JHANVI KANABAR

Romance Tragedy

4.7  

JHANVI KANABAR

Romance Tragedy

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર - 3

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર - 3

5 mins
200


(ગયા અંકમાં આપણે જોયું કે, મહારાજ શાંતનુ મહારાણી ગંગાના વિરહને પોતાના હ્રદયમાં જ સમાવી દઈ હસ્તિનાપુરની પ્રજાના કલ્યાણર્થે પોતાની જાત સમર્પિત કરી દે છે. કુમાર દેવવ્રત કુશવતીમાં મામા ગૌરાંગના સાન્નિધ્યમાં શસ્ત્ર-શાસ્ત્રની શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે. મહારાજ શાંતનુ પોતાની જીવનનો શૂન્યાવકાશ તથા હસ્તિનાપુરનું યુવરાજપદનું રિક્ત સ્થાન ભરવા માટે કુમાર દેવવ્રતની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. એકવાર મૃગયા કરતાં મહારાજ શાંતનુ ગંગા સરોવર આવી પહોંચે છે અને એક પારિજાતિય સુગંધ તેમને ઘેરી વળે છે અને તેમની નજર એક નારીદેહ પર ઠરે છે. હવે આગળ...)

મહારાજ શાંતનુ એ આકર્ષક નારીદેહની પાસે આવ્યા. મહારાજના પગરવના અવાજથી એ પ્રૌઢ સુંદર સ્ત્રીએ પાછળ ફરીને જોયું. જરાપણ સંકોચ વગર તેણે મહારાજ સમક્ષ પોતાનો પરિચય આપતા કહ્યું, ‘હું સત્યવતી.. અહીં મારા પિતા સાથે વસવાટ કરું છું. માછલા પકડવાનું કાર્ય કરીએ છીએ. મને મત્સ્યગંધા પણ કહે છે. આપ હસ્તિનાપુરના મહારાજ શાંતનુ ને ? પ્રણામ…'

`હા દેવી ! હું શાંતનુ... આપનામાંથી આવતી આ અપ્રતિમ સુગંધ મને અહીં સુધી આકર્ષી લાવી. આપનો પરિચય તો મત્સ્યગંધાને સ્થાને યોજનગંધા હોવો જોઈતો હતો.’ મહારાજ શાંતનુ અજાણતા જ બોલી ગયા.

“યોજનગંધા” વર્ષો પૂર્વે તેને આ યોજનગંધા કહેનાર ઋષિ પરાશરે જ તેને આ પારિજાતિય સુગંધ પ્રદાન કરી હતી. ભૂતકાળની સુખ અને દુઃખ આપનારી ઘટનાઓ એક પછી એક સત્યવતીની નજર સમક્ષ પ્રત્યક્ષ થઈ ગઈ.

`દેવી ! કોઈ સમસ્યા છે ? કોઈ દ્વિધા છે ?’ મહારાજ શાંતનુએ સત્યવતીના મુખ પર વ્યથા જોઈ પ્રશ્ન કર્યો.

અચાનક સત્યવતી ભૂતકાળમાંથી બહાર આવી... `ના ના ! મહારાજ... આવો પધારો..’

`હમણાં નહીં. હું તો મૃગયા માટે આવ્યો હતો. હસ્તિનાપુર તરફ જવાનો સમય થઈ ગયો. મારો સેનાપતિ પદ્મનાભ મને શોધતો હશે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય મને વારંવાર ખેંચી લાવશે. હું જરૂર આવીશ.’ કહી મહારાજ શાંતનુએ અશ્વ પર સવાર થઈ ત્યાંથી પ્રસ્થાન કર્યું.

સત્યવતી અશ્વના આંખોથી ઓઝલ થવા સુધી ત્યાં જ તાકતી રહી. હસ્તિનાપુર જેવા રાજ્યના મહારાજા આટલા બધા વિનમ્ર અને સૌમ્ય ! તેને મહારાજ શાંતનુનું વ્યક્તિત્વ આકર્ષી ગયું હતું.

મહારાજ શાંતનુ હસ્તિનાપુર પહોંચી ગયા હતા, પરંતુ તેમનું મન અહીં ગંગાસરોવર જ રહી ગયું હતું. સત્યવતીએ મહારાજના મન પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધુ હતું. એ અણીયાળી આંખોનું ચુંબકીય આકર્ષણ, નીડર નિસંકોચ વાક્છટા અને લચીલી સુંદર કાયા મહારાજની નિદ્રા હણી ચૂકી હતી. હવે મહારાજ શાંતનુ વારંવાર ગંગા સરોવરની મુલાકાતે જવા લાગ્યા. સત્યવતી પણ મહારાજ શાંતનુના આગમનની આતુરતાથી રાહ જોતી. બંનેનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ પ્રેમમાં પરિવર્તન પામ્યું. પ્રકૃતિ પણ જાણે તેમના મિલનથી મહેકી ઊઠી હતી.

સેનાપતિ પદ્મનાભ મહારાજમાં આવેલા પરિવર્તનથી અજાણ ન હતા. મહારાણી ગંગાના પ્રસ્થાન બાદ મહારાજ શાંતનુને પુનઃવિવાહ માટે ઘણુંય સમજાવવામાં આવ્યા હતા. રાજકુમાર દેવવ્રત માટે તો ક્યારેક રાજ્યની પ્રજા માટે તેમને વિવાહ કરવા માટે વિનવ્યા હતા. તેમ છતાંય કેટલાય રાજ્ય તરફથી વિવાહ પ્રસ્તાવને મહારાજ ઠુકરાવી ચૂક્યા હતા. તેઓ મહારાણી ગંગાનું સ્થાન કોઈને આપી શક્યા નહોતા. પરંતુ આજે આ સામાન્ય માછીમાર કન્યા તરફનો તેમનો મોહ જોઈ સેનાપતિ પદ્મનાભ આશ્ચર્ય પામી રહ્યા હતા. તેમણે આ સ્ત્રી વિશે માહિતી મેળવવાનું નક્કી કર્યું.

આજે મહારાજ શાંતનુ સભા બાદ પોતાના કક્ષમાં આરામ કરી રહ્યા હતા. સેનાપતિ પદ્મનાભને મહારાજ સમક્ષ વાત મૂકવાનો આ સમય યોગ્ય લાગ્યો. મહારાજની આજ્ઞા લઈ તેઓ કક્ષમાં પ્રવેશ્યા.

`મહારાજ ! હું આપનો સેવક ! મને મારી આ દુષ્ટતા બદલ ક્ષમા કરશો પરંતુ હું આપની સાથે આપના અંગત જીવન વિશે પૃચ્છા કરવાની ઈચ્છા ધરાવું છું.’ સેનાપતિ પદ્મનાભે માથું નીચું નમાવી કહ્યું.

`પદ્મનાભ ! આપ સેનાપતિ રાજસભામાં છો. અહીં તમે મારા સેવક નહીં પરંતુ મિત્ર છો. નિઃસંકોચ પૂછો.’ કહી મહારાજે સેનાપતિ પદ્મનાભને ઈશારાથી બેસવા કહ્યું.

`મહારાજ ! આપ... આપ ગંગાસરોવરે જે સ્ત્રી...’ પદ્મનાભ સંકોચ તથા મર્યાદાને કારણે વાક્ય પૂરુ કરી ન શક્યા.

`તમે ક્યાંક માછીમાર કન્યા સત્યવતીની તો વાત નથી કરતા ?’ મહારાજે પદ્મનાભનો સંકોચ દૂર કરવા પોતે જ કહી નાખ્યું.

`જી મહારાજ ! હું હું. જોઉં છું કે કે તમે તે....મને...’ પદ્મનાભ હજુ પણ પોતાની વાત કહી શકતા નહોતા.

`નિઃસંકોચ બની કહો પદ્મનાભ ! તમને, મારી પ્રજાને, સભાસદોને મારા વિશે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. અપિતુ મારે જ તમને કહી દેવું જોઈએ.’ મહારાજે વિનમ્ર અને ગંભીર સ્વરે કહ્યું.

`પદ્મનાભ ! એ માછીમાર કન્યામાં એવું તો શું છે જે મને આકર્ષી રહ્યું છે ? એ તો હું નથી જાણતો પરંતુ મારુ મન તેને હંમેશ માટે પામવા ઈચ્છે છે. મહારાણી ગંગાનું સ્થાન તો હું ક્યારેય કોઈને નહીં આપી શકું પરંતુ મારા જીવનનો જે ખાલીપો છે તે પૂરવા હું સત્યવતીને ઝંખુ છું.’ મહારાજે એક મિત્ર સમક્ષ મનની વ્યથા સ્પષ્ટ કરતાં કહ્યું.

`પરંતુ મહારાજ ! તે માછીમાર કન્યા અહીંથી પહેલા તે યમુના નદીના તટ પર આવેલા માછીમારોના સમૂહમાં વસવાટ કરતાં હતાં. તેમના પિતા દાશરાજ માછીમારોના મુખી હતા. એટલું જ નહીં, પરંતુ તેને એક પુત્ર પણ છે જે તેના પિતા સાથે રહે છે. આ માછીમાર કન્યા ત્યક્તા છે.’ એકશ્વાસે પદ્મનાભ બોલી રહ્યા.

`અરે વાહ ! પદ્મનાભ... આપે તો ઘણીબધી માહિતી એકત્ર કરી છે !’ ખડખડાટ હાસ્ય સાથે મહારાજ બોલ્યા.

`ક્ષમા કરશો મહારાજ...!’ સેનાપતિ પદ્મનાભે ઝંખવાયા પડી જતા કહ્યું.

`નહીં નહીં પદ્મનાભ ! ક્ષમા શેની ? તમારો અધિકાર છે. હું તો આભારી છું તમારો કે તમે મારા વિશે કેટલું વિચારો છો ! પરંતુ મિત્ર.. મને આ વિશે જ્ઞાન છે. સત્યવતીએ જ મને કહ્યું હતું. હા એ વાત છે કે, એ સમયે સત્યવતી ભાવુક થઈ ગઈ હતી તેથી આનાથી વધુ એ મને કશું કહી શકી નહોતી.’ મહારાજે ગંભીર થતાં કહ્યું.

`આપ મહારાજ છો. આપ જે નિર્ણય કરશો તે આપની પ્રજાના હિતાર્થે જ હશે. આજ્ઞા આપો...’ કહી સેનાપતિ પદ્મનાભ કક્ષની બહાર ચાલ્યા ગયા.

મહારાજે મનોમન નક્કી કર્યું કે, તેઓ સૂર્યોદય થતાં જ ગંગાસરોવર જશે અને સત્યવતીના મનની વાત જાણશે.

આજની રાત્રી મહારાજની નિદ્રાની વેરણ બની ગઈ હતી. એક તરફ સામાન્ય મનુષ્યનું કોમળ હૃદય ધરાવતો શાંતનુ સત્યવતી વિશે વિચારી રહ્યો હતો, જેના વગર મનમાં માત્ર શૂન્યાવકાશ હતો તો બીજી બાજુ એક રાજા પ્રજા માટે વિચારી રહ્યો હતો કે, શું પ્રજા માછીમાર કન્યાને મહારાણીનું સ્થાન આપી શકશે....? અનેક વિચારોથી મહારાજનું મન ઘેરાઈ ગયું હતું.

આજની આ ચાંદની રાત સત્યવતીના મનમાં પણ ઘમાસાણ મચાવી રહી હતી. ઝૂંપડીના ઝરૂખેથી પૂર્ણ ચંદ્ર તરફ તાકી રહેલી સત્યવતીના મનમાં પણ શીતળતાને સ્થાને ભૂતકાળનો દુઃખદ તાપ પીડા આપી રહ્યો હતો. પિતા દાશરાજ પુત્રીના મનની વ્યથા સમજી રહ્યા હતા.

`પુત્રી ! હું જાણું છું ભૂતકાળનો અંધકાર તારા વર્તમાનના પ્રકાશ પર પોતાનું આધિપત્ય જમાવી રહ્યો છે. મારુ માન તો મહારાજ શાંતનુને તારા વીતી ગયેલા જીવન વિશે જણાવી દેવું જ યોગ્ય છે. એ પછી તેમનો જે નિર્ણય હોય તે માન્ય.’ દાશરાજે પુત્રીના માથે હાથ મૂકતાં કહ્યું.

`પિતાજી હવે મારા જીવનનો નિર્ણય હું જાતે જ લઈશ. મારા ભૂતકાળે મારી પાસેથી માત્ર લીધું જ છે, પરંતુ હવે નહીં. હવે હું મારી ઈચ્છા, પ્રેમ કે લાગણીઓનો ભોગ નહીં આપું. મને સંસાર પાસેથી જે જોઈએ છે તે હું પામીને જ રહીશ.’ સત્યવતીના મુખ પર ઋષિ પરાશર દ્વારા અપાયેલા ત્યાગ અને પુત્ર વિરહનો ક્રોધાગ્નિ છલકતો જોઈ પિતા દાશરાજે સંપૂર્ણ નિર્ણય તેના પર જ છોડી દીધો.

બંને હૃદયે દ્વિધામાં પૂરી રાત્રી વિતાવી દીધી હતી... આજનો સૂર્ય મહારાજ શાંતનુ અને સત્યવતીના જીવનમાં એક નવો વળાંક લઈને ઉદય પામ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance