ધૂળેટી
ધૂળેટી
રોહનનો બંગલો:-
આજે રોહન ખુબ ખુબ ખુશ છે. કામ કરીને થાક્યો હોવાથી ઘરે આવતાવેંત બેડરુમમાં આરામ ખુરશીમાં લાંબો થાય છે. રોહન એક બોકસ સાથે લાવ્યો હોય છે. આટલા થાકમાં પણ પેકેટ નીચે મુકતો નથી. છાતીએ લગાડીને આંખો બંધ કરીને આરામ કરે છે. ભૂતકાળમાં સરી જાય છે. એમાં જ નીંદર પણ આવી જાય છે. મોડેથી ઉઠે છે. એકલો હોવાથી બહાર જમવા જાય છે. આમ, તો રામુકાકા બનાવી દે પણ આજે એ રજા પર છે. વોર્ડ રોબમાંથી પોતાના કપડાં લેતાં લેતાં પત્નીની સાડીઓ હેંગરમાં જુએ છે. રોહન સાડીઓને બંને હાથથી ભેટે છે. રોહન ખુબ ખુબ રડે છે. પોતાની પત્નીને યાદ કરે છે. થોડીવાર પછી હળવાશ અનુભવે છે. બહાર જાય છે. જમીને કલાકમાં પાછો આવી જાય છે. આ બધી સાડીઓ રોહનને જ ખરીદીને એકઠી કરી છે.
***
ફરી પાછો પોતાના બંગલે એ જ પોતાનો બેડરુમ. જ્યાં રોહન ત્રણ-ચાર કલાક પહેલાં ઓફિસથી આવ્યો હતો, ત્યાં પાછો આવી જાય છે. બેડની સામે મોટો વોર્ડરોબ સાડીઓથી ભરેલો છે. વોર્ડરોબના અરીસામાં પોતાને જુએ છે. બેડની જમણી બાજુએ આરામખુરશી અને ટિપોઈ છે. ટિપોઈની બાજુમાં મોટા કાચના દરવાજા છે, જે બહાર બગીચામાં પડે છે. બેડરૂમમાં આવવા માટે ડાબી બાજુએ દરવાજો છે - જે અત્યારે બંધ છે. બેડ પર સુતા સુતા રોહન બગીચામાં નજર કરે છે. અને પેલું બોકસ જે ઓફિસથી આવ્યો ત્યારે એના હાથમાં હતું, તે પાછું હાથમાં લઈ લે છે. રોહન બોક્સ છાતીએ વળગાડી સુવાનો પ્રયત્ન કરે છે.
આજે રોહન ખુબ ખુબ ખુશ શા માટે હતો ? ખબર છે ? તમને ક્યાંથી ખબર હોય ! ચાલો, હું કહું. આવતીકાલે રોહન એની પત્નીને તેડવા જવાનો છે. રોહનની ઈચ્છા આ બોક્સ પત્નીને તેડવા જતી વખતે સાથે રાખવાની છે. ગીફ્ટ લઈને જતા રોહનનું છવ્વીસ વરસ પછી પત્ની સાથેનું મિલન કેવું હશે? બોક્સમાં શું હશે ?
રોહનને યાદ આવી જાય છે, છવ્વીસ વરસ પહેલાંની ધૂળેટી.
રીમાના પપ્પાનો બંગલે....
રોહનની નજર સામે પોતાના સસરાનો બંગલો તરી આવે છે. પોતાના સસરાના બંગલામાં જ પાછળની સાઇડે લોનમા ધૂળેટીનું આયોજન કર્યું હતું. પાણીમાં મીકસ કરેલા રંગોના કુંડ, પિચકારી, રંગોથી ભરેલી મોટી પ્લેટો, બધુ સજાવેલ છે. બીજી બાજુએ ભાંગના ગ્લાસ ગોઠવેલ ટેબલ તૈયાર છે.
ધાણી ખજૂર દાળિયા મમરાની પ્રસાદની થાળી લઈને પોતાની પત્ની રીમાને આવતી જોઈ રંગોની મુઠ્ઠી ભરીને તેની સામે
દોડી જાય છે. પત્ની મોંમા પ્રસાદ આપે છે. ત્યાં તો રોહન આનંદના અતિરેકમાં રંગોથી રીમાને રંગી દે છે . રંગોથી સાડી ખરાબ થતા રીમા ગુસ્સે થઈ જાય છે. અને એનાથી બોલી જવાયું કે તમારો એક મહીનાનો પગાર નથી એનાથી તો મોંઘી સાડી છે. મારા પપ્પાએ અપાવી છે. રોહનની બીજીવાર ભરેલ મુઠ્ઠી હવામાં જ સ્થિર થઈ જાય છે.
રીમાથી અચાનક જ બોલાયેલ શબ્દો રોહનને હતપ્રત કરી દે છે. આઘાતમાં સરેલ રોહનને જોઈ રીમા માફી માગતી રહે છે. પગમાં બેસી પડે છે. પણ રોહનને કંઈ સંભળાતું જ નથી. કાનપુર પડેલી હડતાલ, દિશાશૂન્ય મગજ અને અસ્થિર પગ અજાણી કેડીએ દોરી જાય છે.
***
પાછો પોતાને બંગલે :-
ભૂતકાળમાંથી પાછો ફરતો રોહન રીમાના ફોટા સામે ઊભો રહીને વાત કરે છે કે આવતીકાલે આપણે મળીશું. આટલી બધી સાડીઓની વિગત જેવી કે કાંજીવરમ્, સિલ્ક, પ્લેન, સેલું, બાંધણી વગેરે ની વાત કરે છે. પોતાની કમાણીની વાત કરે છે. રોહન કહે છે કે હું પણ તારા પપ્પાની જેમ લાખો કરોડોમાં રમતો થઈ ગયો છું. હવે તું મારી સાથે ચાલ. એજ ધૂળેટી કે જેને આપણને અલગ કર્યા, એ જ ધૂળેટી આવતીકાલે છવ્વીસ વરસ પછી આપણાં મિલનની સાક્ષી બનશે. રોહન ફોટા સાથે વાત કરી બેડ પર લંબાવે છે. રોહન પત્નીને યાદ કરતાં કરતાં મધુર મિલનની કલ્પના સાથે આંખો બંધ કરે છે.
અચાનક રાત્રે આગ લાગવાથી રોહનનો બંગલો સળગી ઉઠે છે. દુશ્મન જાણે છે કે રોહન એકલો છે, વીજળીના તારથી, લગાડાયેલી આગ (શોર્ટ સર્કીટ) છે. રોહનને રુમમાં વાસ આવે છે. એ બેડરુમનો દરવાજો ખોલી આગળ ડ્રોઇંગ રુમમાં જવાની કોશિશ કરે ત્યાં તો આગની જ્વાળા બેડરુમમાં પ્રવેશી જાય છે. બેડરૂમમાં સાડીઓના વોર્ડરોબને આ જવાળા પોતાનામાં સમાવવાની કોશિષ કરે છે. રોહન બેબાકળો, ઘાંઘોવાંઘો, ગાંડા જેવો થઈ જાય છે. એના મગજમાં એક જ સપનું સવાર હતું કે પત્ની માટે સાડીઓ એકઠી કરવી. પણ હવે એ સપનું રાખ બનવા તરફ પ્રયાણ કરે છે, બચાવવાનો કોઈ ઉપાય સુઝતો નથી. રોહન પીવાના પાણીનો જગ જુએ છે, તરત જ વોર્ડરોબ પર છાંટે છે. એટલા પાણીથી કંઈ ન થાય ઉલ્ટાનું વીજ કરંટ હોવાથી શોટ લાગે છે. રોહન માંડમાંડ છાતીએ લગાડેલું બોક્સ લઈને બગીચા બાજુના દરવાજેથી ભાગે છે. જીવની જેમ સાચવતો એ બોક્સને લઈને રીમાને મળવા જાય છે.
***
રોહન મનમાં વિચારે છે કે હું શું વિચારતો હતો ને શું થઈ ગયું ? એક કરોડપતિ બનીને જવા ઈચ્છતો રોડપતિ બનીને જ્યાંથી શરુ કર્યું ત્યાં પાછો પહોંચી જાય છે. એ જ ધૂળેટી.... વાહ ! શું રે નિયતિ!
***
રીમાના પપ્પાનો બંગલે :-
લઘરવઘર રોહન રીમા સામે જોઈ રહે છે. રીમા ઓળખી જાય છે. પતિને ભેટી પડે છે. રોહન બોક્સ રીમાના હાથમાં
આપે છે. રોહન ખોલીને એમાંથી એક મોંઘી સાડી ઉંચકે છે. અને રીમાને પાછળથી આગળ શાલ ઓઢાડીએ એમ ઓઢાડે
છે. પછી ઉપર રંગોથી નવડાવે છે. પિચકારીથી રંગે છે.
રોહન રડતાં રડતાં બધી વાત કરે છે. બિઝનેસ કેવી રીતે જમાવ્યો, સાડીઓ એકઠી કરવી, બંગલામાં આગ લાગવી, પોતાનો જીવ બચાવી આ સાડી તને આજના દિવસે આપવી. આ સાડી વોર્ડરોબમાં ન મૂકી નહીં તો ખાલી સપનાની રાખ લઈને જ આવત.
રીમા બોલે છે કે 'રોહન, તમે શું કર્યું ? હું તમને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. ભૂલથી બોલાયેલ શબ્દોમાં છવ્વીસ
વરસ ઓગળી ગયા. નિયતિ એ તમને પાછા હતા ત્યાં જ લાવીને ઊભા રાખી દીધા. તમે ત્યારે ન ગયા હોત તો. આ આપણો દિકરો શિવ.( શિવને બતાવતા) એનું બાળપણ જોઈ શક્યા હોત. હું કાયમ થોડી આ બંગલામાં રહેતી હતી ! એ દિવસે ધૂળેટી હતી એટલે જ આપણે પપ્પાને મળવા આવ્યા હતાં ને! આપણે સાંજ સુધી જ અહીં રહેવાનું હતું. પછી આપણે
સાથે જ ઘરે જવાનું હતું. એક તમારો નિર્ણય ને આપણો છવ્વીસ વરસનો વિયોગ.
રીમાના ખોળામાં માથું રાખીને સુતા રોહનને પત્નીના વાળની આછી સફેદી નજરે પડે છે. રોહન રીમાને ભેટી પડે છે. પારાવાર દુઃખ સહન ન થતા રોહન પસ્તાવાની આગમાં સળગે છે. આ આગમાં સળગતા હ્રદયને ઠારી ન શકતા હ્રદયરોગના હુમલાને નોતરી બેસે છે. રોહન મૃત્યુ પામે છે. રીમાથી અનરાધાર આંસુનો અભિષેક થાય છે. શિવની આંખો છલકી ઉઠે છે.
***
નસીબથી વધારે અને સમયની પહેલાં માનવી કશું મેળવી શકતો નથી.
એક નાનકડો અહંમ સંસારને છિન્નભિન્ન કરી શકે છે.

