દિલ આજે પણ તેનું છે
દિલ આજે પણ તેનું છે
વિચારોને ક્યાં સુધી ઉમળકાભેર સાચવી રાખવા ? પ્રેમ તેનું નામ છે જેમાં અજાણતા જ બધું ના થવાનું થઈ જતું હોય છે.
આજથી લગભગ ૧૫ વર્ષ પહેલાંની વાત છે. દિવ નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અને અચાનક કોમી રમખાણોના લીધે તેને બીજા ગામ રહેવા જવાનું થયું. સ્વાભાવિક છે કે થોડી ગંભીરતા અને અજુગતુ લાગે. દીવને લાગતું હતું કે તે નવા ગામના રંગે રંગાઈ જશે. કોઈના રંગે રંગાવું એટલું સહેલું પણ નથી હોતું.
શાળાનો પહેલો દિવસ હતો અને પહેલા જ દિવસે પહેલી નજર તેની શીખા પર પડી. શીખા એકદમ પાતળી, ઊંચાઈમાં સહેજ વધારે, એકદમ ગોરી અને કાળી તેની આંખો, અહા! ભલભલાને દિવાના બનાવીદે તો પછી દીવ પણ ક્યાંથી બાકી રહે ? દીવની નજર તેના પર જ અટકી ગઈ પણ પહેલા દિવસે પહેલી નજરમાં કોઈ યુવાન છોકરીને બોલવું, તેની સાથે વાત કરવી, સહેલી ક્યારે પણ નથી હોતી. અને એટલે જ તે કંઈ પણ બોલ્યા વગર પોતાના વર્ગખંડમાં જતો રહ્યો. વર્ગખંડમાં તે બેઠો હતો અને થોડીક વારમાં તે જ શીખા તેને વર્ગખંડમાં આવતી નજર પડી. દીવને થયું કે શીખા ચોક્કસથી આજ વર્ગમાં અભ્યાસ કરે છે અને તેમ જ થયું તે સીધી જ તે વર્ગખંડમાં આવી. અને તે જે બેંચીસ પર બેઠી તે બેન્ચીસની બાજુમાં જ દીવ બેઠો હતો. ક્યારેય ન અનુભવેલી બેચેની અને રોમાન્સ દીવ હવે અનુભવી રહ્યો હતો. શિખાએ સામે જોયું અને કહ્યું," નવું એડમિશન ? " દીવ કંઈ જવાબ આપે તે પહેલાં જ શીખાયે પોતાનો હાથ તેના સામે મૈત્રી માટે લંબાવ્યો તો ખરો છતાંય દીવ એટલો ગભરાઈ ગયો હતો કે તે ના તો હાથ લંબાવી શક્યો કે ના તો કંઈ બોલી શક્યો. ત્યારે શીખાયે કહ્યું," છોકરાઓ આવા જ હોય. કોઈ દોસ્તી કરવા સામે હાથ લંબાવે પણ જલ્દી દોસ્તી ના કરી શકે. " ત્યારે દીવે કહ્યું," હા,હું એવો જ છું. "આટલું કહેતા શીખા હસી ગઈ. પણ દીવ તો તેના વિચારોમાં ખોવાઈ ગયો. દીવને લાગ્યું કે શીખા તેનો પહેલો ક્રશ છે. પણ આટલું જલ્દી છેક આટલા સુધી વિચારવું તે યોગ્ય પણ નથી. એટલામાં વર્ગમાં સાહેબ આવ્યાને દીવ પાછો વાસ્તવિકતામાં આવી ગયો.
જેમ જેમ દિવસો જતા હતા તેમ તેમ શીખા અને દીવની મિત્રતા વધતી હતી. પણ શિખાને એમ હતું કે દીવને "નેહા" ખૂબ ગમે છે અને એમ પણ નેહા તેના કરતાં તો વધારે સુંદર હતી. અને નેહા અને દીવની જોડી જામતી હતી. આ સિવાય પણ વર્ગના તમામ વિદ્યાર્થીઓ નેહા અને દીવના અફેરની જ વાતો કરતાં હતાં પણ શીખાને નહોતી ખબર કે દીવ તો તેને ચાહે છે.
આ તરફ દીવ શીખાને ખૂબ ચાહવા લાગ્યો હતો. તેણે ઘણી વખત શિખાને પોતાના દિલની વાત જણાવવા પ્રયત્ન કર્યા પણ પ્રત્યેક વખતે તે નિષ્ફળ ગયો.
એમ કરતાં બોર્ડની પરીક્ષા આવી ગઈ. અને પહેલા પેપરના દિવસે જ શીખાયે દીવને આવીને કહ્યું," દીવ મારે તને કેટલાય દિવસથી કંઈ કહેવું છે ? " દીવે તેને કહ્યું," શીખા,અત્યારે નહિ મને તું છેલ્લા પેપર પછી કહેજે. " શીખાયે ઘણો પ્રયત્ન કર્યો પણ દીવ માન્યો જ નહિ. એટલે શીખાયે તેને કહ્યું," સારું, હું છેલ્લા પેપર પછી તને ચોક્કસથી કહીશ." આટલું કહી તે તેના ઘરે જતી રહી પણ દીવે વિચાર્યું કે શીખા તેને કંઈ કહે તે પહેલાં તેને તે તેના દિલની વાત ચોક્કસથી કરશે. એમ વિચારી તે પરીક્ષાની તૈયારીમા લાગી ગયો.
એમ કરતાં પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે શીખા તેની પાસે આવી. અને દીવને કંઈ કહેવા જાય તે પહેલાં દીવે તેને રોકીને કહ્યું,"શીખા,આજે મારે તને વાત કરવી છે. " ત્યારે શીખાયે કહ્યું," ના, દીવ,આજે મારો વારો છે અને સાંભળ હું રવિને ખુબ પ્રેમ કરું છું. અને હું તેને કાલે જ પ્રપોઝ કરવા માંગુ છું. તું મારી મદદ કરીશ ? " દીવ આ સાંભળી હૃદયમાં રડી ગયો. તેને જોયેલા સપના તૂટી ગયા. તેમ છતાં દીવે કહ્યું," અરે,શીખા હું તને એમ જ કહેવા માંગતો હતો કે રવી તને પ્રેમ કરે છે. "શીખાયે કહ્યું,"હા,દીવ મને પણ એમ જ લાગે છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું. " દીવે કહ્યું," કાલે સવારે મળીશું. અને ત્યારે જ તું તેને પ્રપોઝ કરી દેજે. "શીખાયે તેનો આભાર માન્યો અને તે ઘરે જવા માટે નીકળી ગઈ પણ આ તરફ દીવ ભાંગી ગયો. તેને લાગતું હતું કે શીખા તેની થશે પણ શીખા તો કોઈ બીજાની નીકળી. તેમ છતાં તેણે નક્કી કર્યું કે તે શીખાને મદદ કરશે પણ તેને ખબર નહોતી કે રવી તો તેના ઘરે કાયમ માટે જતો રહ્યો. શીખા દીવ પાસે આવીને ખૂબ રડી પણ હવે આગળ કંઈ થઈ શકે તેમ નહોતું. એટલે દીવને લાગ્યું કે શીખા કદાચ તેને ભવિષ્યમાં પ્રેમ કરશે. સાથે તેણે એમ પણ વિચાર્યું કે શીખા સામેથી પ્રેમનો ઈઝહાર કરશે તો જ તે તેના ફિલિંગ વિશે જણાવશે. બાકી તો ક્યારેય નહીં.
જેમ તેમ કરીને વેકેશન પછી ફરી દીવ અને શીખા એક જ સ્કૂલમાં મળ્યા. બંનેની મિત્રતા હવે આગળ વધવા લાગી હતી. દીવને હતું કે શીખા તેને પ્રેમ કરવા લાગી છે પણ શીખાયે રક્ષાબંધન પર દીવને રાખડી બાંધી દીધી. અને તે વખતે પરિસ્થિતિ પણ એવી નહોતી કે દીવ ના ના પાડી શકે.
શિખાયે રાખડી બાંધી તેને ભાઈ તો બનાવી દિધો પણ દીવને થોડું અજુગતું લાગતું હતું.
દરેક રક્ષાબંધન પર શીખા તેને રાખડી મોકલવા લાગી. દીવ તેને ખૂબ ચાહતો હતો છતાં તે તેને કંઈ ના કહી શક્યો અને શીખા એક ભાઈ તરીકે તેને રાખડી મોકલાવતી. અને દીવ તેને બાંધી પણ દેતો. છતાંય શીખા તેના હદયમાં હતી.
એમ કરતાં વર્ષો વીતી ગયા. અને અચાનક શીખાયે દીવને વર્ષો પછી કોલ કોલ કર્યો અને કહ્યું. " દીવ તને યાદ છે ? આપણા ક્લાસમાં ધોરણ ૧૦ માં રવી અભ્યાસ કરતો હતો. ? તેની સાથે આજે જ ફોન પર વાત થઈ. તે મારો પહેલો ક્રશ હતો. " દેવે કહ્યું,"અરે,શીખા ગાંડી થઈ ગઈ છે તો આવું કરે છે ? તારું લગ્ન થઈ ગયું છે તે તને ખબર છે. તો કેમ ભૂલી જાય છે ? " શિખાયે કહ્યું,"હા,હું બધું જાણું છું પણ તે મારો પહેલો ક્રશ હતો. હું આગળ વધવા નથી માંગતી પણ પહેલો ક્રશ હું ભૂલી નથી શકતી. કાશ તે દિવસે મેં તેને પ્રપોઝ કરી દીધું હોત ? સારું તું મને એમ કે તે લગ્ન કર્યા ? " દીવે કહ્યું," ના, હજુ હું બેચલર જ છું. " ત્યારે શીખાયે કહ્યું," અરે,તને યાદ છે વર્ષો પહેલા હું તને રવીની વાત કરવા આવી હતી ત્યારે તું મને કંઈ કહેવાનો હતો તે વાત તો મને કહે ? " ત્યારે દીવે કહ્યું," મેં રવીની જ વાત કરેલી. તે વાત તેજ સમયે પૂરી થઈ ગઈ હતી. " શીખાયે કહ્યું,અરે,તું એક બહેનને નહિ કે, ? " દીવે કહ્યું," શીખા શું કામ એ વાતને ફરી ઉખાડવી. હવે હું સિંગલ છું ને રહીશ. " ત્યારે શીખાયે કહ્યું," ચાલ,મને કે હું તને તેના સાથે મળાવીશ. " દીવ થોડો ગંભીર બન્યો અને કહ્યું," જો શીખા,હું ભાઈ - બહેનના પવિત્ર સંબંધને ખરાબ કરવા નથી માંગતો. પણ તું જે સમયે મારી સામે રવીને પ્રપોઝ કરવાની વાત લઈને આવી ત્યારે હું તને જ પ્રપોઝ કરવાનો હતો. હું તને શાળાના પહેલા દિવસથી જ પ્રેમ કરતો હતો. તું મારી પહેલી ક્રશ હતી. પણ હું તારા હૃદય સુધી પહોંચી ના શક્યો. રવી જ્યારે જતો રહ્યો ત્યારે હું ખુશ થયો કે સમય આવે તને હું પ્રપોઝ કરીશ પણ મારું સપનું ત્યારે તૂટી ગયું જ્યારે તે મને રક્ષાબંધન પર રાખડી બાંધી. ખરેખર હું અંદરથી તૂટી ગયો હતો પણ મારે એક ભાઈ - બહેનના સંબંધને સાચવવાનો હતો. ઘરે જઈને હું ખૂબ ઉદાસ થયો પણ ભાઈ - બહેનના સંબંધે મને બાંધી દીધો. ત્યારબાદ મેં ક્યારેય પણ તને એક પ્રિયેશી તરીકે નથી દેખી. અને મને ત્યારબાદ હક પણ નથી રહ્યો. અને હા,હું તને ત્યારથી બહેન તરીકે જ સ્વીકારું છું. ભગવાને મને ખરેખર મુશ્કેલીમાં મૂકી દીધો પણ મને લાગ્યું કે આ પ્રેમ કરતા ભાઈ બહેનનો પ્રેમ વધુ પવિત્ર છે અને ત્યારથી જ હું તને બહેન માનું છુ. અને એટલે જ એક ભાઈ તરીકે કહું છું કે હવે તારો ઘરસંસાર જ મહત્વનો છે. "
શીખા પાસે શબ્દો નહોતાં બસ માત્રને માત્ર આંસુઓ હતા.

