મારી શાળા, મનગમતી શાળા
મારી શાળા, મનગમતી શાળા
સવારના લગભગ ૧૦ વાગ્યા હતા અને તેવામાં ચિન્ટુના ઘરે નેહાએ આવીને કહ્યું," અરે ચિન્ટુ, ઓ ચિન્ટુ, ચાલ શાળાએ. "
" હું શાળાયે નથી આવવાનો. હું તો ઘરે રહીશ. " એવું ચિન્ટુએ ચિડાઈને કહ્યું.
નેહા: અરે ! કેમ નથી આવવું તારે ?
ચિન્ટુ: હું તો ઘરે રહીને કાર્ટૂન જોઈશ. અને પછી લેસન કરીશ.
નેહા: અરે ચિન્ટુ તું પણ. તને એટલી પણ ખબર નથી કે ઘરે કરતા તો સ્કૂલે મજા આવેં.
ચિન્ટુ: કેવી રીતે ?
નેહા: સાંભળ,હવે તો શાળામાં મહિનામાં ચાર દિવસ " મીનાની દુનિયા" કાર્યક્રમ બતાવવામાં આવે છે. ઘરે તો એકલા જોવું પડે કાર્ટૂન, પણ અહીંયા તો આપણા સાહેબો અને બહેનો પણ સાથે જોવે. શાળામાં ખેલ મહાકુંભ આવે,તેમાં રમતો રમવાની અને ઈનામ જીતવાનું. શાળામાં " શાળા વનીકરણ" નો કાર્યક્રમ પણ આવે તેથી આપણે પોતાને ગમતું વૃક્ષનો પણ ઉછેર કરી શકીએ. ને હા પાછો રમવાનો તાસ આવે તે તો અલગ. હવે તો રમતા રમતા ભણવાનું. જો આપણને કશું ના આવડે તો સાહેબ ક્યારે પણ ના મારે અને વધારે સમજાવે. સાથે સાથે દર શનિવારે આપણી લેશન ડાયરીમાં આપેલ સમયપત્રક પ્રમાણે જુદા જુદા વિષયોની કસોટી લેવાય. જેથી દર મહિને આપણે જે ભણ્યા હોય તે કેટલું યાદ રહ્યું તે પણ ખબર પડી જાય. આવું તો ઘણું શાળાએ નવું નવું થાય છે. ઘરે રહીએ તો મમ્મીનો કોઈક વખત માર પણ પડે. પણ શાળામાં તો મજા જ મજા. તારે આવવું હોય તો ચલ નહિ તો રહેજે ઘરે મમ્મીનો માર ખાવા. હું તો આ ચાલી.
ચિન્ટુ: અરે,સાચે નેહા, તો તો મજા આવે. . . શાળાએ. . . હું પણ આવું છું ચલ આપણે શાળાએ સાથે જઈએ.
નેહા: ચલ જલ્દી કર ' મીનાની દુનિયા ' જોવાની છે આજે તો. .
(નિશાળેથી આવ્યા પછી)
મમ્મી ઓ મમ્મી હવેથી હું રોજ નિશાળે જઈશ. આજે તો કાર્ટૂન જોવાની મજા આવી ગઈ, ઘણું રમ્યા, ભણ્યા અને જમવાનું પણ ખાધું. હવે થી હું રોજ શાળાએ જઈશ.
મમ્મી: અરે વાહ ! બેટા ! હું તો બહુ ખુશ થઈ. લે તું અને નેહા બંને લાડુ ખાવ. મેં તમારા માટે બનાવ્યા છે.
બંનેને લાડુ મળતા તેઓ લાડુ ખાવા લાગ્યા. . . . .
તો બાળ દોસ્તો, તમને પણ ખબર પડી ને કે શાળામાં કેવી મજા આવે . . હવે તમે રોજ શાળાએ નેહા અને ચિન્ટુની જેમ જશો ને ?
