STORYMIRROR

Amrut Patel 'svyambhu'

Romance Tragedy Classics

4  

Amrut Patel 'svyambhu'

Romance Tragedy Classics

દુલ્હન

દુલ્હન

7 mins
407

કોટ વિસ્તારમાંથી તેણે સ્થળ બદલી નાખ્યું. નદી પારના વિસ્તારમાં તેને સારી ઘરાકી મળી જતી. કોટ વિસ્તારમાં ધંધો ચાલતો પણ નવરા વધારે હાય-હેલ્લો કરી જતા. રોજની જેમ સાબરમતીના કિનારે સાંજ ઢળતાં જ તે કાયાને શણગારીને બસસ્ટેન્ડની બાજુમાં આવી જતી.

સાબરમતીને કિનારે એક તરફથી છોડવામાં આવતું ગટરનું દુર્ગંધ મારતું પાણી સ્વચ્છ પાણીને પ્રદૂષિત કરી રહ્યું હતું. આ પ્રદૂષિત પાણી ઉપર મચ્છરો મંડરાતા હતા. તે સાથે અંધકાર ધીરેધીરે સાબરમતીને જાણે ગળી રહ્યો હતો. સ્ટ્રીટ લાઈટનો પીળો પ્રકાશ શહેરની રાતને શણગારી રહ્યો છે.

તેણે પાલકવારમાં આજુબાજુ નજર ફેરવી લીધી. હજી તેને તેના મતલબનો કોઈ ગ્રાહક નજરે ચઢયો નહોતો. તે તેના સ્ટેટસ પ્રમાણેનાં ઘરાકને તેની જાળમાં ફસાવતી. તેણે શહેરની રોશનીમાં નજર ફેરવવા માંડી. ત્યાં સામે કિનારે ઊભેલા માણસ તરફ તેનું ધ્યાન ગયું. તે માણસની પીઠ તેના તરફ હતી પણ તેનો જે અણસાર આવતો હતો તેથી તેના અંગેઅંગમાં ઝાળ ફરી વળી. એ જ ધોળા કપડા. ખાતરી કરવા તે ઝડપથી ઝીબ્રા ક્રોસિંગ પાર કરી થોડું ચાલી પેટ્રોલપમ્પની બાજુમાં ઊભેલી ટાટાસુમો ગાડીની ઓથ લઈ ખાતરી કરતાં તે તરફ જોઈ રહી. તેનું અનુમાન સાચું હતું. 'આ તો એજ માણસ છે. સફેદ શૂટમાં સજ્જ- પુરા પંદર વરસે આજે ફરીએ નજરે પડ્યો.

***

ચાંદની રાતનો પ્રકાશ ચારે તરફ ફેલાયેલો છે. રાતના નવ-સાડાનવ થવા આવ્યા હશે ત્યાં કમલા રાણીના પીઠા પાસે એક ગાડી આવી ઊભી રહી. આખા ગામમાં તે આ નામથી જ તો ઓળખાતી હતી. ભર જવાનીમાં પતિનું અવસાન થતાં પિયરમાં પિતા પાસે આવી. ગામમાં જ સાસરુંને ગામમાં પિયર. પિતાની મિલકતમાંથી તેના હિસ્સાના મકાનમાં જીવનની શરૂઆત કરી. બે સંતાનની જવાબદારી. શરૂઆતનાં દિવસોમાં પતિના મૃત્યુ અંગે તર્ક-વિતર્ક થતા રહ્યા. ધીમે ધીમે બધુ શાંત પડ્યું. કેન્દ્રશાસિત પ્રદેશની બોર્ડર ઉપરનું ગામ એટલે ગામમાં નાના મોટા ઘણા દારૂના પીઠા આવેલા પણ કમલારાણીના પીઠાની ઘરાકીની વાત જ કાંઈ ઓર હતી.

આ પીઠા એ વરસોથી સફેદ શૂટમાં સજ્જ એક માણસ આવતો. પીઠાની દેખરેખ ઉપર નજર નાંખી કમલારાણીનાં ઘરમાં ચાલી જતો. વરસોનો આ ક્રમ હતો. શરૂઆતમાં તે વિશે ગામલોકોમાં વાતો થતી રહી. પછી ગામલોકોએ વાત પર પરદો પાડી દીધો. 

કમલારાણીનાં પીઠા પર જ કામિનીનો બાપ કામ કરતો એટલે ક્યારેક ક્યારેક કામિની પણ તેની સાથે પીઠાએ આવતી. કામિનીની મા પણ પીઠાની બાજુમાં નાનકડી દુકાન નાંખી પીઠાએ આવતા ઘરાક માટે આમલેટ અને મસાલેદાર ચણા વેચતી. તે સમયે કામિની ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા વરસમાં હતી. કામિનીની મા ઉપર પેલા ગાડીવાળાની નજર બગડતી. પણ કામિનીના બાપના ડરથી તે નજર ફેરવી લેતો. ક્યારેક ક્યારેક તે નાની કામિનીને રમાડતો પણ ખરો.

પીઠા પાસે ગાડી ઊભી રહી. ડીકીમાંથી ચાર બેગ ઉતારી પીઠાનાં પાછળના ભાગમાં મુકવામાં આવી. પેલાને બેઠકખંડ તરફ આવકારતા કમલા બોલી; 'જીગર, કેમ શું વાત છે. આજે બધો માલ અહીં કેમ ઉતાર્યો ?'

જીગર બોલ્યો; 'આજે બખિયાશેઠના અડ્ડા પર જિલ્લાની રેડ પડી છે. બહાર પોલીસનો સખ્ત જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. આતો ચોકીએથી બખિયાશેઠને સંદેશો મળી ગયો એટલે માલ સીધો અહીં લઈ આવ્યો. અને હા, આજે કોઈપણ સંજોગોમાં આ માલ મુંબઈની પાર્ટીને પહોંચતો કરી દેવાનો છે એટલે તારે કોઈ રસ્તો કાઢવો પડશે.'

'પણ આજે તો- તને ખબર છે ને ગઈ રાતે જ તો આપણે પેલી બેયને રવાના કરી દીધી છે હવે ?'

'જો કમલી, શેઠનું ખાસ સૂચન છે. અને તે રીતે માલ તો પહોંચતો કરવો જ પડશે અને હા, શેઠે સાવધાન પણ રહેવા જણાવ્યું છે કેમકે વાપી જકાતનાકા પર પાક્કો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.'

'તો હવે ? કમલારાણી મુંઝવણ અનુભવતા બોલી.

ત્યાં જીગરની નજર કામિની ઉપર પડી. કામિની દૂર ખૂણામાં બેઠી બેઠી ઝોકા ખાઈ રહી હતી. આજે પણ જીગર તેના નાનાં દીકરા યુસુફને લઈને આવ્યો હતો. આ રીતે તે અવારનવાર યુસુફને લઈને આવતો. કમલા યુસુફને તેના ખોળામાં બેસાડી વહાલ કરી રહી હતી. નાનો યુસુફ મીઠું મીઠું મલકી રહ્યો હતો. કામિનીના મા-બાપ ક્યાંક બહાર ગયા હતા તે આજે પીઠાએ આવ્યા નહોતા. કામિની ઘરે કોઈને કહ્યા વગર જ કમલાને ઘેર આવી હતી. મા-બાપની પીઠાએ આવી તે રાહ જોઈ રહી હતી. 

કમલા અને જીગર એકબીજાનો ઈશારો સમજી ગયા.  તે સાથે જ એક ગાડી બખિયાશેઠનો માલ અને કામિનીને લઈને મુંબઈના માર્ગે ઉપડી ગઈ. માલ સાથે કામિનીનો સોદો પણ પાર્ટી સાથે થઈ ગયો. અગિયાર વરસની કામિની માટે અજાણ્યું શહેર શરૂઆતના દિવસોમાં ઝરીનાએ કામિનીને દીકરીની જેમ સંભાળી લીધી. તે પછી કામિનીની કાયામાં થયેલા ફેરફાર સાથે તને પણ કાયાના વણથંભ્યા  કારોબારમાં જોતરી લીધી. મોટી મોટી પાર્ટીઓના સોદાઓ કામિની પાર પાડવા લાગી. અને આમ, સમય સાથે આ શહેરમાં ખેંચાઈ આવી. પંદર વરસ પહેલાંનો સફેદશૂટ ધારી જીગરનો ચહેરો આજે પણ એની આંખની કીકીમાં કેદ હતો.  કહેવાય છે કે, નાગણની આંખમાં અંકિત થયેલો નાગના કાતિલનો ચહેરો. આ નર્ક જેવી જિંદગી જીગરની જ દેન હતી.

કામિની આંખમાં રણની રેતી ધગધગતી હતી. ઝેર પચાવવું દુષ્કર હતું. તે તમતમી ઊઠી.  જીગરને ઊભોને ઊભો દાતણની જેમ ચીરી નાખવાનો વિચાર આવ્યો. ત્યાં કામિનીના કાને શબ્દો પડ્યા. જીગર તેની સામે ઉભા માણસને કહી રહ્યો હતો;

'જો સબીર, આ મારા કાળજનો કટકો તારા ભરોસે મૂકી જાઉં છું. અહીં આ નવા ધંધામાં તેને સેટ કરવાનો છે. ગામમાં હવે ખાસ દમ રહ્યો નથી. બરાબર ધંધો ચાલતો નથી. આ શહેરથી તે સાવ અજાણ છે. એનું ખાસ ધ્યાન રાખજે, નહિતર તારી ખેર નથી.'

'જીગરશેઠ, તમે યુસુફભાઈની કોઈ ચિંતા ના કરશો. તમે બેફિકર રહો. આ એરિયામાં આજે પણ સબીરનું નામ છે.'

'તો ઠીક છે, હું જાઉં છું..' તે પછી કામિની જે ગાડીની ઓથ લઈને ઉભી હતી તે તરફ જ જીગર અને સબીર આવી રહ્યા હતાં. કામિની ચોકન્ની બની. યુસુફથી થોડા દૂર થઈ જીગરને ફરી કંઈક યાદ આવ્યું હોય તેમ સબીરના કાન પાસે જઈ કહ્યું; 'સબીર, એક વાત તને ખાસ કહેવાની રહી ગઈ..'

કામિનીએ કાનને વધુ સતેજ કર્યા.

'યુસુફ બગડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ ગામમાંથી અહીં શહેરમાં એટલા માટે જ લઈ આવ્યો છું.'

'જીગરશેઠ, તમે સાવ બેફિકર રહો. હું બધું સમજી ગયો.'

યુસુફને સબીરના ભરોસે મૂકી બંને ગાડી અલગ પડી. કામિનીએ બધી વાતો ધ્યાનથી સાંભળી લીધી. તે રાતે તેને ધંધામાં રસ ન રહ્યો. રાત્રે સૂતી વખતે એક નીર્ધાર કર્યો. બીજા દિવસે જ્યારે કામિની ઘરથી નીકળી ત્યારે ફળિયાના સૌ કોઈ મોંમાં આંગળા નાંખી ગયા. કામિની જાણે કોઈ અપ્સરા હતી. ફરી પાછી તે કોટ વિસ્તાર તરફ જવા નીકળી. સંકલ્પ-વિકલ્પનું ઘમાસાણ મનમાં ચાલી રહ્યું હતું. તે ઉતાવળે આગળ વધી રહી હતી. ખાસ કોઈ હાય-હેલ્લો વાળો આદમી મળ્યો નહોતો. તેમ છતાં તેણે સાવચેતી રાખી. ત્યાં તેની નજર ગઈ કાલે જોયેલા યુવક પર પડી.

હા, તે જીગરનો જ દીકરો હતો. બાળપણનો ચહેરો તો આજે તેને યાદ નહોતો. આજે યુસુફ યુવાનીના ઉંબરે ઊભો હતો. ભરાવદાર શરીર, ગોરો વાન, સોનેરી વાળ. જોતાવેંત મોહી લે તેવો ગલગોટા જેવો લાગતો હતો. ગળામાં જાડી સોનાની ચેઈન હાથમાં સોનાનું કડું, દસેય આંગળીઓમાં કિંમતી વીંટીઓ, જાણે સોને મઢયો હતો !

'કેમ ન હોય, બે નબરી બાપની ઔલાદ છે ને !' કામિની મનોમન બોલી ઊઠી.

સવારે તેણે તે જગ્યાનું બરાબર નિરીક્ષણ કરી લીધું. સાંજે પાછી તેના ધંધે ચાલી ગઈ. વરસો પહેલાં તેની સાથે થયેલા અન્યાયનો બદલો લેવાનો અવસર તેને મળ્યો હતો. તે કોઈ વાતે ગાફેલ રહેવા માગતી નહોતી.  તેણે યુસુફને વશમાં કરવાના કસબ સાથે તમામ હથિયારો યુસુફની પાછળ લગાડી દીધાં. પુરુષોને વશમાં કરવાના વશીકરણના પાઠ તે નાનપણથી જ શીખી ગઈ હતી. આજે તો તે ખંધામાં ખંધા પુરુષોને પણ ચપટી વગાડતા વશમાં કરી લેતી. ત્યારે આ યુસુફને તો મૂછનો દોરો પણ હજી હમણાં ફૂટતો હતો.

કસબ અજમાવતી તે યુસુફનાં સંપર્કમાં આવી. તેણે મારકણી નજર નાંખી યુસુફના કુણા કાળજાને વીંધ્યું. બસ તે દિવસથી યુસુફ કામિની તરફ ખેંચાતો રહ્યો. કામિનીએ શરૂઆતના દિવસોમાં તેનો ધંધો પણ જતો કર્યો. તે યુસુફમય બની રહી. આજુબાજુ કોઈને કાનોકાન ખબર ન પડવી જોઈએ. તેણે થોડા દિવસ તેનું રહેઠાણ બદલ્યું. જ્યારે કામિનીને લાગ્યું કે યુસુફ તેની જાળમાં બરાબર ફસાયો છે. હવે તે તેની પકડમાંથી છટકી શકે તેમ નથી ત્યારે તેણે યુસુફ સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. લગ્ન પહેલા તેણે તેની સાથે બનેલી ઘટના અંગે પણ યુસુફને જણાવી દીધું. યુસુફ કામિનીના પ્રેમમાં પાગલ બની ચૂક્યો હતો. તે કામિનીને કોઈ પણ હાલતમાં સ્વીકારવા તૈયાર હતો.

અને એક દિવસે બંનેએ સિવિલમેરેજ કરી લીધાં. સબીર મારફતે પિતાના કાને વાત નાંખી. છેલ્લી ઘડીએ સબીરને જાણવા મળ્યું કે,'આ લત્તામાં તો…!' તેના આખા શરીરે પરસેવો વળી ગયો. જીગરશેઠ હવે તેને ગોળીએ દેશે. પણ હવે તેની પાસે સમય જ ક્યાં હતો. બાજી તો કામિનીએ જીતી લીધી હતી.

વર્ષોની તમન્ના આજે ફળીભૂત થઈ. ફળિયાનો માહોલ ઉલ્લાસ ભર્યો હતો. સબીર એક ખાસ કામે મુંબઈ જઈ રહ્યો છે તેવા સમાચાર આપી શહેર છોડી ગયો. જીગરશેઠને યુસુફે લગ્ન કરી લીધાના સમાચાર મળતાં જ આઘાત લાગ્યો. પત્નીને લઈ તે શહેર આવવા નીકળ્યો. ગાડી કામિનીના આંગણે આવી ઊભી રહી. સફેદ શૂટમાં સજ્જ જીગર તેની પત્નીને લઈને નીચે ઉતર્યો. ફળિયાની રોનક જોઈને તેની પારખું નજરે અંદાજ લગાવી દીધો. પળવાર માટે તે કંપી ગયો. તેના પગ કામિનીનાં દરવાજા પાસે જ થંભી ગયા.

કામિની નવોઢાનો શણગાર સજીને આવકારી રહી છે. કામિની ઊપર નજર પડતાજ જીગરના આખા શરીરે લખલખું મારી ગયું. યુસુફે લગ્ન કરી લીધાના સમાચાર મળતા જે આઘાત લાગ્યો તે કરતાં પણ સામે ઊભેલી યુસુફની 'દુલ્હન' ઉપર નજર કરતાં જીગરને વ્રજઘાત લાગ્યો. કામિનીને જોઈ જીગર આગળ કાંઈ વિચરે તે પહેલા જ કામિનીએ સાસુજીના આશીર્વાદ લઈ લીધા.


Rate this content
Log in

Similar gujarati story from Romance