Mariyam Dhupli

Drama Inspirational Thriller

3  

Mariyam Dhupli

Drama Inspirational Thriller

ધર્મની નજીક

ધર્મની નજીક

7 mins
14.5K


એ પંદર મિનિટથી ત્યાં આમજ ઉભો હતો. શાંત, ધૈર્ય ધરી, મૌન. સંસ્કૃતમાં ઉચ્ચારાઈ રહેલા શ્લોક આમજ ધ્યાનમગ્ન સાંભળી રહ્યો હતો. અગરબત્તીની સુગંધ આખી દુકાનને ધાર્મિકતાની સુગંધથી મહેકાવી રહી હતી. એ મહેકથી આત્માને પવિત્રતાનો અલૌકિક અનુભવ થઇ રહ્યો હતો. ધર્મના પઠનને અવરોધવાનો પાપ આચરવા જેટલી એનામાં હિંમત ન હતી. સાંજ ઢળવા આવી હતી. દુકાનમાં કામ કરતા અન્ય છોકરાઓ ક્યારના નીકળી ગયા હતા. પણ એ હજી પણ ત્યાંજ ઉભો હતો, સ્તબ્ધ મૂર્તિ સમો.

આખરે શ્લોકના પઠનને પૂર્ણવિરામ મુકાયું. હાથમાંનું ધાર્મિક પુસ્તક સંકેલાયું. શેઠના ચશ્માં કાઉન્ટર ઉપર આવી ગોઠવાયા.

"બોલ રાઘવ શું કામ હતું?"

થોડી ક્ષણોના સંકોચ પછી રાઘવે માલિક સામે આદરપૂર્વક હાથ જોડ્યા. ટેવ પ્રમાણે આ મહિને પણ ફરીથી એમને યાદ અપાવ્યું. પણ પોતાના અધિકારની માંગણી માટે પણ સ્વરમાં આજીજીના જ ભાવો ડોકાયા. હક માંગવામાં પણ મન અપરાધભાવ અનુભવી રહ્યું.

"સાહેબ પગાર મળી જતે તો ....તહેવારના દિવસો આવી રહ્યા છે ...ગામમાં મારું કુટુંબ ..."

રાઘવનું વાક્ય પૂરું થાય એ પહેલાજ માલિકે પોતાનો નિર્ણય તદ્દન વ્યવહારુ સ્પષ્ટતાથી દર્શાવી દીધો, દર વખતની જેમજ.

"એક કામ કર રાઘવ આવતા અઠવાડિયે લઇ જજે ."

રાઘવનું હૈયું જરા વલોવાયું. આખા મહિનાની ધગશ અને પરિશ્રમને છેવાડે હજી પણ એક આખું અઠવાડિયું રાહ જોવી પડશે. ગામના કાચા ઘરમાં એના પગારની કુતુહલતાથી રાહ જોઈ રહેલ પરિવારની આતુર આંખો એ સાફ નિહાળી રહ્યો. દીપાવલીના તહેવાર માટે નામનાજ દિવસો બચ્યા હતા. કાલે ફોન પર પણ એજ વાત થઇ હતી. સમયસર પૈસા પહોંચાડી દેવાનો પરિવારને વાયદો પણ કરી દીધો હતો. અને હવે .....પણ શેઠ તરફના આદર અને પ્રેમથી દોરવાતા બે હાથ ચુપચાપ નમનમાં હામી પુરી રહ્યા. ઉદાસ જીવે રાઘવનાં ડગલાં દુકાનથી લગભગ ૪૦૦ મીટર જેવા અંતરે ઉભેલા બસસ્ટોપ નજીક ઘસડાઈ રહ્યા.

માધવ એને અહીંથીજ બાઈક ઉપર તેડવા પહોંચવાનો હતો. આજે સાંજે ભારત અને આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ હતી. દર વખતે ક્રિકેટ મેચ જોવા માધવ એને પોતાના ઘરે તેડી જતો. આખરે આવડા મોટા શહેરમાં રાઘવનો ફક્ત એકજ મિત્ર તો બન્યો હતો, માધવ.

માધવ જોડે રાઘવની મુલાકાત ચાની લારી ઉપર થઇ હતી. ગામડેથી શહેરમાં કામ કરી ચાર પૈસા કમાવા આવી પહોંચેલા રાઘવનો અંતર્મુખી સ્વભાવ, ઓછી વાતો, નિર્દોષતા અને ભોળી પ્રકૃત્તિનો તદ્દન વિરોધાભાસ એટલે માધવ. એક વાર માધવની વાત શરૂ થાય પછી એમાં વચ્ચે કોઈ પૂર્ણવિરામજ ન આવે. શહેરમાં ઉછરીને કેળવેલી વ્યવહારુતા એના દરેક વ્યવહારમાં સહેલાઈથી છલકાઈ ઉઠતી. ચાની લારી નજીકજ માધવની એક નાનકડી ઓરડી જેવી લોન્ડરી હતી. આસપાસ કામ કરતા અને વસવાટ કરતા લોકો વચ્ચેથી સારા એવા નિયમિત ગ્રાહકો બંધાઈ ગયા હતા. એનો લપલપિયો સ્વભાવ પણ ગ્રાહકોને ખેંચી લાવવામાં જબરો અસરકારક હતો. પરિવારને નામે ફક્ત પત્ની હતી. બાળકો કદાચ ભાગ્યમાં ન હતા. પણ ભાગ્ય જેટલું આપે એમાં મસ્ત રહેવાની કલા તો કોઈ માધવ પાસેજ શીખે. જીવન સ્વપ્નો બહુ વિસ્તરેલ તો ન હતા, બે ટન્કની રોટી, નાનકડું ઘર અને સુંદર પત્ની. માધવ માટે ફક્ત આટલુંજ એની ખુશીની વ્યાખ્યામાં સમાવેશ પામતું. માધવ અને રાઘવ વચ્ચે પાંગરેલી આ મિત્રતાના બીજ ક્રિકેટની રમતથી રોપાયા હતા. ચાની લારી ઉપરના રેડિયો ઊપર આવતી ક્રિકેટની કોમેન્ટ્રી અને પોતાના ગમતા ખેલાડીઓ અંગેની ચર્ચા થી શરૂ થયેલી ઓળખાણ ધીરે ધીરે મિત્રતાનો આકાર લઇ બેઠી. ત્યારબાદ તો કોઈ પણ રાત્રી ક્રિકેટ મેચ હોય એ માધવને ઘરે જોવાનો અને એ દિવસ પૂરતો રસોઈ બનાવવામાંથી છુટકારો મેળવવાનો જાણે એક નિયમજ થઇ ગયો. ભાભીના હાથના ભોજનનો લ્હાવો તો રાઘવ માટે જાણે માની હાજરીનો સંતોષ આપી રહેતો.

રાઘવની સાદગી અને નિર્દોષ પ્રકૃત્તિથી પ્રભાવિત માધવે ઘણીવાર રાઘવ આગળ પોતાની લોન્ડરી ઉપર કામ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાઘવને શેઠ તરફથી મળતા પગાર જેટલોજ પગાર ચુકવવાની ખાતરી પણ આપી હતી. પણ રાઘવે એ દરેક પ્રસ્તાવ માધવ પ્રત્યેના આદર અને સન્માનને જાળવી રાખતા નમ્રતા પૂર્વક ઠુકરાવી દીધા હતા.

પોતે જયારે ગામ છોડી શહેરમાં નોકરી કરવા આવ્યો હતો ત્યારે પોતાના બાપુએ આપેલી પરિપક્વ શિખામણને રાઘવે મગજમાં ગાંઠ બાંધી બેસાડી દીધી હતી.

"જો બેટા , જ્યાં પણ હોય ધર્મની નજીક રહેજે. જેટલો ધર્મની નજીક રહીશ એટલોજ સુરક્ષિત રહીશ. અધર્મને આડે પાટે ફક્ત વિનાશ જ વિનાશ હોય."

શેઠ જેવા ધાર્મિક વ્યક્તિ તો કદાચ આખા શહેરમાં ન જડે. મંત્રોચ્ચાર, વેદોનું ઊંડું જ્ઞાન, પૂજાપાઠ, દુકાનમાં અવારનવાર યજ્ઞો, હવન, જાત્રાઓ. મંદિર જેવું વાતાવરણ જે દુકાનમાં હોય એનાથી વધુ ધાર્મિક સ્થળ અન્ય કયું? એ સ્થળ છોડી, શેઠ જેવા અતીધાર્મિક વ્યક્તિત્વને છોડી અન્ય સ્થળે કાર્ય કઈ રીતે સ્વીકારાય? એક મિત્ર તરીકે માધવનો સાથ રાઘવને હૃદયથી ગમતો. પરંતુ ધર્મ પ્રત્યેની એની બેદરકાર પ્રકૃત્તિ મનોમન એટલોજ અણગમો પણ ઉપજાવતી. એણે ક્યારે પણ માધવને મંદિરના પગથિયાં ચઢતો જોયો ન હતો, ન ધર્મ અંગેની કોઈ ચર્ચા વિચારણા કરતા. એની લોન્ડરીમાં કદી કોઈ હવન કે યજ્ઞ યોજાયું હોય એની કોઈ શક્યતાજ ન હતી. ઉપવાસ પણ નહીં. જે વ્યક્તિ ધર્મથી બીજે છેવાડે હોય ત્યાંની રોજીરોટી કરતા ધર્મના આવરણમાં મઢાયેલ માનવ તરફથી મળતી રોજીરોટી જ પવિત્ર! રાઘવનું મન અને એના વિચારો તદ્દન નિયમ જેવા ચુસ્ત હતા. શેઠ પગાર આપતી વખતે બેદરકારી અને ખેંચતાણ દર્શાવે એ ચલાવી લેવાય પણ ધર્મથી દૂર જવું તો નજ પોષાય.

વિચારોમાં ખોવાયેલા રાઘવ આગળ માધવની બાઈક આવી થંભી.

"બહુ રાહ જોવી પડી કે?"

"ના રે ભાઈ , હમણાંજ પહોંચ્યો."

"જરા રસ્તામાં એક કામ પતાવવાનું છે ..."

"કોઈ વાંધો નહીં, એમ પણ મેચને શરૂ થવામાં હજી સમય છે."

રાઘવ બાઈક ઉપર ગોઠવાયો અને બાઈક શહેરના રસ્તા ઉપર પૂરઝડપે ભાગી રહી. આજે ઘરે તૈયાર થયેલી રસોઈથી લઇ મેચમાં કોણ જીતશે અને કોણ હારશે એની પૂર્વધારણાઓ સુધી એક પછી એક ચર્ચા ભાગતી બાઈક ઉપર ઉત્સાહ જોડે આરંભાઈ. પણ આ બધી વાતો વચ્ચે પણ રાઘવનાં હૃદયની ઉદાસી દુનિયાથી અદ્રશ્ય છતાં યથાવત હતી. ઘરના સભ્યોને તહેવાર વખતે પણ સમયસર પૈસા ન મોકલી શકવાની લાચારી અને અપરાધભાવ એને અંદરોઅંદર ગુંગળાવી રહ્યા હતા. વાતોને ઉપરછલ્લી રીતે સાંભળી હા કે ના માં ટૂંકા પ્રત્યાઘાતો અપાઈ રહ્યા હતા. ધ્યાનભગ્ન મન અચાનક ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું.

આ બાઈક કયા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી? પહેલા કદીતો આ વિસ્તાર જોયો ન હતો? કદી માધવ જોડે પણ આવવાનું થયું ન હતું. હવામાં ગરીબી, ગંદગી છલોછલ હતી. કેટલાક કાચા મકાનો આગળ સજ્જ ઉભી રહેલી સ્ત્રીઓ પુરુષોને નિહાળી લાલચી ઈશારાઓ કરી રહી હતી. ઘણા પુરુષો હાથમાં શરાબ અને સિગારેટ લઇ એ સ્ત્રીઓ જોડે મશ્કરીઓ કરી રહ્યા હતા. નગ્ન -અર્ધનગ્ન બાળકો કચરાના ઢગલાની આસપાસ દોડાદોડી કરી રહ્યા હતા. કોઈ વૃદ્ધ ઘરની બહાર નળમાં સ્નાન કરી રહ્યું હતું તો કેટલીક સ્ત્રીઓ માથા ઉપર પાણીના ઘડાઓ ચઢાવી દૂર પગપાળા જઈ રહી હતી. અપશબ્દો હવામાં ઓક્સિજન જેવા ભળી ચુક્યા હતા. ઊંચા અવાજો અને અપવિત્ર સંબંધો ગરીબીની દુર્ગન્ધમાં ભળી રાઘવની શ્વાસોમાં પહોંચી રહ્યા હતા. થોડા સમય માટે વધુ આ હવા ફેફસામાં પહોંચી તો ...પોતાના મોઢે ચઢેલા ઉબકાને રાઘવે ગળાના નીચે બળજબરીથી ઉતારી દીધો જ

કે બાઇકને બ્રેક લાગી.

"હું હમણાંજ આવ્યો ...."

બાઈક પાસે સંકેલાઈને ઉભેલા રાઘવની દ્રષ્ટિ હેરતથી માધવની પીઠને તાકી રહી. પિતાજીના શબ્દો મનમાં પડઘો પાડી રહ્યા :

"અધર્મને આડે પાટે ફક્ત વિનાશજ વિનાશ હોય ...."

માધવની સુંદર, સુશીલ અને સંસ્કારી પત્નીનો ચ્હેરો રાઘવનાં ખ્યાલોમાં તાદ્રશ્ય થઇ ઉઠ્યો. રાઘવની નસેનસમાં ખિન્નતા પુરજોશમાં વહી રહી.

આંખો સામેની ઓરડીમાંથી એક યુવાન સ્ત્રી બહાર નીકળી. ઓરડીનો અંધકાર એના યુવાન શરીરના ફક્ત અંગોનો આકાર દર્શાવી રહ્યો. બન્ને શરીરના હાવભાવો જૂની પરિચિતતાનો પુરાવો આપી રહ્યા. કેટલાક ઉતાવળિયા પ્રશ્નો અને કેટલાક ઉતાવળિયા ઉત્તરો. આખરે માધવે પોતાના ખિસ્સામાંથી કેટલીક નોટો કાઢી સ્ત્રી સામે ધરી. સહમતીમાં માથું ધુણાવી સ્ત્રી ધીરે રહી ઓરડાના અંધકારમાં અદ્રશ્ય થઇ ગઈ.

ઝડપથી પરત આવી માધવ બાઈક ઉપર ગોઠવાયો.

"જલ્દી નીકળીએ મેચ શરૂ થવાની તૈયારીજ છે ."

રાઘવનો ચ્હેરો એના પગ જેટલોજ જડ બની રહ્યો. રાઘવનાં બદલાયેલા હાવભાવો જોઈ માધવે બાઈકને ફરી ટાઢી પાડી.

"શું થયું?" માધવ મૂંઝાયો .

"આ સ્ત્રી કોણ હતી?"

રાઘવનાં પ્રશ્નની ગંભીરતા અને ઊંડાણ પામી ગયેલા માધવનાં ચ્હેરા ઉપર ખડખડાટ હાસ્ય છવાઈ ગયું. રાઘવનાં ખભે મૈત્રીપૂર્ણ હાથ મૂકી માધવે શાંત ચિત્તે ઉત્તર વાળ્યો.

"ભાઈ મારા. એ અમારી બાઈ છે. ઘરે કેટલાક નાનામોટા કામ કરી જાય છે. એક અઠવાડિયાથી માંદગીમાં છે. આજે એનો પગારનો દિવસ હતો. ઘરે આવી શકે એવી સ્થિતિમાં નથી. એટલે હું જાતે પગાર ચૂકવવા આવી ગયો."

રાઘવ ચોંકી ઉઠ્યો. ઘેરી નીંદરમાંથી સફાળો જાગી ઉઠ્યો હોય એવા હાવભાવો ચ્હેરા પર ઘેરાઈ વળ્યાં.

"પણ એ સાજી થાય, ઘરે આવે પછી પણ પગાર ચુકવી શકાયને?"

માધવે બાઈક ને કિક મારી .

"રાઘવ, મારી બા હંમેશા કહેતા, ધર્મપુસ્તકો માં કહેવાયું છે કે શ્રમિકનો પરસેવો સુકાય એ પહેલા એનું મહેનતાણું ચુકવી દેવું જોઈએ ..."

બાઈકનું એક્સિલેટર પકડાઈ ગયું હતું. રાઘવ સ્તબ્ધ મૂર્તિ સમો માધવને ફાટી આંખે તાકી રહ્યો હતો.

"હવે શું થયું ? શું વિચારે છે?"

માધવે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવા રાઘવ બાઈક ઉપર ગોઠવાઈ રહ્યો. ગર્વભેર એના હાથ માધવને ખભે આવી ટેકવાયા.

"એજ વિચારું છું કે આવતી કાલથી હું લોન્ડરી પર કામ કરવા આવીશ."

ખુશીના મોજાઓ ઉપર ઉછળતી બાઈક મિત્રતાનો ઉત્સવ ઉજવતી મેચ નિહાળવા ઉમટી પડી. માધવને ખભે સ્પર્શી રહેલો રાઘવનો હાથ ધર્મને અત્યંત નજીકથી અનુભવી રહ્યો ....


Rate this content
Log in

Similar gujarati story from Drama