધી તો ખુબ મોડુ થઈ ગયું હતું. હવે તો હું માફી માંગવાને પણ લાયક રહ્યો ન હતો. હું અંદરને અંદર તુટી રહ્યો હતો. મને સમજાતું નથી કે હું હવે શું કરું એટલે મેં કાકાને મદદ કરવા કહ્યું. કાકાએ મને સલાહ આપી કે,"જો તું હવે એની સામે જઈશ તો એ તારી વાત સાંભળશે નહીં. તું ગમે તેટલાં પ્રયત્ન કરીશ પણ તું એની સામે માફી નહીં માંગી શકે અને એ તને માફ પણ નહી કરે. એના કરતા એક વાત સાંભળ કાગળ અને પેન લઇને બેસી જા અને એને પત્ર લખીને કહી દે જે તારા મનમાં હોય. એ વાંચશે તો ઠીક નહી તો તું લખીશ એટલે તારું મન તો હળવું થશે જ! એમ પણ હજુ ઘણો સમય તારે અહીં વિતાવવાનો છે. એટલે આમ વલખા મારવાથી કંઈ નહી વળે."મને કાકાની વાત ગમી અને મેં કાગળ-પેન મંગાવ્યા. પત્ર લખવાની શરૂઆત કરી. મેં પત્ર લખ્યો અને મોકલી દીધો. એક દિવસ અચાનક મને કોઈ મળવા આવ્યું. પહેલાં મને થયું કે સૃષ્ટિ હશે પણ એ અદિતિ હતી. એ સૃષ્ટિની મિત્ર હતી. એણે મને કહ્યું,"સોહમ હું તને અહીંથી જલદી નિકાળીશ, તું ચિંતા ના કર. હું ગમે તે કરી તને અને સૃષ્ટિને મળાવીને જ રહીશ."હું કંઈ સમજ્યો નહતો પણ મળવાનો સમય પુરો થઇ ગયો અને અદિતિ જતી રહી. એ પછી એક મહિના પછી મને મારા સારા વ્યવહારના આધારે સજા માફ કરી છોડી દેવામાં આવ્યો. મને આ વાતની નવાઈ ના લાગી કેમકે મને અદિતિ એ કહ્યું હતું. હું બહાર આવ્યો. મને બહાર અદિતિ મળી. એણે મને ફોન આપ્યો અને કહ્યું,"તું સૃષ્ટિને ફોન કરી શકે છે. હમણાં એ વિદેશમાં છે તો તું એને મળી શકીશ નહીં. મેં તારો પત્ર વાંચ્યો છે અને મને લાગે છે તારે હવે સૃષ્ટિના મનમાં પણ પ્રેમ જગાડવો પડશે." મેં કંઈપણ વિચાર્યા કે જાણ્યા વગર જ ફોન કરી દીધો. જેવો એણે ફોન ઉપાડ્યો અને ખબર પડી કે હું વાત કરી રહ્યો છું એ ગુસ્સે થઈ ગઈ. મને ધમકાવ્યો અને કહ્યું,"તને ખબર નથી પડતી મને નફરત છે તારા નામથી પણ બીજીવાર ફોન ના કરતો નહીં તો પરીણામ ભોગવવા તૈયાર રહેજે. તું જેની સાથે વાત કરી રહ્યો છે એ તારી મિત્ર કે સલાહકાર નથી."

પહેલાં તો મને થયું મારે ફોન નહોતો કરવો જોઈતો પણ પછી મેં વિચાર કર્યો કે હું એને ખરેખર પ્રેમ કરુ છું. એને ખુશ પણ રાખીશ. બસ અમારી વચ્ચેની આ મુંઝવણ સુધારી શકાય તો. મેં સૃષ્ટિને ફોન કરરવાનું ચાલુ જ રાખ્યું એ છેલ્લી સાંજે જ્યારે મેં એને ફોન કર્યો અને એણે ના ઉપાડ્યો પછી મને થયું હવે મારે મહેનત નથી કરવી પણ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હતી. એ સાંજે સૃષ્ટિ મારી સામે આવી ગઈ. એણે મને એક જ પ્રશ્ન કર્યો,"સોહમ તે મારાથી બધી વાત છુપાવી કેમ ? મને એ તો ખબર છે કે તે દર્શકને મારી સાથે લગ્ન કરવા માર્યો અને એને તને મારવાની કોશિશ પણ કરી હતી. એ બધું ઠીક છે પણ તે તારા ભૂતકાળ વિશે મારાથી કેમ છુપાવ્યું ?" હું ખચકાયો પણ પછી થયું હવે કહી જ દેવું જોઈએ એમ પણ હવે કયાં એ મારી સાથે રહેવાની જ છે. એમ વિચારીને મેં એને બેસવાનો ઈશારો કરી વાત શરૂ કરી, "હું અનાથ છું પણ અનાથ આશ્રમમાં નથી મોટો થયો. ગલીઓમાં રખડીને મોટો થયો છું. એક ચાની લારી પર કામ કરીને મેં સરકારી શાળામાં ભણવાનું શરુ કર્યું. હું શાળામાં એટલે જતો કે ત્યાં મને એક ટંકનું ભોજન મળી જતું પણ પછી મને ભણવામાં રસ પડ્યો અને ખબર પડી કે ભણીશ તો સારા પૈસા કમાઈ શકીશ. સાથેસાથે મારા ગરીબ મિત્રો સાથે પૈસા ભેગા કરવા માટે ચોરી કરતા શીખી ગયો. જુગારની લત લાગી અને હું કમાયો પણ ઘણુંય. ભણવામાં હોશિયાર હતો એટલે કોલેજ સુધી આવી ગયો. કોલેજ અને સ્કુલમાં મેં બધાને કહ્યુ હતું કે હું ગામડેથી આવ્યો છું.

મારા ભણવાની સાથે પૈસા ઝડપી કમાવાના પ્રયાસ ચાલુ જ હતાં. ભાવેશ સર હતા ત્યારે પણ હું એ કામ કરતો હતો પણ એમને એ વાતની જરાય ખબર નહતી. જ્યારથી હું તને મળ્યો એ પછી મેં બધું છોડી દીધું હતું. કેમકે તને ક્યારેય હું આવો છું એ ખબર પડે અને તું દુઃખી થાય એવું હું ઈચ્છતો નહતો. તારા લગ્ન નક્કી થયા તો પણ હું કંઈ જ બોલ્યાં વગર જતો રહ્યો હતો પણ દર્શકે મને ખુબ હેરાન કર્યો અને માર પણ માર્યો એટલે મને લાગ્યું આ લગ્ન તારી મરજી મુજબ થઈ રહ્યાં છે અને તે પણ હું આવ્યો ત્યારે મને ભેટીને મજબૂર કરી દીધો પછી મે દર્શકને મારી દીધો. હું નથી જાણતો કે તને આમાથી કેટલું સાચું લાગ્યું પણ હું તને આ બધું કહીને ખુબ હળવો થઇ ગયો છું. થઈ શકે તો મને માફ કરી દેજે પણ મેં તને કલ્પનામાં ય દુઃખ પહોંચાડવાનું વિચાર્યું ન હતું. મારો ઈરાદો તને રડાવાનો કે તકલીફ આપવાનો ન હતો."સૃષ્ટિ રડીને મને ભેટી પડી. એણે ડૂસકાં ભરતા ભરતા કહ્યુ,"હું તને પ્રેમ કરું છું પણ મને સમજતા વાર લાગી. અદિતિએ મને તારો પત્ર આપ્યો અને કહ્યું કે મને તારી જરૂર છે. પણ મારા મનમાં ભરેલી નફરત મને તારો પ્રેમ જોવા નહતી દેતી. મારી આંખો પરથી નફરતની પટ્ટીદુર કરી અદિતિએ મને તારો પ્રેમ દેખાડ્યો અને મારી નફરત અને ધ્રૂણાને પ્રેમમાં ફેરવી દીધી. મેં તને ત્રણ મહિના ફોન ઉપાડ્યા વગર જોયો તું એકદિવસ પણ ચુક્યો નથી. મને માફ કરજે હું તારા પ્રેમને પહેલાં સમજી ગઇ હોત તો આજે આ બધું ના જોવું પડતું આપણે."મેં ધીરેથી એના લલાટે ચુંબન કર્યુ અને કહ્યું,"ભલે જે પણ થયું આખરે આપણો પ્રેમ જીત્યો. મારી ખરાબ આદતો અને તારી નફરત બધું આ છેલ્લી સાંજ સાથે આથમી ગયું. હવે નવી સવાર ઉગશે જેમાં તને મારા પ્રેમ પર વિશ્વાસ હશે અને મને તારા સાથ પર. બસ આ પ્રેમ હવે અમર બની જશે. આપણો આ પ્રેમ અદિતિને કારણે પુરો થયો છે એ આપણા જીવનની સૌથી અમુલ્ય વ્યક્તિ છે."એ છેલ્લી સાંજે મને મારો પ્રેમ મળી ગયો અને મેં નવી શરૂઆત કરી...


Rate this content
Log in

Similar gujarati story from Romance