દિવ્ય અને દ્રષ્ટિ
દિવ્ય અને દ્રષ્ટિ


ડિયર દિવ્ય,
કેમ છો ? આશા રાખુ છું કે, તમે જ્યાં પણ હશો ત્યાં તમારા મધુર સંગીતની સુગંધ વાતાવરણને પારિજાતિય બનાવતી હશે. મારા જીવનમાં તમારુ અસ્તિત્વ હંમેશા એક સરપ્રાઈઝજ રહ્યું છે. તમારું આગમન પણ સરપ્રાઈઝજ હતું અને તમારું પ્રસ્થાન પણ એક સરપ્રાઈઝજ હતું. હું કેમ ભૂલી શકું કે, મારા બોજારૂપ જીવનને નવી દિશા બતાવનાર તમે જ હતા. હતાશાથી આશા તરફ દોરી જનાર તમે મારા માટે ઈશ્વરે મોકલેલ દૂત બનીને આવ્યા...
હું એ ભયાનક દિવસની એક-એક પળ હજુ પણ યાદ કરું છું, તો મારો આત્મા ધ્રુજી જાય છે. 8 જૂન, મારો જન્મદિવસ. કોલેજમાં મારા મિત્રોએ સરપ્રાઈઝ પાર્ટી આપી હતી. મ્યુઝિક, ડાન્સ, કેક કટિંગ ખૂબ જ ધમાલભરી પાર્ટી માણીને હું ઘર તરફ આવી રહી હતી. મારી ફેવરીટ સવારી, મારી વ્હાઈટ સ્કુટી પર હું જાણે પાંખો ફેલાવી ઉડાન ભરી રહી હતી. બિન્દાસ, બેફિકર.... ઘરના સભ્યોની સલાહને અવગણીને હેલમેટની જગ્યાએ લાઉડ મ્યુઝિકવાળા ઈયરફોન કાનમાં નાખીને રસ્તા પર સ્કુટી ભગાવી રહી હતી. અચાનક સામેથી આવતા એક ટ્રકની હડફેટે હું આવી ગઈ. હું સ્કુટી સાથે ફંગોળાઈ. એ પછી મને હોસ્પિટલમાં જ હોશ આવ્યો. પણ પણ.... આંખો સામે જાણે અમાસનું અંધારુ.... હું મારા ચક્ષુ ખોઈ ચૂકી હતી. મારા મમ્મી-પપ્પા ભાંગી પડ્યા. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા પણ મારા જીવનમાં અંધકાર એનો એ જ રહ્યો.
યાદ છે દિવ્ય ? તમે પહેલી વાર અમારા ઘરે ચા ભૂકી લેવા આવ્યા હતા ! અમારી સામેના ફ્લેટમાં ભાડુઆત તરીકેની ઓળખ તમે આપી હતી. રોજ સવારે તમારા મધુર સંગીતનો રેલો મારા હૈયા સુધી પહોંચતો. મમ્મી-પપ્પાને આ વાતની જાણ થઈ. મને દુઃખમાંથી બહાર લાવવા તેમણે મને તમારી પાસે સંગીત શીખવા વિનંતી કરી. મારી સાથે બનેલી દુર્ઘટના વિશે જાણી મને મદદરૂપ થવા, તમે મને સંગીત શીખવવા લાગ્યા. ક્યારેક ક્યારેક હાર્મોનિયમ પર ફરતી તમારી આંગળીઓ અને મારી આંગળીઓનો અજાણતા થતો સ્પર્શ જાણે બે હૈયાને એક સાથે ધડકવા પર મજબૂર કરી દેતો હતો. તમારા પ્રેમને હું સમજવા છતાં અજાણ બનતી હતી, જેનું કારણ મારું અંધત્વ હતું. તમને ખબર નથી પણ હું પણ મનોમન તમને ખૂબ જ ચાહતી હતી.
મારા પપ્પાએ એક દિવસ ખુશ થતાં કહ્યું કે, મારી દ્રષ્ટિ પાછી આવી શકે છે. મુંબઈના જાણીતા ડો. રાજ ત્રિવેદીએ મારા રિપોર્ટસ જોતા આ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. આ સુખદ સમાચાર મેં તમને આપ્યા ત્યારે તમારા ચહેરા પર ખુશીની લહેરખી દોડી ગઈ હતી દિવ્ય. મને જરૂર હતી તો, માત્ર એક ડોનરની પણ ડોનર મળવો મુશ્કેલ થઈ રહ્યો હતો. આ દરમિયાન તમારે એક મ્યુઝિક કોન્સર્ટના કામે એક મહિના માટે બહાર જવાનું થયું. તમારી યાદમાં અને દ્રષ્ટિ પાછી મળવાની આશમાં મારા દિવસો પસાર થઈ રહ્યા હતા.
એક દિવસ આવી ગયો અને ડોનર પણ મળી ગયા. અમે મુંબઈ ઓપરેશન માટે ગયા. મારુ ઓપરેશન સક્સેસ થયું. મને દ્રષ્ટિ મળી. મને દ્રષ્ટિ આપનાર ડોનર વિશે જાણવા હું વ્યાકુળ હતી, પણ ડોક્ટરે કહ્યું કે, ડોનર તેની ઓળખ ગુપ્ત રાખવા માંગે છે. હું મનોમન એ મહાનુભાવને પ્રણામ કરી રહી. ઘરે આવતા જ હું તમને મળવા અધીરી બની હતી. તમારો ફોન પણ લાગતો નહોતો. મારા મનની વાત કહેવા માંગતી હતી, તમારા મનની વાત સાંભળવા માંગતી હતી.
આમ અચાનક તમારું મારા જીવનમાંથી ચાલ્યા જવું મને અસહ્ય પીળા આપી રહ્યું હતું. કાલે જ ન્યુઝપેપરમાં તમારો આર્ટીકલ આવ્યો, એ વાંચ્યો. તમારા વિશે તપાસ કરતાં જાણવા મળ્યું કે, તમે તમારા ચક્ષુ ખોયા છે. આજે મારો શક વિશ્વાસમાં પરિવર્તિત થયો જ્યારે મેં ડોક્ટર રાજ ત્રિવેદીને ખૂબ વિનંતી કરી, તેમની પાસેથી ડોનરનું નામ જાણ્યું. મારા અંધકારને ઉજાસમાં પરિવર્તિત કરનાર, મારા જીવનમાં રંગ ભરી પોતે કાજળભર્યા અંધકારને અપનાવનાર તમે જ... તમે જ દિવ્ય.... તમે જ મારા પૂનમના ચંદ્રમા અને હું તમારી ચાંદની. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. મારા જીવનને ઉજાસથી ભર્યો એમ મારા આત્માને પણ તમારી દિવ્યતા અર્પો..
હું તમારી દ્રષ્ટિ,
દિવ્યની દ્રષ્ટિ.