ધ્રુજી ઉઠ્યા
ધ્રુજી ઉઠ્યા


એક યુવાન અંધારી રાતે સુમસામ સડક પર બીજા ગામ ભણી જવા માટે ઝડપથી ડગલા ભરી રહ્યો હતો. ત્યાં પાછળથી આવેલી બૂમ સાંભળી તેના પગ અટકી ગયા, “બેટા, સાંભળ... આગળ જરા સાવચેતીથી જજે...”
યુવાને વળીને જોયું તો એક વૃદ્ધ તેની સમીપ આવી રહ્યો હતો. યુવાને અસમંજસમાં તેને પૂછ્યું “કેમ?”
વૃદ્ધે જવાબ આપ્યો, “તને નથી ખબર!!! વર્ષો પહેલાં આ માર્ગ પર કેટલાક યુવાનોએ જીવણલાલ નામના વટેમાર્ગુની હત્યા કરી હતી.”
આ સાંભળી યુવાને આશ્ચર્યથી પૂછ્યું, “હત્યા!!! પણ કેમ?”
વૃદ્ધે કહ્યું, “લુંટફાટ માટે... તેના શબને તેઓએ પેલા ઝાડ નીચે દફનાવ્યું હતું.”
તેજ હવાથી વૃક્ષના પાંદડા ધ્રુજી ઉઠ્યા.
વૃદ્ધની વાત સાંભળી યુવાન આભારવશ બોલ્યો, “ઓહ! લુંટારાઓથી સાવધ કરવા બદ્દલ આભાર.”
વૃદ્ધે કહ્યું, “લુંટારાઓથી નહીં...”
યુવાને આશ્ચર્યથી પૂછ્યુ, “તો???”
પાંદડા ફરી ધ્રુજી ઉઠયા...
વૃદ્ધે ખૂબ જ ધીમા સ્વરે કહ્યું, “જીવણલાલના આત્માથી..”
યુવાને અકળાઈને કહ્યું, “વોટ રબીશ???”
વૃદ્ધે યુવાનને સમજાવતા કહ્યું, “હા, જીવણલાલનો આત્મા અહીંથી પસાર થતા યુવાનોને રોકી પોતાની આપવીતી કહી સંભળાવે છે.”
પાંદડા ધ્રુજી રહ્યા...
કંઈક વિચારી યુવાન બોલ્યો, “ગામમાં આની કોઈ ચર્ચા કરતું નથી.”
વૃદ્ધે કહ્યું, “અરે! કોઈને ખબર હોય ત્યારે એ ચર્ચા કરે ને?”
યુવાને અવાચક થઇ પૂછ્યું “એટલે?”
ચોમેર નજર ફેરવી વૃદ્ધ એક એક શબ્દ પર જોર આપતા બોલ્યો, “વટેમાર્ગુ યુવાનને આપવીતી સંભળાવ્યા બાદ જીવણલાલનો આત્મા તેની હત્યા કરી પેલા ઝાડ નીચે જ દફનાવી દે છે.”
પાંદડા ફરી ધ્રુજી ઉઠ્યા...
યુવાને પૂછ્યું, “પણ કેમ?”
વૃદ્ધે હોઠ બીડી સહેજ રોષથી કહ્યું, “બસ.. દરેક યુવાનમાં તેને પોતાનો હત્યારો દેખાય છે.”
થોડીવાર... સન્નાટો....
યુવાને ચોંકીને પૂછ્યું, “એક મિનીટ!!! તમે આ બધું કેવી રીતે જાણો છો?”
વૃદ્ધના ચહેરા પર પિશાચી હાસ્ય રેલાયું...
આ વખતે યુવાનના પગ ધ્રુજી ઉઠ્યા.
*****