એ આવશે
એ આવશે


કાલે રાત્રે સ્વર્ગસ્થ દિનસુખદાદા અચાનક મારી સામે આવ્યા.
તેઓ ખૂબ બિહામણા દેખાતા હતા.
મેં ગભરાઈને પૂછ્યું, “દાદા, તમે!!!”
“હા, મારા પ્રશ્નનો મને જવાબ નહીં મળે ત્યાં સુધી મારો આત્મા આમ જ ભટકતો રહેશે... સાંભળ... મૃત્યુના દિવસે મેં મારા સહુ સ્વજનોને મારા મૃત્યુ પર રડતા જોયા હતા.”
“ઓહ! સ્વજનોને રડતા જોઈ તમને દુઃખ થયું?”
“જરાય નહીં, ઉલટાનું આશ્ચર્ય થયું હતું! મારા કપરા સમયમાં જેઓ મારી પાસે ફરક્યા નહોતા કે તકલીફમાં આસું લુછવા આવ્યા નહોતા એવા સ્વજનોને મારા મૃત્યુ પર આંસુ સારતા જોઈ ઉલટાનું મને હસવું આવતું હતું. મારો પ્રશ્ન એ છે કે, શું સાચે જ તેઓ મને પ્રેમ કરતા હતા કે માત્ર દુઃખી થવાનો દેખાડો કરતા હતા? બેટા, મને જવાબ આપ...”
“દાદા, પહેલાં મને એ કહો કે તમારા સ્વજનો જયારે તકલીફમાં હતા ત્યારે તમે એમના માટે શું ર્ક્યું હતું?”
દિનસુખદાદાનો આત્મા અચાનક અદ્રશ્ય થઇ ગયો...
જોકે દિનસુખદાદાનો ભરોસો નહીં. તમે જવાબ યાદ રાખજો, કદાચ કો’ક રાતે તમને પણ પૂછવા એ આવશે.