દ્રષ્ટિભ્રમ
દ્રષ્ટિભ્રમ


સલૂણી સવારની જાણ થતાં જ ભમરાએ બાગમાં સુગંધિત-સુંદર ફૂલની આજુબાજુ મંડરાવાનું ચાલુ કરી દીધું. ફૂલ તેના રૂપરંગના ગુણગાન સાંભળી ગર્વિત થઈ ઉઠ્યું. પ્રેમગાન કરતાં ફૂલ અને ભમરો તમામ નિયમોને તોડી દુનિયાની નજરે ચઢી ગયા. ધીમા છૂટેલા પવને સાથ આપ્યો ને બાગ આખો મહેકી ઉઠ્યો. ફૂલ ખોવાયું ભમરાની દૃષ્ટિમાં! બસ આમ ને આમ કેટલો સમય નીકળી ગયો!
બીજી સવારે ફૂલને અહેસાસ થયો કે ભમરો તેની સાથે છે પણ તેનું ધ્યાન બીજી ડાળી ઉપર છે.
એ જ છોડના એક કરમાયેલા ફૂલથી ન રહેવાયું, "તું શું માને છે, તારાં પર મંડરાતો ભમરો તારા પર પ્રેમ વરસાવે છે? તારું સાનિધ્ય ઈચ્છે છે? દ્રષ્ટિભ્રમ છે એ ચાહનાનો. સમજી જા." પેલા રૂપાળાં ફૂલને કહેતાં એ કરમાયેલા ફૂલે છોડ પરથી પડતું મૂક્યું! ને વળી એક ચાહના ધરતીમાં રગદોળાઈ ગઈ!