JHANVI KANABAR

Tragedy Classics Others

4.3  

JHANVI KANABAR

Tragedy Classics Others

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર - 11

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર - 11

4 mins
426


(આગળના અંકમાં આપણે જોયું કે, રાજકુમારી અંબા શાલ્વરાજથી અપમાનિત થાય છે અને હસ્તિનાપુરથી પણ હતાશ હ્રદયે પાછી ફરે છે. હિમાલય તપસ્યાર્થે જતાં માર્ગમાં તેને કુમાર દેવવ્રતના ગુરુ મહર્ષિ પરશુરામનો વિચાર આવે છે અને તેમની પાસે કુમાર દેવવ્રતની ફરિયાદ કરે છે. મહર્ષિ પરશુરામ તેને શાંત્વના આપે છે કે, કુમાર દેવવ્રતની તેઓ પરીક્ષા કરશે અને જો તે તેમાં ઉત્તિર્ણ નહિ થાય તો ધર્મને ધ્યાનમાં રાખતાં તેમણે તારી સાથે વિવાહ કરવા પડશે. ગુરુ પરશુરામ અને શિષ્ય દેવવ્રત વચ્ચે યુદ્ધ થાય છે. કુમાર દેવવ્રત વિજયી બને છે અને ગુરુની કસોટીમાં પાર પડે છે. રાજકુમારી અંબાને અહીં પણ હતાશા સાંપડે છે અને તે મહાદેવને પ્રસન્ન કરી વરદાન માંગે છે. આવતા જન્મે નર સ્વરૂપે જન્મ લેવા તે આ જન્મનો ત્યાગ કરે છે અને ચિતા સળગાવી તેમાં સમાધિ લે છે. હવે આગળ..)

હસ્તિનાપુરની પ્રજા પોતાના રાજા વિચિત્રવીર્યના વિવાહ પ્રસંગને ઉત્સવની જેમ ઊજવવા તત્પર થઈ ગઈ છે. વિચિત્રવીર્યના વિવાહ કાશીરાજ કન્યા અંબિકા અને અંબાલિકા સાથે ધામધૂમથી યોજવાની તૈયારીઓ પૂરજોશથી થવા લાગી છે. ઋષિમુનિઓના શ્લોકના ધ્વનિથી નગર ગૂંજી ઊઠ્યું હતું. યજ્ઞ અને પૂજાવિધિથી શૂભકાર્યની શરૂઆત કરવામાં આવી. ફૂલહાર તથા ધૂપથી વાતાવરણમાં પવિત્રતા પ્રસરી રહી હતી. રાજકુમારી અંબિકા અને રાજકુમારી અંબાલિકા હસ્તિનાપુરને ગર્વાન્વિત કરે તેવી નવવધૂ બનાવવા શૃગાંર સજી રહી હતી. મહારાણી સત્યવતીના જીવનમાં આ અવસર ઘણા કષ્ઠ સહન કર્યા પછી આવી રહ્યો હતો તેથી તેઓ પણ આ સુખદ પળોને યાદગાર અને આનંદમય બનાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

આજે મહારાણી સત્યવતી પોતાના કક્ષમાં મહારાજ શાંતનુની છબી સામે જોઈ અત્યંત ભાવુક બની ગયા હતા ત્યાં જ કુમાર દેવવ્રત એક સંગીતજ્ઞ સાથે હાજર થયા.

`માતા ! આ મહાન સંગીતજ્ઞ અંધક છે. કુમાર વિચિત્રવીર્યના વિવાહ પ્રસંગે તેઓ પોતાની કલાથી અતિથિનું મનોરંજન કરવા માંગે છે. આપ અનુજ્ઞા આપો તો...’ કુમાર દેવવ્રતે માતા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો.

`અવશ્ય પુત્ર ! કુમાર વિચિત્રવીર્યને પણ સંગીતમાં રૂચિ છે. તેઓને આનંદ થશે.’ મહારાણી સત્યવતીએ આજ્ઞા આપતા કહ્યું.

સંગીતજ્ઞ અંધકે હાથ જોડી કહ્યું, `રાજમાતા ! આપ કહો તો રાજકુમારના વિવાહને વધુ મનોરંજનીય બનાવવા સંગીતની સાથે નૃત્યની પણ વ્યવસ્થા કરી શકું છું. એક નૃત્યાંગના પદ્માવતી...’

`નહિ ! એવી કોઈ જ આવશ્યકતા નથી. માત્ર સંગીતથી જ અતિથિઓનું મનોરંજન કરવામાં આવશે.’ દેવી સત્યવતીએ અધવચ્ચેથી જ વાત કાપતા કહ્યું.

કુમાર દેવવ્રત સમજી ગયા. આ પ્રણાલિકા મહારાજ શાંતનુએ જ શરૂ કરી હતી. પોતે જ્યારથી એ ભિષ્મપ્રતિજ્ઞા ધારણ કરી હતી ત્યારથી સ્ત્રીઓનું નૃત્ય હસ્તિનાપુરની રાજસભા માટે વર્જ્ય ગણ્યું હતું. પરંતુ આ ક્ષણે કુમાર વિચિત્રવીર્યની ઈચ્છાને સર્વોપરિ રાખવી જોઈએ એમ કુમાર દેવવ્રતને લાગ્યું અને કુમાર વિચિત્રવીર્યની સંગીત અને નૃત્ય પ્રત્યેની રૂચિ મહારાણી સત્યવતી અને કુમાર દેવવ્રત બંને જાણતા હતા, તેથી તેમણે માતાને મનાવતા કહ્યું, `માતા ! હું જાણું છું. રાજસભામાં સ્ત્રીના નૃત્યને વર્જ્ય ગણ્યું છે પરંતુ વિચિત્રવીર્યના આનંદ ખાતર જો તેના જ કક્ષમાં નૃત્ય અને સંગીતનું આયોજન કરીએ તો કંઈ જ આપત્તિ નથી.’

મહારાણી સત્યવતીએ થોડીવાર વિચારી પોતાની આજ્ઞા આપી. હવે વિવાહને આડે એક જ રાત્રિ બાકી હતી. મહારાણી સત્યવતી આ પ્રસંગે મહારાજ શાંતનુને સ્મરણ કરતાં નિદ્રાધીન થઈ ગયા.

સૂર્યદેવ આજે સોનેરી કિરણો પાથરી સવારને વધુ દૈદિપ્યમાન બનાવી રહ્યા હતા. મંડપ અને ચોરીથી સભાકક્ષ શોભી રહ્યો હતો. વાજિંત્રો અને મંત્રોના ધ્વિનિથી જાણે કે સ્વર્ગલોકમાં દેવો પણ જાગી ગયા હતા. કેટલાક દાસ દાસીઓ આતિથ્ય સત્કારમાં, તો કેટલાક દાસ-દાસીઓ ભોજન વ્યવસ્થામાં તો કેટલાક દાસદાસીઓ વર અને વધુની સગવડતાઓ અર્થે આમ-તેમ દોડી રહ્યા હતા.

થોડા જ સમયમાં રાજકુમારી અંબિકા અને રાજકુમારી અંબાલિકા વરમાળા સાથે કુમાર વિચિત્રવીર્ય સમક્ષ આવી ઊભી. વર અને વધુઓના વદનો પર હ્રદયમાં મહાપરાણે દબાવી રાખેલો ઉમંગ ચાડી ખાતો હતો. મંત્રોઉચ્ચાર સાથે વર-વધુ મંડપમાં આવ્યા અને વિધિ પ્રારંભ થઈ. પ્રજાનો આનંદ તો ક્યાંય માતો નહોતો. ધામધૂમથી વિધિ સમાપ્ત થઈ. વિવાહ સંપન્ન થયા બાદ કુમાર વિચિત્રવીર્ય અને બને રાજકુમારી કક્ષમાં પહોંચ્યા. ત્યાં સંગીત અને નૃત્યના કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન થયું હતું.

સંગીતજ્ઞ અંધકે સૂરાવરિ વહેતી મૂકી અને નૃત્યાંગના પદ્માવતીએ ઝાંઝરનો ધ્વનિ વહેતો મૂક્યો. આહ્લાદક સંગીત અને આકર્ષક નૃત્યમાં નવદંપતિ મગ્ન બની ગયું હતું. કુમાર વિચિત્રવીર્ય મદિરાપાન કરી રહ્યા હતા અને તેમની લોલુપ નજર પદ્માવતિના મોહક વદન પર વારંવાર સ્થિર થઈ જતી હતી. પદ્માવતિ પણ આ વાત જાણી ગઈ હતી. તે નૃત્યના નિયમો અને મર્યાદાઓને અવગણીને વારંવાર કુમાર વિચિત્રવીર્ય પાસે જતી અને અંગભંગિનિથી તેમને વધુને વધુ આકર્ષિત કરવા યત્ન કરતી. નૃત્ય અને સંગીતના મનોરંજનમાં દાસ-દાસીઓ લીન થઈ ગયા હતા.

મહારાણી સત્યવતી પોતાના શયનકક્ષમાં આરામ કરી રહ્યા હતા અને કુમાર દેવવ્રત પોતાના કક્ષમાં બધુ જ આનંદથી સંપન્ન થયાનો સંતોષ લેતા સેનાપતિ પદ્મનાભ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એવામાં એક ભયાનક, સંપૂર્ણ રાજમહેલને ચીરી નાખતી ચીસ સંભળાઈ. કુમાર દેવવ્રત સેનાપતિ પદ્મનનાભ સાથે અને દેવી સત્યવતી દાસીઓ સાથે ચીસની દિશામાં દોડ્યા. ચીસ વિચિત્રવીર્યના કક્ષ તરફથી આવી હતી. વિચિત્રવીર્યના કક્ષમાં પહોંચતા જ મહારાણી સત્યવતી બેભાન થઈ ગયા. જોયું તો રાજકુમાર વિચિત્રવીર્યના મોંમાંથી ફીણ નીકળતા હતા અને તેઓ જમીન પર પડ્યા હતા. કુમાર દેવવ્રત અવાક બની ગયા. સેનાપતિ પદ્મનાભ સ્થિતિ પામી ગયા કે નક્કી આ કોઈ દુશ્મન રાજ્યનું કાર્ય છે.

અંબિકા અને અઁબાલિકા બંને નવવધૂઓની સ્થિતિ દયનીય બની ગઈ હતી. પોતાના સૌભાગ્યની આવી દુર્દશા ? વિવાહની એ પ્રથમ રાત્રિ જ તેમના સૌભાગ્યને ભરખી જવા આતુર બની છે ! મનોમન પોતાના દુર્ભાગ્ય પર દુઃખી થતી રાજકુમારીઓ લાચાર અને નિઃસહાય લાગતી હતી. કુમાર વિચિત્રવીર્યની સુશ્રુષાર્થે વૈદ્યો હાજર થઈ ગયા, પરંતુ સ્થિતિ હાથમાંથી સરકી ગઈ હતી. વિચિત્રવીર્યનો દેહ વિષથી પ્રભાવિત થઈ ચૂક્યો હતો.

શું થશે હસ્તિનાપુરનું ? હસ્તિનાપુરનું સિંહાસન રિક્ત જ રહેશે ? તેનું ભાવિ અંધકારમય જ હશે ? મહારાણી સત્યવતી આજીવન પુત્રવિયોગમાં ઝૂરતી રહેશે ? કુમાર દેવવ્રત હસ્તિનાપુરના સિંહાસનની રક્ષા કાજે આજીવન સંઘર્ષ કરશે ? જોઈશું આવતા અંકમાં...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy