ધૂમ્રપાન
ધૂમ્રપાન
આજે લાયન્સ ક્લબનો હોલ માણસોની ભીડથી ખીચોખીચ ભરેલો હતો. એનું કારણ આજનાં વક્તા હતા. આજે લોકલાગણીને માન આપીને મશહૂર યુવા વક્તા સુનિલ અગ્નિહોત્રી તેમનું વક્તવ્ય રજૂ કરવા આવ્યા હતાં. સુનિલ અગ્નિહોત્રી યુવાપેઢીને જાગૃત કરવા માટે, તેમને તમાકુ, સિગારેટ જેવી બદીઓથી દૂર કરવા માટે, નવું શીખવા માટે, જીવનમાં આગળ વધવાની ધગશ કેળવવા માટે તથા જે નિરાશ થયેલા હોય કે ડિપ્રેશનમાં સરી પડ્યા હોય તેમને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવા માટે ઉત્સાહિત કરનારા એક ખુબ પ્રખ્યાત સ્પષ્ટ વક્તા હતા. યુવાનોની સાથે સાથે વૃધ્ધોનાં પણ એટલા જ પ્રિય વક્તા હતા. આજે તેમનો વિષય હતો - " ધૂમ્રપાન કરવું જોઈએ કે નહીં ?"
સુનિલ અગ્નિહોત્રી એ તેમના વક્તવ્યમાં સિગારેટની ખરાબ અસરો વિશે જણાવ્યું અને એ પણ ઉમેર્યું કે તેનાથી સિગારેટ પીનાર એકલો નહીં પણ તેનો આખો પરિવાર, સામાજીક, માનસિક અને આર્થિક રીતે પાયમાલ થાય છે. સિગારેટ પીનાર વ્યક્તિને થતાં ફેફસાંનાં કેન્સર વિશે તેમણે વિગતે જણાવ્યું અને બધા શ્રોતાને સમજાવ્યું કે સિગારેટની ધૂમ્રસેરની જેમ તેમનું જીવન પણ પળે પળે મુરઝાતું જાય છે.
સુનિલ અગ્નિહોત્રી એ શ્રોતાઓમાંનાં યુવાનો, પ્રૌઢો, વૃધ્ધો, જેને પણ સિગારેટ, બીડી કે હુક્કો પીવાની લત હતી તે બધાની પાસે કસમ લેવડાવી કે તેઓ આજે, અત્યારથીજ તે ખરાબ લત છોડી દેશે. બેઠેલા શ્રોતાઓમાંથી જેના પણ ખિસ્સામાં બીડી કે સિગારેટનાં પેકેટ હતા તેઓ એ તે પેકેટ ને સ્વયંસેવકો દ્વારા ફેરવવામાં આવેલા બોક્સમાં ફેંકી દીધા. વક્તવ્યને અંતે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
વક્તવ્ય પૂરું કરી ને લોકોનો પ્રતિસાદ ઝીલી ને, તેમને ઓટોગ્રાફ આપીને, તેમની સાથે સેલ્ફી ખેંચાવી ને થાકેલા સુનિલ અગ્નિહોત્રી જ્યારે પોતાની કાર માં બેઠા કે તરત જ તેમણે હાશકારો અનુભવ્યો અને પોતાની કારનાં ડેશબોર્ડ માંથી 555ની બ્રાન્ડની સિગારેટનું પેકેટ કાઢી ને તેમાંથી એક સિગારેટ સળગાવી ને પોતાની કાર ત્યાંથી મારી મૂકી.
